સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મો. ક. ગાંધી/ગાંધી-ગંગાનાં જલબિંદુ


એ મારમાંથી પ્રજા બચે ગોખલે દક્ષિણ આફ્રિકા આવ્યા હતા. [ટોલ્સટોય] ફાર્મમાં ખાટલા જેવી વસ્તુ ન હતી, પણ ગોખલેજીને સારુ એક માગી આણ્યો. જ્યારે તેમણે જાણ્યું કે અમે બધા ભોંય ઉપર સૂતા હતા, ત્યારે ખાટલો દૂર કરાવી પોતાની પથારી પણ ભોંય ઉપર કરાવી. કેલનબેકે, મેં તેમના પગ ચાંપવા દેવા બહુ વિનવ્યા. તે એકના બે ન થયા. અમને સ્પર્શ સરખો ન કરવા દીધો. ઊલટા અર્ધા ખીજમાં અને અર્ધા હાંસીમાં કહે : “તમે બધા એમ જ સમજતા લાગો છો કે દુ:ખ અને અગવડ ભોગવવા એક તમે જ જન્મ્યા છો, ને અમારા જેવા તમારે પંપાળવા સારુ જ જન્મ્યા છીએ. હું ગમે તેટલી અગવડ ભોગવીશ, પણ તમારો ગર્વ ઉતારીશ.” કંઈક પણ લખવાનું હોય ત્યારે તેમને આંટા મારી તે વિચારી લેવાની ટેવ હતી. એક નાનો સરખો કાગળ લખવાનો હતો. મેં માન્યું કે તે તો તરત લખી નાખશે; પણ નહીં. મેં ટીકા કરી એટલે મને વ્યાખ્યાન મળ્યું : “હું નાનામાં નાની વસ્તુ પણ ઉતાવળે નથી કરતો; તેનો વિચાર કરું, વિષયને લગતી ભાષા વિચારું ને પછી લખું.” એમ બધા કરે, તો કેટલો વખત બચી જાય? ને પ્રજા પણ આજે તેને જે અધકચરા વિચારો મળી રહ્યા છે તેના મારમાંથી બચે.