સરળ અલંકાર-વિવેચન/અન્યોન્ય
બે પદાર્થો એક સમાન ક્રિયા દ્વારા પરસ્પરનું કારણ બને, ત્યારે અન્યોન્ય અલંકાર બને છે. આ અલંકારમાં આમ બે પદાર્થો કે વસ્તુઓ હોય છે. તે બે વચ્ચેની કોઈ સમાન ક્રિયા દ્વારા તેમનો સંબંધ સ્થપાય છે ને આમ તે એકબીજાનું કારણ-શોભાજનક કારણ—બની રહે છે. થોડાં ઉદાહરણથી આ સ્પષ્ટ થશે : હંસોની સુંદરતા સરોવરને લીધે ને સરોવરની સુંદરતા હંસોને લીધે પ્રકાશી ઊઠે છે.
*
તે નમણી નારીને લીધે અલંકાર શોભે છે, ને અલંકારને લીધે તે નારી શોભે છે.
*
નરથી નારી શોભે છે, નારીથી નર શોભન,
ચંદ્રથી રજની સોહે, રજનીથી જ ચંદ્રમા.
*
ચંદ્રથી રાત્રિ શોભે છે, રાત્રિથી ચંદ્ર શોભે છે ને ચંદ્ર અને રાત્રિથી આકાશ શોભે છે. પાણીથી કમળ શોભે છે, કમળથી પાણી શોભે છે ને કમળ અને પાણીથી સરોવર શોભે છે.
*
વસંતથી વનલક્ષ્મી, વનલક્ષ્મીથી વસંત, મેઘથી વીજળી ને વીજળીથી મેઘ, સાગરથી નદી ને નદીથી સાગર શોભે છે, તેમ પુરુષથી સ્ત્રી, સ્ત્રીથી પુરુષ ને સ્ત્રીપુરુષથી સકળ સંસાર સોહે છે.