સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઝવેરચંદ મેઘાણી/‘સોના-નાવડી’માં ગુંજતો ધ્વનિ
મારું ‘સોના-નાવડી’ ગીત રવીન્દ્રનાથના ‘સોનાર તરી’નું મોકળું ભાષાંતર છે. ‘કુમાર’ના તંત્રી સ્નેહી શ્રી રવિભાઈ રાવળની માગણીથી ‘કુમાર’ માટે ઉતારી આપેલું ને એમણે પીઠિકા મૂકીને સચિત્ર પ્રકટ કરેલું. એ પીઠિકા પાછળ સુપ્રસિદ્ધ વિદ્વાન આચાર્ય શ્રી ક્ષિતિમોહન સેનની સમજૂતીનો આધાર છે, એ શ્રી રાવળે સ્પષ્ટ કર્યું હતું. ક્ષિતિબાબુ રવીન્દ્રનાથનાં અનેક કાવ્યોના સવિશેષ મર્મગામી છે. ક્ષિતિબાબુને મુખેથી ઝીલેલો આ કાવ્યનો અર્થ શ્રી રાવળે બતાવેલ કે અલ્પ જીવનકાળરૂપી ખેતરમાં માનવી પુરુષાર્થ, ઉદ્યમ વગેરેનો પાક પકવે છે, પણ આખરમાં આપત્તિનાં તોફાન છવાતાં માનવીરૂપી ખેતીકાર તમામ કમાઈ કર્મના દેવને હવાલે કરી આપે છે. જુગજુગાન્તરથી પ્રત્યેકના જીવનઘાટ પર જઈ-જઈને કર્મનો અધિષ્ઠાતા સર્વ શુભકર્મોની કમાઈ ઉઘરાવી લઈ કાળના પ્રવાહમાં ચાલ્યો જાય છે, પણ માનવીને ખુદને એ જરા પણ સહાય કરતો નથી, આશ્રય આપતો નથી. આવા કોઈ ઊડા અર્થની તો મને પણ ભાષાંતર કર્યું ત્યારે ખબર નહોતી. હું તો એના વાચ્યાર્થમાં જે વાર્તા વહે છે, ચિત્ર ખડું થાય છે, ભણકાર ઊઠે છે, તેમાં જ મુગ્ધ બનેલો. વ્યંજનાની ખબર પડી ત્યારે મુગ્ધભાવ ઘણો વધી ગયો. બંગાળી કાવ્યમાં એ પાત્ર સ્ત્રીનું અથવા પુરુષનું હોવા વિશે સ્પષ્ટતા નથી. બંગાળી વ્યાકરણમાં ક્રિયાપદ કે વિશેષણ પરત્વે લિંગભેદ નથી, છતાં પ્રથમ જ વાચને મને એ પાત્ર ખેડુનારી તરીકે સ્ફુરી ઊઠ્યું. આટલાં ઔદાર્ય, કારુણ્ય, ઉદ્યમ અને એકલતા નારીને જ શોભી શકે. મૂળ કાવ્ય રવિબાબુની કાવ્યસંપત્તિનું એક ઐતિહાસિક રત્ન કહેવાય. ઐતિહાસિક એટલા માટે કે કવિવરે ‘સોનાર તરી’ પૂર્વેની પોતાની કાવ્યકૃતિઓ કાચી ગણી છે અને પોતાની કવિતાસંપત્તિની સાચી ગણના ‘સોનાર તરી’ પછીથી જ થવી જોઈએ એમ એ માનતા હોવાનું મેં સાંભળ્યું છે. [‘ફૂલછાબ’ અઠવાડિક: ૧૯૩૮]