સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વિનોબા ભાવે/એ નક્કી કોણ કરશે?
કેટલાક લોકો વૈરાગ્યપૂર્ણ જીવન વિતાવે છે અને આત્મામાં વધુ રત રહે છે. એમને પણ તરસ તો લાગે છે. તે વખતે પાણી મળે, તો જ એમને સમાધાન થાય છે; પાણી ન મળે ત્યાં સુધી અજંપો રહે છે.
બીજી બાજુ, જેઓ દેહના સુખ તરફ વધારે ઝૂકે છે, એમના જીવનમાં યે ક્યારેક એવી ક્ષણ આવે છે જ્યારે બહારની વસ્તુઓથી એમને તૃપ્તિ થતી નથી; એમને અંતરના સમાધાનની ભૂખનો અનુભવ થાય છે.
તેથી દેહ અને આત્મા બંનેનું સમાધાન થવું જોઈએ. આ માટે વિજ્ઞાન અને આત્મજ્ઞાનનો વિકાસ સાથે સાથે ચાલવો જોઈએ.
પ્રાચીન જમાનામાં આપણે ત્યાં આધ્યાત્મિક તૃષ્ણા વધારે હતી, એટલે આત્મજ્ઞાનની ખોજ અહીં વધારે થઈ શકી. પશ્ચિમના દેશોમાં છેલ્લાં ત્રણસો વરસમાં વિજ્ઞાનનો વધુ વિકાસ થયો. પહેલાં ક્યારેય નહોતો થયો એટલો સુખવિસ્તાર વિજ્ઞાને આજે કરી દીધો છે. પણ પહેલાં કરતાં સમાધાન વધ્યું છે એમ કહી શકાતું નથી. તેથી માણસનો વિકાસ એકાંગી થઈ રહ્યો છે. મારો જો એક જ હાથ મોટો થયો, તો હું એમ નહીં કહી શકું કે હું સુખી છું. બલ્કે એમ કહેવું પડશે કે મારો વિકૃત વિકાસ થઈ રહ્યો છે, ને પરિણામે હું દુઃખી છું. આજે આપણે શરીર તરફ વધારે ધ્યાન આપીએ છીએ ને આત્મા તરફ ઓછું. એટલે માનવીય ગુણોનો વિકાસ નથી થઈ રહ્યો, અને માણસ દુઃખી છે.
અગ્નિથી રોટલી પણ શેકી શકાય છે અને ઘરને આગ પણ લગાડી શકાય છે. વિજ્ઞાને તો અગ્નિના બેય ઉપયોગ બતાવી દીધા. પણ તેમાંથી કયો ઉપયોગ કરવો તેનો નિર્ણય આત્મજ્ઞાને કરવો પડશે. જેના આત્મજ્ઞાનમાં દોષ હશે, તે વિજ્ઞાનનો ખોટો ઉપયોગ કરશે. વિજ્ઞાન તો માણસનું જીવનધોરણ વધારવા માટેનાં સાધનો ઉપલબ્ધ કરાવી આપે છે. વિજ્ઞાન તો દૂધ, ફળ, સિગારેટ, દારૂ, બધું જ વધારી આપશે. પણ દારૂ પીવાથી જીવનધોરણ વધે છે કે ઘટે છે, તે કોણ નક્કી કરશે? વળી દૂધ સારી વસ્તુ હોય તો પણ તેનુંય પ્રમાણ કેટલું વધારવું, તે વિચારવું પડશે. સારી વસ્તુ પણ વધારે પડતી લેવાથી હાનિકારક બની જાય છે. એટલે ખરાબ ચીજો ન વધારવી, અને સારી ચીજો પણ અમુક હદથી વધુ ન વધારવી, એમ નક્કી કોણ કરશે? એ બધું નક્કી કરવાની શક્તિ વિજ્ઞાનમાં નહીં પણ આત્મજ્ઞાનમાં છે. ઇષ્ટ શું ને અનિષ્ટ શું, તે નક્કી કરવાનું કામ આત્મજ્ઞાનનું છે.
વિજ્ઞાન ગતિ-વર્ધક છે, આત્મજ્ઞાન દિશા-સૂચક છે. આપણે પગ વડે ચાલીએ છીએ, પણ કઈ દિશામાં ચાલવું તે આંખથી નક્કી કરીએ છીએ. તેમ વિજ્ઞાન પગ છે, અને આત્મજ્ઞાન છે આંખ. માણસને જો આત્મજ્ઞાનની આંખ ન હોય, તો તે આંધળો કોણ જાણે ક્યાં ભટકશે! બીજી બાજુ, આંખ હોય પણ પગ ન હોય તો તેણે બેઠા જ રહેવું પડશે.
વિજ્ઞાન અને આત્મજ્ઞાનમાં કોણ ચઢિયાતું અને કોણ કનિષ્ટ, એવી કોઈ વાત જ નથી. બંને એકબીજાનાં પૂરક છે, બંને મળીને જ પૂર્ણ જ્ઞાન થાય છે. બંનેનો એકસાથે વિકાસ થતો રહેવો જોઈએ. બંનેના વિકાસમાં સમત્વ જળવાશે તો જ માણસને સમાધાન પ્રાપ્ત થશે. વિજ્ઞાનની શોધનો ઉપયોગ સહુ કોઈ કરી શકે છે, તેમ આત્મજ્ઞાનની શોધનોય સહુ કરી શકે એવું થવું જોઈએ. સત્પુરુષોએ પોતાના વ્યક્તિગત જીવનમાં જે ગુણો સિદ્ધ કર્યા, તેને આપણે સમાજવ્યાપી બનાવવાના છે.
[‘ભૂમિપુત્ર’ પખવાડિક : ૨૦૦૧]