સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – ઉમાશંકર જોશી/વર્ડ્‌ઝવર્થનો કાવ્યવિચાર

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૬. વર્ડ્‌ઝવર્થનો કાવ્યવિચાર

એપ્રિલ ૧૮૫૦માં મૅથ્યુ આર્નલ્ડે વર્ડ્‌ઝવર્થને કાવ્યાંજલિ આપતાં એની વાણીની શામકતા (Healing power)ને સંભારી અને કહ્યું કે સહન કરવાની શક્તિ તો બીજા કવિઓ પાસેથી મળી રહેશે, પણ સંવેદનની શક્તિ અમારામાં કોણ પ્રેરશે? –

Others will strengthen us to bear –
But who, ah Who, will make us feel?

એ વાતને સો વરસ થઈ ગયાં. છેલ્લા દસકામાં બીજા વિશ્વયુદ્ધના સમયમાં વર્ડ્‌ઝવર્થની લોકપ્રિયતામાં ભરતી આવી હતી તે કદાચ સંવેદનશક્તિ પ્રેરવાનું એની કવિતામાં સામર્થ્ય છે તે કારણે. અદ્યતન અંગ્રેજ કવિઓને માટે વર્ડ્‌ઝવર્થમાં બીજું એક આકર્ષણ હતું. અને તે એનો કોઈ વિશેષતા વગરની શબ્દરચના માટેનો આગ્રહ. પચીસ વરસ પહેલાં જૉર્જિયન કવિઓ પરત્વે એક વિવેચકે ચેતવણીનો સૂર કાઢ્યો હતો કે તેમની ભાષા ‘સાહિત્યિક’ થતી જાય છે. ૧૯૩૦ પછી નવકવિઓ આવ્યા તેમણે કવેતાઈ ભાષાડંબર ફગાવી દીધો અને બોલચાલની છટાઓનો છૂટથી પ્રયોગ કરવા માંડ્યો. સાહિત્યના ઇતિહાસમાં આવા સ્વાતંત્ર્યનો સૌથી મોટો ઝંડાધારી કોઈ હોય તો તે વર્ડ્‌ઝવર્થ છે અને એ બાબતમાં એની પાછળના કવિઓ એના ‘વારસો’ જેવા ગણાય. એથી પણ વર્ડ્‌ઝવર્થનું આકર્ષણ આ યુગમાં રહે એ સ્વાભાવિક છે. વર્ડ્‌ઝવર્થનાં આ બંને લક્ષણો હંમેશાં આકર્ષક રહેશે. ઇતિહાસ બતાવે છે કે શબ્દરચના અંગેની વર્ડ્‌ઝવર્થની વિચારણા ખૂબ ટીકાપાત્ર નીવડી છે. ૧૭૯૮માં વર્ડ્‌ઝવર્થ અને કોલરિજ બંને મિત્રોએ પોતાની કૃતિઓ ‘લિરિકલ બૅલેડ્‌ઝ’ પુસ્તકરૂપે પ્રગટ કરી. વર્ડ્‌ઝવર્થના ‘ટિન્ટર્ન ઍબી’ જેવા કાવ્યની પણ ઉપેક્ષા થઈ. કોલરિજના ‘એન્શન્ટ મેરિનર’થી વાચકો મૂંઝાયા. ૧૮૦૦માં બીજી આવૃત્તિ વખતે વડર્‌ઝવર્થે પોતાના પુસ્તકને મળેલા આવકાર માટે પ્રસન્નતા દર્શાવી. માત્ર, ‘મિત્રોની વિનંતીથી’ પ્રસ્તાવના ઉમેરી અને પુસ્તક પાછળ રહેલો કાવ્યવિચાર રજૂ કર્યો. પ્રસ્તાવનામાં કવિએ કહ્યું કે પોતે પ્રસંગો અને દૃષ્ટાન્તો સામાન્ય જીવનમાંથી પસંદ કર્યા છે અને ખરેખર માણસો જે ભાષા વાપરે છે તેમાંથી, બને ત્યાં સુધી, શબ્દપસંદગી કરીને તે વર્ણવ્યાં છે. તે સાથે જ તેમની ઉપર કલ્પનાનો કાંઈક રંગ પણ લાગવા દીધો છે, જેથી ચિત્તને તે અસાધારણ સ્વરૂપે દેખાય. પછી એણે કવિતાની પોતાની વ્યાખ્યા આપી કે કવિતા એટલે ‘સબળ ઊર્મિઓનું સહજપણે ઊભરાવું.’ અને પછી સબળ ઊર્મિઓના પરિવાહ માટે પોતે સ્વીકારેલું વાહન ઉત્તમ છે એમ ઉમેરીને શબ્દરચના –કવિતાપદાવલિ (Poetic diction) અંગેનો પોતાનો વાદ એણે પ્રસ્તુત કર્યો. એણે કહ્યું કે ‘જેને શબ્દસંકલના કહે છે તેને નિષ્પન્ન કરવા માટે સામાન્ય રીતે જેટલો પરિશ્રમ લેવામાં આવે છે તેટલો એને ટાળવા પોતે લીધો છે’ અને ‘વર્ણનમાં અસચ્ચાઈ ન આવે એ રીતે પોતે સ્થિરપણે સર્વથા વિષયની સામે નજર રાખવા પ્રયત્ન કર્યો છે.’ એમાંથી સિદ્ધાન્ત એ થયો કે ‘સામાન્ય રીતે કવિતા માટેની શબ્દગૂંથણી તે સર્વાંશે વાસ્તવિક જીવનમાંથી માણસોની જીભ ઉપરથી ઉપાડેલા શબ્દોથી નિર્માયેલી હોય.’ અહીંથી એક ડગલું આગળ વધતાં જ એને કહેવાનો પ્રસંગ આવે છે કે ‘ગદ્યની ભાષામાં અને પદ્યની ભાષામાં તત્ત્વતઃ કોઈ ભેદ ન તો છે. ન હોઈ શકે.’ કવિતા અને ગદ્યનો વિરોધ પણ બિલકુલ ન હોઈ શકે. માત્ર, કવિતા એ છંદોમય હોવાથી કવિતા છે. તો પછી ગદ્યમાં જ શા માટે લખતા નથી? – એવો સવાલ ઉઠાવીને પોતે જ જવાબ આપે છે કે મારે જે કહેવાનું છે તેમાં છંદોમય વાણીનો આહ્‌લાદ શા માટે ન ઉમેરું?’ આ વિચારોનો સદ્‌ભાગ્યે થોડાં વરસોમાં જ કોલરિજ જેવાને હાથે પરિષ્કાર (લગભગ પરિહાર) થયો છે. મિત્ર પ્રત્યેની સહજ મૃદુતા ખોયા વગર, તેમ છતાં સાહિત્યજગતના એક ઉત્તમ વિવેચકને છાજે એવી સત્યનિષ્ઠાથી, એણે કહ્યું કે ‘વાસ્તવિક જીવનની ભાષા’નો કાવ્યપદાવલિ વિશેનો ખ્યાલ ‘કમનસીબ’ છે. એ સિદ્ધાંત પૂરતો નથી. ‘વર્ડ્‌ઝવર્થનાં પોતાનાં કાવ્યો જ એનું સમર્થન કરતાં નથી.’ ગદ્ય અને કવિતાના ભેદનો વર્ડ્‌ઝવર્થ સ્વીકાર કરવાની ના પાડે છે તે અંગે કોલરિજ કહે છે કે ‘હું છંદમાં લખું છું ‘કારણ કે’ ગદ્યથી ભિન્ન એવી ભાષા વાપરવા હું પ્રવૃત્ત થયો હોઉં છું.’ છંદ એ કવિતાનું યોગ્ય સ્વરૂપ છે. સંવાદમય સંઘટનાથી એકતા સિદ્ધ કરવાની વૃત્તિને એ ઉપકારક છે અને સૌ દેશ અને કાળમાં ઉત્તમ કવિઓએ એને પ્રયોજ્યો છે. સુંદર શબ્દસંકલનાના વર્ડ્‌ઝવર્થના વિરોધની ચર્ચાને અંતે કોલરિજ કહે છે કે ‘વર્ડ્‌ઝવર્થની કાવ્યરચનાઓમાંથી એમની પ્રસ્તાવનાને અક્ષરશઃ વળગી રહેવા જતાં જે કાંઈ કાઢી નાખવું પડે તે જો કાઢી નાખવામાં આવે તો એમની કવિતામાંની પ્રસિદ્ધ સુંદર ચીજોમાંથી બે-તૃતિયાંશને રદ કરવી પડે.’ આમ, વર્ડ્‌ઝવર્થની કવિતામાં જે સુંદર છે તેને એની પ્રસ્તાવના કવિતા ગણવા દે એમ નથી, અને જે અસુંદર છે તેને એ પ્રસ્તાવના લાખ પ્રયત્ને પણ કવિતા ઠેરવી શકે એમ નથી. ‘એલિસ ફેલ’ જેવી કૃતિઓ તો બહેતર છે કે ગદ્યમાં રચાઈ હોત, એમ કોલરિજને કહેવું પડ્યું છે. સેઈન્ટ્‌સબરી કહે છે તેમ જ્યારે જ્યારે વર્ડ્‌ઝવર્થ ઊંચી કવિતાની ક્ષણો સિદ્ધ કરે છે ત્યારે ત્યારે એ પોતાના કાવ્યવિચારને સદંતર વીસરી ગયા વગર, કાવ્યપદાવલિમાં અને કવિતોચિત શબ્દસંકલનામાં રાચ્યા વગર – ડૂબી ગયા વગર સિદ્ધ કરી શકતો નથી. સેઈન્ટ્‌સબરીએ જ પોતાના વિવેચનના ઇતિહાસમાં નોંધ કરી છે કે પ્રાચીન-મધ્યકાલીન અને અર્વાચીન કવિતા અંગે ભેદ હોય તો તે એ છે કે ‘દરેક કવિમાં જે વિવેચક હોવો જોઈએ’ તે પ્રાચીન-મધ્યકાલીન કવિતામાં (દાન્તે જેવો અપવાદ બાદ કરતાં) કાં તો મૌન છે. કાં તો પદ્ય દ્વારા જ વિવેચના આપે છે. નવીન કવિતા વિશે આક્રમકરૂપે ગદ્યવિવેચના લઈને આગળ આવનાર કોઈ હોય તો તે ‘લિરિકલ બૅલેડ્‌ઝ’નો પ્રસ્તાવનાકાર વર્ડ્‌ઝવર્થ છે. પણ વર્ડ્‌ઝવર્થના કાવ્યવિચાર અને કાવ્યસર્જનનો ઉપર જે સંબંધ જોયો તે પરથી તો કવિવિવેચકો સાવધાન! – એવો ઉદ્‌ગાર કોઈના પણ મુખમાંથી નીકળી જાય એવું છે. વર્ડ્‌ઝવર્થના પક્ષકાર વિદ્વાનોને પણ એટલું સ્વીકારવું પડ્યું છે કે એણે પોતાને અભિપ્રેત હતું તેથી વધુ કહ્યું છે અને કેટલેક અંશે તો પોતાને અભિપ્રેત ન હતું એવું એ કહી બેઠો છે. સેઈન્ટ્‌સબરી જેનું વલણ જરી ચિકિત્સક છે, એ આરોપાત્મક વાણીમાં સૂચવે છે કે વર્ડ્‌ઝવર્થ કાવ્યપદાવલિ અને છંદની સામે મોરચો ન માંડે તો બીજું કરે પણ શું? એ બંને અંગો એનાં કાચાં છે. તેમ છતાં વર્ડ્‌ઝવર્થ-વિવેચકને વહેતો મૂકીને વર્ડ્‌ઝવર્થ-કવિને ઉગારી લેવાના પક્ષમાં એ છે. વર્ડ્‌ઝવર્થની બધી કવિતા ઉત્તમ નથી જ. – ચેસ્ટરટન એક ઠેકાણે કહે છે તેમ મોટા ભાગના મહાન કવિઓએ બહોળા પ્રમાણમાં બહુ ખરાબ કવિતા લખી હોય છે. પણ થોડીક એવી ઉત્તમ કવિતા વર્ડ્‌ઝવર્થે જરૂર આપી છે કે એના મહાન કવિ હોવા વિશે તો શંકાને સ્થાન નથી. છેલ્લાં સો વરસે પણ એટલું તો સિદ્ધ કર્યું છે. પણ એની એ ઉત્તમ કવિતાને અને એના કાવ્યવિચારને કોઈ સંબંધ નથી? એ સિવાય પણ એ કાવ્યવિચારમાં કોઈ સત્યાંશ નથી? પોતાના કાવ્યવિચારને અનુસરતાં વર્ડ્‌ઝવર્થે કેટલીક વાર થોકબંધ ગદ્યાળુ કવિતા લખી છે એ સ્વીકારીએ. કેટલીક વાર પોતાના કાવ્યવિચારને નેવે મૂકીને રંગદર્શી કવિતાપદાવલિનો અંચળો ઓઢી લેતાં એ ખંચકાયો નથી એ પણ સ્વીકારી લઈએ. તેમ છતાં એની કવિતામાં જે ઉત્તમતા છે તેની અને એના કાવ્યવિચારની પ્રેરણાનાં મૂળ, જોવા જતાં, એક જ દેખાશે. ૧૮મી સદીની રૂઢિજડ કાવ્યપદાવલિ સામે, જૂઠા શબ્દખખડાટ સામે, કવિતાભાસી શબ્દખોખાં સામે, અતિઉપયોગથી અને દુરુપયોગથી શબ્દોને ઘસી નાખવા સામે – ટૂંકામાં અભિવ્યક્તિ(expression)ના વૈતથ્ય-અસચ્ચાઈ સામે કશુંક થવાની જરૂર હતી જ. વર્ડ્‌ઝવર્થે એની ઉપર પૂરા સામર્થ્યથી આઘાત કર્યો. આટલી એની સેવા તો એના ટીકાકારોને પણ સ્વીકારવી પડે છે. કવિતાની વાણી ગદ્ય કરતાં – બોલાતી ભાષા કરતાં – જુદી હોય નહિ એ વર્ડ્‌ઝવર્થનો વિચાર બરોબર ન હતો. છંદોલયને કારણે એ જુદી પડે જ છે. (ખરું જોતાં ગદ્યલય પણ બોલચાલની ભાષાના લય કરતાં કાંઈક જુદો પડ્યા વગર રહેતો નથી.) આને કૃત્રિમતા કહેવી હોય તો કહો, પણ એ કૃત્રિમતા ખૂંચે નહિ, નજરે સરખી ન પડે, એ રીતે સારા કવિઓ છંદોલય અને શબ્દાવલિ યોજતા હોય છે. શબ્દ વર્ડ્‌ઝવર્થ કહે છે તેમ વાસ્તવજીવનમાંથી માણસોની જીભ ઉપરથી વીણી લઈએ – એટલી સહેલી વાત એ નથી. બલકે દાન્તે કહે છે તેમ શબ્દની શોધ એ તો ‘ચિત્તાની ખોજ’ છે. તેમ છતાં, જેમ દાન્તેની કવિતામાં બને છે તેમ શબ્દ માટેનો શ્રમ કે આગ્રહ ક્યાંય ડોકિયાં કરવાને બદલે સરળ રસપ્રવાહ જ અનુભવાવો જોઈએ. એને બદલે જ્યાં શબ્દરચના ડોકિયાં કરવા લાગી ત્યાં કૃત્રિમતા શરૂ થઈ ચૂકી માનવી. આથી શબ્દરચના જ્યારે કૃત્રિમતાને પામે છે ત્યારે જ આંખે ચડે છે એવું બને છે, અને કોઈ નવા કવિને એ કૃત્રિમતામાંથી છૂટવા માટે ‘શબ્દરચના’ પર આઘાત કરવો પડે છે. દરેક ભાષાની કવિતાના ઇતિહાસમાં આવા પ્રસંગો અવારનવાર આવતા દેખાશે. અંગ્રેજીમાં વર્ડ્‌ઝવર્થ પૂર્વે ડન અને આધુનિકોમાં ટી. એસ. એલિયટને એ કાર્ય વત્તેઓછે અંશે કરવુ પડ્યું છે. વર્ડ્‌ઝવર્થે એ કાર્ય પૂરી હિંમતથી કર્યું અને એનું શાસ્ત્ર પણ રચ્યું, એ એની સેવા અપૂર્વ છે. પણ એનો જનસમાજની ભાષા માટે આગ્રહ સેવતો કાવ્યવિચાર એ પ્રો. હરફર્ડ કહે છે તેમ શું ‘કેવળ જે કાંઈ કૃત્રિમ છે, તુચ્છ છે, તે બધામાંથી શુદ્ધ થયેલી ભાષા માટેના નકારાત્મક આદર્શ કરતાં વિશેષ કાંઈ જ નથી?’ વર્ડ્‌ઝવર્થના જીવનમાં – ખાસ કરીને એનાં ઘડતરનાં વરસોમાં ડોકિયું કરતાં જણાશે કે વર્ડ્‌ઝવર્થની માત્ર સાહિત્ય પ્રત્યેની દૃષ્ટિમાંથી જ નહિ, પણ જીવન સમગ્ર પ્રત્યેની દૃષ્ટિમાંથી એનો વિશિષ્ટ કાવ્યવિચાર પરિણમ્યો હતો. ઈ. સ. ૧૭૯૧માં, ૨૧ વરસની ઉંમરે – કૅમ્બ્રિજમાં ઉપાધિ લીધા પછી – વડર્‌ઝવર્થે ફ્રાન્સનાં રાજકીય આંદોલનોમાં ખૂબ રસ લેવા માંડ્યો. સામાજિક વિષમતા એને ખૂંચવા લાગી. ફ્રેન્ચ વીરો સાથે એ સંપર્કમાં આવ્યો. ‘સપ્ટે. ૧૭૯૨ની કતલ પછી એ પૅરિસમાં જિરોન્ડિસ્ટ નેતાઓના નિકટના સંબંધમાં ફરી રહ્યો હતો. ડિસેમ્બરમાં એકદમ ઘેર ચાલ્યા આવવાનું કહેણ મળ્યું એથી જ એ નેતાઓ જે હાલ પામ્યા તેમાંથી એ બચી ગયો.’ પછીના બનાવોથી એણે આઘાત અનુભવ્યો. હવે એણે બનાવોને બદલે આંતર શ્રદ્ધામાં રસ લેવા માંડ્યો. અંદરઅંદર એ સમસમી રહ્યો, એના ‘આત્માએ છેલવેલ્લી એની ભારેમાં ભારે ઓટ અનુભવી.’ આમાંથી એને એની બહેન ડોરોથીએ અને ડોરસેટની વનશ્રીએ ઉગાર્યો (૧૭૯૫). વર્ડ્‌ઝવર્થનો આંતર જીવનપ્રવાહ કવિતા તરફ વળ્યો. ૧૭૯૭માં કોલરિજની સોબત ઉમેરાઈ. ૧૭૯૮માં બંને લિરિકલ બેલેડ્‌ઝ’ લઈને બહાર આવ્યા. તરુણ વયમાં વર્ડ્‌ઝવર્થના આત્માની જ્યોત ફ્રેન્ચ વિપ્લવથી જલી ઊઠી હતી તે એણે પછીથી પાછાં પગલાં ભર્યાં અને પીછે હઠવાદી થઈને બેઠો તોપણ કદી જ સદંતર બુઝાઈ નહોતી, બલકે એનાં બધાં જ ઉત્તમ સર્જનમાં એનો ઝબકાર વરતાયા વગર રહેતો નથી. વડર્‌ઝવર્થે તરુણ વયની રાજકીય-સામાજિક મહત્ત્વાકાંક્ષાઓમાં પછાડ ખાધી, સ્વતંત્ર સમાન માનવસમાજનાં એનાં સ્વપ્નાં ભાંગી ગયાં, તે પછી એની આંતરચેતનાએ મુખ્યપણે કવિતાને વાહન તરીકે સ્વીકારી એનો લાભ એની કવિતાને મળ્યો એટલો જ કાવ્યવિચારને પણ મળ્યો. એક વિદ્વાને કહ્યું છે તેમ. “ ‘લિરિકલ બેલેડ્‌ઝ’નો સિદ્ધાન્ત તે ભાવનાશીલ લોકશાહીનો સાહિત્યમીમાંસામાં કરેલો વિનિયોગ છે એમ ન જોવું એ અશક્ય છે.” વર્ડ્‌ઝવર્થની ઉત્તમ કવિતાના પાયામાં જે ભાવના છે તે જ એના કાવ્યવિચારના પણ પાયામાં છે. વર્ડ્‌ઝવર્થની કવિતાની ગંગોત્રીરૂપે ‘સબાર ઉપરે માનુષ સત્ય, તાહાર ઉપરે નાઈ’ એવી ચંડીદાસે ગાયેલી ભાવના જેવું જ કાંઈક (‘O Man, Earth’s Paramount Creature.’) જોવા મળે છે. મનુષ્યે મનુષ્યતાને પૂર્ણપણે ખીલવવા માટે પોતાને પ્રકૃતિને સાથે જીવંત સંપર્કમાં મૂકવાનો અનાયાસ વિકાસક્રમ સ્વીકારવો જોઈએ અને પ્રકૃતિનાં સૌ સત્ત્વો તેમ જ માનવજીવનનાં મહાન મૂલ્યો એ બધાં એક જ આધ્યાત્મિક ગોત્રનાં છે એ કવિએ વારંવાર પ્રબોધ્યું છે. વીર તૂર્સાંને કરેલા સંબોધનમાં એ ભાવ મંત્રોચ્ચાર રૂપે પ્રગટ થયો છે :

... air, earth and skies;
There’s not a breathing of the common wind
That will forget thee, thou hast great allies;
Thy friends are exultations, agonies,
And love and men’s unconquerable mind.

વર્ડ્‌ઝવર્થના કવિહૃદયને જગાડવામાં અને ઘડવામાં તત્કાલીન રાજકીય-સામાજિક બળોએ, ઉપર જોયું તેમ, ઘણો ભાગ ભજવ્યો છે, પણ એ કવિહૃદય તત્કાલીન સામાજિક પરિઘમાં જ પરિસીમિત રહ્યું નથી, એના સ્પંદનો મનુષ્યજીવનનાં સનાતન મૂલ્યોને સ્પર્શવા પ્રયત્ન કરે છે. અંગ્રેજી કવિતામાં બ્લેઈક, વર્ડ્‌ઝવર્થ, શેલી, બ્રાઉનિંગ જેવા કવિઓ પાસે આવીએ છીએ ત્યારે પ્રથમ વાર એના ઇતિહાસમાં દિવ્યતાની ઝલક કવિતા પર પથરાઈ હોય એવું જોવા મળે છે. વર્ડ્‌ઝવર્થની ઠીકઠીક ભાગની કવિતા સામાન્ય કોટિની છે, પણ જે ઉત્તમ છે તે માનવજાતિની એક ઉત્તમ વાઙ્‌મયસિદ્ધિ છે. આપણા દેશમાં જેને મંત્ર કહે છે તે કોટિની છે :

... And I have felt
A presence that disturbs me with the joy
Of elevated thoughts; a sense sublime
Of something far more deeply interfused,
Whose dwelling is the light of setting suns,
And the round ocean, and the living air,
And the blue sky, and in the mind of man

માનવહૃદય મળ્યું છે તેની ધન્યતા ગાતાં કવિ થાકતો નથી. એ હૃદયને લીધે તો આંસુ જે વિચારોનો તાગ પામી શકતાં નથી તે લઘુક અમથા કોઈ ફૂલડામાંથી ફોરી ઊઠે છે :

Thanks to the human heart by which we live,
Thanks to its tenderness, its joys and fears.
To me the meanest flower that blows can give
Thoughts that do often lie too deep for tears.

આવા મંત્રોચ્ચારને યોગ્ય વાહન પણ વડર્‌ઝવર્થે પોતાની આગવી સૂઝથી મેળવી લીધું. આડંબરભરી કવેતાઈ વાણીમાં મંત્રાવતાર અસંભવિત જ, મંત્ર તો પોતાની વાગ્ભૂષાસમેત જ પ્રગટ થયો હોય વડર્‌ઝવર્થે માત્ર તત્કાલીન જડ કાવ્ય-શૈલીના પ્રતિકારમાં નવીન શૈલી પ્રવર્તાવી એ રીતે કોઈ ‘નકારાત્મક આદર્શ’ના ખેડનાર તરીકે એના કાર્યને જોવું એ બસ નથી. ફ્રાન્સની રાજકીય-સામાજિક ક્રાન્તિના અગ્નિથી એની જીવનજ્યોત જલી ઊઠી એ સાચું, તેમ છતાં કેવળ સામાજિક બળોએ એના કાવ્યવિચારને પ્રવર્તાવ્યો છે એવું વર્ણન પૂરતું નથી. માનવવાણીને મંત્રોચ્ચારની કોટિએ પહોંચાડવા કવિહૃદયે આગવી સૂઝથી આવકારેલી શબ્દરચના માટેનો આગ્રહ પણ વર્ડ્‌ઝવર્થના કાવ્યવિચારમાં જોવો જોઈએ. એ પૂરતો એના કાવ્યવિચારમાં સત્યાંશ છે અને હંમેશ માટે અને બધી ભાષાઓ માટે છે. મૅથ્યુ આર્નલ્ડે ઉત્તમ કવિતાનું વાહન બની શકે એવી ‘ખુલ્લી નરી વેધક શક્તિ’ તરીકે એનો પુરસ્કાર કર્યો છે. ‘A homeless sound of joy was in the sky’ કે ન્યૂટનના વર્ણનની ‘Voyaging through strange seas of thought alone’ – જેવી અનેક પંક્તિઓમાં એ વાક્‌પ્રભાવ વરતાય છે. કેવળ બોલચાલની ભાષાનો પ્રચાર એ જ વર્ડ્‌ઝવર્થની લાક્ષણિકતા નથી. ડન અને એલિયટની હશે. લોકો સહેલાઈથી સમજે એવી શબ્દરચનાનો આગ્રહ (જે ગાંધીજીના ૧૯૨૦ની ગુજરાતી સાહિત્યપરિષદના વ્યાખ્યાનમાં જોવા મળે છે.) તે પણ એની વિશેષતા નથી. એને લોકગીતોની રુચિ ન હતી અને લોકબોલીથી એ દૂર ભાગતો. બર્ન્સને રસ્તે જવાનો એને માટે સવાલ જ ન હતો. પયગંબરના ઉત્સાહથી એણે ‘ગોથિક મંદિર’ સમા The Recluseની યોજના કરી હતી, જેનો એક ભાગ The Excursion અને ‘ઍન્ટિ-ચૅપલ’ સમું The Prelude એ જ માત્ર રચાયાં હતાં. નાનાં નાનાં કાવ્યો તે તો કવિને મન એ મંદિરની આસપાસની કુટિરો સમાં હતાં. આપણને, હરફર્ડ કહે છે તેમ, એ કુટિરો જ મુખ્યત્વે મનમાં વસે છે. પણ એ સૌ પેલાં વિરાટ ઉત્સાહનાં ઉપ-પરિણામો છે. માનવતાના શાંત વિષાદભર્યા સંગીત (The sweet sad music of humanity)ને પારદર્શક વાણીમાં રજૂ કરવામાં વર્ડ્‌ઝવર્થ જેટલી સફળતા બહુ ઓછા કવિઓને મળી હશે, અને એને માટે સદ્‌‌ગ્રાહપૂર્વક કાવ્યવિચાર પ્રવર્તાવ્યો હોય તો તે તો એક વડર્‌ઝવર્થે જ. આ રીતે જોતાં વર્ડ્‌ઝવર્થના વિશિષ્ટ કાવ્યવિચારમાં રહેલા સત્યાંશનો સ્પર્શ પામી શકાશે. એમાં રહેલી બીજી ત્રુટિઓ (દા. ત., સ્વભાવોક્તિ કવિતા થઈ ન શકે, વક્રોક્તિ જ થઈ શકે) કે કવિની નિર્બળતાઓ (૧૮૧૫થી પ્રસ્તાવનાને કવિએ ખસેડીને પરિશિષ્ટરૂપે મૂકી હતી, પોતે પણ ૧૬મા ૧૭મા સૈકાની સાહિત્યિક ભાષામાં રચનાઓ કરવા માંડી હતી. વગેરે) – એ ગૌણ વસ્તુઓ છે. ‘લિરિકલ બેલેડ્‌ઝ’ની ૧૮૦૦ની પ્રસ્તાવનામાં તીર છૂટી ગયું હતું અને સૌ કવિઓએ એમાં રહેલા ગંભીર સત્યનો સામનો કરવાનો રહેશે જ. એટલી વર્ડ્‌ઝવર્થના કાવ્યવિચારની બહુમૂલ્ય સેવા છે.[1]

મે ૧૯૫૦ પાદટીપ

  1. વર્ડ્‌ઝવર્થ મૃત્યુશતાબ્દિનિમિત્તે લખાયું.

Lua error in package.lua at line 80: module ‘strict’ not found.

(કવિની સાધના)