સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/કિશોરલાલ મશરૂવાળા/કલ્યાણનો માર્ગ દેખાડનાર
સત્યનો જ જય છે, સત્ય એ જ મનુષ્યનો પરમ ધર્મ છે, વગેરે વાક્યો સામાન્ય ધર્મસૂત્રા તરીકે બધા જ માણસો સ્વીકારે છે. પણ, વ્યવહારમાં દરેક વર્ણના લોકો પોતપોતાના કાર્યક્ષેત્રાનો એ સિદ્ધાંતમાંથી અપવાદ કરે છે. વાણિયો કહેશે કે વેપારમાં તો જૂઠું બોલાય, ત્યાં સત્યથી કામ ન ચાલે. રાજકારભારી કહેશે કે, રાજકારભારમાં અને લડાઈમાં સાચાનું જૂઠું કરવાની કળા એ જ સફળતાની ચાવી છે. બ્રાહ્મણ કહેશે કે, લોકોને ધર્મમાર્ગે રાખવા માટે ધર્મગ્રંથોમાં જૂઠાં વિધાનો, ક્ષેપકો, અતિશયોક્તિઓ વગેરે કરવાં એ ધર્મની સેવા છે, અલ્પાધિકારી લોકોને માટે જરૂરનું છે! ત્યારે શૂદ્ર બાપડો કેમ માની શકે કે મજૂરીમાં અને સેવામાં કાંઈક અપ્રમાણિકતા કરવી એ લાંછન લગાડનારી વાત છે? જેમાં ઇરાદાપૂર્વક જૂઠાં વિધાનો ન કરવામાં આવ્યાં હોય એવો જગતમાં એક પણ ધર્મ નથી, એ કેટલી બધી ખેદભરી બીના છે? રામ, કૃષ્ણ, બુદ્ધ, મહાવીર, ઈશુ ખ્રિસ્ત, મહંમદ પેગંબર વગેરે સર્વ મહાપુરુષોનાં જીવનચરિત્રોમાં, ‘મહાભારત’, ‘રામાયણ’, ‘બાઇબલ’, ‘કુરાન’ વગેરે ગ્રંથોમાં સત્ય બીના કેટલી, દંતકથા કેટલી, અતિશયોક્તિ કેટલી એ ઠરાવવું એટલું બધું કઠણ છે કે, એમના જીવનનું યથાર્થ ચિત્રા આંખ આગળ ખડું કરવું અશક્ય જ છે એમ કહી શકાય. મને નથી લાગતું કે જગતના મુખ્ય ધર્મમતો એના વર્તમાન સ્વરૂપમાં માનવસમાજને કલ્યાણનો માર્ગ બતાવવાને સમર્થ છે. દરેકે દરેક મત પાયાથી જ સંશોધન કરવા જેવો છે. કોઈ પણ ધર્મ શરૂઆતમાં જેટલો શુદ્ધ હતો તેટલો જ શુદ્ધ થઈને આજે આવે, તોયે તે પૂરેપૂરો સ્વીકારી શકાય નહીં.
શ્રી ધર્માનંદ કોસંબીનાં પુસ્તકો દ્વારા જ ગુજરાતના સાધારણ વાચકો શ્રી બુદ્ધને ઓળખતા થયા છે, એમ કહી શકાય. શ્રી કોસંબી મૂળે મહારાષ્ટ્રી બ્રાહ્મણ. નાનપણમાં બુદ્ધ ભગવાન વિશે કાંઈક વાંચીને તેમના પ્રત્યે ખેંચાયા. પછી તેમને બુદ્ધ વિશે સંપૂર્ણ જ્ઞાન મેળવવાની ખ્વાહેશ થઈ. તે માટે અત્યંત પરિશ્રમ ઉઠાવી અને જોખમો ખેડી તે નેપાળ, બ્રહ્મદેશ અને લંકા ગયા; અનેક સાધુઓને પૂછી પરંપરાગત માહિતી મેળવી, અનેક ભાષાઓનો અભ્યાસ કર્યો, અને છેવટે બૌદ્ધ ધર્મના જગન્માન્ય પંડિતોમાં પ્રતિષ્ઠાનું સ્થાન પ્રાપ્ત કર્યું; અમેરિકા અને રશિયાની વિદ્યાપીઠોમાં અને મહારાષ્ટ્ર, બનારસ વગેરેમાં અધ્યાપકપણું કર્યું, ગુજરાત વિદ્યાપીઠમાં કર્યું. કુલપરંપરાથી મળેલો વેદધર્મ છોડી શ્રી કોસંબીજી બૌદ્ધ બન્યા. ઘણી વાર એવું જોવામાં આવે છે કે એ રીતે ધર્માન્તર કરનારની પોતાના નવા પંથના ધર્મગ્રંથો અને માન્યતાઓમાં એવી અંધશ્રદ્ધા બંધાઈ જાય છે કે તેમાંથી સત્યાસત્ય વિવેક કરવાની બુદ્ધિ એનામાં રહેતી નથી. પંથમાં અતિ પૂજ્યબુદ્ધિથી વંચાતાં પુસ્તકોમાં કાંઈક જૂઠું, અતિશયોક્તિથી ભરેલું હશે, એમ મનમાં શંકા ઊઠે, તો એ ઇરાદાપૂર્વક પોતાની વિવેકબુદ્ધિને અંધશ્રદ્ધાનું તાળું મારી દે છે. શ્રી કોસંબીજીના ધર્માન્તરે એમને વિવેકશૂન્ય બનાવ્યા નથી, આ એમને માટે ઘણું માન ઉપજાવનારી બાબત છે. મનુષ્યોને પોતાના કલ્યાણના સાચા માર્ગો દેખાડનાર ભૂતકાળના અગ્રેસરોમાં શ્રી બુદ્ધને બેશક મૂકી શકાય. એમના જીવન અને ઉપદેશની વાતો શ્રેયાર્થીના ચિત્તને વીંધ્યા વિના રહે એમ નથી. બૌદ્ધ ધર્મ હિંદુસ્તાનમાંથી નામશેષ થઈ ગયો એમાં એ ધર્મમાં પેઠેલો સડો, વૈદિક-જૈન-બૌદ્ધમતો વચ્ચે સાંપ્રદાયિક દ્વેષ, અને રાજસત્તા, એ ત્રાણે કારણભૂત થયાં હશે. એ બધાંમાં સૌથી વધારે દિલગીર થવા જેવી વાત તે, બુદ્ધે કરેલી માનવજાતિની સેવાનું સાંપ્રદાયિક દ્વેષને પરિણામે વિસ્મરણ છે. પ્રાચીન કાળમાં થઈ ગયેલા સત્પુરુષો વગેરે માટે માણસને જેવાં આદર અને શ્રદ્ધા લાગે છે, તેટલાં જ્યાં સુધી પ્રત્યક્ષ સત્પુરુષ વગેરેમાં ન સમજાય ત્યાં સુથી તે શ્રેયને પામી શકતો નથી. [‘બુદ્ધચરિત’ પુસ્તક]