સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/આભાસની હૂંફ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


આજના એક મશહૂર શિલ્પી જુવાનીમાં પેરિસ નગરીમાં કલાનો અભ્યાસ કરતા. એનું નામ ગુત્ઝન બોરગ્લમ. ઘણાખરા વિદ્યાર્થીઓની માફક અભ્યાસના ખર્ચને પહોંચી વળવામાં એને પણ ભારે મુસીબત પડતી. એની ચિત્રાશાળામાં ઠંડી ડંખીલા સુસવાટા મારે, પણ તાપવાની સગડી માટે બળતણ ખરીદવાના પણ ગુત્ઝનને સાંસા. એટલે કલાકારે એક કીમિયો કર્યો. ખાલી સગડીની અંદર એક મીણબત્તી સળગાવીને તેણે મૂકી. પછી સગડીની બારી આડો લાલ કાગળ ચોડી દીધો. એટલે અંદરથી આવતો મીણબત્તીનો નાનો ઉજાસ રાતા કાગળ વાટે ગળાઈને તાપણાના ગુલાબી અગ્નિ જેવો આભાસ એવો તો ઊભો કરતો, કે ઝાઝી પરેશાની વગર કલાકાર પોતાની સાધના ચાલુ રાખી શકતો.