સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/દિલીપ ગુહા/અઠવાડિક વાહનબંધી
આપણાં નાનાં-મોટાં અનેક શહેરોમાં પેટ્રોલ-ડીઝલથી ચાલતાં અગણિત વાહનોમાંથી નીકળતો ધુમાડો લાખો માનવીઓના આરોગ્ય જ નહીં, જાન માટે પણ ભયંકર જોખમ ઊભું કરી રહ્યો છે. આ પ્રદૂષણમાંથી બચવાનો તત્કાલ અમલમાં મૂકી શકાય તેવો એક રસ્તો એ છે કે અઠવાડિયાના એક દિવસે એ જાતનાં વાહનો સડક પર ચલાવવાની મનાઈ કરવી.
ફ્રાંસ દેશમાં દર અઠવાડિયે એક દિવસ સડકો પર પેટ્રોલ-વાહનો ચલાવવાનો પ્રતિબંધ છે. તેનો અમલ એટલો ચુસ્તપણે થાય છે કે તે દિવસે પાટનગર પેરિસમાં સરકારના મંત્રીઓ સુધ્ધાં સાઇકલ પર પોતાની કચેરીએ જતા જોવા મળે છે. બીજા લોકો લોકલ રેલગાડીનો કે એવી બસનો ઉપયોગ કરે છે કે જે વીજળી, બેટરી કે ગૅસ ઉપર ચાલતી હોય. એમાં અપવાદ ફક્ત બંબા કે એમ્બ્યુલન્સ જેવી આપત્તિકાળની સેવાઓ માટે રાખવામાં આવે છે. બાકીનાં બધાં વાહનો માટે એ દિવસે સવારે ૭થી રાતે ૯ સુધી સડકો બંધ.
બ્રાઝિલ દેશમાં કુરીતુબા નામના શહેરની વસ્તી ૨૫ લાખની છે. તેમાંથી ૧૮ લાખ લોકો બસ-ટ્રામ જેવાં સાર્વજનિક વાહનો વાપરે છે. (ત્યાંની બસો ૩૦૦ મુસાફરોને સમાવી શકે એટલી જંગી હોય છે.) ત્યારે દિલ્હીની એક કરોડની ગીચ વસતીમાંથી દસ ટકા જેટલા લોકો જ સાર્વજનિક વાહનોનો લાભ લે છે. દિલ્હીમાં સાર્વજનિક વાહનોની સગવડ સારી ન હોવાથી ઘણા લોકો ખાનગી વાહનો વાપરે છે અને પરિણામે સડકો પર ભીડ ને પ્રદૂષણ વધે છે.