સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – રામપ્રસાદ બક્ષી/હળવા નિબંધો

૧૩. હળવા નિબંધો

માનવજીવનના નિરૂપણ અને એની સમીક્ષામાંથી સાહિત્યનાં અનેક સ્વરૂપો સરજાયાં છે, અને એ સાહિત્ય માનવહૃદયોના અનેક ભિન્ન ભિન્ન કે સહવર્તી ભાવોને નિરૂપીને, માનવરૂપ આલંબન અને પ્રકૃતિપરિસ્થિતિરૂપ ઉદ્દીપન દ્વારા પોષીને ભિન્ન ભિન્ન રસનો અનુભવ કરાવે છે. માનવજીવનની નિરાધાર અસહાય દશા કરુણની, એનું ઉત્સાહભર્યું પરાક્રમાચરણ વીરની, અને સ્ત્રીપુરુષના હૃદયને આકર્ષતો તથા એકરૂપ બનાવતો સ્નેહ શૃંગારની સામગ્રી સર્જકને પૂરી પાડે છે. માનવવર્તનના ઔચિત્ય-તારતમ્યની પરીક્ષા એ હાસ્યની સામગ્રી છે. એ સામગ્રીનું, પરીક્ષકના તત્ત્વપૃથક્કરણના ક્રમને વટાવીને જીવન જેવા જ એકીકરણવ્યાપાર વડે, પુનઃસર્જન કરીને સંવિધાનકલાથી વાર્તા-નાટકાદિ રૂપે સમર્પણ કરતા સર્જકની અને, પૃથક્કરણની જ દશામાં રહેતા નિબંધકારની, પ્રક્રિયા ભિન્ન હોય છે. હાસ્યની સામગ્રી એની એ, દર્શન એનું એ, પણ સંયોજન અને પૃથક્કરણ એવા પ્રક્રિયાના ભેદથી સાહિત્યપ્રકારની દૃષ્ટિએ પરિણામ ભિન્ન ઉપજે છે. આ રીતે હાસ્યના ઉપાદાન પૂરતો હાસ્યરસિક વાર્તા સર્જનારનો અને હાસ્યપ્રેરક હળવા નિબંધ લખનારાનો પ્રદેશ સમાન છે, પરંતુ સમર્પણના વ્યાપારમાં એ બે સાહિત્યપ્રકારો અન્યોન્યથી ભિન્ન છે. પરિણામે હાસ્યરસિક વાર્તાકારો અને હાસ્યરસિક નિબંધકારો એ બે વર્ગની સમાનભૂમિકામાં તુલના કરવી યોગ્ય નથી. શ્રી ધનસુખલાલ મહેતાના ‘સંધ્યાટાણે’ની પ્રસ્તાવનામાં એક પ્રકાર વિશે કંઈક કહેવાનો અવસર મળ્યો હતો. અહીં હળવા નિબંધ વિશે કંઈક રજૂ કરવાનો અવકાશ પ્રાપ્ત થાય છે. નિબંધ એના મૂળ સ્વરૂપમાં લેખકના અભ્યાસનું, ચિન્તનનું કે અવલોકનનું ફળ છે જીવનની, સમાજની, વિદ્યાની, અનેક કક્ષાઓમાંથી ઉદ્‌ભવતા પ્રશ્નો એ એની ઉદ્‌ભવભૂમિ છે. બોધનો દાવો કે ઇરાદો હોય કે ન હોય તો પણ નિબંધલેખકનો પોતાના સ્વીકૃત વિષયને નિરૂપતો અને વાચકસમક્ષ રજૂ કરાતો વિચાર, મત, અભિપ્રાય, દૃષ્ટિકોણ એ નિબંધનું ઉપાદાન બને છે. આ સ્વરૂપના નિબંધના વાચનથી પ્રાપ્ત થતો સાહિત્યાનંદ કાવ્ય, નાટક, કથા, વાર્તા જેવી કલાત્મક સર્જન કૃતિના વાચનથી ઉદ્‌ભવતા આનંદથી જુદો છે. કલાત્મક સર્જનમાં સામાજિક, નૈતિક, ધામિર્ક, મનોવ્યાપારવિષયક એવા અનેક પ્રકારમાંથી કોઈ એક પ્રશ્ન બીજરૂપે રહ્યો હોય પણ એ કલાના આવરણમાં નિગૂઢ રહેલો હોય. એ પ્રશ્નની જિજ્ઞાસા કે પ્રશ્નની પૂરી સમજનું સામર્થ્ય ન ધરાવતો વાચક પણ સર્જનકૃતિનાં રસનિષ્પાદન, સંઘર્ષ, સંવિધાન વાણી ભવ વગેરે કલાતત્ત્વોનો ઉપભોગ કરીને આનંદ અનુભવે છે; રસવૃત્તિનું તર્પણ, અથવા વસ્તુના વિકાસ પરત્વે તથા ભાવિ પરત્વે જાગ્રત થયેલી કુતૂહલવૃત્તિનું સમાધાન, એ આનંદને પોષે છે નિબંધલેખક અમુક વિષયને ચર્ચતો હોય–ભલે રસમય શૈલીમાં પણ એ વિષયની પોતાની દૃષ્ટિએ મીમાંસા કરવાનો ધર્મ સ્વીકારી રહ્યો હોય–તો વાચકમાં પણ એ વિષયની જિજ્ઞાસાની, અધિકારિતાની, અપેક્ષા રહે છે. વાચકની જિજ્ઞાસા અને એની ગ્રહણશક્તિ એ નિબંધવાચનના આનંદાનુભવનું પ્રમાણ નક્કી કરનારાં તત્ત્વો બને છે. આ પ્રકારના નિબંધ માત્ર વાચન જ નહિ પરિશીલન અને મનન માગે છે. આવો નિબંધ માત્ર શૈલીમાં કે વિષયમાં હળવો હોય તેથી આ મનનઅપેક્ષા ટળતી નથી. રજૂઆત હળવી હોય પણ એ હળવાશની ઓથે લેખકનું ગંભીર વિષયનું ચિંતન રહેલું હોય; અથવા વિષય હળવો હોય પરંતુ રજૂઆત ગંભીર કે આભાસગંભીર હોય; એવા હળવા નિબંધો પણ જેટલા પ્રમાણમાં લેખકના અભ્યાસનાં અને ચિંતનના તત્ત્વો રજૂ કરનાર હોય તેટલા પ્રમાણમાં વાચક-કને વાચન ઉપરાંત અભ્યાસની અને મનનની અપેક્ષા રાખે છે. આ પ્રકારના અભ્યાસમનનાદિના પરિશ્રમમાં અને એથી નીપજતી તૃપ્તિમાં વાચક જે બૌદ્ધિક આનંદ અનુભવે છે તેમાં જ્ઞાનપ્રાપ્તિની, અભ્યાસની, તન્મયતા છે. કાવ્ય નાટકની ચમત્કારરૂપ, અહોભાવમય, રસસમાધિની તન્મયતાથી અને કથાવાર્તાની કુતૂહલજનિત તન્મયતાથી નિબંધવાચનથી આ તન્મયતા જુદા પ્રકારની છે–એ ભેદ મહત્ત્વનો છે. આ ભેદ આપણને સ્મરણ કરાવે છે જેમ કે તાલવૃક્ષનું શિખર ઉચ્ચ ગગનવિહારી હોય તો પણ એનું મૂળ પૃથ્વીમાં છે તેમ નિબંધ આનંદલક્ષી રસવિહારી હોય તો પણ એની ઉત્પત્તિ શાસ્ત્રની ભૂમિકામાં છે. રસમય અને આનંદલક્ષી નિબંધોનો જે પ્રકાર ગુજરાતીમાં વિશેષ ખેડાયો છે તે માત્ર હળવો અને માત્ર આનંદહેતુક નહિ પણ વિનોદહેતુક પ્રકાર છે. અને એની ઉત્પત્તિ–સર્વથા નહિ તો બહુધા–નિયતકાલિક પત્રસાહિત્યને આભારી છે. જીવનમાં ઉપસ્થિત થતા પ્રશ્નોની ચર્ચા કરવી, વિષયની રસિક મીમાંસા કરવી, મત-માન્યતા-રીતરિવાજ-વર્તનવ્યવહાર-સિદ્ધાંત-આદર્શ ઇત્યાદિની યોગ્યાગ્યતાની અછડતી પરીક્ષા કરવી; અને બુદ્ધિવિષયક લેખનવ્યાપારમાં રોચકતા આવે, વાચક એમાં અભિમુખ બને, અભિમુખ બનીને વાચનથી વિનોદ મેળવે, વિનોદ મેળવતાં સાથે સાથે યોગ્યાયોગ્ય–પરીક્ષાનું અનુશીલન કરે, એ અનુશીલનમાં માનસિક શ્રમ નહિ પણ મનોવિકાસ અનુભવે અને એ મનોવિકાસના અનુકૂળ રોચક અનુભવથી પ્રેરાઈને ફરી પાછો બીજે પ્રસંગે એવા વાચનમાં પ્રેરાય; એ પ્રકારનું લખાણ લખવું; એવી આવશ્યકતા દૈનિક, સાપ્તાહિક, માસિક એવાં પાત્રોના સંચાલકોને જણાય છે. અને એમાંથી નિબંધના હળવા, રમતા રસળતા, વિનોદમય, ઓછુંવત્તું હાસ્ય પ્રેરતા સ્વરૂપની ઉત્પત્તિ થાય છે. સાપ્તાહિક ‘ગુજરાતી’માં દશકાઓ પહેલાં આવતી ‘બીરબલ’ની ‘ભર કટોરા રંગ’ નામની કંડિકાઓ, મસ્તફકીરના હાસ્યપ્રેરક કે કટાક્ષમય લેખો, ચંદ્રકાન્ત સુતરિયાના ‘નથ્થુભાઈના પરપોટા,’ રામનારાયણ પાઠકનો ‘સ્વૈરવિહાર’, જ્યોતીન્દ્ર દવેની ‘ગુપ્તાની નોંધપોથી’ અને ‘રંગતરંગ’, ગગનવિહારી મહેતાનાં ‘આકાશનાં પુષ્પો’, રમણલાલ દેસાઈના ‘ગુલાબ અને કંટક’, મુનિકુમાર ભટ્ટનું ‘તૂલિકા પાટવ’ (પુસ્તકાકારે ‘ઠંડે પહોરે’), ચીનુભાઈ પટવા કૃત ‘પાન સોપારી’ એ હળવી શૈલીનાં લખાણોનો ઉત્પત્તિપ્રકાર આવો છે. નિયતકાલે વાચકની વિનોદ-અપેક્ષા સંતોષે તેવા લેખો પ્રકટ કરવાની પત્રસંચાલકોની પ્રતિજ્ઞા, એ પ્રતિજ્ઞા પૂરી કરનાર એના સહાયક લેખકો માટે, એવા લેખો લખવાની નિયતકાલિક ફરજ ઊભી કરે છે. આવી પ્રતિજ્ઞા કે એથી ઊપજતી એવી ફરજ પૂર્ણ કરવાની જવાબદારી સિવાય, સ્વતંત્ર રીતે પોતાની વૃત્તિને અનુસરીને પણ કેટલાક લેખકો પોતાનું વક્તવ્ય રોચક શાંત શૈલીમાં રજૂ કરવાને પ્રેરાય છે. આવો લેખક નિયતકાલિક લેખકની ફરજથી મુક્ત છે, પણ વાચકને રોચક બને, અભિમુખ બનાવવામાં સફળ નીવડે એવી હળવી વિનોદપ્રદ શૈલી જાળવવાની આવશ્યક્તા એ–ભલે સ્વેચ્છાએ સ્વીકારેલું–બંધન બને છે. સ્વયંભૂ ઊર્મિ ઊઠે ત્યારે જ લખવું એવી આવા લેખકને છૂટ રહે છે, પણ જે લખવું છે તે હળવી રોચક શૈલીમાં લખવું છે એ નિશ્ચય એને બાંધે છે. એ શૈલી એને સુખ-સાધ્ય ન એ હોય. પોતાના પ્રસ્તુત વિષયને લગતા વિચાર રજૂ કરવાની લેખકની પોતાની શક્તિ વસ્તુ પૂરતી પર્યાપ્ત હોય, પણ વાચક એ વાંચીને વિનોદ અનુભવે એવી મનોરંજક શૈલીમાં લખવાની શક્તિ પર્યાપ્ત ન એ હોય. અર્થાત્‌ હળવી શૈલીના નિબંધલેખનમાં પ્રવૃત્ત થતા લેખકના વિચાર સ્વયંભૂ હોય, પણ એને સજાવવામાં આવતી હળવી શૈલી એને પહેરાવવામાં આવતા વિનોદરંગી વાઘા, એ મનોરંજનરૂપ બાહ્ય પ્રયોજનથી ઊપજ્યા હોઈને સ્વયંભૂ હોય અને ન એ હોય. આ બાહ્ય પ્રયોજનના બે પ્રકારો-પત્રાદિ સંચાલનને અંગે, વાચકનું મનોરંજન કરવાની આવશ્યકતા, અને મનનો ઊભરો વાચકને રોચકરૂપે બને એ રૂપે ઠાલવવાની લેખકની પોતાની ઇચ્છા આ બે પ્રકારો—ઉપલક દૃષ્ટિએ ભિન્ન જણાય છે. પ્રથમ પ્રકારના પ્રયોજનમાં નિયતકાલે વાચકનું મનોરંજન કરવામાં પ્રેરક તત્ત્વ બાહ્ય છે. પણ લેખકની પોતાની મનઃસંચિત વિચારસામગ્રી ઠાલવવાની, ભલે વિનોદપ્રદ રીતે ઠાલવવાની, વૃત્તિ એ આંતરપ્રેરણા છે. પણ ભિન્ન દેખાતા આ પ્રયોજનપ્રકારો તત્ત્વતઃ શૈલીની હળવાશની બાબતમાં હરહંમેશ ભિન્ન નથી હોતા. કારણ કે સ્વેચ્છાએ વિચારપ્રકટનમાં પ્રેરાતો લેખક પણ સમર્પણની હળવી શૈલી પસંદ કરવાની બાબતમાં વાચકની અભિરુચિરૂપી બાહ્ય તત્ત્વથી જ પ્રેરાય છે. સ્વેચ્છાએ પ્રવૃત થનારો લેખક પણ વાચકને રુચે તેવી વિનોદરસિક શૈલી ઘડવામાં વાચકની રુચિને અનુકૂળ થવા મથે છે. વાચકને અભિમુખ કરવાના હેતુથી હળવી શૈલી અજમાવતો આ લેખક પોતે જ સદૈવ વાચક-અભિમુખ રહે છે, વાચકની રુચિ-અરુચિ જાણવા પ્રયત્નશીલ બને છે. વિનોદ આપવો છે, માટે વિનોદ આપે તેવી હળવી શૈલી જાળવવી છે, એવા દૃઢ નિશ્ચયથી પ્રવૃત્ત થનારો, એ નિશ્ચયને દૃઢતાથી વળગી રહેવાને અને સફળ કરવાને મથનારો, લેખક વાચકનો પરિશ્રમ બચાવવાના પ્રયત્નમાં પોતે જ મોટા પરિશ્રમમાં પડે છે. એ પરિશ્રમનાં ચિહ્નો લખાણમાં છતાં થઈ જાય એ હળવા નિબંધ જેવાં લખાણોનું ભયસ્થાન છે. આ કાર્યમાં પ્રવૃત્ત થતો વિદ્વાન લેખક પોતાની વિચારસંપત્તિ ઉપર જેટલું સ્વામિત્વ ભોગવે છે તેટલું શૈલીની હળવાશ ઉપર, વિનોદમયતા ઉપર, પ્રભુત્વ નથી ભોગવતો. વિચાર-સંપત્તિ એની પોતાની છે; હળવી શૈલી જાળવવાની ફરજ—ભલે સ્વેચ્છાએ સ્વીકારેલી ફરજ – પ્રયત્ન માગે છે. નિયમિત સમયે હળવું લખાણ પ્રકટ કરવાની ફરજને અનુસરતા લેખકો હળવાશ જાળવવાની ખાતર વિષયવિશેષનું બંધન સ્વીકારે નહિ, એક વિષયમાંથી બીજા વિષયમાં સ્વેચ્છાએ વિહરે, એ એમની આ પરિસ્થિતિનું પરિણામ છે પરંતુ લેખક એવી નિયતકાલિક ફરજથી મુક્ત હોય; અને પોતાના વિચારધનને રોચક વિનોદજનક શૈલીમાં રજૂ કરવા માટે જોઈતી અનુકૂળતા અને પૂરતી માનસિક તૈયારી હોય ત્યારે જ એ પ્રકારના લેખનમાં પ્રવૃત્ત થાય તે પહેલાં નહિ એવી છૂટ ભોગવતો હોય, તો એ લેખક સ્વકર્તવ્યમાં સફળ થવાની સગવડ ભોગવે છે. છતાં નિયતકાલે વાચકનું મનોરંજન કરવાની ફરજ અથવા એવી ફરજથી મુક્ત હોઈને સ્વેચ્છાએ સ્વાનુકૂળતાએ પ્રવૃત્ત થવાની સગવડ એ વિનોદી નિબંધિકાની ઓછીવત્તી ગુણવત્તાનું ઉત્પાદક, અને નિર્ણાયક, ઐકાન્તિક તત્ત્વ નથી. સૌથી મહત્ત્વની વાત છે એ વિચારક–લેખકના વિચારપ્રવાહને હળવેરૂપે વહેવડાવતી એના માનસની સ્થિતિ, અને એની પણ પાછળ રહેલી, વિનોદનાં તત્ત્વનું ગ્રહણ કરનારી દૃષ્ટિ, અને એનાં સહકારી તત્ત્વો છે. વાણીની વિનોદને અનુરૂપ સામગ્રી, તેમજ એ વિચાર અને વાણી ઉભય તત્ત્વોના એકબીજા ઉપર પડતા પ્રભાવથી, અન્યોન્યને ઉપકારક સહકારથી, ઉત્પન્ન થતી રંજક શૈલી. આવી વિનોદપારખુ દૃષ્ટિ, વિચારને હળવી દિશામાં વહેવડાવી શકે એવો વૃત્તિમનોભાવ, હળવાશને ઝીલીને વિકસાવતી વાણી, તથા એ વિચાર અને વાણીના સહકારથી ઊપજતી રોચક શૈલી–આવી સામગ્રીથી સંપન્ન લેખક સહજશક્તિથી યશસ્વી બને છે. કારણ કે એ સ્વયંભૂ પ્રેરણાને જ અનુસરે છે, અને એ પ્રેરણાને શબ્દદેહ આપવાનું સામર્થ્ય ધરાવે છે. આવો શક્તિસંપન્ન લેખક નિયતકાલિક લેખકની ફરજ સ્વીકારીને પોતાની શક્તિનો અતિયોગ કરે એ ઇષ્ટ નથી. એથી એની સહજ હાસ્યરસિકતા સહજ મટીને આદેશને અનુસરનારી બને છે. અને આદેશને અનુસરવાની સ્થિતિ એને અનુકૂળ નથી તેથી એનું સ્વયંભૂ વિનોદતત્ત્વ ધીરે ધીરે ઘટતું જાય છે. જેની શક્તિને અને કલમને આદેશ અનુસરવાની આદત હોય છે એણે એ આજ્ઞાનુવર્તનમાં પણ અરોચક થવાથી બચવાની યુક્તિ સાધી હોય છે. બહુધા નિયત સમયે આદેશને અનુસરતો હળવી શૈલીનો લેખક આવશ્યક્તા પૂરતું જ લખીને, સંક્ષેપ અથવા ટૂંકાણ જાળવીને, વિષયાન્તર કરવાનો માર્ગ ખુલ્લો રાખીને, અરોચકતાની આપત્તિમાંથી બચવાની કળામાં કુશળ બન્યો હોય છે. વિનોદરસિક હળવી શૈલીના આપણા નિબંધ લેખકોની વળી અન્ય દૃષ્ટિએ બે વર્ગ બને છે. એક વર્ગમાં આવે જેઓએ સાહિત્યના અન્ય ક્ષેત્રમાં વિદ્વત્તાપૂર્ણ કે સર્જનાત્મક કલામય કૃતિઓ રચી હોય અને વિનોદાત્મક શૈલીનું નિબંધલેખન બાહ્ય પ્રયોજનથી કે એ ક્ષેત્રમાં પણ કૃતકૃત્ય થવાની ઇચ્છાથી સ્વીકાર્યું હોય એવા લેખકો. બીજા વર્ગમાં આવે એવા લેખકો કે જેમણે અન્ય ગંભીર પાંડિત્યપૂર્ણ કે કલામય સાહિત્ય-પ્રકારો સફળતાથી ખેડ્યા ન હોય અને નર્મયુક્ત, વિનોદમય, હાસ્યરસિક લોકરંજક શૈલીના લખાણને માર્ગે સાહિત્યકીર્તિ રળવાની આશા રાખી હોય. આ બીજા વર્ગના લેખકો પૈકી જેઓમાં ગંભીર કલાત્મક કે પાંડિત્યપૂર્ણ સાહિત્યપ્રકાર સફળ રીતે ખેડવાની શક્તિ કે વ્યુત્પત્તિ ન હોય તેઓ વિનોદના હળવા પ્રકારથી લભ્ય તેટલો યશ મેળવવા પ્રેરાય તેમાં આપણને આશ્ચર્ય થતું નથી. પણ આ બીજા વર્ગમાં આપણે કોઈ એવો સમર્થ લેખક જોઈએ કે જેનામાં પાંડિત્ય, દૃષ્ટિવૈશિષ્ટ્ય, વાણીપ્રભુત્વ સાહિત્યના અન્ય પ્રકારમાં પણ એને સફળ અને યશસ્વી બનાવે તેવું હોય અને છતાં જે એવા સાહિત્યપ્રકારના સર્જનથી વિમુખ રહે, કલામય સર્જન તો નથી કરતો પણ પાંડિત્યપૂર્ણ ગંભીર નિબંધાદિ લેખનમાં પણ ભાગ્યે જ પ્રવૃત્ત થાય—આવો સમર્થ લેખક આ વર્ગમાં જોઈએ—ત્યારે સ્વાભાવિક રીતે પ્રશ્ન ઉદ્‌ભવે છે કે આવો પ્રતિભાસંપન્ન વિદ્વાન માત્ર વિનોદપ્રધાન શૈલીના લખાણોમાં જ રાચે છે અને એવાં લખાણોમાં યથાવકાશ જ્ઞાનકણિકાઓ ચમકાવીને જ સંતુષ્ટ રહે છે એનું શું કારણ હશે? અલબત્ત એ કારણ લેખકના માનસમાં જ રહ્યું હોય છે. પણ જેમ વિનોદપરાયણતા એ એનું મનોલક્ષણ છે તેમ વિદ્યોપાસના અને તજ્જન્ય શક્તિ એ પણ એના મનમાં જ લક્ષણો છે. એ બે તત્ત્વોની એની મનોભૂમિમાં સ્પર્ધા થઈ જ હશે, તો વિદ્વત્તાના અને ગંભીર કલાસર્જનના તત્ત્વ ઉપર વિનોદપરાયણતાના તત્ત્વને વિજય અપાવનારું કોઈ અન્ય તત્ત્વ હશે ખરું? આ પ્રશ્નનો ઉત્તર અગાઉ મેં કરેલા વિધાનમાં અંતર્ગત રહેલો છે. મેં કહ્યું છે કે ‘સૌથી મહત્ત્વની વાત છે એ વિચારક-લેખકના વિચાર-પ્રવાહને હળવે રૂપે વહેવડાવતી એના માનસની સ્થિતિ, અને એની પાછળ રહેલી વિનોદનું તત્ત્વ ગ્રહણ કરનારી દૃષ્ટિ’. આ માનસિક સ્થિતિ અને દૃષ્ટિને સમજવામાં મેં આ લેખના પ્રારંભમાં આપેલી તાલવૃક્ષની ઉપમા સહાયક બનશે. તાલનું મૂળ પૃથ્વીમાં છે, પણ ઊંચે ઊંચે વધતાં એ વૃક્ષનું પર્ણશિખર ગગનવિહારી છે. મૂળિયાં ભૂમિમાં નિગૂઢ દૃઢ જડાયેલાં હોવા છતાં પણ કલાપમય શિખર આકાશના તેજને ઝીલે છે અને પવનની લહેરમાં હિલ્લોળા લે છે તાલવૃક્ષની દૃઢતા અને એ દૃઢનિખાત મૂળમાંથી જ રસપોષણ પામતા શિખરનો વાયુતરંગમાં હીંચતો વિહાર એ બે વચ્ચે જેમ મૌલિક સંબંધ છતાં વ્યાપારપ્રકારનો ભેદ છે તેમ નિબંધનાં મૂળ શાસ્ત્રની ભૂમિકામાં રહેલાં છે છતાં એ મૂળ શાસ્ત્રીય સ્વરૂપ અને એમાંથી જ વિકસેલ વિનોદલક્ષી સ્વૈરવિહારી સ્વરૂપ વચ્ચે પણ મૂલગત સંબંધ હોવા છતાં ભેદ છે. શાસ્ત્રની કોટિના લેખમાં વસ્તુ અને ઘટનાનું નિયત વાસ્તવિક સ્વરૂપે–જે હોય તે રૂપે–દર્શન હોય, વાણીનો અને શબ્દોનો નિશ્ચિત અસંદિગ્ધ અર્થમાં પ્રયોગ હોય, દલીલોનો ક્રમબદ્ધ તર્કશુદ્ધ વિકાસ હોય. અભ્યાસમૂલક અને અભ્યાસપ્રેરક ગંભીર નિબંધ આ તત્ત્વોને યથાવત્‌ જાળવે છે–એને એ તત્ત્વોનું બંધન સ્વીકારવું પડે છે. જ્યારે આજનો વિનોદલક્ષી નિબંધ એ તત્ત્વોના બંધનથી મુકત થઈને વિનોદનું લક્ષ્ય સાધે છે. વાસ્તવિક વસ્તુદર્શનને સ્થાને કાલ્પનિક દર્શન આવે છે; વાણીની અસંદિગ્ધ નિશ્ચિતતા થવાને બદલે સંદિગ્ધ અનેકાર્થતાનો આશ્રય લેવાય છે; કાર્યકારણની ક્રમિકતાનો વિપર્યય અને પ્રસિદ્ધ કાર્યકારણથી ભિન્ન કલ્પના કરવામાં આવે છે; દલીલમાં ક્વચિત્‌ ઇચ્છાપૂર્વક તર્કચ્છલનો ઉપયોગ કરવામાં આવે છે તો ક્વચિત્‌ તર્કપદ્ધતિનું વિડંબન કરવામાં આવે છે. આમાં અનિયમ અને અસંબદ્ધતા દેખાય–અને સમીક્ષકો એ પ્રકારનું દોષદર્શન કરવા પ્રેરાય. પણ અનિયમ અને અસંબદ્ધતા વિનોદના તત્ત્વને આવશ્યક છે. લેખકના માનસનો મુક્તભાવ વિનોદનિર્માણ માટે આવશ્યક છે. ઉપર ઉલ્લેખેલાં તત્ત્વો, વિચારપ્રવાહને હળવેરૂપે વહેવડાવતી માનસની સ્થિતિ, અને એની પાછળ રહેલી વિનોદનું તત્ત્વ ગ્રહણ કરનારી દૃષ્ટિ એ તત્ત્વો હળવા નિબંધનો દ્વિવિધ મુક્તભાવ સૂચવે છે. હળવા નિબંધના લેખન માટે બે પ્રકારની મુક્તદશા આવશ્યક છે. એક છે સાહિત્યસર્જન અંગે વ્યવસ્થા નિયતસ્વરૂપ વગેરેના બંધનથી મુક્તિ (વિચાર પ્રવાહને હળવે રૂપે વહેવડાવતી માનસસ્થિતિ) અને બીજી છે રાગદ્વેષ, હર્ષશોક આદિ દ્વન્દ્વોથી પર એવા મનઃપ્રસાદની મુક્તદશા (વિનોદનું તત્ત્વ ગ્રહણ કરનારી દૃષ્ટિ), આવી દ્વિવિધ મુક્તિ વિનોદપરાયણતાનું આવશ્યક તત્ત્વ છે, પણ સર્વસાધ્ય નથી. નિયતકાલે હળવા નિબંધલેખનમાં પ્રવૃત્ત થતો લેખક નિબંધની શૈલીની હળવાશ માટે જરૂરની મુકિત-નિયતબંધનથી મુક્તિ-સહેલાઈથી પ્રાપ્ત કરે અને, પ્રાસંગિક ગંભીર વિષયનું વિનોદમય નિરૂપણ કરવાનો ધર્મ બજાવવા પૂરતો સંયમ–એ વિષયથી ઉપજતા ક્રોધ, દ્વેષ, શોક વગેરે મનોવૃત્તિ ઉપર સંયમ–તત્કાલપૂરતો સાધે. પરંતુ આ દ્વન્દ્વાતીત દશા એને પરિશ્રમસાધ્ય હોય છે. અને અચિરસ્થાયી હોય છે. આવી મુક્તદશા કે સંયમ પ્રાપ્ત કર્યા પછી–એથી શક્ય બનતી વિનોદ-પ્રધાન દૃષ્ટિ અને હળવી સમર્પણશૈલી પરિશ્રમે સાધ્યા પછી પણ–એનાં સહકારી તત્ત્વો સાધવાં બાકી રહે છે. વાણીની વિનોદને અનુરૂપ સામગ્રી હોય તો જ એ પોતાના વિનોદાનુભવને વાચકમાં સંક્રાન્ત કરી શકે છે. આવી દ્વિવિધ મુક્તદશા—વિષયસહજ ક્રોધ દ્વેષ ઇત્યાદિ મનોધર્મથી મુક્ત મનઃપ્રસાદ અને સ્વરૂપસર્જનમાં કે સમર્પણમાં નિયતસ્વરૂપથી કે તર્કબંધનથી મુક્ત શૈલી – જેની સહજ વિનાપરિશ્રમે સાધ્ય અને ચિરસ્થાયી મનોદશા હોય – એ લેખક હળવા નિબંધમાં અધિકતમ યશસ્વી બને છે. આ વ્યાપક, સ્વભાવગત, મુક્તદશા એ એ લેખકની મનોભૂમિમાં સ્પર્ધા કરી રહેલાં ગંભીર કલા સર્જનમાં અને વિનોદપરાયણતાનાં તત્ત્વોમાં વિનોદના તત્ત્વને વિજય અપાવનારું તત્ત્વ છે. આવા લેખક ગુજરાતમાં એક જ છે – શ્રી જ્યોતીન્દ્ર હ. દવે. ક્રોધ, દ્વેષ, આદિ મનોધર્મનો પ્રસંગ લેખકે સ્વીકારેલા વિષયમાંથી ઉદ્‌ભવે છે. કાળે કાળે બનતી રાજકીય સામાજિક કે સાહિત્યવિષયક ઘટના વિશે નિયતકાળે જેને લખવાનું હોય એને આવા રાગદ્વેષના પ્રસંગો આવે છે – વિષય પરત્વે એ અંશત પરાવલંબી છે. પણ જે લેખક વિષય પસંદગીમાં પરાવલંબન ન વેઠતો હોય, સ્વતંત્ર રીતે મનોનુકૂલ વિષય પસંદ કરીને એમાં હળવી શૈલીનો પ્રયોગ જે કરતો હોય એ લેખક રાગદ્વેષના પ્રસંગથી મુક્તિ સાધવાના પરિશ્રમથી પોતાને બચાવે છે અને માત્ર શૈલી પૂરતી હળવાશ સાધીને કૃતકૃત્ય બને છે. આ પ્રકારના લેખક છે ‘નાજુક સવારી’ના લેખક શ્રી વિજયરાય વૈદ્ય. શ્રી વિજયરાયના નિબંધો ‘નાજુક સવારી’માંની નિબંધિકાઓ, હાસ્ય ઉપજાવવા સુધી ન જતા, વિનોદ પણ ભાગ્યે જ કહેવાય એવા, શાન્ત, સ્વસ્થ, મુલાયમ પ્રકારના હળવા નિબંધો છે. એમાં ચિંતનતત્ત્વ છે, વિષયમાં નગદ માલ છે. પણ એની રજૂઆત એવે પ્રકારે થાય છે કે વિડંબન ન આવે અને પોત પાતળું છતાં ક્ષુલ્લક નહિ એવું નાજુક રહે. વાણીનો વણાટ મુલાયમ છે, પણ એમાં શિષ્ટ અર્થઘન શબ્દોના બુટ્ટા આવે છે. એમણે પોતે કહ્યું છે કે ‘આ નાની સુંદર વાડીથી હું મુગ્ધ બન્યો છું.’ એ કથનમાં વાચક–અધિકારી વાચક–સંમત થશે. લેખક પ્રસન્નતાથી, પરિશ્રમ વિના પ્રાપ્ત કરી જણાતી નાજુકાઈથી લખે છે. એમાં બુદ્ધિને તૃપ્ત કરે, રસવૃત્તિને રીઝવે, એવાં નર્મતત્ત્વો છે, પણ હાસ્ય નથી. ‘નફટાઈ’ની વ્યુત્પત્તિમાં છે તેવો કૃત્રિમ કલ્પનાવિહાર જૂજ છે. વિચારોનું સામ્ય–ક્વચિત્‌ વિરોધતત્ત્વ પણ–શબ્દસામ્યમાં પ્રતિબિંબિત કરવાની અકૃત્રિમ શોભા ધારતી યુક્તિ છે. એ તત્ત્વો બુદ્ધિનાં તર્પક છે, હાસ્યનાં પ્રેરક નથી. એમના સિવાય બીજા હળવા નિબંધના લેખકોએ હાસ્યરસની ઉપાસના કરી છે : અને હળવા નિબંધ દ્વારા હાસ્યરસના ઉપાસકોમાં શ્રી જ્યોતીન્દ્ર દવે ગુજરાતમાં અગ્રણી છે અને અજોડ છે. અખા અને ભોજાએ દંભને ઉઘાડો પાડતા કટાક્ષ દ્વારા, પ્રેમાનંદે ઉપહસનીય વસ્તુસ્થિતિના તાદૃશ વર્ણન દ્વારા કે ધનસત્તાદિકના ગર્વના પરિહાસ દ્વારા, આછા હાસ્યરસની ઉપાસના કરી છે. દલપતરામે અનેક સાહજિક પ્રસંગોમાં હાસ્યતત્ત્વ પારખવાની અને વાચકને પરખાવવાની શક્તિ બતાવી આપી છે અને મિથ્યાભિમાનને હાસ્યવિષય બનાવતું નાટક રચ્યું છે. નવલરામે વિદેશીય હાસ્યરસને ગુજરાતી સ્વરૂપ આપ્યું છે તથા રૂઢિમાં રહેલી ઉપહસનીયતાને ગીતમાં ગાઈ છે. રમણભાઈએ કથા, અને વાર્તા સંવાદ દ્વારા વર્તન અને વાણીના વિડંબનથી ઊપજે એવા હાસ્યરસની સમૃદ્ધિ સાધી છે. મુનશી, ચંદ્રવદન મહેતા, રમણલાલ દેસાઈ વગેરેએ નાટકમાં હાસ્યરસ પીરસ્યો છે. ઓલિયા જોશી, મસ્તફકીર, જાગીરદાર વગેરેએ સમાજનાં હાસ્યપાત્ર તત્ત્વોને પ્રસંગવર્ણન ટુચકા અને વાર્તારૂપે રજૂ કર્યાં છે. ધનસુખલાલે વિડંબન અત્યુક્તિ આદિ સુખસાધ્ય ઉપકરણોને દૂર રાખીને યથાસ્થિત, ક્વચિત્‌ શોકઘેરા, જીવનમાં નિગૂઢ રહેલાં હાસ્યતત્ત્વોને પકડ્યાં છે. અને પછી આવ્યો હાસ્યરસિક હળવા નિબંધોનો યુગ. આ હાસ્યરસિક નિબંધના ક્ષેત્રમાં જ્યોતીન્દ્ર દવેની અનન્ય-સાધારણ સફળતાનું કારણ અગાઉ દર્શાવ્યું છે;—સમર્પણશૈલીના નિયમબંધનથી અને વિષયસહજ ક્રોધદ્વેષાદિ મનોવૃત્તિઓથી મુક્તતા. બધા હળવા નિબંધ લખનારાઓને આ દ્વિવિધ મુક્તભાવ સાધ્ય નથી. ગંભીર ગણાય તેવાં કલામય સાહિત્યસર્જનોમાં સ્વરૂપની નિશ્ચિતતા જાળવવાને ટેવાયેલા લેખકોને શૈલીનો સ્વૈરવિહાર પ્રયત્ને સાધવો પડે છે, અને નિબંધલેખનમાં પ્રેરનાર પ્રાસંગિક ઘટનાઓએ જે ક્રોધ કે અરુચિ ઉત્પન્ન કરી હોય તેને સંયમમાં રાખીને, જે ક્રોધ અને અરુચિનો વિષય છે તેને વિનોદલક્ષી શૈલીમાં રજૂ કરવાનું મુશ્કેલ કાર્ય પાર પાડવું પડે છે. આ દ્વિવિધ પરિશ્રમને પરિણામે એમના નિબંધો વિસ્તારમાં અને હાસ્યપ્રેરકતામાં મર્યાદિત રહે છે. અને દબાવેલો મનઃક્ષોભ, કાબૂમાં રાખેલો પુણ્યપ્રકોપ, કટાક્ષની તીવ્રતા પ્રાપ્ત કરે છે. આ પ્રકારના અન્ય સાહિત્યપ્રકારનાં પ્રતિષ્ઠિત બનેલા અને પ્રાસંગિક પ્રશ્નોથી ઊપજેલા સંક્ષોભને સંયમમાં રાખીને વિનોદમય શૈલીના નિબંધો લખનાર લેખકમાં મુખ્ય છે, રામનારાયણ પાઠક, ઝવેરચંદ મેઘાણી, રમણલાલ દેસાઈ અને નવલરામ ત્રિવેદી. ધૂમકેતુના ‘પાનગોષ્ઠી’માં સંગ્રહાયેલા હળવા નિબંધો એમને વિષયસ્વરૂપે આ વર્ગમાં મૂકે? પણ હાસ્યરસની કે વિનોદની, અથવા તો બુદ્ધિનું હળવું તર્પણ કરે એવી શૈલીની, નેમ તેઓ સાધી શક્યા નથી. શ્રી મેઘાણીએ રાજકારણમાં અને સમાજમાં તત્કાળ બની રહેલા બનાવોનું વાચકને મનોરમ થાય પણ ટીકાવિષય વ્યક્તિઓને વેધક જણાય એવી શૈલીમાં નિરૂપણ કર્યું છે, અને ‘સાંબેલા’ અને ‘સાંબેલાના સૂર’ એ નામે એકત્ર કર્યું છે. એ લેખોમાં તત્કાળ-રસિકતાની મર્યાદા છે. નિરૂપણમાં સનાતન સત્યોનું નક્કરપણું આવે છે એ ખરું, પણ એ લેખોનો આનંદ પૂરો માણવા માટે તે પ્રસંગોની માહિતી આવશ્યક બને છે એથી એ લેખો તત્કાલરસિક છે, એ સર્વકાલરસિક ન બને. એમણે પોતે કહ્યું છે તેમ ‘સાંબેલાનું સંગીત પણ જેઓ જામનગરથી માંડીને ટ્યુનીસીઆ સુધીના બનેલા બનાવોથી વાકેફ હશે તેમની જ સમજમાં ઊતરશે.’ આ એમના લેખની મનોરંજકતાની મર્યાદા છે. એ લેખો નિબંધના શુદ્ધ સ્વરૂપમાં નથી, પણ પત્રસ્વરૂપે છે, એ વસ્તુસ્થિતિ વિચારતાં નિબંધના સ્વરૂપનો પ્રશ્ન ઉત્પન્ન થાય છે. ઉપર જે હળવા નિબંધના લેખકોનાં નામો જણાવ્યાં તેમાંથી ઘણાખરાએ વાચકને વિનોદ આપવાની જેટલી કાળજી રાખી છે તેટલી નિબંધના નિયત સ્વરૂપ માટે નથી રાખી. એમાં એમનો દોષ માનવો યોગ્ય નથી, કારણ કે વિનોદ આપે તેવી શૈલી લેખકમાં જે ઉત્સાહ, ઉલ્લાસ, અવનવી કુતૂહલવૃત્તિ માગી લે છે. તે જ એ લેખોનું પ્રધાન તત્ત્વ બને છે. વિચારની સઘનતા અને એના સમર્પણની સુવ્યવસ્થા એ આવા લેખકના સ્વૈરવિહારને ફાવતી વાત ન જ હોય. આવા નિબંધોનું કલાતત્ત્વ સ્વરૂપવ્યવસ્થામાં જોવાનું ન હોય. પ્રાપ્ત કે સ્વીકૃત વિષયનાં વિનોદપ્રદ તત્ત્વોનું ગ્રહણ અને એનું મનોરંજક હાસ્યપ્રેરક વાણીમાં સફળ સમર્પણ એ એનું ખરું કલાતત્ત્વ છે. પરિણામે લેખના સ્વરૂપ પરત્વે કોઈ નિયમ જળવાતો જણાતો નથી. સ્વમુખે રજૂ કરાતા લેખકના પોતાના વિચારો અને મનેભાવ, અન્ય વ્યક્તિના વિચાર કે વર્તન સંબંધી લેખકની ટીકા, પાત્રમુખે રજૂ કરવામાં આવતો વિચાર-ભાવ-સામગ્રી, પાત્ર એકમાંથી બે કે અધિક થતાં નિષ્પન્ન થતી સંવાદશૈલી, કોઈ પરોક્ષ પાત્રને-પ્રસંગના વિધાયક પાત્રને–ઉદ્દેશીને લેખકે કરેલું કથન, અને પરોક્ષ પાત્રને ઉદ્દેશીને લખાવેલો પત્ર (દા. ત. ‘સાંબેલાના સૂર’ શ્રી મેઘાણી) એવા અનેક પ્રકારોમાં વિહાર કરવાની સ્વૈરવિહારી વિનોદી નિબંધ-લેખક છૂટ ભોગવે છે. શ્રી મેઘાણી જેવા સાહિત્યના અન્ય પ્રદેશમાં સફળ અને યશસ્વી બનેલા વિચારક અને શૈલીસ્વામીનો વિનોદમય શૈલીના લેખન-વ્યવહારમાં પ્રવેશ થયો એ પત્રકાર ઉપર આવી પડતી ફરજનું પરિણામ છે. એવી ફરજ સાધારણ લેખકને બંધનરૂપ બને : તેમાં વળી શ્રી મેઘાણીને આ પ્રકારના લેખોમાં એક વિશિષ્ટ મર્યાદા—સંજોગવશાત્‌ કે એમની સ્વેચ્છાથી—સ્વીકારવી પડી છે. એ મર્યાદા તે ઉપર જણાવી તે તત્કાળ બનતા પ્રસંગોમાંથી જ વિષય લેવો પડે એવી સ્થિતિ. પોતાની વિનોદી દૃષ્ટિ અને વૃત્તિના વહન માટે મનફાવતો વિષય પસંદ કરવાની છૂટ એમણે નથી ભોગવી. જો કે એ પોતે કહે છે કે ‘સાંબેલાના સૂર’નું એક સુખ આ છે કે એના સંગીત-પ્રદેશને સાંકડી સીમા નડતી નથી. કાઠિયાવાડના મોટા મોટા બનાવોથી માંડીને આંતરરાષ્ટ્રીય જગતની નજીવી ઘટનાઓ સુધી, જામનગરની ફસાનાર સ્ત્રીઓના—છેક વેદવારા સુધીની આપણી સંસ્કૃતિને વલોવતા—કિસ્સાઓથી લઈને રૂઝવેલ્ટ-ચર્ચિલની ક્ષણજીવી પ્રપંચલીલા લગીની તરજો સાંબેલાના નક્કર લાકડા ઉપર છેડી શકાય છે.’ પણ વસ્તુતઃ એમનો વિષયપ્રદેશ ‘૧૯૪૨ના જુલાઈથી માંડી ૪૩ ડિસેમ્બર સુધીના ૧૮ મહિનાના બનાવો’ પૂરતો મર્યાદિત છે. વિષયની આવી મર્યાદામાં રહીને હળવી શૈલીનું વિનોદપ્રદ લખાણ નિયતકાળે લખી કાઢવું એ સાંબેલામાંથી સૂર કાઢવા જેવું જ મુશ્કેલ કાર્ય છે. પ્રત્યેક છૂટક લેખ બહુધા એક નાની કંડિકા જેટલો ટૂંકો બન્યો છે એ આ મુશ્કેલીનું—અને નિયતકાર્ય લેખ તૈયાર કરવાની આવશ્યકતાનું—પરિણામ હોય એ સંભવિત છે. અને આટલી મર્યાદા હોવા છતાં શ્રી મેઘાણી વિનોદપ્રદ લખાણમાં સફળ બન્યા છે. એ સફળતાનાં કારણો છે એમની કલમને સ્વૈરવિહાર કરવા માટે મળતી એમની સમૃદ્ધ મનોભૂમિ, તળપદા તાજા શબ્દપ્રયોગો તથા શિષ્ટવાણીનો સમન્વય સાધવામાં કસાયેલી એમની કલમની શક્તિ, હૈયું ઊકળી ઊઠે એવા પ્રસંગોએ પણ ગૌરવ ન તજવાની એમની વૃત્તિ, અને કાતિલ કટાક્ષને પણ કૂણા પરખાવે તેવી વાણીમૃદુતા. લોકસાહિત્ય કથા અને કાવ્યના ઉચ્ચ અને વિશાળ પ્રદેશના સફરી શ્રી મેઘાણીએ સામયિકને અંકે અંકે તત્કાળ બનતા બનાવોમાંથી ઉપજાવેલી વિનોદમય વાની પીરસવાનું કામ સ્વીકાર્યું અને સફળ કર્યું. એવો બીજો દાખલો છે, શ્રી રામનારાયણ પાઠકનો. વાર્તા અને કવિતાના સર્જક અને વિવેચક તરીકે ઊંચી પ્રતિષ્ઠા પામેલા, અને સાહિત્યની ગંભીર તાત્ત્વિક મીમાંસામાં મશગૂલ રહેનારા શ્રી પાઠકે પણ ‘પ્રસ્થાન’ના પ્રત્યેક અંકે હળવી વાની પીરસવાની, અને એને વર્તમાન સમાજ, સાહિત્ય અને રાજકારણની સામગ્રીમાંથી બનાવવાની ફરજ સ્વેચ્છાએ સ્વીકારી હતી. શ્રી મેઘાણીની માફક એમના લેખોએ પણ તાત્કાલિક ઘટનાની સમીક્ષા, પરીક્ષા અને ટીકા કરવાની વિષયમર્યાદા સ્વીકારી હતી. જો કે એમના લેખોને અધ્યાપકની પૃથ્થક્કરણ શક્તિનો અને વિસ્તારિતાનો લાભ મળ્યો છે – છતાં એમને પણ અનેકવાર ન્હાની કંડિકાઓની માલાથી સંતોષ માનવો પડ્યો છે. ઉપરાંત તેઓ તાત્કાલિક ઘટનાઓની વિષયસીમા વટાવીને કલ્પનાના પ્રદેશમાં પણ પ્રવેશ્યા છે. પ્રાસંગિક ઘટનાઓની પસંદગીમાં પણ મેઘાણીથી તેઓ જુદા પડે છે. મેઘાણી મોટે ભાગે રાજકીય પ્રશ્નોને વિનોદપ્રદ શૈલીમાં સજાવે છે, પણ રામનારાયણ પાઠકની કલમને સાહિત્ય પ્રશ્નો વિશેષ ફાવતા કે રુચતા જણાય છે. જનસ્વભાવને પણ એમણે અવલોક્યો છે, પણ એમાં એમનો સ્વૈરવિહાર સમૃદ્ધ થતો નથી. હળવી રસળતી શૈલીથી પ્રારંભ કરીને પછી તરત સ્વસ્થનિરૂપણમાં સ્થિર થતું અને ક્વચિત્‌ ઊંડાણમાં ઊતરતું નિરૂપણ, પ્રચલિત કહેવતોનો અને સૂત્રનો ‘હળવો’ વિનિયોગ, શબ્દની રમત, ક્યાંક તટસ્થને હસાવે પણ પ્રધાનવિપક્ષને ઠીક ઠીક ડંખે એવું ‘તડ અને ફડ’ કથન, એ શ્રી રામનારાયણના ‘સ્વૈરવિહાર’નાં પ્રધાનતત્ત્વો છે. વાણી મેઘાણી જેવી રંગીલી નથી – પણ સરળ છે. અને સરળ છે છતાં વિચારનો ભાર ઉઠાવવાને સમર્થ છે. એમની કલમ શબ્દોના ઉચ્ચારસામ્યથી કે અર્થસામ્યથી નહિ પણ વિચારના સામ્યથી પ્રેરાતી આગળ વધે છે. કોઈ સમર્થ સાહિત્યકારનાં કથનોમાં રહેલો પરસ્પર વિરોધ ઉઘાડો પાડતા શ્રી રામનારાયણ તર્કશાસ્ત્રના અભ્યાસી છે એ પરખાઈ જાય છે. એમની વાણી એકંદર દંશરહિત છે, છતાં અનેકવાર ડંખે એવી કટાક્ષમય બને છે! વાચકને સહસા ચમત્કૃત કરી નાખે એવાં વિધાનો – જે શ્રી જ્યોતીન્દ્ર દવેની એક વિશિષ્ટતા છે એવાં વિધાનો – પણ ક્વચિત્‌ રામનારાયણ પાઠક કરે છે ખરા. બહુધા ગંભીર અને અતિગંભીર વિષયોમાં નિમગ્ન રહેતા અને પીઢ આકારના શ્રી પાઠકે સ્વૈરવિહારમાં વિનોદપ્રધાન નિબંધપ્રકાર સફળતાથી ખેડ્યો છે. આ બંને લેખકોના – મેઘાણીના તથા રામનારાયણ પાઠકના – વિષયો તત્કાલ મહત્ત્વના હોવા છતાં કાયમી શુભાશુભ પરિણામ મૂકતા જાય એવા હોઈને લેખકના હૃદયમાં ઊંડો ક્ષોભ અને કંઈક ચિંતા ઉપજાવે એવા છે. તે છતાં બંને લેખકોએ પોતાની સહજ રોષવૃત્તિને સંયમમાં રાખીને, હૃદયમાં અને મુખ ઉપર સ્મિત પ્રકટાવીને વાચકને વિનોદ અર્પ્યો છે. પણ એ વિનોદ અર્પવાની સાથે જ પ્રકોપનો વિષય બનેલી વ્યક્તિને બે વેણ સંભળાવવાનો એમાં હેતુ છે. એ વેણમાં—એ મહેણામાં–કટુતા નથી તો મામુલી મીઠાશ પણ નથી; ગૌરવયુક્ત સંયમ છે. અન્ય સાહિત્યક્ષેત્રમાં પ્રતિષ્ઠિત અને પ્રસિદ્ધ બનેલા અને પ્રાસંગિક હળવા લખાણોમાં પ્રવૃત્ત થતા ત્રીજા સાહિત્યકાર છે શ્રી રમણલાલ દેસાઈ. એમના ‘ગુલાબ અને કંટક’માં સમગ્ર માનવજાતિની – એની પોતાની નજરે ન દેખાય પણ માનવેતર પ્રાણીઓથી પારખી શકાય એવી – મર્યાદાઓ અને નિર્બળતાઓ નર્મરસિક શૈલીમાં દર્શાવી છે; માનવજાતિ પછી પ્રથમ વ્યક્તિરૂપ માનવને અને પછી માનવજાતિના ધંધાદારી વર્ગોને વિનોદનો વિષય બનાવતી એમની કલમ ધીમે ધીમે ગૂઢ કટાક્ષને પ્રકટ કરે છે. અને એ કટાક્ષ ઉત્તરોત્તર વેધક બનીને નર્મના તત્ત્વને દબાવી દે છે. રાજકીય અને પ્રાસંગિક પ્રશ્નોની એમની રજૂઆત માત્ર વિનોદહેતુક નથી રહેતી; એમાં એમના હૈયાની વરાળ ફળફળે છે, અને વિનોદરસિક વાચન માણવા માટે પ્રવૃત્ત થયેલા વાચક લેખકની શૈલીમાં અણધારી ઉષ્મા અનુભવે છે. શ્રી રમણલાલની શૈલી નર્મલક્ષી છે પણ માર્મિક છે. એમાં વાણીની વિશદતા અને વક્તવ્યની ગંભીરતા વચ્ચે સતત સ્પર્ધા થયા કરે છે. સરલ અને વિનોદપ્રદ રીતે – પણ અમુક અભ્યાસકોટિએ પહોંચેલા વાચકને જ સરળ અને વિનોદપ્રદ બને એ રીતે. જે કહેવાયું છે તેમાં લેખકના ગહન ચિંતનોનો નિષ્કર્ષ છે. ખરું જોતાં વસ્તુમાં હળવાશ નથી. રજૂઆતમાં પણ નર્મમર્મનાં તત્ત્વો હોવા છતાં પૂરતી હળવાશ નથી, પણ વિચારને સતત પ્રવાહી શૈલીમાં રજૂ કરવાને બદલે ટૂંકી ટૂંકી કંડિકાઓમાં અને નાનાં નાનાં વાક્યોમાં વિભક્ત કર્યો છે તેથી વાચક વિસામા ખાતો ખાતો આગળ વધે છે અને વિચારભારને કટકે કટકે વહે છે. શ્રી મેઘાણી તથા શ્રી રામનારાયણ જેવી ઠાવકે મ્હોંએ ટાઢા ઘા મારવાની રીત શ્રી રમણલાલને ઝાઝો વખત ફાવતી નથી. એમના હૈયાની ગરમી એમની વાણીમાં ઊતરે છે. અગાઉ આ ગ્રન્થના અવલોકનમાં મેં સૂચવ્યું હતું તેમ એમાં ગુલાબ થોડા અને કાંટા વધારે છે. વિદ્વાન અને ચિંતનશીલ પ્રકૃતિનો, સર્જનાત્મક કલાકૃતિની રચનામાં પોતાની ગંભીર શૈલીની વૈયક્તિકતા સાધી ચૂકેલો, રાજકીય, સામાજિક અને સાહિત્યવિષયક ક્ષેત્રમાં તટસ્થ નિરીક્ષક નહિ પણ પ્રવાહપતિત, પ્રવાહપતિતથી પણ વિશેષ–પ્રવાહવાહક–એવો લેખક હળવી શૈલીમાં સફળતા મેળવે તો પણ, (૧) કાં તો એ ક્ષેત્રના પોતે સ્વીકારેલા વિભાગમાં યાવત્પ્રયોજન વિહરે પણ વિષયની બહુલતાથી કે વિસ્તીર્ણતાથી વંચિત રહે, (૨) અથવા તો વિચારની અને લાગણીની ઊંડાઈ તથા ઉત્કટતા નિતાન્ત છુપાવી શકે નહિ એ આપણે જોયું આ બે મર્યાદાઓમાંની પહેલી શ્રી મેઘાણીની તથા શ્રી રામનારાયણ પાઠકની મર્યાદા છે, અને બીજી શ્રી રમણલાલની મર્યાદા છે. શ્રી નવલરામ ત્રિવેદીમાં એ બંને મર્યાદાઓ એકત્ર રહેલી મને જણાય છે ‘કેતકીનાં પુષ્પો’ અને ‘ગુલાબ અને કંટક’ એ બે ગ્રંથનામોમાં જ શ્રી નવલરામની તથા શ્રી રમણલાલની સમાન લાક્ષણિકતાનું સૂચન થઈ જાય છે; બંનેમાં કંટક છે. શ્રી નવલરામે ‘ચંદરવા શૈલી’ નામનો એક લેખ લખ્યો છે; શ્રી રામનારાયણ પોતાના ઉપોદ્‌ઘાતમાં કહે છે; ‘સ્વૈરવિહાર વિષયોનો ચંદરવો છે.’ કંઈક અંશે આ ‘ચંદરવા શૈલી’નું તત્ત્વ આ બંને લેખકોનું સમાન લક્ષણ બને છે. એ ચંદરવા શૈલીનું લક્ષણ શ્રી ત્રિવેદીએ આપ્યું છે : ‘એકાદ ભવ્ય વિષયને પસંદ કરીને પછી તેના વિષે જ્યાં જ્યાં, જે કાંઈ લખાયું હોય તે એકઠું કરવામાં આવે છે.’ આ લક્ષણ પૂરેપૂરું તો આ બે લેખકોને લાગુ ન જ પડે. પણ એ બંને સાહિત્યના અભ્યાસકો અને શિક્ષકો છે, તે સામ્યમાંથી નીપજેલું અન્ય સામ્ય છે—એ બંને પોતાનો સાહિત્યનો અભ્યાસ વિષયની પર્યેપણામાં જ નહિ પણ સાહિત્યમાંથી આપેલાં દૃષ્ટાન્તોમાં પ્રકટ કરી દે છે. આ સામ્ય છે, પણ એ લક્ષણ કોઈ પણ અભ્યાસી-શિક્ષકના લેખકમાં સહજ રીતે આવી જાય એવું છે એથી એ સમાનતા ઉપર હું ખાસ ભાર નહિ મૂકું. સામાજિક અને ધાર્મિક પ્રશ્નોની પર્યેષણામાં, રાજકારણ અને ધંધાના અવલોકનમાં શ્રી નવલરામ ત્રિવેદી, શ્રી રમણલાલની માફક પોતાનો પુણ્યપ્રકોપ છુપાવી શકતા નથી. સમાજમાં પ્રવર્તતો અન્યાય, રૂઢિનાં બંધનો, સબળાથી થતું નબળાનું દમન વગેરે બાબતો શ્રી ત્રિવેદીના હૃદયને એના ભોગ બનેલાઓ પ્રત્યે સહાનુભૂતિથી કોમળ બનાવે છે, પણ દમન કરનારાઓ પ્રત્યે એમની આંખ લાલ થઈ જણાય છે. એમના ઓષ્ટ ઉપર સ્મિત છે, પણ એથી એમનો ભ્રુકુટીભંગ છૂપો રહેતો નથી. શ્રી મેઘાણી તથા શ્રી પાઠક સાથે શ્રી ત્રિવેદીનું સામ્ય છે તે વિષય પરત્વે અને વિહારની મર્યાદિતતા પરત્વે છે. પોતે સ્વીકારેલા વિષયવિભાગમાં નવલરામ, એ બે લેખકોની માફક યથેચ્છ અને અનર્ગળ નહિ પણ પ્રયોજન પૂરતો વિહાર કરે છે; એ બે લેખકો વિનોદનાં તત્ત્વો જેટલાં વિષયદર્શનમાં તેટલાં જ સમર્પણશૈલીમાં અને વાણીમાં પણ આણી શક્યા છે. શ્રી નવલરામની હાસ્યસામગ્રી એમના દૃષ્ટિકોણમાં અને સમર્પણશૈલીમાં છે તેટલી વાણીમાં નથી. અસંગતિ, દંભ વગેરેના સ્ફોટમાં એમને હાસ્યનું બીજ મળે છે, પણ રમૂજ આપવાની—હાસ્ય નહિ તો સ્મિતરેખા પ્રકટાવવાની—એમની સાભિપ્રાય યોજના અને કાળજી કળાઈ જાય છે. શ્રી પાઠકનો ‘સ્ત્રીયોપયોગી’ અને ‘કલાકીય’ ઉપરનો તેમજ શ્રી ત્રિવેદીનો ‘અત્યંજ,’ ‘પ્રિયવંદા’, ‘દુદુંભિ’ અને ‘નમૃ’ વિશેનો કટાક્ષ એ તો માત્ર સમાન શિક્ષકધર્મનું સ્વાભાવિક પરિણામ છે. શ્રી ત્રિવેદી ભાષાશુદ્ધિનો આગ્રહ બતાવે છે છતાં એમણે ‘વિક્રયિત્રી’ એવો અપપ્રયોગ કેમ કર્યો હશે? ખરું રૂપ છે વિક્રેત્રી. શ્રી ગગનવિહારી મહેતા ‘આકાશનાં પુષ્પો’માં પ્રાસંગિક વિષયો ઉપર હળવી કલમ અજમાવે છે ખરા, પણ પ્રધાનતઃ એમનો હાસ્યરસ પોતે પસંદ કરેલા કલ્પનાક્ષમ વિષયોમાં રાચે છે : ‘હાસ્ય આકાશનાં પુષ્પોને ચૂંટવા મથે છે’ એવું એમનું પોતાનું વિધાન એમતા ‘ગગનવિહારી’ નામથી સૂચિત થયું છે—અને ‘આકાશનાં પુષ્પો’ એ સંગ્રહના નામકરણના હેતુને શ્લેષથી વ્યક્ત કરે છે – છતાં એમાં એમની હાસ્ય પ્રક્રિયાનું લક્ષણ પણ સૂચવાય છે. હાસ્ય ‘અસંગતિની પાંખો પર ઊંચે લઈ જાય છે’ એવું એમનું કથન પણ એમના હળવા નિબંધોને બંધબેસતું છે. અશક્યની નવા દેશકાળમાં શક્યતાનું દર્શન, પોતાના જ કથનમાં વાચકની ગેરસમજ કલ્પીને એ ગેરસમજનું નિરસન, બિનજવાબદારીવૃત્તિ, વાક્યની અધવચમાં જ વિચારતંતુને મરોડતો અને અમળાવતો વાક્યપ્રક્ષેપ, શ્લેષ અને કંઈક આછી જણાતી ચમકલીલા એ એમના હાસ્યરસની શૈલીનાં લક્ષણો છે. વસ્તુનું વિપરીત દર્શન એ એમની હાસ્યસાધક દૃષ્ટિનું પ્રધાનતત્ત્વ છે–જેને લીધે એઓ ગુણસ્થાને દોષ કલ્પે છે. પ્રસિદ્ધ શાસ્ત્રવચનોનો વક્ર વિનિયોગ કરે છે, કહેવતોના અર્થનું અન્યથાકરણ કરે છે પ્રતિષ્ઠિત કે પરિચિત વ્યક્તિઓનું ખાસિયતો પ્રત્યે બહુધા ગર્ભિત રીતે પણ કોઈવાર નામ આપીને, તેઓએ કટાક્ષ કર્યો છે, પણ એ ખાસિયતોનું દર્શન શ્રી ગગનવિહારીનું મૌલિક દર્શન નથી; કારણ કે જે ખાસિયતો તરફ ખરી કે ખોટી રીતે કટાક્ષ કરવાની આદત સમાજના મ્હોટા ભાગને પડી જ હતી એ જ ખાસિયતોને તેઓ કટાક્ષવિષય બનાવે છે. એમના નિબંધોમાં થોડીક કૃતિઓ પાશ્ચાત્ય લેખકોના લેખો ઉપરથી સૂઝેલી હોવાનો ઋણ સ્વીકારે તેઓ કરે છે, બાકીની સ્વતંત્ર છે. શ્રી વિજયરાય વૈદ્યે ‘નાજુક સવારી’ની હળવી પણ હાસ્યની કોટિએ ન લઈ જતી નિબંધિકાઓ ઉપરાંત ‘ઊડતાં પાન’ નામે વિનોદલક્ષી નિબંધો સંગૃહીત કર્યા છે. એમના વિષયો એમણે પોતાના જ અનુભવોમાંથી, અને મુખ્યત્વે કરીને પોતાના પ્રોફેસર તરીકેના ધંધાના અનુભવોમાંથી, લીધેલા છે. સરળ સુવાચ્ય ભાષામાં લખાયેલા આ નિબંધોમાં હાસ્યતત્ત્વ સમર્પણની શૈલીમાં કે લેખકની નિરાળી દૃષ્ટિમાં નહિ પણ પ્રસંગોની જ વિલક્ષણતામાં રહેલું છે. ક્યાંક વાણીમાં અને શૈલીમાં હાસ્યતત્ત્વ રહેલું જણાય છે ત્યાં પણ એ વાણી અને શૈલી સંપૂર્ણતઃ લેખકે પોતે સર્જેલી ન હોય પણ બનેલી હકીકત જે રૂપે બની અને કહેવાઈ એ રૂપે સ્મરણમાંથી લઈને મૂકી હોય એવો ખ્યાલ ઉપજાવે છે, પણ એ દોષ ન જ ગણાય. શ્રી મુનિકુમાર ભટ્ટના ‘ઠંડે પહોરે’માં સંગ્રહાયેલા હાસ્યપ્રધાન નિબંધોમાં હાસ્યોત્પાદનની પદ્ધતિ બે પ્રકારની છે? વસ્તુની વિલક્ષણ ગોઠવણી, અને હાસ્યપ્રેરક ભાષા. ‘ભાષા અને પદ્ધતિના ફેરફારથી શુષ્ક દેખાતા વિષયો પણ સરસ બને છે’ એવું એમનું કથન એમના નિબંધો પરત્વે યથાર્થ છે. પણ એમની સંસ્કૃતપ્રધાન શૈલી એમના હાસ્યરસને માત્ર વિદ્વદ્‌ભોગ્ય બનાવે છે. સિદ્ધાન્ત અને દૃષ્ટાન્ત વચ્ચેની અસંગતિ, વિડંબનમય વ્યાજસ્તુતિ, અને બહુ મામૂલી વિષયનું ગંભીરભાસી વિનોદગર્ભ પૃથક્કરણ એ એમની હાસ્યપ્રેરક યુક્તિઓ છે. કેવળ શબ્દોને અને શબ્દની રમતને આધારે હાસ્ય ઉપજાવવાના એમના પ્રયત્નો પૂરતી સફળતા પામ્યા નથી. શ્રી ચંદ્રકાન્ત સુતરિયાનો આ ક્ષેત્રમાં વિકાસ સંભાવ્ય હતો તે એમના અકાળ મૃત્યુથી અટકી પડ્યો છે. એમના ‘પરપોટા’માં સંગ્રહાયેલી કૃતિઓમાં થોડાક હળવા નિબંધ જેવા લેખો છે. અમુક વર્ગના માણસોના સ્વભાવની વિચિત્રતાઓ, જાણેલા પ્રસંગોમાંથી ઊઠેલા ‘હળવા મનોભાવ’, અમુક કિસ્સામાં રહેલી અદ્‌ભુતતા, એવા એવા વિષયમાં મનમોજે વિહરતી એમની કલમે વસ્તુમાં જ રહેલું હોય તેથી વિશેષ, લેખકની દૃષ્ટિએ પારખેલું કે વાણી અને શૈલીના ગુણે પ્રકટાવેલું, હાસ્ય ઉપજાવવાનું સામર્થ્ય પ્રાપ્ત કર્યું નથી. આંબલામાં રહેતા શ્રી નટવરલાલ પ્રભુલાલ બુચની હાસ્યરસિક લઘુકૃતિઓના સંગ્રહ ‘રામરોટી’માં નિબંધો અલ્પ છે, હળવા નિબંધની કક્ષામાં મૂકી શકાય એવા લેખો થોડાક છે. વાસ્તવિક તત્ત્વોમાં પણ કલ્પનાવિહાર, વાસ્તવિક લાગે તેવું છતાં વાસ્તવિકતાની અત્યુક્તિ કરતું તાદૃશ વર્ણન, ઉદાત્ત વ્યક્તિનું કે પ્રસંગનું નીચીકરણ એ એમની વિશિષ્ટ હાસ્યસામગ્રી છે. પાત્રોને હોવાં જોઈએ તે પ્રકારનાં પણ અતિવિડંબિત નામો આપવાની લાલચ હાસ્યરસને ક્ષુલ્લકતામાં સરકાવે એ એમણે લક્ષમાં રાખવું ઘટે છે. એથી ઊલટી રીતે, જ્યાં ત્યાં જાતિવિષયક (‘જાતિનેય’) અસંતુષ્ટ જિજ્ઞાસાને જોનારા ફ્રોઇડવર્ગી માનસશાસ્ત્રીઓનું અત્યુક્તિયુક્ત વિડંબન કટાક્ષમય હોવા છતાં હાસ્યરસમાં સફળ બને છે. શ્લેષ, ઉપમા વગેરે વાણીયુક્તિઓનો સારો ઉપયોગ કર્યો છે. શ્રી જયેન્દ્ર દુરકાળના હળવા નિબંધો વિષય પરત્વે અને શૈલીને અંગે વિશિષ્ટ છે. ‘સબરસથી સુધા’ સુધીનો એમના ‘અમી’ નામના સંગ્રહનો વિષયવિસ્તાર છે તેમાં આજુબાજુ બની રહેલી રાજકીય, સામાજિક કે સાહિત્યવિષયક ઘટનાઓના પરામર્શનો અભાવ છે – ‘નૂતન યુગ’ એ એક જ નિબંધ એમાં અપવાદરૂપ છે. એમના વિષયો જ ‘હળવા’ છે – ‘પાણીનાં મૂળ’, ‘વાદળીઓ’, ‘વાયરા’, ‘વાળ,’ ‘અંગૂઠો’ એવા એવા એમની શૈલીનું પ્રધાન વાણીતત્ત્વ શ્લેષ છે. એક જ શબ્દનો શ્લિષ્ટ અર્થમાં ઉપયોગ એ એમનો પ્રિય વાણીવિલાસ છે. જેમાં ઝાઝું કહેવાનું સ્વાભાવિક ન હોય એવા વિષયોમાં તેઓ શ્લેષ વડે, ક્વચિત્‌ ઉપમા દ્વારા અને બહુધા ઔપચારિક અર્થાત્‌ લક્ષ્ય અર્થનો પ્રધાનઅર્થ તરીકે સ્વીકાર કરીને તે દ્વારા વિસ્તાર સાધે છે. ઇતિહાસપુરાણના પ્રસંગોના ઉલ્લેખનો એમને શોખ જણાય છે. એક જ શબ્દ અનેક અર્થ દ્વારા કે વિવિધ વિનિયોગ દ્વારા જ્યાં જ્યાં લઈ જઈ શકે તેટલે દૂર જઈને વિષયનું અનેક પ્રકારે અનેક સ્વરૂપે અનેક દૃષ્ટિથી અવલોકન અને નિરૂપણ કરવું એ એમની યુક્તિ શ્રી જ્યોતીન્દ્ર દવેના એ યુક્તિના વિસ્તીર્ણ ઉપયોગની આગાહી આપે છે. આ ઉપરાંત ટૂંકાં સૂત્રાત્મક વાક્યો એ એમની આગવી વિશિષ્ટતા બની રહે છે. આ પ્રકારે તેઓ વિનોદ અર્પવામાં સફળ બને છે, પણ એ વિનોદ માત્ર આવા સ્મિતરૂપે જ વાચકના મુખ ઉપર રમે છે. બુદ્ધિને કસે કે તૃપ્ત કરે એવું ઊંડાણ કે એવું વૈચિત્ર્ય એમની શૈલીમાં નથી. શ્રી જ્યોતીન્દ્ર દવે દૃષ્ટા તરીકે અને સૃષ્ટા તરીકે – કલ્પક તરીકે અને કારીગર તરીકે – સ્વરૂપનિયમોથી કે દ્વેષક્રોધાદિ વૃત્તિઓથી મુક્તતા અનુભવે છે, અને એ મુક્તતા એના માનસનું સાર્વકાલિક સ્વરૂપ બની રહ્યું છે એ કારણે એમને મેં હળવા હાસ્યરસિક નિબંધના લખનારાઓમાં અગ્રણી અને અનન્ય કહ્યા છે. પરંતુ સાહિત્યના આ પ્રકારમાં એમનું અગ્રસ્થાન માત્ર આ વિશિષ્ટતાને આધારે રહેલું નથી. સર્જકની માનસિક પ્રક્રિયા અને એનો મનોભાવ જેમ મહત્ત્વની વસ્તુ છે તેમ એ મનોભાવ વાચકમાં સંક્રાન્ત કરવાની શક્તિ એ પણ મહત્ત્વની વસ્તુ છે. મનોભાવ પરત્વે સર્જક અને ભાવક બંનેનું સાધર્મ્ય નિષ્પન્ન થાય એ ભાવપ્રધાન સર્જનની સફળતાની કસોટી છે. એ કસોટીમાં શ્રી જ્યોતીન્દ્ર દવે બીજા કરતા વિશેષ સફળ થાય છે. એમાં કારણભૂત, એમની માનસિક મુક્તતા ઉપરાંત, એ મુકતતાને વાચકમાં સંક્રાન્ત કરવાનું અદ્વિતીય સામર્થ્ય ધરાવતી એમની શૈલી છે. એટલું જ નહિ પરંતુ એમની આ મનોમુક્તતા અને એમની શૈલી ઉપર એમનું પ્રભુત્વ એવું છે કે બીજાઓ એકાદ બે સંગ્રહ થાય તેટલા હળવા નિબંધો લખીને અટકી જાય છે ત્યારે જ્યોતીન્દ્ર દવેની કલમ અવિરત ચાલુ રહી છે. ગુપ્તાની નોંધપોથી, પાનનાં બીડાં, અલ્પાત્માનું આત્મપુરાણ અને રંગતરંગના છ ભાગ પ્રકટ થયા છે; અને હજી પણ એમની કલમ ‘અખંડ આનંદ’ના અંકોમાં, શ્રી ઉમાશંકર જોશીના ‘વિશ્વશાન્તિ’માંની બીજકલાની માફક, ‘માસે માસે અભિનવ હાસે’[1] અનેક વર્ષો સુધી અવિચ્છિન રહેલી એમની આ પ્રવૃત્તિમાં સદૈવ એક સરખી ગુણવત્તા રહી છે. એવું તો કહી શકાતું નથી. ‘રંગતરંગ’ના પ્રારંભના લેખોમાં એઓ વિનોદ ઉપજાવવા માટે ધૃષ્ટ ગીતોનો, અસંભાવ્યને સંભાવ્ય કલ્પીને કરેલા કથનનો, ભૂતાર્થના અતિધૃષ્ટ વિપર્યાસનો, શબ્દના ઉદ્‌ભવ, ઇતિહાસ, ભૂગોળ વગેરે વિશે અસંભાવ્ય કલ્પનાનો અને પદૃશ્ય તર્કચ્છલનો આશ્રય લે છે. એમની ‘બનાવટ’ વાચકને બનાવે છે – અથવા તો વાચકને અતિશ્રદ્ધાળુ માની લે છે. પણ આ શૈલીના લખાણમાં સતત પ્રવૃત્ત રહેવાથી જ તેઓ જેને અન્ય દૃષ્ટિએ ‘બિનજવાબદારી’ કહી શકાય તેવી – આવેશમુક્તિ અને અભિનિવેશમુક્તિ સાધે છે. વાચકને આશ્ચર્ય ઊપજે તેવી રીતે વિષયને વિસ્તારવાની એમની કલા અનન્ય છે. શબ્દોના ઉચ્ચારસામ્યે કે અર્થસામ્યે, અથવા આડકથાઓ અને ઉપકથાઓથી, વિષયાન્તર કરવું સહેલું કદાચ હશે, પણ એવાં અનેક વિષયાન્તરો થયા પછી વાચકને ચમત્કૃત કરે તેવી સફાઈથી મૂળ વિષય ઉપર આવી જવું, અને એ કથાઓ કે દૃષ્ટાન્તો ‘આડકથા’ નહોતી, વિષયથી સંબદ્ધ વાત જ હતી, એવો આભાસ ઉપજાવવો એ સહેલું નથી. એમણે કહ્યું છે, ‘એક નાનકડું, બિનજવાબદાર, રસીલું, આડકથા ને ઉપકથાઓથી ભરેલું પુરાણ લખી કાઢવું એ તો રમત વાત છે એમ માનવું એ ભૂલભરેલું છે. એને માટે કેટલી સાધનસામગ્રીની અપેક્ષા રહે છે, કેટલી કલ્પનાશક્તિની જરૂર પડે છે!’ એમનું આ કથન સત્ય છે. પણ મારે આટલું વધારે કહેવું પડશે કે એ રીતે પુરાણ લખી કાઢવું એમાં બહોળી સાધન-સામગ્રીની અપેક્ષા રહે છે એ ખરું, પણ વિષયના મૂળ તંતુને સર્વથા લુપ્ત ન થવા દેવો એમાં અધિકતર શક્તિની અપેક્ષા રહે છે. અને જ્યોતીન્દ્ર દવેને એ શક્તિ વરેલી છે. જ્યોતીન્દ્ર દવેની ઉપમાઓ, એમનાં રૂપકો અને વ્યાજસ્તુતિ સચોટ હોય છે. પ્રસ્તુત વિષયના વિશદ સમર્પણમાં ઉપકારક બને છે, અને છતાં એમાં અસાધારણતા જોવામાં આવે છે. એ શ્લેષનો ઉપયોગ કરે છે તે માત્ર વિષયના બહુલીકરણ માટે નહિ, માત્ર વિનોદ ખાતર નહિ. અનેકવાર એ શ્લેષનો એવો ઉપયોગ કરે છે કે જે બે વસ્તુ વચ્ચે કાંઈ જ સામ્ય સંભાવ્ય કે કલ્પનીય ન હોય, નામનું પણ સામ્ય ન હોય, એ બે વસ્તુઓને શ્લિષ્ટાર્થ વિધેય (કે ક્રિયાપદ) વડે સાંધીને અન્યથા અશક્ય એવી તર્કયુક્તિ સાધે છે. જ્યોતીન્દ્ર દવેની અન્ય—અનન્યસાધારણ વિશિષ્ટતા છે એમનું સંવાદચાતુર્ય. સંવાદને ગૂંચવી નાખવાની એમની યુક્તિ વાર્તાલાપ નહિ પણ વાર્તાની ભૂલભૂલામણી—‘વાર્તાથાપ’—ઉપજાવે છે. વાર્તાલાપ કરનારાં બે પાત્રોમાંથી એક પાત્ર—એટલે લેખક પોતે એમાં હોય તો પોતાથી અન્ય પાત્ર ગૂંચવાઈ જાય એવું કોકડું કરી નાખવાની યુક્તિ જ્યાં ત્યાં અજમાવેલી જોવામાં આવે છે. પ્રશ્નોત્તર દરમ્યાન એક પાત્ર મૂળ મુદ્દાથી અસંબદ્ધ બાબત અચાનક આણી મૂકે; દરમ્યાન મૂળ મુદ્દો ભૂલાઈ જાય; અને પૂછનારો ફરીથી મૂળ મુદ્દા પર એવી જ અણધારી રીતે આવી જાય—કે સામી વ્યક્તિ, મૂળ મુદ્દો એના સ્મરણમાં ન હોય તેથી, મૂંઝાઈ જાય. પ્રસ્તુતમાંથી અપ્રસ્તુતમાં દૂર સુધી ગયા પછી એકાદ એવો પ્રશ્ન આવે જે હોય અપ્રસ્તુત વિશે છતાં પ્રસ્તુત પ્રસંગને બંધબેસતો થઈ જાય; વાક્યાર્થમાં શબ્દ બંધબેસતો આવે, પણ એથી કહેનારને એક વાત સમજાય, અને સાંભળનારને બીજી જ સમજાય; કથનનો પ્રવાહ અણધારી રીતે બદલે, મૂળથી અસંગત બાબત આવી જાય. વાતનો તંતુ તૂટ્યો જણાય પણ તૂટે નહિ, સતત રહે, એ યુક્તિ ઉપર વિષયવિસ્તારને અંગે જણાવી તે યુક્તિ-સંવાદમાં પણ આવે; આ પ્રકારનું જ્યોતીન્દ્ર દવેનું સંવાદચાતુર્ય બીજા ગુજરાતી લેખકમાં જોવામાં આવ્યું નથી. ખરું, એમની આ યુક્તિનો ઉદ્‌ભવ એક વિખ્યાત અંગ્રેજી લેખકના અનુકરણમાં છે. પણ એ અનુકરણ તો માત્ર પ્રેરણા છે, એ પ્રેરણા મળ્યા પછી એવા સંવાદો અનેકાનેક ઘડવાનું પ્રભુત્વ ભાઈ જ્યોતીન્દ્રનું પોતાનું છે એ કબૂલ કરવું પડે છે. સાધારણ વિષયમાં અસાધારણ તત્ત્વનું અને અસાધારણમાં સાધારણનું દર્શન; કાર્યકારણ સંબંધનો વિપર્યય, વિષયના દૃષ્ટિકોણમાં વિવિધતા અણતારો ‘સ્યાદ્‌વાદ’; આવી આવી અનેક યુક્તિઓનો ઉપયોગ જ્યોતીન્દ્ર દવે કરે છે. પોતે અનેક યુક્તિ વડે વિષયનો મનધાર્યો વિસ્તાર કરી શકે છે એનું ભાઈ જ્યોતીન્દ્રને ભાન છે એ સ્પષ્ટ છે. એ એમનો સભાન પ્રયત્ન છે એટલે ભાન હોય એમાં આશ્ચર્ય નથી. એથી જ એઓ કહે છે, ‘આપણું મન એક ડાળથી બીજી ડાળ પર કૂદકા મારે છે એ સાચું, પણ એ ડાળો એકબીજાથી અત્યંત દૂર હોતી નથી, કોઈને કોઈ રીતે એ ડાળનો પરસ્પર સંબંધ હોય છે.’ એક ડાળથી દૂર કે નજીકની બીજી ડાળ ઉપર પહોંચવાની, કૂદવાની કે ઊડવાની શક્તિ બધાની એક સરખી નથી હોતી. સાધારણ મનુષ્યથી એમાં ચડિયાતો હોય એવા માનવવિશેષ કરતાં પણ ભાઈ જ્યોતીન્દ્ર દવે આ માનસિક વાનરકલાનું સામર્થ્ય અનેકગણું વધારે ધરાવે છે. અને એમના હાસ્યરસની એ અનુકરણથી અસાધ્ય એવી સિદ્ધિ છે. શ્રી જ્યોતીન્દ્રની હાસ્યરસ ઉપાસના વિડંબનથી, શબ્દલીલાથી અને તર્કચ્છલથી, વાણી, વિચાર અને બુદ્ધિથી અસાધારણ લીલા સુધીનો વિકાસ સાધે છે. જ્યાં સાધારણતઃ વિનોદ ન હોય ત્યાં વિનોદનું અને હાસ્યનું તત્ત્વ જોવાની શક્તિ એમણે ખીલવી છે. અર્થાત્‌ એમનો હાસ્યરસ દૃષ્ટનિષ્ઠ છે. પણ એમની હાસ્યરસ ખીલવવાની પ્રક્રિયા એવી છે કે જે પ્રકારનું જીવન એ પ્રત્યક્ષ જુએ એ પ્રકારનું એમનું હાસ્યરસિક લેખક તરીકેનું જીવનદર્શન નથી. એમની આરસી જીવનનું યથાસ્થિત પ્રતિબિંબ ઝીલનારી નથી—એ પ્રતિબિંબને વિકૃત કરનારી છે, તેમજ પ્રમાણવિસ્તારક છે. જ્યોતીન્દ્ર દવેની દૃષ્ટિ સૂક્ષ્મદર્શક જેવી, અન્યની દૃષ્ટિને ન દેખાય તેવા સૂક્ષ્મ ભેદવિભેદો જોનારી છે અને વિષયના કુદરતી પ્રમાણનો અનેકગણો વિસ્તાર કરનારી છે. એમના કલ્પનાતરંગો, અને અવનવી પ્રતીકયોજના, એ એમના દર્શનનું વક્રીભવન કરનારાં તત્ત્વો છે. પણ એ વક્રીભવન છે, તો આપણને હાસ્યરસની પ્રસાદી મળે છે. ફરી પાછી, પુનરાવૃત્તિનો દોષ વહોરીને પણ, જ્યોતીન્દ્ર દવેની વિશિષ્ટ માનસમુક્તતાને યાદ કરવી પડે છે. એ માનસમુક્તિ એટલે રાગદ્વેષ, ક્રોધ, મત્સર આદિ મનોવૃત્તિઓના આવેશથી અને અભિનિવેશથી સદાકાળ મુક્ત રહેવાનું સામર્થ્ય ઉપજાવતી તટસ્થતા. એ તટસ્થતા એકંદર રીતે હાસ્યની નિષ્પત્તિને અંગે મ્હોટો આવશ્યક ગુણ છે. છતાં એથી જ્યોતીન્દ્ર દવેનાં હાસ્યરસિક દર્શનમાં અને સમર્પણમાં એક મર્યાદા ઉત્પન્ન થાય છે. ક્રોધાદિવૃત્તિથી અસ્પૃષ્ટ રહેવાની એ તટસ્થતા એમને માનવતામાં રહેલી ઘેરી કરુણતા તરફ પણ તટસ્થ બનાવે છે, વિનોદની અખંડ ઉપાસના માટે આવશ્યક દ્વન્દ્વમુક્ત મનોદશા જાળવવા સાથે જ્યોતીન્દ્રનું જીવનદર્શન આ માનવતામાં ઊંડું ઊતરે તો તેથી એમની હાસ્યસિદ્ધિ ઘટે નહિ બલકે સવિશેષ સત્ત્વશાલિની બને એ નિઃશંક છે.

પાદટીપ

  1. ‘માસે માસે અભિવન હાસે ઊગે બીજકલા’ – (વિશ્વશાન્તિ) લોક મનોરંજન કરી રહી છે.

Lua error in package.lua at line 80: module ‘strict’ not found.

(વાઙ્‌મયવિમર્શ)