સરળ અલંકાર-વિવેચન/પરિસંખ્યા

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(૫) પરિસંખ્યા :

આ નિરૂપણની–રજુઆતની-એક રીતિ જ છે. જ્યારે કોઈ એક વસ્તુ કે પદાર્થના વર્ણનથી અન્ય સઘળી વસ્તુઓનો નિષેધ સૂચવાતો હોય ત્યારે પરિસંખ્યા અલંકાર બને છે. ઘણીવાર આ નિષેધ સૂચવવાને બદલે સ્પષ્ટ રીતે દર્શાવાતો પણ હોય છે. કવિ આમ કરીને એક જાતનું લાઘવ ને ચારુતાભરી ચમત્કૃતિ-બંને સાધે છે. સંસ્કૃતમાં આના ૫ણ બીજા પ્રકારો છે, પરંતુ અહીં તે પ્રસ્તુત નથી. ‘નળાખ્યાન’માં હંસ કુંદનપુરનું વર્ણન નળ આગળ કરે છે, તેમાં નીચેની પંક્તિઓ પરિસંખ્યાના ઉદાહરણરૂપ છે :

જુગ્મ કપાટ વિજોગપુરમાં, જુઓ રહે અષ્ટ જામજી,
કર્મત્યાગ પારધિએ કીધા, ગુણિકાએ ગ્રહી લજ્જા જી.
ઉચાટ એક અધર્મીને વર્તે, સકંપ એક ધ્વજા જી.

અહીં કુંડિનપુરના વર્ણનમાં વિયોગ માત્ર બારણાંને છે—અર્થાત્ બારણાં ભેગાં નથી પણ ખુલ્લાં છે ને માટે ચોર વગેરે કોઈની ભીતિ નથી; તેમ જ અન્ય કોઈને કશું વિયોગ-દુ:ખ નથી, એમ કવિએ સૂચવ્યું છે. પારધીએ જ કર્મત્યાગ કર્યો છે, અર્થાત્ હિંસા જેવું દુષ્કૃત્ય ક્યાંય અહીં નથી થતું, સુકૃત્યો જ થાય છે; લજ્જા-શરમ માત્ર ગણિકાને છે, બીજા કોઈને આ રાજ્યમાં ડર કે શરમ નથી; ને ઉચાટ માત્ર અધર્મીને છે, બીજા કોઈને કશો ભય નથી; ધ્વજા માત્ર કંપે છે, બીજું કોઈ આ રાજ્યમાં જરાયે કાંપતું નથી, એમ કવિએ લાઘવથી, ચમત્કૃતિથી, અહીં નિરૂપ્યું છે. ‘કાદંબરી’માં બાણે આ અલંકારનો છૂટથી પ્રયોગ કર્યો છે. તેના દૃષ્ટાંતરૂપે આ ઉદાહરણ જુઓ. અહીં કવિ નિષેધ સૂચવતો નથી પણ સ્પષ્ટ રીતે દર્શાવે છે તે જણાશે : વાનરો ત્યાંના (જાબાલિ મુનિના આશ્રમના) વૃદ્ધ અને અંધ તપસ્વીઓની લાકડીઓ પોતાને હાથે ઝાલીને તેમને બહાર લાવતા લઈ જતા હતા. વિવિધ ગ્રંથોનો ત્યાં પાઠ ચાલતો હતો. મલિનતા તો ત્યાં માત્ર યજ્ઞના ધુમાડામાં જ હતી, મનુષ્યનાં ચરિત્રમાં નહિ; તીક્ષ્ણતા દર્ભમાં જ હતી, સ્વભાવમાં નહિ; ચંચલતા કદલીપત્રમાં જ હતી, મનમાં નહિ.

(કાદંબરીકથા)


આમ પરિસંખ્યા અલંકાર માળારૂપે ઘણીવાર રજૂ થતો હોય છે. આવી એક કરતાં વધુ ઉક્તિઓ ભેગી આવવાથી વર્ણનમાં પ્રભાવકતા ને કલામયતા આવે છે. ઘણીવાર તેમાં શ્લેષ પણ યોજાય છે. તે માટે નીચેનું ઉદાહરણ જુઓ : રામાનુરાગ રામાયણ વડે જ થતો હતો, યૌવન વડે નહિ. જાડ્ય ઉપવનનાં ચંદનવૃક્ષોમાં જ હતું. ગીત સાંભળવાનું વ્યસન મૃગોમાં જ હતું. ભોગ સર્પને જ હતો. શ્રીફલનો પ્રેમ વાનરોને જ હતો અને અધોગતિ માત્ર વૃક્ષનાં મૂળોની જ હતી.

(કાદંબરી)


અહીં કાળા અક્ષરના શબ્દોમાં શ્લેષ રહેલો છે : રામાનુરાગ એટલે રામ ઉપર પ્રીતિ અને રામા અર્થાત્ સ્ત્રી ઉપર પ્રીતિ; જાડ્ય=શીતલતા ને બીજો અર્થ મૂર્ખતા. ભોગ=ફેણ; ભોગવૈભવ. શ્રીફલ=બીલું; અને બીજો અર્થ શ્રીનું એટલે લક્ષ્મીનું ફળ. અધોગતિ=અંદર જવું; બીજો અર્થ પતન. અહીં પરિસંખ્યા અલંકાર દ્વારા અન્યનો નિષેધ સ્પષ્ટ રીતે કે સૂચિત રીતે થયો છે. તે ઉપરાંત જે શબ્દ પર બ્લેક છે ત્યાં અહીં આપેલા પહેલા અર્થોનો સ્વીકાર કરી બીજો અર્થ અહીં નિષિદ્ધ ગણ્યો છે, ને એ રીતે કવિએ ચમત્કૃતિ સાધી છે. જેમકે, ભોગ (ફણા) સાપને જ હતો, પણ બીજે ક્યાંય ભોગ (ભોગવિલાસ) ન હતો; શ્રીફલનો (બીલાનું ફળ) પ્રેમ વાનરને જ હતો, પણ શ્રીનું ફળ (લક્ષ્મી) બીજું કોઈ વાંછતું ન હતું.