સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મનુભાઈ પંચોળી/પ્રજાની પોતાની વીમાયોજના

          નાલંદા વિશ્વવિદ્યાલય એ બૌદ્ધકાળનું એક પ્રખ્યાત વિદ્યાધામ હતું. હિંદભરમાંથી તો ત્યાં વિદ્યાર્થીઓ આવતા જ, પણ અફઘાનિસ્તાન, બ્રહ્મદેશ, ચીન અને જાપાનમાંથીયે વિદ્યાર્થીઓ આવતા. જાણીતા ચીની પ્રવાસી શ્યેન-ચાંગ આ વિદ્યાધામમાં પાંચ વરસ સુધી રહેલા ને વિવિધ શાસ્ત્રોમાં વિશારદ થયેલા. તેના લખવા મુજબ નાલંદામાં તે વખતે ૮,૫૦૦ વિદ્યાર્થીઓ હતા ને ૧૫૦૦ અધ્યાપકો હતા; એટલે કે લગભગ છ વિદ્યાર્થીએ એક અધ્યાપક હતો. નાલંદાના વિવિધ અભ્યાસક્રમો, ત્યાંનું પુસ્તકાલય, ત્યાંનાં મકાનો ને ઉદ્યાનો વિશે એ પ્રવાસીએ જે લખ્યું છે તે ઘણું મોહક છે. પણ નાલંદાની મહત્તાનું મુખ્ય કારણ છે આ છ વિદ્યાર્થીએ એક અધ્યાપકનું પ્રમાણ. નદિયા અથવા નવદ્વીપ આવું જ મોટું વિશ્વવિદ્યાલય હતું, ત્યાંના આ જાતના આંકડા નાલંદાને મળતા આવે છે. ૧૭૯૧ની સાલમાં નદિયામાં ૧૧૦૦ વિદ્યાર્થીઓ અને ૧૫૦ અધ્યાપકો હતા. આજે આપણા શિક્ષણની એક બહુ મોટી ખામી એ છે કે એક એક શિક્ષકના હાથ નીચે ઘણા વધારે વિદ્યાર્થીઓ મૂકવામાં આવે છે. પ્રાથમિક શાળામાં તો એક એક વર્ગમાં ૬૦-૭૦ બાળકો હોય છે. એ શિક્ષકો પોતે જ કહે છે કે, અમે એમને ભણાવતા નથી, માત્રા સાચવીએ છીએ. કૉલેજના પહેલા-બીજા વર્ષમાં તો આથીયે વધારે સંખ્યા હોય છે. શિક્ષકની પાસેથી આપણે શી અપેક્ષા રાખીએ છીએ? બાળકના સર્વાંગી વિકાસની, ચારિત્રયગઠનની. ભારેમાં ભારે જવાબદારી સોંપીને ઓછામાં ઓછી અનુકૂળતા આપવાની પ્રથા અત્યારે શિક્ષકના વ્યવસાયમાં છે. કોઈને દસ હજાર રૂપિયા આપીને કહીએ કે મિલ ઊભી કરો, તો એ ના પાડશે. પણ શિક્ષક? એ તો હવાપ્રકાશ વિનાના નાના ઓરડામાં ૬૦ જણને ભણાવી શકે, સાધનો વિના ચલાવી શકે. ને રંગપેટી કે વાદ્યોની તો વાત જ શી? છતાં એણે બાળકોનું ચારિત્રયગઠન કરવાનું! સાંબેલું વગાડી દેવાની આજ્ઞા કરતાંયે આ કપરી છે. કોઈ કહેશે, શિક્ષક દીઠ એટલા થોડા વિદ્યાર્થીનું પ્રમાણ રાખીએ તો તો શિક્ષણ કેટલું મોંઘું થઈ જાય? પણ જો નદી-બંધો કે નહેરો બાંધવાનું કામ મોંઘું હોય, બિયારણના સંશોધનનું કામ મોંઘું હોય, તો શિક્ષણનું કામ સોંઘું હોવું જોઈએ તેવી અપેક્ષા કેમ રાખવામાં આવે છે? શિક્ષણ એ, પોતાનું ભાવિ ઉજ્જ્વળ રહે અને આજની પેઢીની વૃદ્ધાવસ્થા વખતે તેમનું સ્થાન લઈ સમાજને સુખી કરે એવી મૂડી મેળવવા ખાતર પ્રજાએ આરંભેલ વીમાયોજના છે. નાલંદા વિહારને એના ખર્ચ માટે સેંકડો ગામો અપાયાં હતાં. નદિયા વિદ્યાલયનું સમગ્ર ખર્ચ નદિયાના મહારાજા આપતા. આજે રાજ્ય પ્રજાનું છે, એટલે પોતાનું ભાવિ ઉજ્જ્વળ કરવા માટે પ્રજાએ જ સારું એવું મૂડીરોકાણ કરવું પડશે.