સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મુકુંદરાય પારાશર્ય/જીવનમાં એની કવિતા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


મારાં મોટી બહેનનાં લગ્ન તેના બારમે વર્ષે થયાં. એ મારાથી બે વરસે મોટાં. લગ્ન પછી દોઢેક વરસે એ પિયર આવેલાં ત્યારે એ ઘણાં ગીતો ગાતાં. એક શિયાળાની રાતે ઓરડામાં ભાંડરડાંને એ હીંચકો નાખતાં’તાં ને હું બહાર પૂર્વાભિમુખ ઓસરીમાં હતો. ખુલ્લા અંધારા આકાશમાં તારાઓ જોતો’તો. ત્યારે બહેન ગાતાં’તાં તે શબ્દો મને ગમ્યા ને યાદ રહી ગયા : બ્રહ્માંડ બ્રહ્મે પાથર્યું સુખકુંજ સમ ઊંડું, ત્યાં એકલો ઊડું. જન, જગત, સૂર્ય, સુહાગી જ્યોત્સ્ના, વિશ્વ બહુ રૂડું, પણ એકલો ઊડું. અને પછી તો થોડા જ દિવસોમાં રોજ તેમની સાથે ગાઈ એ ગીત કંઠે કરી લીધું. આ ન્હાનાલાલ નામે કવિની કવિતા છે ને એ કવિ વિદ્યમાન છે, એવી કોઈ સમજણ ત્યારે હતી એવું યાદ આવતું નથી. એ ગીતની બધી જ પંક્તિઓ હું સમજું છું કે માણી શકું છું, એમ તો આજે પણ કહી શકતો નથી. પણ થોડીક પંક્તિઓની મધુરતા તો મને કાળક્રમે વધુ લાગી, એવું થયું છે. એ થયું ૧૯૨૯ના ડિસેમ્બરમાં, ગિરનારની ટેકરીઓમાં ઉઘાડે પગે એકલાં રખડતાં ગુફાઓ અને ખીણપ્રદેશો જોતાં તથા રાતે ખુલ્લા આકાશ તળે એ નિર્જનતામાં ગમે ત્યાં સૂવાનું થતું ત્યારે. અમારા કુટુંબમાં અંત્યાક્ષરી રમવાની રોજની ટેવ હતી એટલે સંસ્કૃત ને ગુજરાતી શ્લોકો, મુક્તકો, કવિતા અને ગીતો-ભજનોની કડીઓ કંઠસ્થ કરેલી, તેમાં ન્હાનાલાલની રચનાઓ પણ હતી. એ વખતે વાચનનો શોખ હતો. ઘરમાં કાકાએ વસાવેલ ‘વસંતોત્સવ’, ‘ઇન્દુકુમાર’, ‘ન્હાના ન્હાના રાસ’, ‘ગીતા’-‘મેઘદૂત’નાં ભાષાંતર વગેરે હતાં તે હું વાંચતો. મારું વય ન હતું એ વેળા હું ‘વસંતોત્સવ’ વાંચતો’તો, તેવામાં મારાં ફઈએ એક છોકરીના સંબંધમાં કહ્યું કે ‘કેવી ગુલછડી સમોવડી છે!’ અને ‘વસંતોત્સવ’ની પહેલી જ લીટી મને યાદ આવી, ત્યારે એ વાત સમજાઈ કે જે કંઈ વાંચીને જાણીએ તેને જીવનમાં જોતાં શીખવું જોઈએ. [‘ગ્રંથ’ માસિક : ૧૯૭૭]