સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મકરન્દ દવે/જંગલની મંજરી

મુંબઈ નગરીમાં કોઈ આંબો મ્હોરે તો
એની મંજરીને રામ રામ કે’જો!
એનાં મીઠાં ઓવારણાં લેજો.
ઊંચા સિમેન્ટના ડુંગરની ધારે ને
કાળી ડામરની તળેટીએ,
જંગલની મંજરી આ આવી ચડી છે અહીં
પાણા તે ફોડવાને પેટિયે;
ઊઘડતી આંખ એની બિડાતી જાય તો
અમરતનાં છાંટણાં દેજો!
ભમરાનો ઘેરો ગુંજાર નથી ઘેરતો ને
કોયલની કૂક નથી ઘેલી,
ભૂંગળાંના ઘોંઘોંમાં હરખાતો જાય અહીં
ભોંયતેલ વેચતો તેલી;
ઝેરી ધુમાડામાં મંજરીના મુખ પરે
ઝરણું બનીને કોઈ વ્હેજો!
કયા રે જનમનાં પાપ આજ પાંગર્યાં ને
પથ્થર બનવાની આવી વેળા,
આના કરતાં તો ભલી જંગલની ઝાળ,
ભલે અંગ અંગ ઊઠતા ઝળેળા;
મુંબઈ નગરીમાં આજ છડેચોક ઊડે છે,
રાન રાન છોરીનો રેજો.