સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/લિયો તોલ્સતોય/શત્રુ જ કરી શકે તેવું —

From Ekatra Wiki
Jump to navigation Jump to search


આપણા જમાનામાં શ્રીમંતવર્ગનાં બાળકોને અપાતી કેળવણી જોઈને મનમાં ત્રાસ છૂટયા વિના રહેતો નથી. આજે એ બાળકોમાં તેમનાં માબાપો, ખાસ કરીને માતાઓ, એબો અને દુર્ગુણોના કુસંસ્કારોનું જે સિંચન કરે છે તેવું તો બૂરામાં બૂરો શત્રુ જ કરી શકે, એમ મનમાં થઈ આવે છે. માબાપે કાળજી લઈ લઈને વંઠેલ કરી મૂકેલાં આ બાળકોના આત્મામાં શું શું ચાલી રહ્યું છે એ નીરખવાની કળા હોય તો એ દેખાવ — અને એથી વધારે તો તેનાં પરિણામો જોઈને દિગ્મૂઢ થઈ જવાય એવું છે. એ બાળકોનાં મનમાં સ્ત્રૌણપણા અને એશઆરામના સંસ્કારોનું સિંચન કરવામાં આવે છે. મિતાહાર ને સંયમની ટેવો વિશે દુર્લક્ષ કરવામાં આવે છે એટલું જ નહીં પણ આ સદ્ગુણોની જડ જ ઉખાડી નાખવામાં આવે છે. કામ કરવાની, તથા ફળદાયક પરિશ્રમને સારુ આવશ્યક એવી ચિત્તની એકાગ્રતા, ખંત, સહનશક્તિ, ઉત્સાહ, ધ્યેયસિદ્ધિનો આનંદ વગેરે સદ્ગુણોની તાલીમ નથી અપાતી. એટલું જ નહીં, એદી થઈને પડ્યા રહેવાની ને પરિશ્રમ વડે પેદા થયેલી ચીજોને તુચ્છકારવાની આદત પાડવામાં આવે છે. તેના મનમાં જેટલા તરંગો ઊઠે એટલી ચીજો બગાડવી, ફેંકી દેવી, પૈસા ખરચીને ફરી વસાવવી, ને એ ચીજો કેવી રીતે બને છે એનો વિચાર સરખો ન કરવાની કેળવણી તેને અપાય છે. બીજા સર્વ સદ્ગુણોની પ્રાપ્તિ માટે અનિવાર્ય એવો સમજુપણાનો જે પ્રાથમિક સદ્ગુણ, તે પ્રાપ્ત કરવાની માણસની શક્તિ જ હરી લેવામાં આવે છે. (અનુ. ચંદ્રશંકર શુક્લ)
[‘ચૂપ નહીં રહેવાય’ પુસ્તક]