સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મકરન્દ દવે/મંઝિલ કોઈ મળે!

ઝંખું છું આભ-સમંદરમાં અણબૂઝ્યો કંદિલ કોઈ મળે!
માપું છું કાળ તણા કેડા આતમની મંજિલ કોઈ મળે!
માટીમાં રગદોળાયો છું એવો કે માટી હું જ બન્યો,
ભીતરની જ્યોત જગાડે એ કીમિયાગર કામિલ કોઈ મળે!
રખવાળી જીવનની કરતાં તો જીવન આખું હાર્યો છું,
મૃત્યુમાં શ્વાસ ભરી દેતા કરુણાળુ કાતિલ કોઈ મળે!
દુનિયાના દોરંગી મેળાનાં શરબત લાગ્યાં સૌ મોળાં,
ફાટેલ પિયાલાના પ્રેમી મસ્તોની મહેફિલ કોઈ મળે!
આસાની કેરા ઉંબરમાં આગળ વધવાનું શું, બાબા!
ચડવાને તારો હાથ ગ્રહી હેમાળા મુશ્કિલ કોઈ મળે!
ધોળા દિવસે ધોરી મારગની મેં તો મેલી રાહબરી,
કાળી ઝેબાન નિશામાં હું ગોતું છું ગાફિલ કોઈ મળે!
સાજી તબિયતવાળા જીવો, શું જાણે મારી ઘોર વ્યથા?
આ વાત હૃદયની કહેવાને ઘાયલ કેરું દિલ કોઈ મળે!
ખંડેરો સ્વપ્નોનાં ભેદી ગાતા જે ગાણું રોજ નવું,
સૂતી કબરોથી સાદ કરે એ બંદા બિસ્મિલ કોઈ મળે!