સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – ઉમાશંકર જોશી/‘અખો એક અધ્યયન’ની પ્રસ્તાવના

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૧૩. ‘અખો : એક અધ્યયન’ની પ્રસ્તાવના

પ્રાક્‌કથન
[પ્રથમ આવૃત્તિનું]

આ નિબંધ તે અહીંના અનુસ્નાતક વર્ગમાં ભણાવવાને બહાને જે ભણવા મળ્યું તેનું પરિણામ છે. આપણા સાહિત્યમાં અણછેડાયેલા ને અણખેડાયેલા એવા વિષયો તો ઘણા છે એમાંથી અખાને જ મેં શા માટે પસંદ કર્યો? એને માટે મને પક્ષપાત બેશક હતો, પણ પૂરાં બેત્રણ વરસ આ સૂકો ગણાતો કવિ મારા મગજનો કબજો લેશે એવો તો મને સ્વપ્નેય ભય ન હતો. પણ વર્ગમાં અખો વાંચવાનો પ્રસંગ આવતાં એનો મને વધારે વીગતવાર પરિચય થયો. અને એને વિશે વિદ્વાનોએ લખ્યું છે તે સિવાય પણ એક નવા નિબંધનો – સમગ્રતયા એને જોવાનો એક પ્રયત્નનો – ભાર ખમી શકે એવો કવિ એ મને દેખાયો. એટલું જ નહિ પણ જેમ જેમ અધ્યાપનનું, અથવા વધારે સાચું કહીએ તો અધ્યયનનું, કામ આગળ વધતું ગયું તેમ તેમ એ કવિ અનિવાર્યપણે એવો પ્રયત્ન માગી લે છે એમ સમજાયું. અને એ વાત વધારે સ્પષ્ટ તો લખવાનું કામ આગળ વધતું ગયું તેમ તેમ જ મને પણ સમજાઈ. એને વિશે લખવાનો વિચાર કર્યો ત્યારે પ્રકટ સામગ્રી ઉપરથી નિબંધનો જે નકશો મારી નજર સામે હતો તેમાં અને આ બધું છપાઈને બહાર પડે છે એમાં જે નકશો રજૂ થયો હશે તેમાં ભાગ્યે જ સામ્ય રહેવા પામ્યું છે. ગુજરાત વર્નાક્યુલર સોસાયટી પાસે હસ્તપ્રતોનું જે કાચું સોનું પડ્યું છે તે યથાપ્રસંગ ઉથલાવતો ગયો તેમ તેમ નિબંધનું આખું સ્વરૂપ પલટાતું ચાલ્યું. નિબંધની પહેલી પંક્તિ, ‘મન મર્દાના નીવડા મેરા’ તે જ હસ્તપ્રત પાસેથી મેળવેલી છે. હસ્તપ્રતોને ટેકે ટેકે આપણા સાહિત્યના ધોરી માર્ગોને આવી મળતા અનેક એકલ કેડાઓ અને પગદંડાઓ પર લટારો મારતાં એક મુદ્દાની વાત એ સમજવા મળી કે નરસિંહમીરાં કે અખોપ્રેમાનંદ જેવા કવિઓનો પરિચય તેમને એકલા અલગ પાડીને જોવાથી નહિ, પણ એમને સમગ્ર સંદર્ભમાં જોવાથી જ વધારે સારી રીતે થઈ શકે, અર્થાત્‌ એમાંના એકનો પરિચય કરવા જતાં આખાયે મધ્યકાલથી પરિચિત થવું અનિવાર્ય થઈ પડે. પરિણામે નરસિંહ કે મીરાં, અખો કે પ્રેમાનંદ તે પોતે એકલાં જ અભ્યાસવિષય રહેવાને બદલે, કેન્દ્ર, બલ્કે મુખ્ય મથક (હેડક્વાર્ટર્સ) સમાં બની રહે, જ્યાં ડેરા નાખીને તમે સમગ્ર પ્રદેશનો – સમગ્ર મધ્યકાલીન સાહિત્યનો પણ કાંઈક પરિચય સાધી શકો. મધ્યકાલીન સાહિત્યના કેટલાક મુખ્ય પ્રશ્નો – કવિઓની આત્માભિમુખતા, ઉચ્ચોચ્ચ કવિતાસિદ્ધિનો [ઠીકઠીક] અભાવ, ભક્તિસાહિત્યની અર્વાચીન મનોવિશ્લેષણશાસ્ત્રની દૃષ્ટિએ ચિકિત્સા, જ્ઞાનવૈરાગ્યને કાવ્યવિષય બનાવવાની શક્યતા, વગેરે – સમજવા તે મધ્યયુગના કોઈ એકાદ કવિને જાણવા કરતાં અલબત્ત વધારે મહત્ત્વનું છે. અને મધ્યયુગના કવિઓ વિશે કહ્યું તેવું જ આખા મધ્યયુગના સાહિત્ય વિશે પણ કહેવું જોઈએ કે આપણા મધ્યકાલીન સાહિત્યને એકલું પાડીને જોવું એ બરોબર નથી. આપણા મધ્યકાલીન સાહિત્યના પ્રશ્નો તે સમગ્ર દેશના મધ્યકાલીન સાહિત્યના પ્રશ્નોથી અલિપ્ત કે ભિન્ન નથી. પ્રેરણા પણ બધાની એક દેખાય છે : આપણા નરસિંહના શબ્દોમાં કહીએ તો, ‘જ્યાં લગી આતમાં તત્ત્વ ચીન્યો નહીં, ત્યાં લગી સાધના સર્વ જૂઠી’. એ પ્રેરણા ‘પદો’ની ચર્ચામાં જેનો ઉલ્લેખ થયો છે તે, સમગ્ર દેશની સંતપરંપરાએ પ્રચારમાં મૂકેલી સર્વમાન્ય એવી, ભજનભાષાના પ્રતાપે, આપણા દેશના ખૂણેખૂણાના કવિજનોનાં હૃદયદ્વાર ઠોકતી કેવી તો હરકોઈ જિજ્ઞાસુને સુલભ હતી એ વિરલસુંદર દૃશ્ય પણ પ્રત્યક્ષ થાય છે. અને હિંદીમાં કબીર, મરાઠીમાં તુકારામ, ગુજરાતીમાં અખો એમ તે તે કવિ એ જુદા જુદા પ્રાન્ત માટે જાણે એક જ સંસ્કૃતિઆત્માના અવતાર ન હોય એમ સમજાય છે... એ પ્રકારના મારા સ્વાધ્યાયમાં અખો મને અનુકૂળ લાગે એટલે અખાને મેં પસંદ કર્યો. અર્થાત્‌ ‘અખો તે નિમિત્તમાત્ર’ છે. પણ તે તે પ્રશ્નની ચર્ચા, અખાનો અભ્યાસ કરતાં કરતાં જે સ્થાને એ પ્રશ્ન ઉપસ્થિત થાય ત્યાં જ કરવામાં આવી છે. અભ્યાસવિષય અખો છે એ વાત નજર બહાર ન જાય એનું ધ્યાન રાખ્યું છે. માત્ર અભ્યાસનો આશય વ્યાપક છે એટલું જ સૂચવવાનું છે. નિબંધની યોજના કાંઈક આવી છે : પ્રથમ પ્રકરણમાં અખાની જીવનકથા આપવાનો ખ્યાલ હતો. પણ તેમાં સ્પષ્ટ દંતકથાના અંશો ભળી ગયેલા જોઈ જીવનચર્યા કરતાં જીવનચર્ચા રજૂ કરીને જ સંતોષ માનવો પડ્યો છે. આપણા ઠેઠ દયારામ સુધીના કવિઓની જીવનકથા ઉપર કુદરતી રીતે લોકકલ્પનાનું આક્રમણ તો મોટા પાયા ઉપર હતું જ. ત્યાં ગઈ સદીના ઉત્તરાર્ધમાં વિવેચકવર્ગે પણ એ જાતનું જ કાર્ય કરીને તે તે કવિને સમજવાની મુશ્કેલી ઊલટી વધારી મૂકી છે. વિવેચકવર્ગે પ્રેમાનંદપુત્ર વલ્લભને જન્મ આપતાં પ્રેમાનંદના જીવન વિશે જે ઊહાપોહ પ્રકટાવ્યો તે તે પ્રેમાનંદને મારવાનો જ ઇલાજ હતો પ્રેમાનંદ અને શામળ લડતા કે કેમ. કવિપુત્રનો તેમાં શો હિસ્સો, શિષ્યમંડળમાં કોણ કોણ. ડભોઈના પુરાણીઓ જોડે શા માટે ઝઘડવું પડ્યું વગેરે પ્રશ્નો અને તે સૌ ઉપર કળશ ચઢાવે એવો પ્રેમાનંદના નાટકોનો પ્રશ્ન – એ બધી જંજાળમાં ગુજરાતીના એક મહાન કવિની કવિતાનું હૃદય સમજવાનો તો અવકાશ જ ક્યાંથી રહે? આમ તો ગમે તેવો કવિ પણ ધીરે ધીરે મરી જાય. આજના અભ્યાસીએ પોતાના અભ્યાસ વિષય કવિના હૃદયને પોતાનું લક્ષ્ય બનાવવાનું છે. પણ સાથે સાથે તે તે કવિ ઉપર આજ સુધીમાં જે ગુજરી હોય તેની નોંધ પણ લીધા વગર ઓછું ચાલવાનું હતું ‘એ પાછા જૂની ચર્ચાના પોપડા ઉકેલવાના અને એની એ વાતો ફરીથી ઉપાડવાની! પરંતુ એ પ્રવૃત્તિ પણ જો સત્યશોધનના એકમાત્ર આશયથી હાથ ધરવામાં આવે તો એનો આનંદ એ કોઈ સામાન્ય કોટિનો આનંદ નથી. કાલિદાસ ક્યારે થયા એ પ્રશ્નની તપાસમાં શોધકને સત્યસાધનાની જે તાલીમ મળે એનો આનંદ એની કોઈ કાવ્યકૃતિના આસ્વાદના આનંદ કરતાં ઓછો છે એમ ભાગ્યે જ કહી શકાય. બંનેનું સ્વતંત્ર રીતે સ્થાન છે. એકથી બીજાને ઢાંકવાનો પ્રયત્ન ન કરતાં બંનેનો સ્વતંત્ર રીતે આસ્વાદ લેવાની શક્તિ આપણે કેળવવી જોઈએ. એટલું જ નહિ, પણ એકના આસ્વાદનમાં અન્ય ઉપકારક પણ થઈ શકે. આપણા કવિઓને અંગે કહીએ તો તેમને વિશેના પ્રશ્નોની તપાસ એ સ્વરૂપની છે કે તે તપાસનો વિનિયોગ તે તે કવિના હૃદયને સમજવાની પ્રવૃત્તિમાં આપણે કરી શકીએ તેમાં એ પ્રયત્નની કૃતાર્થતા છે. એમ કરવામાં, ‘સ્થિતેઃ સમર્થનમ્‌’ કરતાં પ્રમાણશુદ્ધ વીગતોને જ ઇતિહાસ લેખે સ્વીકારવી એ વલણ વધારે બુદ્ધિગ્રાહ્ય નીવડશે એમ મારું માનવું છે. અખા વિશે તપાસ કરતાં પ્રથમ તો બધી જ વીગતોને ચિંત્ય કોટિની ગણી લીધી, તેમાંથી પછી ઊંડા ઊતરતાં કેટલીક પ્રમાણસિદ્ધ નીવડી આવી તો કેટલીક પોકળ નીકળી અને કેટલીક ચિંત્ય કોટિની જ રહી. છાતી ઠોકીને જેને વિશે કહી શકાય કે આ હકીકત છે તેનું જ હકીકત તરીકે આ નિબંધમાં ‘સમર્થન’ કર્યું છે. બીજી વીગતો આગળ ઉપર ચિંત્ય મટી હકીકત ઠરે તે સંભાવના આપણે બેશક સ્વીકારીએ, પણ આજે એને હકીકત કહેતાં શી રીતે જીભ ચાલે? અખા વિશે નિઃશંક હકીકતો આટલી છે : (૧) તે સોની હતો. (૨) તેને ગોકુલ, ગેાકુલનાથ, ગુસાંઈ, શ્રીનાથજી, ત્રણ મહાપુરુષ (સંભવતઃ શુદ્ધાદ્વૈતના પ્રથમ ત્રણ આચાર્યો)નો પરિચય છે. (૩) તેનો ‘ગુરુશિષ્ય સંવાદ’ સં. ૧૭૦૧માં અને ‘અખેગીતા’ સં. ૧૭૦૫માં રચાયાં છે. જીવનકાળ કરતાં કવનકાળ વિશે કાંઈક આટલું કહી શકાય કે ‘ગુરુ કીધા મેં ગોકુળનાથ’ તે પાઠના અનુસંધાનમાં ‘ત્યાર પછી ઊઘડી મુજ વાણ’ લેતાં ગોકુલનાથનો દેહવિલય સં. ૧૬૯૭માં હોઈ અખાના કવનકાળની પૂર્વમર્યાદા મોડામાં મોડી સં. ૧૬૯૭માં અને ઉત્તરમર્યાદા વહેલામાં વહેલી સં. ૧૭૦૫માં. શ્રી ગોકુલનાથ અને વૈષ્ણવ સંપ્રદાય પ્રત્યેનું અખાનું વલણ કેવું હતું તે પ્રશ્નની ચર્ચા ‘પ્રપંચ અંગ’ના આઠ છપ્પા ઉપરથી જે મેં કરી છે તે બીજી સ્થૂલ વીગતો કરતાં પણ અખાને સમજવામાં વધારે સહાયભૂત થશે એવી આશા છે. ‘ઘરડા બળદને ઘાલી નાથ’માં ‘ઘરડા’ને ઠેકાણે મેં ‘ગળિયા’ પાઠની સંભાવના રજૂ કરી છે, તે વિદ્વાનો વિચારશે. બીજા પ્રકરણમાં અખાના પુરોગામીઓનો પરિચય છે. કાવ્યક્ષેત્રમાં અખાના ગુરુ સમા માંડણનો સવિતર ૫રિચય એની મારે મન તો આખા લખાણના ‘ક્લેશ’ના ‘ફલ’ જેટલી કિંમત છે. અહીં આપણને મથક (હેડક્વાર્ટર્સ) દોઢસો વરસ પાછળ ખસેડવાની જરૂર પડે છે. સાહિત્યક્ષેત્રના નકશાઓમાં પણ રોમ અને કૉન્સ્ટેન્ટિનોપલ, પાટલિપુત્ર અને ઉજ્જયિની, અણહિલવાડ પાટણ અને કર્ણાવતી, એમ બબ્બે મથકો જોવાનો અવસર મળે છે. વળી, આપણે જેને મૌલિક ગણવામાં રાચતા તેવા કવિઓ બીજાથી પોષાતા જણાય છે. પણ એક માટે માન ઘટાડવાને બદલે ઊલટું પ્રત્યેકની આગવી વિશેષતા સમજવામાં આવો પૂર્વજપરિચય ઘણો જ અગત્યનો થઈ પડે છે. ત્રીજા પ્રકરણમાં અખાની કૃતિઓમાં સમકાલીન જીવનનું પ્રતિબિંબ કેવુંક પડ્યું છે તે જોવાનો પ્રયત્ન કરતાં, તે પ્રશ્નનું સ્વરૂપ સમજવાનો અને મધ્યકાલીન કવિતાની આત્માભિમુખતાનો પ્રશ્ન વિચારવાનો પ્રસંગ આવ્યો છે. અપમાન ઐહિક જીવનની – સ્થલકાલ વગેરેની – મર્યાદાઓ તેમ જ શક્તિઓની વિચારણા પ્રથમ ત્રણ પ્રકરણમાં પૂરી થતાં તેના અક્ષરદેહની –કૃતિઓની ચર્ચા ચોથા પ્રકરણમાં કરી છે. તેમાં કૃતિઓના ક્રમનો કાંઈક વિકટ પ્રશ્ન જાણી જોઈને જ હાથ પર લીધો છે. આંતર પુરાતનથી ક્રમ નક્કી કરવો એ અભ્યાસીને માટે ભારે રસિક વિષય છે. અલબત્ત, એ માર્ગ જોખમભરેલો છે. પણ અખાથી અખો સમજવાનો વિચાર છોડી દેવો મને ઠીક ન લાગ્યો અને હસ્તપ્રતો વગેરેની મદદથી આગળ વધતો ગયો ને અખાને એના જ શબ્દ સંભળાવતો ગયો : ‘અખા, વિચાર્યે બેઠું ઘાટ.’ ‘પંચીકરણ’ જેવી કોઈ કૃતિ માટે કેટલીક વિલક્ષણ વાત પણ મળી આવી છે. આ ક્રમના નિર્ણયમાં કદાગ્રહને માટે સ્થાન ન હોય. છતાં મધ્યકાલીન સાહિત્યને જિંદગીભર અભ્યાસવિષય બનાવનાર એક સાક્ષરનો મત મારા નિર્ણયને લગભગ મળતો આવતો હોઈ તે હસ્તાક્ષરમાં હોવા છતાં સંમતિરૂપે અહીં નોંધું છું. અખાના અભ્યાસને મહત્ત્વ આપનાર સ્વ. નર્મદાશંકર દે. મહેતાના કાગળો તેમના પુત્ર પાસેથી હમણાં મને મળ્યા તેમાં જોતાં એમણે સ્વ. કેશવ હર્ષદ ધ્રુવને અખા વિશે પૂછેલા પ્રશ્નોમાં એક કૃતિઓના ક્રમનો પણ છે તે અને તેનો કે. હ. ધ્રુવનો પેન્સિલથી લખેલો ઉત્તર આમ છે : ‘પ્રશ્ન ૧૧ : અખાના ગ્રંથોનો કાલક્રમ આપ નિર્ણય કરી શક્યા હો તો તે જણાવશો. ઉત્તર : પદ્યબંધ ઉપલક દૃષ્ટિએ વિચારતાં પંચીકરણ ને ચિત્તવિચારસંવાદ, પછી ગુરુશિષ્યસંવાદ ને અનુભવબિંદુ, તે પછી અખેગીતા. હિંદી કાવ્યમાં સંતપ્રિયા પ્રથમ અને તે પછી બ્રહ્મલીલા, બંને મોટે ભાગે કાશીમાં રચાયેલ. છપ્પા ઉત્તરવયના, તેમ જ પદ’.—જે મારા નિર્ણયને મોટે ભાગે ટેકો આપે છે. (‘છપ્પા’ પૂર્વવયના પણ ખરા, તેવા મારા મત માટે જુઓ પૃ ૭૨.) કાલે ઊઠીને લખ્યામિતિ આપનારી પ્રત્યેક કૃતિની પ્રતો મળી આવતાં મારો સૂચવેલો ક્રમ યથાર્થ ન પણ રહે. પરંતુ એવી સંભાવનાથી આ પ્રકારની અભ્યાસસરણીનું મૂલ્ય ઓછું થતું નથી. મને આ પ્રકરણ માટે ઓછામાં ઓછો એટલો સંતોષ તો છે જ કે જે કૃતિઓની ચર્ચા થઈ છે તે બધી અખાની જ છે એ જુદું સાબિત કરવાની હવે જરૂર રહેશે નહિ. આંતર પુરાવાથી બધી કૃતિઓનું સમાનકર્તૃત્વ સિદ્ધ જ છે. ઉપરાંત, કોઈપણ કવિ પોતાની પાસેથી પણ કેટલું શીખતો રહે છે તે વાતનો પણ કવિપ્રવૃત્તિમાં રસ લેનારાઓને કૃતિઓના ક્રમની આ ચર્ચામાંથી ખ્યાલ મળશે. ‘કૃષ્ણ-ઉદ્ધવ સંવાદ’ અથવા ‘સંતનાં લક્ષણ’ નામે અખાની એક અશ્રુતપૂર્વ કૃતિ મને મળી આવી છે તે અહીં સામેલ કરી છે. અખાનાં અનેક અપ્રસિદ્ધ પદો મળી આવ્યાં છે. તેની પ્રથમ પંક્તિઓની યાદી પરિશિષ્ટ માટે તૈયાર કરી હતી, પણ તેવી યાદી પણ ઘણી લાંબી હોઈ મૂકી નથી. અખાની ભાષા અને છંદપસંદગી વિશેની નોંધ ઉપલા પ્રકરણને અંતે જ મૂકવી હતી, પણ માહિતી વધુ હોઈ સ્વતંત્ર પ્રકરણ કર્યું છે, જેને માટે મધ્યયુગની પદ્યરચના અને ભાષાની ઇબારત સમજવામાં રસ લેનારાઓની ભાગ્યે જ ક્ષમા માગવાની હોય. ભાષાની ચર્ચાને અખો સમજવો કઠણ છે કૂટ છે એ પ્રશ્નની ખીંટીએ બાંધવા પ્રયત્ન કર્યો છે. આમ બે પ્રકરણમાં અખાની રચનાઓનો સ્થૂલ પરિચય પૂરો થતાં, છેલ્લે બે પ્રકરણ તેનું હૃદય સમજવાના પ્રયાસ માટે રોક્યાં છે. ખરું જોતાં આને માટે જ આગળની બધી મથામણ હતી. છઠ્ઠા પ્રકરણમાં અખાની રચનાઓના તત્ત્વજ્ઞાનઅંશને અને સાતમામાં કાવ્ય-અંશને ઉદ્દેશીને ચર્ચા છે. આ લેખમાં બે વાત જાણી જોઈને પડતી મૂકી છે. એક તો એમાં અખાની કૃતિઓના સાર આપ્યા નથી. દા. ત. સંસ્કૃત વિશે અંગ્રેજીમાં ગ્રંથ લખાતો હોય ત્યારે સંસ્કૃત ન જાણનાર માટે તેવા સારની ઉપયોગિતા ઘણી ગણાય પણ ગુજરાતી વાચકો પાસે અખાનો પ્રાથમિક પરિચય હોય જ એમ માની લીધું છે. બીજું, અખાના ગુરુ, વેશ, ભાષા, આભડછેટ જેવા વિષયો ઉપર શા વિચારો છે તેની ટીપણી પણ મેં કરી નથી એ વસ્તુ પણ પ્રાથમિક પરિચયની જ ગણાય. છતાં એવા એક પ્રકરણનું કામ મેં સૂચિ પાસેથી લીધું છે. જિજ્ઞાસુ સૂચિમાં ‘અખો’ શબ્દ વીગતે જોશે તો અમુક અમુક વિષય પરત્વેના એના વલણની ચર્ચા નિબંધમાં ક્યાં ક્યાં થઈ છે તેનો ખ્યાલ મળી રહેશે. નિબંધ ‘નામૂલં લિખ્યતે કિંચિત્‌’ એનો આગ્રહ રાખ્યો છે તેમ ‘નાનપેક્ષિતમુચ્યતે’ની પણ ઉપેક્ષા કરી નથી. જોકે સામાને તો કાંઈ જ અપેક્ષા નથી, અપેક્ષા પણ તમારે જ એનામાં જગાડવાની છે. અને શું પ્રેમમાં, શું સાહિત્યમાં, સંતોષવાની શરતે અપેક્ષા જગાડવાનો હરકોઈને અધિકાર છે. વળી અભ્યાસીનું માનસ જ્યારે કોઈ એક વિષયને ઘેરો ઘાલીને પડે છે ત્યારે એને પોતાને પણ જેની કદી અપેક્ષા ન હોય એવા પ્રશ્નોનો સામનો કરવાનું એને પ્રાપ્ત થાય છે. એ સંજોગોમાં કોઈ પ્રશ્ન વિશે સામાને સંતોષ આપતાં પહેલાં પોતાને થયો છે કે નહિ એની સંભાળ રાખી શકાય તોય બસ ગણાવું જોઈએ. આચાર્ય મલ્લિનાથના છેલ્લા શ્લોકાર્ધના અનુસંધાનમાં છે ‘નોચ્યતે નાત્મસાત્કૃતમ્‌’ એ ધોરણ મેં અખત્યાર કર્યું છે. કવિજીવનનું મહત્ત્વ, કવિકૃતિ ઉપર સમકાલીન પરિસ્થિતિનો પ્રભાવ, પરલોકાભિમુખતાનું સ્વરૂપ, કવિતા-તત્ત્વજ્ઞાનનું જુગજૂનું દ્વંદ્વ, કટાક્ષનું સ્થાન, હાસ્યનું મહત્ત્વ, શાન્તનો ‘એકો રસઃ’ હોવાનો અધિકાર વગેરે પ્રશ્નોને ટાળીને પણ અખા વિશેની ચર્ચા કદાચ ચલાવી શકાત, પણ તેમનો સત્કાર કરવો જોઈએ એમ મને લાગ્યું. અને એમ આ નિબંધનો આશય તે ઉપર કહ્યું તેમ મધ્યકાલીન સાહિત્યને વ્યાપવાનો માત્ર ન રહેતાં, કવિપ્રતિભાનું સ્વરૂપ, કવિપ્રતિભાની પ્રવૃત્તિ, કવિપ્રવૃત્તિ અને ઇતર એવી ઉચ્ચ પ્રવૃત્તિઓનો પરસ્પરસંબંધ વગેરે મહત્ત્વના મુદ્દાઓની હૂંફમાં સંશોધનની સ્થૂલ અને ઉષ્માહીન લાગતી વીગતોને ગોઠવવી, અર્થાત્‌ આપણા એકાદ કવિની મદદથી કાવ્યની અને કાવ્ય, તત્ત્વચિંતન અને એવા બીજા મનોજીવનના પરમ પુરુષાર્થોના સ્વરૂપની ચર્ચા કરવી, એમ વધુ ને વધુ મહાકાંક્ષી થતો રહ્યો. એટલું બધું તો નહિ પણ એવી વસ્તુનો અણસાર સરખો પણ આ લેખમાંથી મળી રહેશે તો પરિશ્રમ સાર્થક થયો ગણીશ. આપણાં નરસિંહ અને મીરાં, નાકર અને પ્રેમાનંદ, શામળ અને દયારામ હજી અભ્યાસીઓની રાહ જોતાં બેઠાં છે. તેમને દરેકને વિશે સ્વાધ્યાયનિબંધો તૈયાર થશે તે પછી જ ગુજરાતી સાહિત્યના ઇતિહાસની રેખાઓ સાચો આકાર ધારણ કરશે. આ મોટા કવિઓ જ નહિ, નાકર અને પ્રેમાનંદ તેમ જ શામળ અને દયારામ વચ્ચે અનેક કવિઓ પડ્યા છે જેમને વિશે સાહિત્યના ઇતિહાસો લગભગ મૂક જ હોય છે, પણ જેમની કૃતિઓ ગુણવત્તાએ ઊંચી કક્ષાની છે અને આજ લગી કાળના પ્રવાહ સામે ટકી રહી છે. તેમને અભ્યાસવિષય બનાવવાની સવિશેષ જરૂર છે. અભ્યાસીઓ મોટા સાહિત્યકારો – પ્રેમાનંદ કે ગો. મા. ત્રિ.-ને વિશે જ લખવાની લાલચ ન રાખે. વિષય મોટો હોય છતાંયે પરિણામ નાનું હોઈ શકે. વિષયમાં કાંઈ નથી, એનું તમે શું બનાવો છો એમાં જ બધું છે. આપણું ઘણું મહત્ત્વનું સાહિત્ય પણ હજી હસ્તપ્રતોમાં જ દટાયેલું પડ્યું છે એમ મારે મારા આ અનુભવ ઉપરથી કહેવું જોઈએ. જે છપાયું છે તે પણ હસ્તપ્રતોની મદદથી ફરી સંશોધિત થયા સિવાય ચલાવવું એ સંશોધનના તથ્યથી દૂર છે અને એમાં આપણી આપણા કવિઓ પ્રત્યેની બેહદ બેદરકારી જ છે તેનું અખાના ‘છપ્પા’ના ભ્રષ્ટ પાઠોની મારી ચર્ચા (પૃ. ૨૨૮-૯) ઉપરથી સહેજે સૂચન મળશે. જ્યાં સુધી હસ્તપ્રતોનું ધન ઉપયોગમાં લેવાશે નહિ ત્યાં સુધી ગુજરાતી સાહિત્ય વિશે જે એકના એક ગોળગોળ કંટાળાભરેલા ખ્યાલો ઘણા સમયથી પ્રચલિત છે તેને ઠેકાણે સુરેખ યથાર્થ સુસ્પષ્ટ અને ચોક્કસ વિચારો બંધાવા પામશે નહિ. એ વિશે વિશેષ અહીં અપ્રસ્તુત છે, માત્ર અખાના શબ્દો ‘પાને પોથે લખિયા હરિ’માં છેલ્લો શબ્દ બદલીને કહું કે

પાને પોથે લખી ગુર્જરી,
જેમ વેળુમાં ખાંડ વીખરી;
સંતે ખાધી કીડી થઈ.

ગુજરાતી ભાષાના સેવકોને માથે સંત થવાની મોટી જવાબદારી તો કેમ નાંખી શકાય, પણ નાનકડી કીડી જેટલી જવાબદારી ઉઠાવવાની તેમની પાસેથી આશા રાખીએ તો તે ભાગ્યે જ વધારે પડતું કહેવાય. ‘છપ્પા’ની છ પંક્તિને અનુક્રમે અઆઇઈઉઊ-થી ઓળખાવી છે. હસ્તપ્રતને ‘હપ્ર’ એે સંક્ષેપ યોજ્યો છે. વિદ્વાનો તેનો નિર્વાહ કરશે. આ કામ કરતાં અનેક સહૃદયો તરફથી મને વારંવાર પ્રોત્સાહન, સૂચના, સલાહ અને મદદ મળ્યાં છે. તે સૌનો અને આવા અભ્યાસની શક્યતા જેનાથી ઉત્પન્ન થઈ તે સંસ્થા-ગુજરાત વર્નાક્યુલર સોસાયટીનો આભાર માનું છું.

ઉમાશંકર જેઠાલાલ જોશી

બીજી આવૃત્તિ વખતે

બીજી આવૃત્તિ છપાતાં અને પ્રગટ થતાં, વચગાળાના મારા અન્ય વ્યવસાયોને લીધે, અતિવિલંબ થયો છે. પહેલી આવૃત્તિને મળેલા આવકાર માટે વિદ્વદ્‌વર્ગ અને સૌ અભ્યાસીઓનો હું અત્યંત ઋણી છું. આ બત્રીસ વરસ દરમ્યાન અખા અંગેનો મારો વિદ્યાવ્યાસંગ ઠીકઠીક ચાલુ રહેવા પામ્યો છે. ‘અખાના છપ્પા’ની હસ્તપ્રતોની મદદથી તૈયાર કરેલી આવૃત્તિ ૧૯૫૩માં હું આપી શક્યો, પછીથી ૧૯૬૭માં ડૉ. રમણલાલ જોશીના સહયોગમાં ‘અખેગીતા’ની સંશોધિત વાચના આપી અને ૧૯૭૩માં ગુજરાતી સાહિત્ય પરિષદના બૃહત્‌ ઇતિહાસ માટે અખા-વિષયક પ્રકરણ તૈયાર કર્યું. અખા સાથેનો સંપર્ક મને હમેશાં આનંદકર નીવડ્યો છે. ‘છપ્પા’ની દરેક છપ્પાનો અર્થ આપતી અને છએ છ ચરણોની પંક્તિસૂચિ આપતી આવૃત્તિ તૈયાર કરી શકું તો ઋષિઋણ કંઈક અંશે અદા કર્યું સમજું. ‘અનુભવબિંદુ’ની સંશોધિત સાર્થ આવૃત્તિ આપવાની ૫ણ વૃત્તિ છે. આ પહેલી આવૃત્તિનું પુનર્મુદ્રણ નથી, સંશોધિત સંવર્ધિત નવી આવૃત્તિ છે. પહેલી આવૃત્તિમાં એક મુખ્ય ઊણપ હતી તે આ બીજી આવૃત્તિમાં દૂર કરવા પ્રયત્ન કર્યો છે. છપ્પા, અખેગીતા અને અનુભવબિંદુ – એ અખાની ત્રણ મુખ્ય કૃતિઓના વક્તવ્ય અંગે પહેલી આવૃત્તિમાં નજેવું હતું. આ નવી આવૃત્તિમાં તે તે ગ્રંથના વિષયસંદર્ભને વીગતે સ્પષ્ટ કર્યો છે. પહેલી આવૃત્તિમાં રહેલી કેટલીક ક્ષતિઓ, અલબત્ત, સુધારી છે અને ક્યાંક ક્યાંક ફેરફારો–ઉમેરણો પણ કર્યાં છે. ‘બ્રહ્માનંદ’ શબ્દ ગુરુના નામ તરીકે ન લેવા અંગે ‘સંસ્કૃતિ’ (સપ્ટેમ્બર ૧૯૬૫)માંના મારા “ ‘બ્રહ્માનંદની’ નહીં પણ ‘બ્રહ્મનંદની’ ” – એ લેખ જોવા વિનંતી કરવાની રહે છે, કેમ કે આ આવૃત્તિનું ‘જીવનચર્ચા’ પ્રકરણ છપાયા પછી એ લખાયો હતો. આ બીજી આવૃત્તિને આધારભૂત લેખવા વિનંતી છે.

૧-૭-૧૯૭૩

ઉમાશંકર જોશી