સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વજુભાઈ શાહ/આંધળી પૂજા?
સવારમાં હું બેઠો બેઠો રેંટિયો ચલાવતો હતો. એવામાં ૨૫-૨૭ વરસની ઉંમરના એક નવજવાન આવી ચડયા. રાષ્ટ્રપ્રેમની ભાવનાવાળા હતા. કેટલાંક વરસથી ખાદી પણ પહેરતા હતા. સમાજશાસ્ત્રાનો વિષય લઈને એમ. એ. થયા હતા. અભ્યાસની, દેશના રાજકારણની, વહીવટી શિથિલતાની, કાળાં બજારની, દુષ્કાળની વાતો ચાલી. એ દરમિયાન મારો રેંટિયો ધીમેધીમે ચાલ્યા કરતો હતો. એમણે મને પૂછ્યું :
“રોજ કાંતો છો?”
“ક્યારેક ન કંતાય; બાકી બનતાં સુધી તો રોજ કાંતું છું.”
“કેટલું કાંતો છો?”
“સામાન્ય રીતે ૧૬૦ તાર તો ખરા જ. વધારે જે થાય તેટલું.”
“રોજનું નવટાંક સૂતર થતું હશે કે?”
“નવટાંક તો અઠવાડિયે થાય. રોજનું તો અર્ધો તોલો, બહુ કરીએ તો ક્યારેક એકાદ તોલો. તેથી વધુ તો ક્યાંથી થાય?”
મારો જવાબ સાંભળીને એ જરા નિરાશ થઈ ગયા. થોડી વાર શાંત રહીને બોલ્યા, “તમારા જેવા બુદ્ધિશાળી માણસ હજુ આવું પકડીને બેઠા છે, એ ખરેખર નવાઈ જેવું લાગે છે. અંગત રીતે આમાંથી કોઈને શાંતિ મળતી હોય તે જુદી વાત છે. પરંતુ તમારા જેવાનો સમય આમ રેંટિયો ચલાવવામાં વેડફાય એ બરાબર છે? દેશમાં આજે કોઈનોય સમય યંત્રાયુગ પહેલાંના પુરાણા ઓજાર પાછળ જાય એનો કંઈ અર્થ છે? આજના યુગમાં રેંટિયો બંધ બેસી શકવાનો છે? એક જમાનામાં ગાંધીજીએ ખાદીની વાત ચલાવી, રાષ્ટ્રીય જાગૃતિ લાવવામાં એણે ઠીકઠીક ફાળો પણ નોંધાવ્યો. પરંતુ હવે દેશ સ્વતંત્રા થયો ત્યારે પણ એ જૂની વાતને પકડી રાખવામાં કંઈ ડહાપણ છે કે? આધુનિક વિજ્ઞાન નવાં નવાં ક્ષેત્રો ખોલતું જાય છે, આજનું અર્થશાસ્ત્રા પણ કેટલું વિકાસ પામતું જાય છે! એ બધાંનો ખ્યાલ કરીને તેનો પૂરો લાભ ઉઠાવવાને બદલે કેવળ ઊર્મિવશ બનીને રેંટિયાને પકડી રાખવો, એ એક પ્રકારની અંધશ્રદ્ધા નહિ તો બીજું શું?
“આપણા દેશમાં ઉત્પાદનની આજે કેટલી બધી જરૂર છે? કરોડો માણસોને અન્નવસ્ત્રાની આટલી કારમી તંગી હોય તે નિવારવા માટે રેંટિયો શું કામ આવી શકવાનો હતો? સાંજ પડયે કાપડના ઢગલે ઢગલા ઉતારી શકે એવા યંત્રાયુગમાં રોજનું અર્ધો તોલો કે તોલો સૂતર કાઢવા રેંટિયો પકડીએ, એમાં બુદ્ધિને વિસારીને કેવળ ઊર્મિવશતા પાછળ જ ખેંચાઈએ છીએ.”
“ચાલો, આપણે બુદ્ધિવાદની દૃષ્ટિએ, આધુનિક વિજ્ઞાન અને અર્થશાસ્ત્રાના નિયમો અનુસાર આજના પ્રશ્નોને વિચારીએ. બીજા બધા ઉદ્યોગમાં અત્યારે નહિ ઊતરીએ, પણ કાપડનો જ પ્રશ્ન વિચારીએ. હવે તમે સમજાવો અને હિસાબ ગણાવો એ રીતે વ્યવસ્થા વિચારીએ. દેશને માટે જરૂરી કાપડ તો ઉત્પન્ન કરવું છે ને?”
“હાસ્તો.”
“સારું ત્યારે, દેશ એટલે દેશનાં ગરીબ-તવંગર તમામ લોકો એ તો ખરું ને?”
“એમાં પૂછવા જેવું શું છે? આ દેશના ૩૫ કરોડ માણસોને અન્ન, વસ્ત્રા, આશરો, કેળવણી અને આરોગ્ય જેવી પ્રાથમિક જરૂરિયાતો મળવી જ જોઈએ અને એ રીતે આયોજન થવું જોઈએ.”
“ત્યારે આ ૩૫ કરોડ જેટલાં માણસોને કેટલું કાપડ જોઈએ?”
“એ હિસાબ તો નથી ગણ્યો, પણ દરેક માણસને પહેરવાઓઢવા માટે ઠીકઠીક કપડાં તો જોઈએ જ ને!”
“કેટલાંકને ૨૫-૩૦ વારમાં થઈ રહે છે. મારા જેવાને ૩૦-૪૦ વાર જોઈએ છે. તમને જો ૩૦ વારનું પ્રમાણ ઠીક લાગતું હોય તો એ પ્રમાણે હિસાબ કરીએ.”
“ભલે એમ કરો.”
“અત્યારે હિન્દુસ્તાનની તમામ મિલો કેટલું કાપડ ઉત્પન્ન કરે છે?”
“તમે જ કહો ને?”
“મારી માહિતી મુજબ તો આપણા દેશની લગભગ ૪૦૦-૪૫૦ મિલમાં કુલ મળીને માથા દીઠ માંડ ૧૨ વાર મળી શકે એટલું કાપડ ઉત્પન્ન થાય છે. એમાં વસતી વધતી જાય છે, પણ નવું ઉત્પન્ન ખાસ વધી શકતું નથી. ઊલટું હડતાલો પડે ત્યારે ઉત્પન્નમાં ઘટાડો થાય તે જુદું. એટલે એકલી મિલો રાતદિવસ કામ કરે તોયે કાપડનો સવાલ તો ઊકલતો નથી. ૧૨ વારમાં કોને પૂરું થાય? મારા જેવા ૩૦-૪૦ વાર વાપરે, તમારા જેવા ૬૦-૭૫ વાર વાપરે અને બીજાં કેટલાંક ૧૦૦-૨૦૦ વાર વાપરનારાં પણ હશે. એ બધાંનો હિસાબ ગણીએ તો કેટલાંકને ભાગે માંડ બે-પાંચ વાર કાપડ આવતું હશે અને કેટલાંકને તો નાગાંપૂગાં પણ રહેવું પડતું હશે. આમાંથી હવે વિજ્ઞાન અને આધુનિક અર્થશાસ્ત્રાની દૃષ્ટિએ તમે જ માર્ગ બતાવો.”
“તો તો ઉત્પન્ન વધાર્યા સિવાય બીજો માર્ગ શો હોઈ શકે?”
“પણ ઉત્પન્ન વધારવું શી રીતે?”
“મિલોની શક્તિ જો મર્યાદિત જ હોય તો તો પછી અન્ય સાધનોનો જ ઉપયોગ કરવો જોઈએ.”
“અન્ય સાધનમાં નજરે ચડે એવો તો આ રેંટિયો છે, અને એનું તો કંઈ ગજું નથી એમ તમને લાગે છે!”
“ત્યારે તમને એમ લાગે છે કે આજે મિલમાં જે કાપડનો જથ્થો ઉત્પન્ન થાય છે એમાં રેંટિયા દ્વારા કંઈ ગણનાપાત્રા ઉમેરો થઈ શકે તેમ છે?”
“મારા જેવાને તો ખાતરી છે કે માત્રા મિલકાપડનો તૂટો જ પૂરવાની નહિ, પરંતુ સમગ્ર દેશની કાપડની તમામ જરૂરિયાતોને પહોંચી વળવાની એનામાં શક્તિ પડેલી છે. તમે જેને આધુનિક વિજ્ઞાનના ધોરણે ઝપાટાબંધ ચાલતી મિલો તરીકે ઓળખો છો તેના કરતાંય આ ધીમા રેંટિયાની ગતિ વધારે છે.”
“એ કેવી રીતે?”
“એવી રીતે કે બધી જ મિલો થઈને આજે માથા દીઠ ૧૨-૧૫ વાર જેટલું કાપડ ઉત્પન્ન કરે છે. જો દરેક ઘરમાં માત્રા નવરાશના વખતમાં રોજ રેંટિયો ચાલવા માંડે તો એના કરતાં વિશેષ કાપડ ઉત્પન્ન થાય.”
“જરા વિગતથી સમજાવશો?”
“એક કુટુંબ પાંચ માણસનું ગણીએ. તેના ઘરમાં રોજ માત્રા બે-ત્રાણ કલાક જ એક રેંટિયો ચાલે તો તેમાંથી બે તોલા સૂતર થાય. મહિને દિવસે દોઢ રતલ સૂતર થાય. એમાંથી લગભગ સાડાસાત વાર કાપડ બને. વરસ દિવસે ૯૦ વાર કાપડ થાય, એટલે માથા દીઠ ૧૮ વાર કાપડ આવે. પ્રત્યેક ઘરમાં રોજ માત્રા બે કલાક રેંટિયો ચલાવવો એ શું અઘરી વાત છે?”
“ના, બે કલાક તો સાધારણ વાત ગણાય.”
“આ તો મેં દરેક કુટુંબની વાત કરી. હિંદુસ્તાનમાં આજે પાંચ લાખ ગામડાં છે, સાત કરોડ જેટલાં કુટુંબ હશે. એ બધાં કુટુંબના એકેએક માણસ પાસે આજે શું એટલું બધું કામ છે કે તેમાંથી એક જ માણસ માત્રા બે કલાક પણ ન બચાવી શકે? ખરી હકીકત તો એ છે કે કરોડો માણસો પાસે કંઈ કામ જ નથી. વરસમાં ઘણો સમય ફરજિયાત બેકારીમાં ગાળવો પડે છે. દરેકે દરેક ઘરમાં માત્રા બે કલાક જ નહિ પરંતુ સહેજે રોજના ૧૦ કલાક રેંટિયો ચલાવી શકાય એવો અવકાશ છે. કામને અભાવે માનવશક્તિ વેડફાય છે. આળસ પોષાય છે. નવરાશમાંથી અનેક જાતની વિકૃતિ અને સમસ્યાઓ ઊભી થાય છે. દરેક કુટુંબમાં રોજના ૧૦ કલાક જેટલો રેંટિયો ચાલે તો ઓછામાં ઓછું રોજનું એક વાર કપડું થાય. વરસ દિવસે ૩૦૦-૪૦૦ વાર કાપડ પ્રત્યેક કુટુંબમાં થાય. આજે મિલો જેટલું કાપડ ઉત્પન્ન કરે છે તેટલું કાપડ તો માત્રા આવાં એક કરોડ કુટુંબમાં જ પેદા થઈ રહે. સાતેય કરોડ કુટુંબમાં આમ રેંટિયો ચાલે તો આજના કરતાં માથાદીઠ સાતગણું કાપડ પેદા થાય. એટલું બધું કપડું તો આ દેશના સાદા મહેનતુ લોકો પહેરવાનાય ક્યાં હતા? આજે જેટલી મિલ છે એની સંખ્યા સાતગણી વધે ત્યારે એ રેંટિયાની બરાબરી કરી શકે ને? હવે કહો કે રેંટિયાની શક્તિ કે ગતિને મિલ કદી પણ પહોંચી શકવાની ખરી કે?”
“પણ પ્રશ્ન એ થાય છે કે જો આવી શક્તિ રેંટિયામાં ભરી પડી છે તો પછી લોકો એને અપનાવતા કેમ નહિ હોય?”
“એનો જવાબ તો તમારી પાસે જ પડયો છે. તમે તમારો પોતાનો જ વિચાર કરોને! તમે ભણેલાગણેલા છો. સમજુ છો. વિચારવંત છો. અર્થશાસ્ત્રાના અભ્યાસી છો. ગાંધીજી જેવા મહાન પુરુષ અને દેશના બીજા ડાહ્યા માણસો આજ ત્રીસ વરસથી જે પોકારી પોકારીને કહી રહ્યા છે, અને વૈજ્ઞાનિક ઢબે પ્રયોગો ચલાવીને સુંદર પરિણામો બતાવી રહ્યા છે, તે છતાં તમે પોતે જ આજ સુધી રેંટિયો કેમ અપનાવ્યો નથી? કેમ કે આપણે મોટા ભાગના માણસો રૂઢિજડ છીએ અને પરંપરા તેમજ પૂર્વગ્રહને વશ થઈને ચાલનારા છીએ. પરદેશીઓએ પોતાના સ્વાર્થને ખાતર, દગાથી, ક્રૂરતાથી, ચાલાકી ને ચતુરાઈથી આપણાં સાળ-રેંટિયાને ભાંગી નાખ્યાં. આપણા ભણેલા લોકો નવાં નવાં યંત્રોથી અંજાઈ ગયા અને આધુનિક વિજ્ઞાનને નામે ચાલતી અંધશ્રદ્ધાનો ભોગ બન્યા. રેંટિયો તો આપણને એ આંધળી પૂજામાંથી ઉગારીને સાચી વિજ્ઞાનદૃષ્ટિ આપવા મથે છે, સાચું અર્થશાસ્ત્રા શીખવવા માગે છે.
“આખી પ્રજા કાપડનો પ્રશ્ન આમ ઉકેલી શકે, તો એક ભારે સિદ્ધિ થઈ ગણાય. બાળકથી માંડીને બુઢ્ઢાં સુધી સૌ કોઈ પોતાને ઘેર બેઠાં આ કામ ઉપાડી શકે તેમ છે. વસ્ત્રા એ જીવનની પાયાની જરૂરિયાત છે અને એ બાબતમાં પ્રજાને સ્વાવલંબી બનાવવાનું સૌથી સહેલું છે. એ પ્રયોગ જો સાંગોપાંગ પાર ઊતરે તો આખી પ્રજામાં આત્મશ્રદ્ધા વધે અને એના દ્વારા સ્વાવલંબનનું જે તેજ પ્રગટે તે બીજી અનેક રીતે લાભદાયી થાય.”