સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – ઉમાશંકર જોશી/વિવેચનના પ્રશ્નો

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૧૧. વિવેચનના પ્રશ્નો[1]

વિવેચન અંક

માગ્યું અને મળ્યું, અનાયાસે અને વિનાવિલંબે. પરિણામ આ અંક. અગાઉથી યોજના કરતા રહીને, ‘કુમાર’ના સંપાદક શ્રી બચુભાઈ રાવત વિશે બેધડક કહી શકાય તેમ, ૧૦૦મો-(કે ૧૦૧મો એકોત્તરશતાંક) વિશેષાંક પ્રગટ કર્યા પછી દ્વિતીયશતાંક માટે એક ખાનામાં વસ્તુઓ એકઠી કરતા રહીને પૂરી તૈયારી પછી બીજો વિશેષાંક આપવો એમ કરવું તો દૂર રહ્યું, બેત્રણ અઠવાડિયાંનો સમય આપીને લેખો મેળવ્યા. પ્રતિશબ્દ, એકંદરે, બહુ ઉત્સાહજનક મળ્યો. જે સામગ્રી આવી મળી (એકબે વસ્તુઓ અગાઉથી હાથ પર હતી), તેમાંથી આ ઘાટ ઊતર્યો. શ્રી મુનશી, શ્રી વિજયરાયભાઈ, શ્રી રામસેવકસિંહ અને શ્રી અચવલને વિષય ચીંધેલો. તેમના સિવાયના લેખો તે તે લેખકની પોતાની પસંદગીના છે. ઈશુના વર્ષ ૧૯૬૩ની અધવચ આપણા લેખકો પર અણધાર્યો છાપો મારતાં એમની વિવેચનચેતના કઈ રીતે કામ કરી રહેલી જોવા મળી તેનો નકશો અહીં મળશે. લેખકોને ન્યાય ખાતર ઉમેરવું જોઈએ કે થોડાક મહિનાનો સમય આપ્યો હોત તો પોતાનું ઉત્તમ એવું કાંઈક આપવાનું એમને સુકર બનત, આ રીતે તો તરત જે કાંઈ મગજ-વગું હોય તે જ તેઓ આપી શક્યા; જો કે કોઈ કોઈની બાબતમાં એ એમના ઉત્તમમાંનું નીવડી પણ આવે. સૌનો આભાર, – લેખો આપી શક્યા તેમનો અને લેખ ન આપી શકાયો તોપણ જેમણે સદ્‌ભાવ તો દાખવ્યો જ તેમનો. કેટલુંક પ્રગટ કરી શકાયું નથી તે માટે ક્ષમાપ્રાર્થી છું. નવવસ્યક વિવેચકો પાસેથી ઠીક ઠીક મળ્યું છે, તેમ છતાં કોઈ કોઈ પહોંચી શક્યા નથી એનો રંજ છે. ને કોઈને હું પહોંચી ન શક્યો હોઉં તેનો પણ. જેમ જેમ સામગ્રી મળતી ગઈ તેમ તેમ મનમાં ઘાટ વિચારતો રહ્યો. અંતે, આ રીતે સ્તબકો વાર ગોઠવીને લેખસામગ્રી રજૂ કરી છે. કોઈ જુદી રીતે પણ જરૂર ગોઠવી શકે. (શ્રી મણિયારનો લેખ શ્રી મનસુખલાલ ઝવેરીના લેખ પહેલાં મુકાવો જોઈતો હતો એટલું તો હું જ અહીં ટપકાવી લઉં.) કેટલાક લેખો બે કે ત્રણ સ્તબકમાંથી ગમે તેમાં વિરાજી શકે એવું પણ હોવાનું.

બે વિગતો

એક બે વસ્તુ તરત ધ્યાન ખેંચે એવી છે. આ અંકમાં અવલોકનો ઈન-મીન છે. અને નર્મદયુગ પૂર્વેના ગુજરાતી લેખકો વિશે આ અંક માટે લખાણ મળ્યું નથી. અકસ્માત આમ બન્યું છે.૨[2]

અવલોકન

સાચું કહું? ‘સંસ્કૃતિ’નો વિવેચનઅંક તો થતાં થઈ ગયો પણ વરસોથી મનસૂબો તો રહ્યો છે અવલોકન-અંક આપવાનો. અવલોકન એ આપણાં બધાં માસિકોનું લૂલું અંગ છે – એ હકીકત ‘સંસ્કૃતિ’ માટે આશ્વાસનજનક નહિ પણ ઊલટી વધુ ચિંતાપ્રેરક રહી છે. કાંઈક શરમ પણ એ અંગે અનુભવી છે. ખાસ તો એટલા માટે કે માસિકોમાં ગ્રંથાવલોકનો આપવાની આપણે ત્યાં જ્વલંત પ્રણાલી છે. ગુજરાતથી દૂર કાશીહિંદુવિદ્યાપીઠના સંચાલનમાં વરસો સુધી રોકાયેલા રહેલા, સતત તત્ત્વજ્ઞાન, ધર્મ જેવા વિષયોમાં મોટેભાગે ઓતપ્રોત રહેનારા, આચાર્ય આનંદશંકરનાં અવલોકનો પણ સારી સંખ્યામાં થવા જાય છે. ‘સાહિત્ય’ના તંત્રી સદ્‌ગત મટુભાઈ કાંટાવાળા શીઘ્રસમીક્ષાના પક્ષપાતી હતા. ‘કાવ્યમંગલા’ પ્રગટ થતાં ‘સાહિત્ય’માં—અમે તો ‘પ્રસ્થાન’માં ‘સુન્દરમ્‌’ની સહીથી આવતાં કાવ્યો તેના વિદ્વાન તંત્રીનાં આજ સુધી માનતા હતા—એ જાતનો, યુવક સુન્દરમ્‌ની કૃતિઓની પ્રૌઢિને એક ઝબકારે પ્રગટ કરી દેનારો, ઉદ્‌ગાર હતો તે વીસરી શકાતો નથી. હિંદની ભાષાઓમાં, દા. ત., ૧૯૬૨ના વરસમાં, પુસ્તકો પ્રગટ થયાં તેમાં સંખ્યાદૃષ્ટિએ અંગ્રેજી (૯,૩૬૧), હિંદી (૨,૮૦૫), બંગાળી (૨,૦૪૩), મરાઠી (૧,૦૩૮) પછી ગુજરાતી (૯૯૬) પાંચમી છે. છતાં પાછા વળીને તે તે વરસની સાહિત્યપ્રવૃત્તિ ઉપર નજર કરીએ છીએ તો ‘શકવર્તી’ ગ્રંથ કેટલા પ્રગટ થયાનું જોવા મળે છે? ખાસ કરીને સર્જક કૃતિઓ મળવા અંગે કોઈ સુનિશ્ચિત કાર્યકારણસંબંધ નિરૂપવો શક્ય નથી. તેમ છતાં એલિયટ જેવા કહે છે તેમ ઉત્તમ સર્જનયુગ એ ઉત્તમ વિવેચનયુગ પણ હોય છે. વિવેચનયુગના નિર્માણમાં અવલોકનો ઉપકારક થઈ શકે. અવલોકન રચાતા સાહિત્ય વિશે વાચકોને મદદરૂપ નીવડી શકે, લેખકને પણ પોતાની કૃતિને જોવાનું એક દૃષ્ટિબિંદુ આપી શકે. સાહિત્યક્ષેત્રમાં ધીખતી વિવેચનપ્રવૃત્તિ ચાલતી હોય તો અવલોકનોની ઊણપ તો ન જ વરતાવી જોઈએ. બધાં અવલોકનો પાછળથી ગ્રંથસ્થ કરવાનાં ન હોય, કેમ કે કેટલાંક ટૂંકાં અને ક્યારેય અછડતાં પણ હોવાનાં (દા. ત., બી.બી.સી.ના ‘લિસનર’નાં ટૂંકાં પણ માર્મિક અવલોકનો). આપણે ત્યાં ગ્રંથસ્થ થતાં હોય છે એ આ વિષયમાં આપણી આરંભદશાને આભારી છે. પણ કેટલાંક અવલોકન તો જરૂર એવાં હોય જે સો વરસે પણ વાસી ન થાય. ‘ન્યૂયોર્ક ટાઇમ્સ’ની સાહિત્યપૂર્તિના શતાબ્દી અંકમાં એણે સો વરસની યાત્રામાં પુસ્તકોની સમીક્ષાઓ કરેલી તેમાંથી કેટલીક પુનર્મુદ્રિત કરવામાં આવી હતી. લંડનના ‘ટાઇમ્સ લિટરરી સપ્લીમેન્ટ’ના અર્ધશતાબ્દીઅંકે પણ તેમ કરેલું. એણે થોડાં વરસ પહેલાં અમેરિકન અને ફ્રેન્ચ સાહિત્ય અંગેની પૂર્તિઓ પણ કાઢેલી. એ પૂર્તિઓમાં એવાં અવલોકનો જોવા મળે છે, જે ત્રીસ-ચાળીસ વરસ પૂર્વે, એ વખતે અજાણ્યા પણ આજે ખૂબ જ જાણીતા થયેલા, લેખકોનાં પુસ્તક વિશે લખાયેલાં છે અને આજે પણ એમને પૂરતો ન્યાય કરનારાં છે. લંડન ‘ટાઇમ્સ’ની સાહિત્યિક પૂર્તિમાં તો અવલોકન કરનારનું નામ ન આપવાનો શિરસ્તો છે, પણ દસકાઓ પછી નામ જાણવા મળે છે ત્યારે તે કોઈ નીવડેલા સુપ્રસિદ્ધ વિવેચકનું નીકળે છે અને સામાન્ય રીતે એની વિવેચકકીર્તિને એ અવલોકન વરસો વીત્યા પછી પણ લેશમાત્ર ઝાંખી કરનારું નીવડતું નથી. અવલોકન લખવાં સહેલ નથી. વિવેચનસિદ્ધાન્ત સીધા આપવાને બદલે, અવલોકનમાં એનો વિનિયોગ કરવાનો રહે છે. વરસો સુધી દર અઠવાડિયે કાંઈ ને કાંઈ સમીક્ષા આપનાર સેઈન્ટ બવના નીચેની મતલબના શબ્દો વાંચ્યાનું સ્મરણ છે : હું ચાર દિવસ પુસ્તકનું સેવન કરું છું, પાંચમે દિવસે એને વિશે લખું છું, છઠ્ઠે દિવસે એને સેવું છું, અને સાતમે દિવસે એવો લોથપોથ થઈ ગયો હોઉં છું કે આરામ કરું છું – કબરમાંથી મારી માતા આવે તો તેને પણ કહેજો કે મળી નહિ શકું. એક અવલોકન એટલે અઠવાડિયાનો અર્ક, ક્યારેય કોઈ અધ્યાપકની એક આખી વેકેશનનો. માસિક દ્વારા સાહિત્યિક પત્રકારત્વનો ઊંચો આદર્શ શ્રી વિજયરાયે આપણા જમાનામાં સારી રીતે ખેડેલો છે. સાપ્તાહિકોમાં ‘પ્રજાબંધુ’એ અને દૈનિકોમાં ‘જન્મભૂમિ’એ – સદ્‌ગત મેઘાણીભાઈના ‘કલમ અને કિતાબ’ના સ્તંભો દ્વારા – એ આદર્શની યથાશક્ય માવજત કરી છે. મેઘાણીભાઈમાં સાહિત્યપદાર્થ માટે એટલી ભક્તિ હતી અને એવી આંતરસૂઝ હતી કે એમની સાહિત્યકથા એમના ગમાઅણગમાની ઉપર જઈ વાચકોમાં સાહિત્યરુચિ પ્રગટાવનારી અને કેળવનારી નીવડતી. શ્રી વિજયરાયની સાહિત્યચર્ચા માટેની સજ્જતા અને ચર્ચ્ય વિષયમાં અનુપ્રવેશ તરત આકર્ષણ જન્માવે એવાં જોવા મળે છે. શ્રી વિજયરાય અને મેઘાણીભાઈની આ વિશિષ્ટ સેવાઓને ટપી જવાનું તો ઠીક પણ તેમણે આંકેલી કક્ષાએ પહોંચવાનું અને ટકી રહેવાનું પણ તે પછી વારંવાર બન્યું નથી એ દુઃખની વાત છે. પત્રકારત્વ હજી આપણે ત્યાં લગભગ અવિકસિત દશામાં છે. આજના પત્રકારત્વની મર્યાદામાં રહીને સાહિત્યિક પત્રકારત્વને પણ જીવવાનું. જો કે સાહિત્યિક પત્રકારત્વ પોતાનો સ્તર ઊંચો રાખે – જાળવે તો એને જગા આપનાર તે તે પત્ર એની આડે આવે જ એવું ન પણ હોય. વર્તમાનપત્ર છે આ તો, આમાં સાહિત્યકથા રસિક નહિ બનાવીએ તો લોકો એની પ્રત્યે આકર્ષાશે નહિ – એવું વલણ કદાચ તરત જામતું હશે. રાજકારણમાં અન્ય પક્ષની કોઈ વ્યક્તિને નિમિત્ત કરી વર્તમાનપત્રો લોકપ્રિયતા માટે વલખે છે એવું સાહિત્યિક પત્રકારત્વમાં પણ ધીમે ધીમે થવાનું. ચારિત્ર્યવધ (character assassination)ના પ્રયત્નો કરવાની લાલચ સાહિત્યક્ષેત્રમાં પણ રોકી શકાવાની નહિ. વેપારી દૃષ્ટિથી માલ ધપાવવાની લાલચ પણ બહોળા ફેલાવાવાળા દૈનિક પત્રકારત્વને રહેવાની. આ બંને લાલચો ઉઘાડી હોઈ એકંદરે ઝાઝું નુકસાન કરનારી ન નીવડે, કેમકે વિવેચન કરતાં એ કંઈક બીજું જ છે એ મનોમન સૌ સમજતું હોય છે. પણ વધુ ભયંકર તો છે કૃતક વિવેચન – (pseudo-criticism) ની કેટલીક રીતિઓ, જેમાં બે ખાસ નોંધપાત્ર છે. પત્રકારત્વમાં ‘story’ – નવીન વૃત્તાન્ત-નો મહિમા છે. સાહિત્યિક પત્રકાર પણ ગ્રંથ કે ગ્રંથકાર પ્રત્યે ‘સ્ટોરી’ની લાલસાથી જોતો થઈ જાય તો દૈનિકોના વાચકો માટે કશુંક નવતર પીરસણ જરૂર લઈ આવે, પણ એને સાહિત્ય સાથે ઝાઝો સંબંધ નયે હોય. સાહિત્ય ‘માટે’ આદર કે રસ ઉપજાવવાની નેમ નહિ, સાહિત્ય ‘વડે’ રસ ઉપજાવવો અને ક્ષણભર રંજન કરવું એ નેમ હોય છે. વાચકોને કશુંક રોચક જ આપવાનું નથી, સુ-રુચિયુક્ત (એટલે કે સાહિત્યિકરુચિયુક્ત) આપવાનું છે, એનું વિસ્મરણ ન થવું જોઈએ. કૃતક-વિવેચનનો બીજો પ્રકાર સામાન્ય વાચકથી પકડાવો પણ મુશ્કેલ છે, કેમકે તેમાં વિવેચનનો આભાસ સારો એવો હોય છે. આખો વખત સાહિત્યની જ વાત ચાલતી હોય એવો દેખાવ થતો હોય છે. પુસ્તકમાંથી જ અથવા બીજેથી ઉપાડેલી માહિતીનું ચતુરાઈથી ગુંફન કરીને ચૉવટરસ સારી પેઠે જમાવવામાં આવે છે. માત્ર એમાં સાહિત્ય પદારથ પ્રત્યે ભક્તિ પ્રેરવાનો ઉપક્રમ હોતો નથી, કેમકે લખનારમાં એ છે કે કેમ એ જ શંકાની વાત લાગે છે. આપણાં કેટલાંક – કદાચ નોંધપાત્ર બધાં – વર્તમાનપત્રો સાહિત્યને અઠવાડિયે એક વાર જગા આપે છે. એ બધાંમાંથી વરસને અંતે સાચવવા જેવું કેટલું નીકળ્યું, સાહિત્યરુચિ ઘડવામાં એ પાનાં કેટલે અંશે ઉપકારક નીવડ્યાં, એ દૃષ્ટિએ એની સમીક્ષા કોઈએ કરવી તો જોઈએ.

પ્રાગ્‌-અર્વાચીન ગુજરાતી સાહિત્યની માવજત

એક છેડે છાપાંળવું વિવેચન છે તો બીજે છેડે છે સાક્ષરી વિવેચનો, જે વિશ્વવિદ્યાલયોમાં ફાલવાનો વધુ સંભવ. આપણે ત્યાં ગુજરાતીના અધ્યાપનમાં ઉત્તરોત્તર મોટા પાયા પર ભરતી થતી જાય છે. ગુજરાતીના પ્રથમ અધ્યાપકો કેશવલાલ ધ્રુવ અને નરસિંહરાવનો વિદ્યાકીય વંશવેલો એ રીતે વધતો જાય છે, પણ એ બે વિદ્વાનોની જેમ આખોય ગુજરાતી સાહિત્યવારસો તપાસી વળવાનું વલણ જવલ્લે જ દેખાય છે. નર્મદની પેલી બાજુ નજર ઓછાની જાય છે. જુદા જુદા અભ્યાસીઓ કોઈ ને કોઈ જૂનો યુગ, અરે લેખક, પસંદ કરીને ખીલી ખોડે ને વરસો સુધી કામ કરતા રહે ને જે મળે તે રજૂ કરતા રહે, તો જોતજોતાંમાં સારોય ઇતિહાસપટ સુરેખપણે સ્પષ્ટ થઈ જાય. આ દિશામાં કામ થવા માંડ્યું છે, પણ હજી ઘણું વધુ થવાની જરૂર છે. આ પ્રવૃત્તિ મુખ્યત્વે અભ્યાસ-પ્રધાન રહેવાની. સાહિત્યિક વિવેચનની કક્ષાએ થોડાંક જ અધ્યયનો અથવા અધ્યયનઅંશો પહોંચી શકે. સામયિકોમાંના વિવેચનને સાહિત્યક વિવેચન સુધી પહોંચવા આડે મર્યાદા છે, તેમ વિદ્યાકીય (academic) વિવેચનને પણ પોતાની મર્યાદા છે. પણ પત્રકારત્વ સાથે જોડાયેલા વિવેચનને સમસામયિક વલણોની તાજગી અને સ્ફૂર્તિનો લાભ છે, તેમ વિદ્યાકીય વેવચનને ઇતિહાસસંદર્ભમાં વિવેચ્ય વસ્તુને જોવાની તક છે. આશા રાખીએ કે પ્રેમાનંદ અને નરસિંહ જેવાની કાવ્યસિદ્ધિને નાણી જોવા હર જમાને વિવેચકો આગળ આવવાના. યુવક ગોવર્ધનરામે ‘ક્લાસિકલ પોએટ્‌સ’ ઉપરના વ્યાખ્યાનનિબંધમાં શામળ વિશે દ્યોતક દૃષ્ટિબિંદુઓ રજૂ કરતાં જે થોડાંક પૃષ્ઠ લખ્યાં છે તે, એમની સાથે સંમત થવા ન-થવાની વાત બાજુ રાખીને બોલતાં, આપણા વિવેચનના ઇતિહાસમાં એક અનોખું પ્રકરણ છે.

‘ટીકા’-કાર

નર્મદે ‘ટીકાવિદ્યા’ની વાત કરી અને ટીકા, ટીકાકાર, એ શબ્દો પ્રચારમાં મૂક્યા. ટીકાનો મૂળ સંસ્કૃત અર્થ તો નિર્દોષ છે : ટીકા-ટિપ્પણી. પણ કોણ જાણે આપણી ભાષામાં એ શબ્દ સાથે હીણપણનો ભાવ જોડાઈ ગયો છે. અંગ્રેજી ‘ક્રિટિક’ શબ્દમાં પણ એવું છે – એને લીધે ગુજરાતીમાં પણ હશે? ‘વિવેચક’ શબ્દમાં, સદ્‌ભાગ્યે હજી સુધી તો, એ ભાવ ઊતર્યો નથી. ‘અંગ્રેજ કવિઓ અને સ્કૉટિશ ટીકાકારો’ જેવા દાખલામાં જોવા મળે છે તેમ, ટીકાકારો ક્યારેક પરપીડનવૃત્તિમાં રાચતા જોવા મળે પણ છે. રાજશેખરે વાચકોના પ્રકારો ગણાવતાં ‘મત્સરી’નો ઉલ્લેખ પણ કર્યો છે. એવો વાચક મત્સરથી જ, ઉતારી પાડવાની નેમ રાખીને જ, અન્યની કૃતિ વાંચતો હોય છે. તેમ છતાં, માણસ દરેક વખતે કાંઈ ને કાંઈ ‘ટીકા’ કરવા પ્રેરાતો હોય અને મત્સરગ્રસ્ત ન હોય તેમ બેજવાબદાર પણ ન હોય એવું બને. દરેક સાહિત્યિક ઉન્મેષ અંગે પોતાનો પ્રતિભાવ વ્યક્ત કરવો અને એમાં કાંઈ ‘ટીકા’ કરવાવારો આવે તો સહજભાવે કર્યે જવી એ વિવેચકનું કામ છે. એક વિવેચક સાથે શ્રી વિજયરાયે ‘પ્રહારક’ શબ્દ જોડ્યો છે. પ્રહારચક્ર તો પાછું વળીને સામાન્ય રીતે પ્રહારકને જ વાગતું હોય છે. કલમ તલવાર કરતાં વધુ બળવાન છે; હા. પોતાની ગરદન કાપવામાં તો અચૂક. સાચા કે કાચા કોઈ પણ વિવેચકે એ કદી જ ભૂલવાનું નથી કે પોતાના બોલનો પણ તોલ થવાનો છે. પોતાના વિવેચનની પણ વિવેચના કરવાવાળા નીકળવાના જ. ઉચ્છેદક વિવેચકો પણ હોવાના. નીંદામણ કરવું પડે છે એને ઉચ્છેદકપ્રવૃત્તિ નહિ પણ રક્ષકપ્રવૃત્તિ કહેવી જોઈએ. જેનું ઉચ્છેદન નીંદામણના પ્રકારનું નથી અથવા જે કદી જ કંઈ નવું રોપતો નથી તે ઉચ્છેદક વિવેચક. ઈશુના શબ્દો છે : I did not come to demolish, but to complete. વિવેચક પણ નર્યા ઉચ્છેદન અર્થે આવ્યો હોતો નથી, પૂર્ણતા અર્પવા એ આવ્યો હોય છે. હમણાં એક વિવેચન-ઇતિહાસકાર જૉર્જ વૉટસને વિવેચકના વિક્ષેપક-ધર્મની વાત કરી છે. કોઈ વિવેચક માત્ર વિક્ષેપક હોય છે. વાત ચાલતી હોય તે સાંભળી લીધી, એમાં એને રસ નથી, પોતાનું જ એ ગાય છે, ચાલતી વાતનો તંતુ તોડી નાખે છે અને નવે પાટે વાતને વાળે છે. એને જે કહેવું છે -એની છાતીમાં જે ઊભરાતું હોય છે તેનો ચાલતી વાત સાથે મેળ જ બેસે એમ નથી. સાંભળો, ભાઈ, – કરીને એ બેધડક બોલવા માંડે છે, અ – ને સૌ એનું સાંભળે છેય તે. કોઈ કોઈ વિવેચકને ઉશ્કેરક, ઉદ્વેજકનો ભાગ પણ ભજવવાવારો આવે છે (જુઓ એઝરા પાઉન્ડનાં ‘Instigations’, ‘Irritations’), પણ અંતતોગત્વા એની પ્રવૃત્તિ નરી રચનાત્મક હોઈ શકે છે.

હમ ભી ‘સર્જક’

સૌ સર્જકોને અમે ઉચ્ચાવચ ક્રમ આપીએ, ઉતારીએ-ચઢાવીએ, કોઈ કોઈ સર્જકો અમારા અભિપ્રાયની કદર—અરે ગરજ પણ—દાખવે, ને અમે એમનાથી ઊતરતા? – અમે પદ આપનારા, અમારું પદ તે નીચું હોય? – આવી કોઈ ગ્રંથિમાંથી કે પછી ‘નિષ્ફળ કવિ વિવેચક બને’ એ ન્યાયે બનેલા વિવેચકની સર્જક થવાની અબળખા સંતોષાવા માગતી હશે એટલા કારણે જ વિવેચક પણ સર્જક છે એ વાદ નીકળ્યો હશે એમ ન માનીએ. મને લાગે કે ‘સર્જન’ શબ્દનો અર્થ શો કરો છો એનો આ પ્રશ્ન છે. કોઈ માણસ સહૃદયપણે પૂછી શકે કે – ઉત્તમ કાવ્યગ્રંથને તમે સર્જક કૃતિ લેખો છો તો એક ઉત્કૃષ્ટ વિવેચનગ્રંથને (દા. ત., બ્રેડલીના શેઇકસ્પિઅરની ટ્રૅજિડિઓ ઉપરના પુસ્તકને) માનવીની સર્જક શક્તિનો આવિષ્કાર ન લેખો? ઍરિસ્ટોટલનાં લખાણો, શાંકરભાષ્ય, આઇન્સ્ટાઇનની ફૉર્મ્યુલા – એ બધાં જ માનવચિત્તની સરજતો છે – અમોલી સરજતો છે, પણ કોઈ એમને ‘સર્જનો’ કહી કલાસર્જનોના વર્ગમાં મૂકતું નથી. વિવેચન પણ માનવચિત્તની નીપજ છે, અને ગુણવત્તામાં એ ઉત્કૃષ્ટ બેશક હોઈ શકે, પણ ‘કલાસર્જન’ના વર્ગમાં એને મૂકવાનો પ્રયત્ન કરનાર તો, કહેવું જોઈએ કે, ઘર ભૂલે છે. (ઘણા બધા કવિઓની રચનાઓ કરતાં કોઈ કોઈ વિવેચકનું લખાણ ઊંચેરી કક્ષાનું જોવા મળે અને સમકાલીનોમાં કોઈ કોઈ વાર વિવેચકનો ઉપર હાથ જોવા મળે, તોપણ એ વીસરવું ન ઘટે કે દુનિયા સમક્ષ કાવ્ય નાટક આદિ સર્જનસાહિત્યે જે ટોચ સિદ્ધ કરી છે તે વિવેચને કરવી બાકી છે. મૅથ્યુ આર્નલ્ડને કહેવું પડ્યું : ‘વિવેચકશક્તિ સર્જનશક્તિ કરતાં નિમ્નતર કક્ષાની છે.’) ‘સર્જન’ શબ્દ એક બીજી રીતે પણ શિથિલતાથી પ્રયોજાતો જોવા મળે છે. વીસમી સદીના આરંભમાં સ્પિન્ગર્ને સર્જક વિવેચના (Creative Criticism) માટે જિકર કરી. વિવેચન અનેકવિધ આળપંપાળમાં ફસાતું જતું હતું. શાસ્ત્ર-નિયમોની ચુંગાલ, જડ નીતિવાદની યંત્રણા, ઐતિહાસિકતાની ચોકઠાબંધી – બધામાંથી બહાર નીકળી આવીને મોકળાશભર્યા વાતાવરણમાં કાવ્યપદારથને આસ્વાદવામાં જ રચ્યાપચ્યા રહેવાનો આગ્રહ બે વિશ્વયુદ્ધ વચ્ચેના ગાળામાં ‘નવ-વિવેચના’(New Criticism) એ કર્યો. આ જરૂરી હતું અને વિવેચનના કેન્દ્રીય કર્તવ્ય ઉપર એ રીતે ભાર મુકાયો એ ઠીક જ થયું. વિવેચના કાવ્ય સાથે કામ પાડતાં સૂક્ષ્મતાથી કાવ્યના તારેતાર સાથે ગૂંથાય અને પટુકરણતાપૂર્વક અનેક પ્રસ્તુત વીગતોની નોંધ કરી લાવે એ ઇષ્ટ છે, પણ એટલા કારણે એ સર્જક વ્યવસાય બની જતો નથી. એલિયટે એક વાર કહ્યું હતું : “હું એ વસ્તુ સિદ્ધ તરીકે ગૃહિત કરીને ચાલ્યો છું કે સર્જન, એક કલાકૃતિ, તે આત્મનિર્ભર-આત્મહેતુક (autotelic) છે, અને વિવેચન, વ્યાખ્યાથી જ, પોતાના સિવાયની કોઈ બીજી વસ્તુ વિશે છે.” કોઈ દલીલ કરી શકે કે કાવ્ય જીવન વિશે હોય છે તેમ વિવેચન કાવ્ય વિશે હોય છે; બંને સર્જન શા માટે નહિ? કાવ્ય જીવનમાંથી વસ્તુઓ લે છે પણ પોતાના હેતુ માટે રૂપાન્તર કરે છે, જ્યારે વિવેચનનો અને સાહિત્યકૃતિનો એ જાતનો સંબંધ નથી. વિચારકો પણ આ પ્રશ્ન અંગે ગૂંચવાય છે તેમાં કાવ્યના સર્જન-ભાવનની પ્રક્રિયા અને ભાવન પછીના ખુલાસા કે અહેવાલને સેળભેળ કરી દેતી ગેરસમજણ કારણભૂત હોવા સંભવ છે. સર્જક કવિની કવિસંવિદ કાવ્યકૃતિના રસાસ્વાદની ક્ષણે ભાવકમાં પણ પ્રગટે છે, એ ક્ષણ કે ક્ષણાર્ધ માટે તો કવિ અને ભાવક એકરૂપ છે, કહો કે બંને સર્જક છે. ભાવન એ સર્જન – બલકે પુનઃસર્જન છે. પણ કૃતિના પ્રત્યક્ષ આસ્વાદન પછી એ ભાવનનો અહેવાલ આપવા માંડ્યો ત્યાં બુદ્ધિનો ઇલાકો શરૂ થઈ ચૂક્યો. વિવેચન એ કવિ અને ભાવક એ બંનેની સર્જનપ્રવૃત્તિને વિષય કરે છે પણ પોતે છે એ દ્વિવિધ સર્જનપ્રવૃત્તિનો યથાશક્ય બૌદ્ધિક આલેખ.

બીજા છેડાની ભૂલ : વિવેચન, વિજ્ઞાન?

વિવેચનનો કલાસૃષ્ટિમાં સમાસ થવો શક્ય નથી, એનો અર્થ એ નથી કે સામે છેડે જઈને વિવેચનને વિજ્ઞાનમાં ખપાવવાનો (મૅક્સ ઇસ્ટમન જેવાની જેમ) પ્રયત્ન કરવો. વિવેચન એ વિજ્ઞાનપ્રયોગશાળાની નીપજ નથી જ, કેમકે એને પ્રમાણભૂત બનાવનાર પાયાનું તત્ત્વ છે વિવેચકને થયેલો કલાકૃતિનો અંગત આનંદાનુભવ અને એની કિંમત છે વિવેચકે વ્યક્તિ તરીકે કરેલું એ મૂલ્યાંકન છે એમાં. વિજ્ઞાનની અનેક શાખાઓનો (માનસવિજ્ઞાન, શબ્દાર્થવિજ્ઞાન આદિનો) લાભ એ અવશ્ય લેશે, પણ એ સ્વયં વ્યક્તિરંગી અને મૂલ્યોમાં રાચનારું હોઈ વિજ્ઞાન હોવાથી ઘણું દૂર છે. કોઈએ એથી વિવેચનને ‘મોજીલું વિજ્ઞાન’ (the gay science) કહ્યું છે. કલા એ વિવેચનમાં જીવાતુભૂત છે અને વિજ્ઞાન એને સતત ઉપકારક છે, એથી જ પ્રો. બલવંતરાયે એને યોગ્ય રીતે ‘કલાસખી, શાસ્ત્રસખી’ તરીકે ઓળખાવી છે, પણ એ પોતે નથી તો કલા, નથી વિજ્ઞાન. અને છતાં એનું પોતાનું કામ કે અર્પણ ઓછું નથી.

વિવેચનનું કર્તવ્ય : આસ્વાદમૂલક અવબોધકથા

વિવેચનનું મુખ્ય કામ કલાકૃતિને કલાકૃતિ તરીકે પામવામાં – એનો આનંદ અનુભવવામાં – મદદરૂપ થવાનું છે. ઉપરના મથાળા હેઠળ એક નાનોમોટો નિબંધ લખી નાખવાની અહીં ઇચ્છા નથી. મૅથ્યુ આર્નલ્ડનો નિબંધ છે જ. અને તેત્રીસ વરસ પછી પોતે જેને માંડી વાળ્યા ખાતે નાખ્યો તે ટી. એસ. એલિયટનો પણ ક્યાં નથી? (વિવેચન-પદારથ વિશે અતિકથન ન થઈ જાય એ સામે આ કાંઈ જેવીતેવી ચેતવણી નથી.) એલિયટે પાછળના બીજા એક લેખ(The Frontiers of Criticism)માં સાહિત્યના અવબોધ અને આસ્વાદ (understanding and enjoyment) બઢાવવાનું વિવેચનનું કર્તવ્ય છે એમ કહ્યું અને ‘વિના-અવબોધ નહિ આસ્વાદ’એ બતાવી અવબોધની પ્રતિષ્ઠા કરી પરંતુ અવબોધની ફલશ્રુતિ આસ્વાદમાં છે એની ઉપર ઘટતો ભાર પણ મૂક્યો. પહેલો લેખ પોતે લખ્યો ત્યારે આસ્વાદલક્ષી વિવેચન (ઇમ્પ્રેશનિસ્ટિક – પ્રભાવવાદી વિવેચનનો) અતિરેક પ્રવર્તે છે એમ કહી બંને છેડે થતા અતિચારોથી એ અકળામણ પણ વ્યક્ત કરે છે. અવબોધમાં મદદરૂપ થવા શબ્દાર્થ આપવાની પદ્ધતિ સાહિત્યમાં પ્રાચીન કાળથી છે. પણ કાવ્યમાં જે શબ્દ મળે છે તે કોશમાંના એના અર્થનો વાહક રહેવા પામ્યો જ ક્યાં હોય છે જે? કાવ્યમાં શબ્દના કોશગત અર્થને જાણી જોઈને ચેરવામાં આવ્યો હોય છે, બીજા શબ્દોના અર્થના તીવ્ર પ્રકાશમાં એ શબ્દ અર્થ માટે આંખો ચોળતો જોવા મળે, ક્યારેક એની અર્થ-દ્વિધા કે અર્થ-ત્રિધાનો કાવ્યમાં પૂરો લાભ લેવાયો હોય, ક્યારેક એ બિલકુલ અ-પારદર્શક બની બેઠો હોય, આખા સંદર્ભની આભામાં કોઈ નવતર અર્થ-સ્મિતથી ચમકી ઊઠતો પણ એ દેખાય, – આવું બધું હોય ત્યાં કોશગત શબ્દાર્થ આપવાથી અવબોધનું કામ સરશે એમ શી રીતે મનાય? ટૂંકામાં, અવબોધથી આસ્વાદ સુધી પહોંચવાનો પ્રપંચ જ ભૂલભરેલો છે. કાવ્ય જીવે છે આસ્વાદમાં. કાવ્યનો રસ એ સ્વ-સંવેદ્ય છે. વિવેચકે જાતે કાવ્યનો રસ આસ્વાદ્યો છે તે હકીકત જ એને કાવ્ય વિશે બોલવાને પાત્ર બનાવે છે. એ આસ્વાદના પ્રકાશમાં અવબોધ અંગેની વાતો વિવેચકે કરવાની છે. સંભવ છે કે એ વાતો બીજા ભાવકોને એ કલાકૃતિ આસ્વાદવામાં ઉપકારક નીવડે; એ કલાકૃતિ પૂરતી જ ઉપકારક નીવડે એવું નહિ, જો આ એક દાખલો એ યથાર્થ રીતે નિરૂપે તો કાવ્યમાત્રમાં અવબોધનાં (સંઘટનસૂત્ર પકડવું વગેરે) કોઈ કોઈ તત્ત્વ અંગે ભાવકને એ જાગ્રત કરી શકે, અવબોધનું વ્યાકરણ એની દૃષ્ટિમાં આણી આપી શકે અને બીજી અણવિવેચાયેલી કલાકૃતિઓને પણ આપમેળે આસ્વાદતો કરવામાં એને મદદરૂપ બની શકે. છેવટે તો, બર્કે એક વાર કહી નાખ્યું હતું તેમ, દરેકે પોતાને માટે પોતે વિવેચક બનવાનું છે. વિવેચકનું કર્તવ્ય આસ્વાદ કરાવે એવું કશુંક કાવ્યાભાસી લખવાનું નથી, પણ પોતે કલાકૃતિનો આસ્વાદ કર્યો છે તેના અનુલક્ષમાં અવબોધની વીગતો નિરૂપવાની છે. વિવેચન આવી આસ્વાદમૂલક અવબોધ-કથા હોય તો જ અન્ય ભાવકને એ કૃતિનો આસ્વાદ કરતી વખતે મદદરૂપ નીવડી શકે. વિવેચન એટલે આસ્વાદમૂલક અવબોધકથા. અવબોધની વાત વિવેચક પોતે મેળવેલા આસ્વાદને સતત ડગલે ને પગલે વશ વર્તીને કરતો હશે, તો બીજી વિદ્યાઓની તાલીમ અને માનવજાતિના અદ્યયાવત્‌ જ્ઞાનસંભારનો સંદર્ભ પણ એમાં એને યથાશક્ય ઉપકારક જ નીવડશે. આસ્વાદમૂલક અવબોધકથાનું લક્ષ્ય પોતે કોઈક ‘આસ્વાદ’ આપતા રહીને કાવ્યનું સ્થાન લેવાનું નથી, પણ વાચકને તે કાવ્યનો સ્વયં આસ્વાદ લેવા પ્રેરવાનું – અને આસ્વાદ લેવામાં યત્‌કિંચિત્‌ પણ મદદરૂપ નીવડી શકાયું હોય તો કૃતાર્થતા અનુભવવાનું છે. કોઈ એક કાવ્યકૃતિ ઉપરનાં તમામ વિવેચનોનો સરવાળો એ પણ કવિતાનો નિઃશેષ અર્થ નથી, કાવ્યનો અર્થ – કાવ્યાર્થ એ તો દરેકે પોતે અનુભવવાનો છે – તે તે કાવ્યના સંપર્કમાં જાતે મુકાઈને – આ વાત વિવેચનાએ કદી વીસરવાની નથી. વિવેચકના કાર્યની મુલવણી એણે છેવટે કેટલી કૃતિઓને, કેટલા કર્તાઓને, કેટલા યુગખંડને, કેટલાં સાહિત્યવલણોને પામવામાં ફાળો આપ્યો એ ઉપરથી થવાની.

ઉદારરુચિ વિવેચક

વિવેચકમાં સાહિત્ય માટે સમુદાર અભિરુચિ જોઈએ. પોતાની કે પોતાના વળનાઓની રચનાઓ સિવાયની માટે નર્યો અભાવો કોઈ સર્જક દાખવે તો હજી સમજી શકાય, વિવેચકમાં એ મોટી ઊણપ બની રહે. મૅથ્યુ આર્નલ્ડ પોતે ગણનાપાત્ર કવિ હતા. પોતાથી તદ્દન જુદી રીતે લખનારા એટલું જ નહિ પણ એકમેકથી પણ તદ્દન ભિન્ન એવા કવિઓ વિશે એમણે લખ્યું. આ સંદર્ભમાં મને હમેશાં ફૂલોનો દાખલો યાદ આવે છે. ધોળો રંગ જ લો. કેટલી બધી વિવિધતા છે એકલાં સફેદ ફૂલોમાં પણ? મોગરો, જૂઈ, જાઈ, ચમેલી, ચાંદની, કામિની, પોયણી, ધતૂરો... ગણ્યે જાઓ. એમાંના દરેક પુષ્પને પોતાના ચાહકો હોય છે. પણ કોઈ એવા પણ હોય છે જેમને એ બધાં જ પુષ્પો ગમે છે. વિવેચક પણ એવો ઉદારરુચિ હોય. મેં એ પણ જોયું છે કે મારા કરતાં તદ્દન જુદી જ પરિભાષા વાપરીને પણ ‘ક્ષ’ સાહિત્યની પોતાની સમજદારી સારી પેઠે વ્યક્ત કરી શકતા હોય છે. વિવેચનનાં ઓજારો બદલાતાં રહેવાનાં. વિવેચકે અન્ય વિવેચકોને સમજવામાં પણ ઉદારરુચિ રહેવું જોઈશે.

કલા ‘વિરુદ્ધ’ જીવન?

કલા અને જીવનનો ગજગ્રાહ જ હમેશાં મંડાવો જોઈએ? કલા અને જીવનની વાત નીકળતાંની સાથે કલા વિરુદ્ધ જીવન – એ રસ્તે જ સારીય વાત ચાલવી જોઈએ? હા, કલા વ્યવહારજીવનથી ઇતર વસ્તુ છે, વ્યવહારજીવનનાં વાનાં કલામાં એનાં એ રહેવા પામતાં નથી, તત્ત્વતઃ બદલાઈ જાય છે. કલાની સૃષ્ટિ વ્યાવહારિક જીવનથી નિતાન્ત ભિન્ન છે, વ્યાવહારિક જીવન વિરુદ્ધ કલા – એની વાત કરવી સુકર છે, પણ તેથી કલા એ માનવીના બૃહત્તર અને સૂક્ષ્મ જીવનની પણ વિરુદ્ધ છે એવું કેમ કહી શકાય? બલકે, સંસ્કૃતમાં ‘કલા’નો અર્થ ‘અંશ’ છે એ સ્મરણમાં રાખીને કહીએ તો, કલા તો છે માનવીના આધ્યાત્મિક જીવનનો અંશ. સૌ માનવીને સુલભ અને સામાન્ય રીતે બંધનરૂપ એવી લાગણીની જ મદદથી એને વિગલિતવેદ્યાન્તર બનાવીને – અહમ્‌નાં આવરણોમાંથી છોડાવીને એને માટે એના ચરમ અને પરમ સ્વરૂપ – આનંદસ્વરૂપનો અનુભવ ક્ષણ માટે પણ શક્ય બનાવનાર કલાનુભવ એ માનવીનો અધ્યાત્મઅનુભવ છે. ઍરિસ્ટોટલ કૅથાર્સિસ-વિરેચન — શુદ્ધીકરણ દ્વારા જે ચીંધે છે તે પણ કલા દ્વારા માનવીના પોતાના શુદ્ધ સ્વરૂપની સંપ્રાપ્તિ છે.

અત્રત્ય – પાશ્ચાત્ય સાહિત્યમીમાંસા

પાશ્ચાત્ય વિવેચનમાં પ્લેટો, ઍરિસ્ટોટલ, લોન્ગિનસ, હૉરેસ આદિના પ્રસંગોપાત્ત નામોલ્લેખ કે એમના વિચારોના ઊહાપોહને મોટું સ્થાન હોય છે. એવું કેમ જોવા મળતું હશે કે આપણે ત્યાંના પાશ્ચાત્ય વિવેચનના રસિયાઓને એમાં કાંઈ અજુગતું લાગતું નથી. પણ સંસ્કૃતના સાહિત્યાચાર્યો, ભરત, આનંદવર્ધન, અભિવનગુપ્ત, મમ્મટ આદિની એમનામાંના કેટલાકને ‘એલર્જી’ જેવું હોય છે? ખરી વાત એ છે કે શું પશ્ચિમના શું અહીંના, કોઈ આચાર્ય કરતાં તો તેના વિચારનું મહત્ત્વ હોવું જોઈએ અને એ વિચાર જ પરિશીલનનો અધિકારી લેખાવો જોઈએ. ત્રીસેક વરસ પહેલાં ‘નવવિવેચના’ સામે શિકાગોમાં નવ-ઍરિસ્ટોટલવાદીઓની એક આખી શાળા જામી હતી. આપણે ત્યાં નવ-આનંદવર્ધનોની મંડળી જમાવવાની માનસિક જરૂરિયાત કોઈ વર્ગમાં ધારો કે ઊભી થાય તો તેવી મંડળી પરદેશના અનુકરણમાં રચાય તો જ ‘જુનવાણી’ લેખાવામાંથી બચે શું? આપણા વિવેચકને બેવડો લાભ છે, પાશ્ચાત્ય સાહિત્યમીમાંસાનો એને પરિચય છે અને એની પોતાની સમૃદ્ધ કાવ્યવિચારપરંપરા પણ એની સામે છે. આ કે તે પરંપરાનો કક્કો ખરો કરવાની લાલચમાં પડ્યા વગર પોતાની આગળ જે પ્રશ્ન હોય તેને જે દિશામાંથી મદદ મળતી હોય ત્યાંના વિચારના પ્રકાશમાં સુરેખપણે સમજવા પ્રયત્નશીલ રહેવું જોઈએ. આગળ તરી આવવા જોઈએ સાહિત્ય-ચર્ચાના મુદ્દાઓ. તે તે મુદ્દા અંગેની વિશદ સમજણ એ જ પ્રધાન લક્ષ્ય હોઈ શકે. (એમાં, પછી, ક્યાંના કયા આચાર્યે કેવી મદદ કરી એ જાણવામાં જેને રસ હોય, તે એ વસ્તુ પણ અવલોકી લેશે.) આમ કરવાથી જ પૂર્વ કે પશ્ચિમની પકડ તો ઠીક પણ શાસ્ત્રની પકડની જડતામાંથી ‘સાહિત્યિક’ વિવેચન છૂટી શકશે. આ સંબંધમાં એક ચેતવણી ઉચ્ચારવી જરૂરની છે. કેટલીક વાર પશ્ચિમના અને અત્રત્ય વિચારો કે વિચારકણો એકસરખા શબ્દોમાં રજૂ થયેલા લાગે, પણ તેમની પરસ્પર એકરૂપતા નયે હોય. શબ્દોને તે તે સાંસ્કૃતિક સંદર્ભમાં સમજવા જતાં તેમની ભિન્નતા છતી થવા પામે એવું બને. દા. ત., ઍરિસ્ટોટલનો ટ્રૅજેડીનો ઉચ્ચ કાવ્યપ્રકાર તરીકે પુરસ્કાર અને ભવભૂતિનું ‘एको रसः करुण एव’ એ વિધાન સરખાં ભાસે પણ તત્ત્વતઃ જુદાં છે.

કૃતક-વિવેચનની કેટલીક શૈલીઓ

કૃતક વિવેચનની અનેક શૈલીઓ સંભવે છે. દૈનિક પત્રકારત્વની વાત કરતાં સૂચવી તે ‘રીઝે તો ચાટે ખીજે તો કાટે’ – શૈલી અને ચૉવટશૈલી ઉપરાંતની બીજી તરત આગળ તરી આવે એવી કેટલીક : ચોખા મૂકવા શૈલી : વિવેચક દરેકનું મન સંપાદન કરવા પ્રયત્નશીલ રહે છે.

થાબડભાણા શૈલી : થાબડવામાં શૂરાપણું.

છેદ ઉડાડવા શૈલી : વાલ્મીકિમાં હોમરની માનવસહજતા નથી, હોમરમાં શેલીની નરી શુદ્ધ ‘રસજ્યોત’ નથી, શેલીમાં શેઇક્‌સ્પિઅરનું હાસ્ય નથી, દાંતેમાં વાલ્મીકિનું હૃદયંગમ કથામાળખું નથી, વાલ્મીકિમાં..... મગ મરી અનિર્ણય શૈલી : મગનું નામ મરી ન પાડવાની વૃત્તિ, ‘ગુજરાતીતા’નું એક પ્રધાન લક્ષણ. દૂધ-દહીંયા શૈલી આની નજીક આવે. દૂધમાં ને દહીંમાં બંનેમાં પગ (પગ શા માટે એ કદી હું સમજી શક્યો નથી) રાખવાની વૃત્તિ એ પણ ગુજરાતીતાનું જ એક લક્ષણ તો! અનેકાન્તવાદની રીતે, બીજાં દૃષ્ટિબિંદુઓ રજૂ કરીને, કોઈ અનિર્ણયની સ્થિતિ સ્વીકારે અથવા ‘બંનેને લાગું પાય’ એમ કહે તે, ઉપરના કરતાં, જુદી વસ્તુ છે, ખાસ તો એટલા માટે કે તેમાં નિર્ણય કે અનિર્ણય પર પહોંચવા માટે તમામ સામગ્રી તો આપણી સમક્ષ મુકાઈ હોય જ છે. શુકશૈલી : વિચાર-પ્રકટન માટે અનિવાર્ય ન હોય છતાં ચટકદાર લાગે એટલા માટે અહીંતહીંથી શબ્દો, વાક્યાંશો, વાક્યો રટવા ટેવાયેલી શૈલી. ‘સાહિત્યિક’ શૈલી : બોલવું તો સાહિત્યકારની અદાથી જ, સામાન્ય માનવીમાં રખે ખપી બેસીએ, એવું વલણ પણ ક્યારેક જોવા મળે છે. ‘તમને જે વિવક્ષિત છે તે મને અભિપ્રેત નથી. મેં જે વિધાન કર્યું તેમાં તો...’ સાહિત્યિક જન કંઈ કહે નહિ, એ તો વિધાન કરે. (જુદા જુદા ફિરકાના લોકો સાહિત્યનો તોલ કરતી વેળા પોતાનાં કાટલાં લઈ આવે છે ત્યારે પણ તે તે ફિરકાની પરિભાષા એકતાનતા ઉપજાવનારી અને, હાસ્યજનક ન હોય તો, અકારી બની રહે છે.) ગુલાલ-ગબારા શૈલી : આ શૈલી મજાની હોય છે. વચ્ચે વચ્ચે મુઠ્ઠી ભરીને ગુલાલ ઉડાડવામાં આવતો હોય. કશું સુરેખ ચિત્ર ન ઊપસે, પણ રંગને લીધે મજા પડે. કાચાઓ ઉપર આનું વશીકરણ ભારે થાય. પણ બધા એનું અનુકરણ કરવામાં ફાવી ન શકે. ગુણપક્ષ દોષપક્ષ શૈલી : આટલા ગુણ બતાવ્યા છે, તો જુઓ સામે આટલા દોષ પણ નોંધ્યા છે, હવે તો અમારો આ ધર્મનો કાંટો ખરો ને?... એ તો ભાઈ, જોઈએ ત્યારે ખબર પડે. તમે જેને ગુણ ગણો છો એમાં પણ ક્યાં કેટલે અંશે ગરબડ છે એ, આવો આપણે જોઈએ. અને જેને દોષ (દા. ત., કોઈ યતિભંગ) કહો છો તે ક્યારેક ગુણરૂપ – શક્તિરૂપ નીવડે છે એ પણ જોવું જોઈશે સ્તો. ગુણપાસું-દોષપાસું તપાસી તપસીલ તો કરી પણ ન્યાય ન થયો, કૃતિ કે કર્તાને નહિ – તમારી જાતને ન્યાય ન થયો કેમકે, તમારા ‘ગુણ’ તે ગુણ નથી ને ‘દોષ’ તે દોષ નથી. સાહિત્યમાં ધર્મનો કાંટો એ આવું જાડું કામ નથી. ગુણ કે દોષનો ભાર શીદને રાખો છો, ભલેને નસીબે આવે તો દોષની જ વાત કરોને, પણ એ દોષ (કે ગુણ)ની વાતમાં સાહિત્યપદારથની તમારી ઝીણી સમજદારી બતાવો એટલે ગંગા નાહ્યા. ‘વાતું છે ઝીણિયું જી.’ ઉપરહાથ શૈલી : વિવેચકભાઈ, આપણે આ વ્યવસાય સ્વીકાર્યો છે તે કોઈને માનઅકરામ આપવા કે સર્ટિફિકેટ ફાડી આપવા માટે નહિ, કોઈનો ટાંટિયો ખેંચવા કે કોઈને પદ-ભ્રષ્ટ કરવા માટે નહિ, પણ આપણે પોતે સાહિત્યમાં કેટલું સમજ્યા છીએ એ જ પહેલું પરથમ તો આપણે પુરવાર કરવાનું છે, પછી બીજાને કાંઈક ઉપયોગી થવાની વાત..... આ શૈલીધરો અમારી વિવેચનાઓ બીજાંઓને કઠે છે, આવા સામાન્ય સ્તર પર લેખન-વિવેચન ચાલતું હોય ત્યાં અમ જેવાએ લખવું શું? – અમે જોઈએ છીએ તમે બધા કેટલા પાણીમાં છો તે, – એવા વલણમાં ખૂંપી જાય છે અને ઊંડા ને ઊંડા ઊતરતા જાય છે, કમભાગ્યે મૂંગા – રાજશેખરના ‘હૃદયકવિ’ની જેમ ‘હૃદયવિવેચક’ – બની રહે છે.

મૂક વિવેચન

ગુજરાતી ભાષા બોલનારાઓમાંથી ઘણા બુદ્ધિમાન માણસો સંસ્કારપ્રવૃત્તિ સિવાયનાં ક્ષેત્રોમાં હોય છે – કહો ખેંચાઈ જતા હોય છે. ગુજરાતી લેખકોને એ સ્મરણમાં રહે કે લેખકવૃંદના માણસો જ એમનું લખેલું વાંચવાના એમ નહિ – અન્ય ક્ષેત્રોમાં કાર્ય કરતી વ્યક્તિઓ (તરત જીભે ચઢે છે તે નામો લઉં તો શ્રી. એચ. એમ. પટેલ, શ્રી બી. કે. મજમુદાર, શ્રી રાઘવજી લેઉઆ, શ્રી ઘનશ્યામભાઈ ઓઝા) ક્યારેક એમાંનું કશુંક વાંચી બેસે એવો સંભવ ખરો. એવી વ્યક્તિઓ પ્રગટ વિવેચન કદી નહિ કરે, પણ એમના મૂંગા વિવેચનને હકીકત તરીકે લેખીને લેખકે ચાલવું સારું. લેખકની તો એક જ ચિંતા હોય : મારા લખાણને જેણે સમય આપ્યો તેના સમયનો હું દેવાદાર તો બન્યો નથી ને! અધિકારી વાચકની મારાથી કોઈ રીતે વંચના તો થઈ નથી ને?

વિવેચકને એક પ્રશ્ન

વિવેચક, તું પ્રશંસા કરી શકે છે? – તારે ત્યાં ન હોય તો બીજે ક્યાંકના સાહિત્યની, સમકાલીન નહિ તો વારસે મળેલા સાહિત્યની – એકાદ કૃતિની પણ મન મૂકીને પ્રશંસા કરી શકે છે? અ-કાવ્યને, કુ-કાવ્યને વખોડવા માટે સાહિત્યિક રુચિનું ધોરણ અંતે કોઈ સુ-કાવ્યના અનુભવ ઉપરથી તેં ઘડ્યું છે કે? કોઈ સુ-કાવ્યની પ્રશંસા તારે મુખે કદીય સ્ફુરતી ન હોય તો... તો... ‘હાય, કમબખ્ત, તૂને પી હી નહીં?’

ઓગસ્ટ, ૧૯૬૩ પાદટીપ

  1. ‘સંસ્કૃતિ’નો ૨૦૦મો અંક વિવેચનઅંક તરીકે પ્રસિદ્ધ કરતાં ભૂમિકારૂપે લખાયેલું.
  2. ૨. ‘ઘરઆંગણાની વાતો’–એ સ્તબકમાં વધુ લેખો હોત તો સારું. તેમ છતાં કવિતા અને નવલકથા એ બે મહત્ત્વના સાહિત્યપ્રકારો ખેડવાની અત્યારની દિશા વિશે ઊહાપોહ કરતા લેખો મળી શક્યા છે (બે વિવેચક મિત્રો ખૂટલ નીકળ્યા છતાં), એ સંતોષનો વિષય છે.
    એક વિષય ઉપર એક કરતાં વધુ દૃષ્ટિબિંદુઓ મળે એ હમેશાં ઇષ્ટ છે. શ્રી અનંતરાય રાવળ, કાર્યવશાત્‌, ‘જયા-જયન્ત’ ઉપરનો એમનો લેખ આ અંકમાં આપી ન શક્યા, નહિ તો એ વિષય ઉપરના બે લેખ એક સાથે મળત.

Lua error in package.lua at line 80: module ‘strict’ not found.