સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સ્વામી વિવેકાનંદ/આ જંગ તમને સોંપું છું!


આ જંગ તમને સોંપું છું! ઓહ! ભારતમાં આપણે ગરીબો વિશે કેવા ખ્યાલ રાખીએ છીએ, તેનો વિચાર કરતાં મારા હૃદયમાં શી શી વેદના થતી હતી! પોતાના વિકાસ માટે તેમને કોઈ તક મળતી નથી. ભારતમાં ગરીબોને મિત્રો કે મદદ મળતાં નથી. ગમે તેટલો પ્રયત્ન કરે તોપણ તેઓ ઊંચે ચડી શકતા નથી, દિનપ્રતિદિન નીચે ને નીચે ઊતરતા જાય છે. ક્રૂર સમાજે વરસાવેલા ફટકા તેમને વાગે છે, પણ એ ક્યાંથી આવે છે તેની તેમને ખબર નથી. પોતે મનુષ્ય છે એ હકીકત પણ તેઓ ભૂલી ગયા છે! આ બધાંનું પરિણામ ગુલામી. હિંદુ ધર્મ જેટલા ઉચ્ચ સ્વરે પૃથ્વી ઉપર બીજા કોઈ ધર્મે મનુષ્યના ગૌરવનો પોકાર કર્યો નથી; અને છતાં પૃથ્વી ઉપર અન્ય કોઈ ધર્મે હિંદુ ધર્મની જેમ નીચલા વર્ણો પર જુલમ ગુજાર્યો નથી. આમાં દોષ ધર્મનો નથી; દોષ છે ધર્મને આચરણમાં ઉતારવાની અશક્તિનો, સહાનુભૂતિ અને પ્રેમના અભાવનો. મારા હૃદય ઉપર આ બોજો ધારણ કરીને બાર બાર વરસ સુધી હું ભટક્યો છું. કહેવાતા ધનિકો અને મોટા માણસોને ઘેર ઘેર ધક્કા ખાધા છે. સહાયની શોધમાં, લોહીનીંગળતા હૃદયે, અરધી દુનિયા ઓળંગીને હું આ પરદેશની ભૂમિ ઉપર આવેલો છું. આ ભૂમિમાં ટાઢથી કે ભૂખથી ભલે મારું મૃત્યુ થાય; પણ અજ્ઞાની અને દલિતો કાજેનો આ જંગ હું તમને વારસામાં સોંપું છું. અત્યારે આ પળે જ ભગવાન પાર્થસારથિના મંદિરમાં જાઓ અને ગોકુળના દીન ગોવાળિયાઓના જે મિત્રા હતા, જેણે અંત્યજ ગુહકને ભેટતાં જરા પણ આંચકો ખાધો ન હતો, અને જેણે બુદ્ધાવતારમાં કુલીનોનાં આમંત્રાણ ઠેલીને એક વેશ્યાનું નિમંત્રાણ સ્વીકારેલું અને તેને તારી હતી, એવા પ્રભુ આગળ તમારું શિર નમાવો; તથા જેમને માટે એ પ્રભુ ફરીફરીને અવતાર ધારણ કરે છે એવા અધમ અને દલિતો માટે સમસ્ત જીવનનું બલિદાન આપો! દિનપ્રતિદિન અધમ અવસ્થામાં ઊતરતા જતા આ કરોડો લોકોની મુક્તિ માટે આખું જીવન સમર્પણ કરવાનું વ્રત લો! આ એક દિવસનું કાર્ય નથી, અને તેનો માર્ગ ભયંકર મુશ્કેલીઓથી ભરેલો છે. પણ આપણે જાણીએ છીએ કે ભગવાન આપણા સારથિ થવાને તૈયાર છે. તેમનામાં શ્રદ્ધા રાખીને, યુગોથી ભારત ઉપર ખડકાયેલી વિપત્તિઓના પહાડને સળગાવી મૂકો. બંધુઓ! આ કાર્ય વિરાટ છે અને આપણે ઘણા નિર્બળ છીએ. પણ આપણે જ્યોતિના પુત્રો છીએ. આપણે સફળ થશું જ. આ જંગમાં સેંકડો ખપી જશે, પણ બીજા સેંકડો એ કાર્યને હાથ ધરવા તૈયાર થઈ જશે. કહેવાતા ધનિકો અને મોટા માણસો પ્રત્યે મીટ માંડો નહીં. હૃદયહીન બુદ્ધિજીવી લેખકો અને તેમના ઠંડે કલેજે લખાયેલા છાપાંના લેખોની પરવા કરો નહીં. આગળ ધપો, પ્રભુ આપણો સેનાપતિ છે. કોણ પડ્યું તે જોવા પાછું વળીને નજર નાખશો નહીં. આગળ ને આગળ ધસો, બંધુઓ! ભૂખ અને ટાઢ કંઈ જ નથી, મૃત્યુ પણ કંઈ નથી, જીવન કંઈ નથી. આ જ રીતે આપણે આગેકૂચ કરશું. પ્રભુનો જયજયકાર હો!