સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/જયન્ત પાઠક/પાછો વળું...
Jump to navigation
Jump to search
આટલે દૂરથી સંભળાય છે તે તો
મધરાતના જંગલની
અંધારી ત્રાડનો અવાજ—
આટલે દૂરથી દેખાય છે તે તો—
આદિવાસી કન્યાના
જીંથરિયા વાળ વચાળે સેંથી જેવી
વાંકીચૂંકી વગડાની કેડીઓ—
આટલે દૂરથી અડકી જાય છે તે તો
મારી નાનકડી નદીની
પવનસુંવાળી ઓઢણી—
આટલે દૂરથી સોડાય છે તે તો
મારાં સીમખેતરના
લીલા લીલા મગફળીના છોડ—
આટલે દૂરથી ચખાય છે તે તો—
મારી ગામની વાડીનાં
ખાટાંમીઠાં ગજવે ભરેલાં બોર—
તો પછી
પાંચેપાંચ ઇન્દ્રિયોને પાછળ મૂકીને
નીકળેલો હું
હજીય... આટલેથી... પાછો વળું તો...