સરોવરના સગડ/રોહિત કોઠારી: એક ઠાવકો માણસ

From Ekatra Wiki
Jump to navigation Jump to search



રોહિત કોઠારી : એક ઠાવકો માણસ

(જ. તા. ૧૫-૭-૯૫૯, અવસાન તા. ૧૫-૧-૨૦૧૨)

૧૯૮૧માં, મનુભાઈ પંચોળી 'દર્શક'ના પ્રમુખપદે ગુજરાતી સાહિત્ય પરિષદનું અધિવેશન હૈદરાબાદ મુકામે યોજાયું. ત્યારે હું પરિષદમાં જ ‘ગુજરાતી સાહિત્યકોશ'ના સંપાદન વિભાગમાં, મુખ્ય સંપાદક શ્રી જયંત કોઠારીના હાથ નીચે સંદર્ભસહાયક તરીકે કાર્ય કરતો હતો. તે વખતે કોશકાર્યાલયનો રસાલો ઘણો મોટો. કોઠારીસાહેબ ઉપરાંત ચંદ્રકાન્ત શેઠ, રમણ સોની, રમેશ ૨. દવે, શ્રદ્ધા ત્રિવેદી, ગીતા મુનશી, કીર્તિદા જોશી, કૌશિક બ્રહ્મભટ્ટ, નિરંજના વોરા, બારીન મહેતા, પારુલ માંકડ વગેરે અમે બધાં સાતેય દિવસ ને ચોવીસેય કલાક સાહિત્યાકાશના તારા, ગ્રહો, નક્ષત્રો, સૂર્યો, નિહારિકાઓ વગેરેના સંશોધનમાં લાગી પડેલા. ડિસેમ્બરમાં અધિવેશન આવ્યું ને કોઠારીસાહેબને વિચાર આવ્યો કે હૈદરાબાદ નિમિત્તે દક્ષિણભારતના પ્રવાસનું આયોજન કરીએ તો કેવું? અધ્યાપક અને અધિકરણલેખક વસંતભાઈ દવે અને રમેશભાઈ દવે, આ દવેદ્વયના મુખ્ય શ્રમાયોજનમાં પ્રવાસ નક્કી થયો. જયંતભાઈ કોઠારીએ તારીખવાર જોઈને દિશાની દોરી બાંધી આપી. પ્રવાસનો નકશો નક્કી કરી આપ્યો. ગુજરાતી સાહિત્યના ધૂરંધરોને પરિવાર સાથે લઈને, ઇડર કોલેજના પ્રિ. હરિહર શુક્લના ગુરુબંધુ બલભદ્ર(કાકા) શુક્લની બે લક્ઝરી અમદાવાદથી ઊપડી. સહુના મનમાં આનંદની સાથોસાથ એક છૂપો ફફડાટ પણ હતો. કદાચ ભગતસાહેબ તરફથી જ, શુક્લકાકાને સ્પષ્ટ અને કડક સૂચના મળેલી કે ડ્રાયવરને કહેજો કે કોઈ જગ્યાએ ખોટી હિંમત ન કરે. આ પ્રવાસમાં રોહિત કોઠારી સાથે મારે મૈત્રી થઈ. ત્યારે, રોહિતભાઈ એ જયંત કોઠારીના સુપુત્ર છે અને ગાંધીનગર માહિતીખાતામાં નોકરી કરે છે એથી વધારે માહિતી મારી પાસે નહોતી. પ્રવાસપૂર્વે એકાદબે વખત અલપઝલપ મળ્યા હોઈશું. પરંતુ ખરો પરિચય અને આત્મીય સંબંધ થયો તે તો આ પ્રવાસ દરમિયાન જ. અમારી સાથેનાં લગભગ બધાં જ વડીલો પ્રાતઃસ્મરણીય કહેવાય એવાં મહાનુભાવો હતાં. કોઈ વયોવૃદ્ધ તો કોઈ જ્ઞાનવૃદ્ધ! ગુજરાતી સાહિત્ય પરિષદથી બસ ઊપડે ત્યાર પહેલાં બધાંનો સામાન ઉપર ચડાવવાનો હતો. રમેશભાઈમાં લોકભારતીના સંસ્કારો એવા ને એવા જ. એટલે કે કાટ ખાયા વિનાના; ફટાક દઈને બસની સીડી ઝાલીને ચડી ગયા ઉપર! રોહિતભાઈ, હું, લાલજી મકવાણા અને ચંદ્રકાન્ત ભાવસાર વગેરે નીચેથી સામાન ઉપર આપીએ. બધાંનો સામાન બરાબર જાય છે કે નહીં એનું ધ્યાન રમણભાઈ અદબપૂર્વક રાખે. રમેશભાઈ મોટી મોટી બેગ લઈને, છાપરા ઉપર ચાલતા ચાલતા, બસની આગળની બાજુએ જઈને ગોઠવે. સ્વાભાવિક જ એમનો શ્રમ બેવડાય! મેં આ જોયું એટલે બેગોની હારને થોડી વાર થંભાવીને હું પણ છાપરે ચડ્યો. બધું ગોઠવાયું એટલે ઉપર તાડપત્રી બાંધવાનું કામ બસના માણસોને સોંપીને અમે નીચે ઊતર્યા ત્યારે રોહિતભાઈ, ખિસ્સામાંથી ઝીણી ઝીણી બ્લ્યૂ ચોકડીવાળો રૂમાલ કાઢીને ચહેરો લૂછતા લૂછતા આવ્યા ને મારી સાથે હાથ મેળવ્યો. આ અમારો પ્રથમ અને અંતરંગ પ્રસ્વેદયુક્ત પરિચય! ડાર્ક ગ્રે પેન્ટ અને સફેદમાં લાઈનિંગવાળું અડધી બાંયનું ટીશર્ટ એમણે પહેરેલું. માથું પણ તેલ નાંખેલું ને બરાબર પાંથી પાડીને ઓળેલું. આંખમાં ઉમંગ અને ચહેરા ઉપર હાસ્ય એ એમની લાક્ષણિકતા. દૂબળા દેહને જોઈને, ‘ભાઈ! તમારું ખાધેલું ક્યાં જતું હશે? એમ પૂછવાનું મન થાય. લગભગ એકવીસ દિવસના આખા પ્રવાસ દરમિયાન રમેશભાઈ, રોહિતભાઈ અને હું લાલ કપડાં પહેર્યા વિના કે બાવડે બિલ્લો બાંધ્યા વિનાના સ્વનિયુક્ત કુલી(ન)ચંદ્રો! ત્યારે કોશકાર્યાલયમાં, ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર ડૉ. હસુભાઈ યાજ્ઞિક અધિકરણો લખવા કે આપવા આવતા. એ આવે તે પૂર્વે એમના વિષયસંદર્ભનાં પુસ્તકો તૈયાર રાખવાનાં. સુરેન્દ્રનગરની કોલેજમાં બી.એ.ના છેલ્લા વર્ષમાં એમણે મને શરદબાબુની ‘વિપ્રદાસ' ભણાવેલી. અહીં અમદાવાદમાં પણ અમે એમના વિદ્યાનગરવાળા ઘેર વારંવાર જતા. એક દિવસ હસુભાઈ મને કહે કે, ‘તારે અકાદમીમાં આવવું છે?’ ‘પગાર શું મળે?' ‘ત્રણસો એંશી બેઝિક....’ ત્યારે મને પગાર વિશે, આજે પડે છે એનાથી જરાય વધારે સમજ પડતી નહોતી! મને તો એટલું જ યાદ કે પરિષદમાં અત્યારે છસ્સો મળે છે તો હાથે કરીને ઓછામાં ક્યાં જાવું? એટલે મેં વગર વિચાર્યે ના ભણી દીધી! પછી એક દિવસ કોઠારીસાહેબે એમની ચેમ્બરમાં બોલાવ્યો. હસુભાઈ પહેલેથી જ ત્યાં હાજર હતા. મને જોયો એટલે કહે કે -‘આ ભૂતને સમજાવો! લાંબે ગાળે સરકારી નોકરીમાં જ ફાયદો છે!’ વગેરે... વગેરે... થોડા દિવસ પછી, અકાદમીની જાહેરાત આવી ને મારા આશ્ચર્ય વચ્ચે, અકાદમીમાં ડેપ્યૂટેશન ઉપર કામ કરતા રોહિતભાઈ મારી પાસે આવ્યા ને કહે કે આ પ્રમાણે અરજી લખી આપો!’ મારા માટે પોતે નમૂનો પણ તૈયાર કરીને આવ્યા હતા. એ વખતે, મારા અને એમના હસ્તાક્ષરો, મરોડ વગેરેમાં ઘણું સરખાપણું! તા. ૧૧-૬-૧૯૮૪ના રોજ હું અકાદમીમાં હાજર થયો, એ પછી અમારે સાથે કામ કરવાનું થયું. ‘શબ્દસૃષ્ટિ'ના જુલાઈ અંકનું કામ ચાલતું હતું. પિતા જયંતભાઈ અને પુત્ર રોહિતભાઈ એમ બંનેના હાથ નીચે વારાફરતી કામ કરવાનું મારે ભાગે આવ્યું અને તે પણ સાડા ત્રણ કે ચાર વર્ષના ટૂંકા ગાળામાં જ. રોહિતભાઈને મળીએ ત્યારે યુવાન જયંતભાઈને મળતા હોઈએ એવું લાગે અને જયંતભાઈને જોઈએ ત્યારે પ્રૌઢ રોહિતભાઈને જોતા હોઈએ એવું લાગે. રોહિતભાઈએ મને કહ્યું કે-‘આવતી કાલે ઓફિસે નહીં, સીધા જ ચંદ્રિકા પ્રિન્ટરીમાં પહોંચી જજો.' ત્યારે, પ્રૂફની લાંબી લાંબી ગેલી શું કહેવાય એની મને ખબર તો હતી, પણ એકસાથે આટલાં બધાં અને આ રીતે એક જ બેઠકે પ્રૂફ જોવાનો મહાવરો નહીં. શરૂઆતમાં રોહિતભાઈએ મને છ પાનાં મૂળ મેટર સાથે આપ્યાં અને કહે કે- આ વાંચી જાઓ!! છ પાનાં પૂરાં કર્યાં ત્યારે ગેલીની ઈન્કને કારણે, મારો જમણો હાથ કોણી સુધી કાળો થઈ ગયેલો! રોહિતભાઈએ મેં વાંચેલું પ્રૂફ જોયું ને હસવા લાગ્યા! કેમકે હું બધું જ વાંચી ગયો હતો, પણ સાહિત્યની રીતે. મુદ્રારાક્ષસોને હણવાનું પાપ મારાથી થઈ શક્યું નહોતું! છેવટે ઋજુ સ્વભાવના રોહિતભાઈએ બધું પૂરું પાડ્યું. મને કહ્યું કે- ‘તમે કવિ છો તો છંદોલય અને પંક્તિઓની સ્પેસ વગેરેની રીતે કવિતાઓ જ જુઓ. બાકીનું ગદ્ય હું વાંચી નાંખીશ.' પછી ધીરેથી ઉમેર્યું :'આફેયડું આવડશે!' આ એમની ઉદારતા અને સહૃદયતાનો પ્રથમ સાક્ષાત્કાર! અમે બંને ક્યારેક ક્યારેક ડંફાશ મારતા કે મહાન માણસો તો જુલાઈમાં જ જન્મે. કેમકે રોહિતભાઈનો જન્મદિન ૧૫-૭-૧૯૫૯ અને મારો ૧૭-૭-૧૯૫૮. એ મારા કરતાં ઉંમરમાં એક વર્ષ નાના હતા. પણ, મારે પૂરી પ્રામાણિકતાથી કબૂલવું જોઈએ કે છાપકામ અને ગ્રંથનિર્માણનું એકદમ ટેકનિકલ કામ હું એમની પાસેથી જ શીખ્યો. પ્રિન્ટિંગ અંગેની ઝીણામાં ઝીણી જાણકારી પોતે મેળવે અને મને શીખવે. પોતે સિનિયર છે ને હું એમના કરતાં આગળ નીકળી જઈશ એવો ભય એમને સતાવતો નહોતો. મને થોડુંઘણું ચિત્રકામ આવડે, એટલે એમણે હસુભાઈને કહીને કેટલાંયે પુસ્તકોનાં આવરણોમાં મને નિમિત્ત બનાવ્યો. ત્યારે ઓફિસોમાં કમ્પ્યૂટર નહોતાં. ટાઈપરાઈટર અને રોનિયો મશીન ચાલતાં. કોઈ કાગળની ત્રણ-ચાર નકલ જોઈતી હોય તો કાર્બનપેપર મૂકીને કાઢતા. પણ, ફાઈલોમાં નોંધ તો મોટેભાગે હાથેથી જ લખવાની રહેતી. આમ તો સ્ટાફમાં સ્ટેનોગ્રાફર હતો. પણ અમુક ખાનગી નોંધ મોકલવાની હોય ત્યારે મહામાત્ર હસુભાઈ બોલે અને રોહિતભાઈ સામે બેસીને લખે. રોહિતભાઈ ન હોય ત્યારે મારો વારો ચડે! એક વાર રોહિતભાઈના મરોડદાર, જોડણીશુદ્ધ અને એકસરખા હસ્તાક્ષરવાળી કોઈ ફાઈલ શિક્ષણસચિવ કુલીનચંદ્ર યાજ્ઞિકસાહેબ પાસે ગઈ. નોંધ તો મંજૂર થઈ જ. પણ, હાંશિયામાં યાજ્ઞિકસાહેબે લખ્યું કે 'આ અક્ષર કોના છે? જેના હોય તેમને અભિનંદન આપજો!' બે કે ત્રણ દિવસમાં જ બીજી ફાઈલ મારા હસ્તાક્ષરમાં ગઈ. યાજ્ઞિકસાહેબની નોંધ આવી: 'અગાઉના અને આ હસ્તાક્ષરો એક જ વ્યક્તિના છે? પુનઃ અભિનંદન. 'એ વખતના સચિવો કોઈને હાંશિયામાં ધકેલવાનો ઉદ્યમ કરવાને બદલે હાંશિયાના સ્થાનનો અને પોતાનો આ રીતે મહિમા કરતા! વિશ્વનાથ જાની ફેઈમ પ્રો. મહેન્દ્ર અ. દવેનાં દીકરી નીતાબહેને, આરંભે થોડો વખત અકાદમીમાં કામ કરેલું. ત્યારે એ અને રોહિતભાઈ પરિચયમાં આવેલાં. બંનેએ પરણવાનું નક્કી કરી જ રાખેલું પણ એ ફાઈલ ખાનગીવર્ગમાં નાંખી રાખેલી. રીસેસમાં અમે બધાં સાથે બપોરાં કરીએ, પણ કોઈને ગંધ સુધ્ધાં ન આવે એની એમણે કાળજી રાખેલી. હજી આ બધું ખાનગીખૂણે ચાલતું હતું ત્યાં જ એક ચિંતાજનક ઘટના બની. રોહિતભાઈ માટે શરદી-ઉધરસ એ કંઈ નવી વાત નહોતી, પણ એમનાં ફેફસાંમાંથી ગંભીર પ્રકારનો ચેપ પકડાયો. આખું ઘર થોડા સમય માટે જાણે કે નિસ્તેજ થઈ ગયું. અંદરથી ફફડી ગયેલા કોઠારીસાહેબ બધાંને હિંમત આપે અને સારવાર વધુ સારી રીતે ક્યાં થાય એની તપાસ કરે. દરમિયાન, રોહિત કોઠારી એટલે શું? રોહિત કોઠારીની મૂળ ધાતુ શી છે? એનો પરિચય બધાંને થયો. વાત એમ બની કે ચેપનું નિદાન થયું એટલે, બહુ જ કશ્મકશને અંતે, ભારે હૈયે રોહિતભાઈએ નિર્ણય લીધો અને નીતાબહેનને કહ્યું કે – ‘હજી આપણાં લગ્ન તો થયાં નથી, વળી આપણો પ્રેમ પણ જાહેર નથી થયો કે તમારી બદનામી થાય. અને, હવે મારી જિંદગીનો કોઈ ભરોસો નથી. માટે તમે મુક્ત થઈ જાવ!’ જે મહેન્દ્રભાઈએ ‘પ્રેમપચીશી’ વિશે સંશોધન કરેલું એમને માટે, એમનાં પત્ની સાવિત્રીબહેન માટે કે દીકરી નીતાબહેનને માટે આ સાંભળવું કે સ્વીકારવું બેમાંથી એકેય શક્ય નહોતું. જાતે અને પૂરી મક્કમતાથી નીતાબહેને નિર્ણય કર્યો કે ‘હું પાછી પાની નહીં જ કરું. કુદરતને જે કરવું હોય એ ભલે કરે! તમામ પરિસ્થિતિને સ્વીકારવાની મારી તૈયારી છે.' મહેન્દ્રભાઈએ આ સાંભળીને એટલું જ કહ્યું હશે: ‘સાવિત્રીની દીકરી જ તો આવી વાણી બોલી શકે ને?’ નગીનદાસ પારેખે હઠ કરીને, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે ‘વીજળીઘર'ની જોડણી ખરી કરાવી દીધેલી, એટલે રોહિતભાઈને એ કામ અંગે નિરાંત હતી! બસ એ જ વીજળીઘરની બરોબર સામે, પહેલે માળે, ડૉ. કુમુદચંદ્ર શાહનું નામ કોઈએ આપ્યું. ડોક્ટર કુમુદચંદ્ર વયોવૃદ્ધ અને અનુભવી. કહે કે તમારા બધા જ રિપોર્ટ રાખો તમારી પાસે! હું મારી પદ્ધતિએ જ નિદાન અને દવા કરીશ. તમારે દર્દી તરીકે મને સહકાર આપવાનો! હું કહું એટલું ખાવાપીવાનું, હું કહું એટલી અને એ પ્રમાણે જ દવા કરવાની. બંને પક્ષ કબૂલ થયા ને આઠ-દસ મહિનામાં જ એમણે રોહિતભાઈનો કાયાકલ્પ કરી બતાડ્યો! રાતી રાયણ જેવા બનાવી દીધા. છેલ્લે મૌખિક આશીર્વાદ સમાન પ્રમાણપત્ર પણ આપ્યું કે ‘હવે તમને નખમાં ય રોગ નથી. જાવ પેલી છોકરી સાથે લગ્ન કરો અને સુખી થાવ!’ રોહિતભાઈ આમ તો કોમર્સ ગ્રેજ્યુએટ. પણ કોઠારીસાહેબનાં પુસ્તકોનાં પ્રૂફ્સ જોતાંજોતાં પુસ્તકનિર્માણના નિષ્ણાત બની ગયા. એટલે જ તો માહિતીખાતાની પરીક્ષા પાસ કરી શકેલા. આજે પણ પ્રકાશ લાલા અને પી.બી. ભાટકર જેવા માહિતીખાતાવાળા જૂના મિત્રો એમને ભાવપૂર્વક યાદ કરે છે. ગૂજરાત વિદ્યાપીઠનો ‘ખિસ્સાકોશ' એમના થેલામાં હોય જ. કોઠારીસાહેબનાં શરૂઆતનાં બેપાંચ પુસ્તકોને બાદ કરતાં બધાંનું નિર્માણ રોહિતભાઈની મદદથી જ થયેલું. વળી, ગુજરાત સાહિત્ય અકાદમીનાં પ્રકાશનો પણ સંપૂર્ણપણે એમને હવાલે. એટલે અનુભવનો તો આરોવારો જ નહીં! જ્યારે જુઓ ત્યારે કામ કામ ને કામ જ! કંઈ પણ નવું શીખવા રોહિતભાઈ તૈયાર. એક વાર કહે કે - 'કાકા, મને છંદ શીખવાડો!' અકાદમીમાં કોઈ મને કાકા કહે તો નવાઈ ન લાગે. કેમકે બહુ શરૂઆતમાં મારો ભત્રીજો રાજેશ ત્યાં સ્ટેનો હતો. એ કાકા કહે એટલે એના વાદે વાદે આખો સ્ટાફ મને કાકા કહે. કાકા એટલી હદે રૂઢ થઈ ગયેલું કે યાજ્ઞિકસાહેબ પણ ક્યારેક પટાવાળાને, ‘કાકાને બોલાવો!’ એમ કહી ઊઠતા! રોહિતભાઈને છંદ ભલે નહોતા આવડતા. પણ કવિતાની ઘણી બધી માર્મિકતાને એ પકડી શકતા. કોઠારીસાહેબનાં બા, એટલે કે ઝબકબાની બોલી કાઠિયાવાડી અને ધાણીફૂટ રોહિતભાઈ વાતવાતમાં એમના શબ્દભંડોળમાંથી રાજકોટી શબ્દો ખેંચી લાવે! રોહિતભાઈને ફોટોગ્રાફીનો ગજબ શોખ! હજી ડિજિટલયુગ આવવાને ઘણી વાર હતી. છત્રીશ ફોટા પાડી શકાય એવા કોડાક, કોનિકા અને ફ્યૂજી કંપનીના રોલ મળે. રોહિતભાઈ એવી કુશળતાથી રોલ ફિટ કરે કે એમાં સાડત્રીશ ફોટા પાડી શકાય! પછી એ રોલ ધોવડાવવા નહેરુબ્રિજને નાકે જવાનું! દરેક પ્રવાસમાં એ કુદરતની ફોટોગ્રાફી કરે. કોઈ પ્રોફેશનલ ફોટોગ્રાફર પણ જોઈને હબક ખાઈ જાય એવી કેટલીક તસ્વીરો એમણે લીધી છે. એમ કહો કે, એમનાથી લેવાઈ ગઈ છે! એમાંની એક તે, મધ્યપ્રદેશમાં નર્મદાતીરે આવેલા તીર્થસ્થળ ઓમકારેશ્વર મંદિરની. એ પેનોર્મિક તરવીર, એમાંના અનેક સ્તરોને કારણે મને ગમી ગઈ, તો એમણે ઘણી મોટી પ્રિન્ટ કઢાવી, લેમિનેશન કરાવીને મને ભેટ આપી! રોહિતભાઈ ગયા ત્યારથી અમે ઊઠીને આજે પણ અનાયાસ જ મહાદેવની સાથોસાથ એમનું સ્મરણ કરીએ છીએ. એ જ રીતે અમને બંનેને સંગીતનો પણ શોખ. મનગમતાં ગીતો સરળતાથી મળતાં નહોતાં. બહુ તપ કરવું પડતું. ગીતોની યાદી કરીએ, કેસેટ રેકોર્ડ કરી આપનારને આપીએ. અઠવાડિયે દસ દિવસે કેસેટ તૈયાર થાય ત્યારે ખબર પડે કે અમુક ગીતો મળ્યાં નહીં, એટલે રેકોર્ડ કરનારે પોતાની પસંદગીનાં ઉમેરીને કેસેટ પૂરી ભરી આપી છે. એમાં ક્યારેક સુખદ સરપ્રાઈઝ મળ્યાના દાખલા પણ જયા છે. રોહિતભાઈના ઘેર પેનાસોનિકની મ્યુઝિક સિસ્ટમ હતી. એમાં ઘણી વાર મનગમતાં ગીતો એમણે સંભળાવ્યા છે. કોઈ પણ પ્રકારની એપોઇન્ટમેન્ટ લીધા વિના ગમે ત્યારે એમના આંગણે સાયકલ ઊભી કરી દઈ શકાય! જયંતભાઈ, મંગળાભાભી, રોહિતભાઈ, પીયૂષભાઈ, નિખિલ, દર્શના કોઈને પણ ઘરના સભ્યની જેમ મળી શકાય. કશું પણ ખાધા-પીધા વિના પાછા ઘોડે ચડ્યાનું યાદ નથી! એક વખત જયંતભાઈને ત્યાં કંઈ પ્રસંગ હતો અને એમની અગાશી ઉપર રાત્રીભોજન રાખેલું. ત્યારે અમારો દીકરો જયજિત નાનો હતો. ખરા અર્થમાં હું એને હથેળીમાં રાખતો! એના નાના નાના બંને પગ મારા એક હાથમાં ગોઠવાયા હોય ને એ હાથમાં સ્થિર ઊભો રહેતો-હસતો! આવી મુદ્રાનો ફોટો રોહિતભાઈએ પાડી લીધો. ફોટો તો પડ્યો, પણ એ ક્ષણે મંગળાભાભીએ કકળાટ કરી મૂક્યો: ‘છોકરો વધારાનો છે? પડી જાશે તો રોતાં ય નહીં આવડે! નો હચવાતો હોય તો આંયા મૂકી જાવ… હું હાચવીશ!’ એમના આ આક્રોશનું કારણ તો પછી સમજાયું. કેમકે હું દીકરાને હથેળીમાં લઈને ઊભો હતો ત્યારે બિલકુલ અગાશીની ધારે ઊભો હતો! બદલાતા સમયમાં રોહિતભાઈએ સરકારી નોકરી છોડી અને શારદા મુદ્રણાલયમાં જોડાયા. આ એ શારદા મુદ્રણાલય, જેનું એક સમયે નામ હતું 'ચા- ઘર'. જ્યાં તેના માલિક ગોવિંદભાઈ અને શંભુભાઈ તો ખરા જ, પણ સાહિત્ય અને કળાજગતના ધૂરંધરો વારે વારે ભેગા થતા. જેમાં ધૂમકેતુ, જયભિખ્ખુ, ગુણવંતરાય આચાર્ય, કનુ દેસાઈ, ધીરજલાલ ધનજીભાઈ શાહ, મનુભાઈ જોધાણી, ધીરુભાઈ ઠાકર, અનંતરાય રાવળ, રજની વ્યાસ અને ક્યારેક ઝવેરચંદ મેઘાણી કે દુલા ભાયા કાગ પણ આવી ચડે! એ જગ્યાએ બેસીને કામ કરવાનું સદ્ભાગ્ય રોહિતભાઈને સાંપડ્યું હતું. કહો કે શારદાપીઠ પર બેસવાનો અવસર પ્રાપ્ત થયો હતો! શારદા મુદ્રણાલયમાં ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનાં નિયમિત પ્રકાશનો ઉપરાંત, વ્યાવસાયિક ધોરણે અન્ય લેખકો-પ્રકાશકોનાં પુસ્તકો પણ તૈયાર થતાં-છપાતાં. તમે એક વાર રોહિતભાઈને કામ સોંપો પછી નચિંત થઈ શકો. એટલી બધી કાળજી અને ચોકસાઈ રાખે કે ક્યારેક કાળજી અને ચીકાશ વચ્ચે ભેદ ઓછો રહે! તમે લેખક હો તો પણ કંટાળી જાવ, પણ એ ન થાકે! વાક્યરચના અને જોડણીની વાતે, કેટલાક મોટા મોટા લેખકોની પણ એમણે ઘણીય વાર કાનબૂટ પકડાવ્યાનું સ્મરણ છે. કમ્પોઝિટરથી માંડીને મુદ્રક ભીખાભાઈ કે બાઈન્ડર ધીરુભાઈ સુધીની ગોઠવણ એમણે સમય-સંજોગ જોઈને કરી રાખી જ હોય. ઓફસેટ તો પછી આવ્યાં પણ લેટરપ્રેસના કામમાં ય એમની ગતિ ઘણી હતી. કવિ બાપુભાઈ ગઢવી, આખો દિવસ વેરહાઉસીંગમાં નોકરી કરે ને રાત્રે શારદામાં જ સૂઈ રહે. રાત્રે પ્રૂફ જોવે ને રખેવાળી પણ કરે. એમને મહિનામાં બેત્રણ વાર આખર તારીખ આવે! રોહિતભાઈ એમને ચાપાણી પીવડાવે અને ક્યારેક ખખડાવે ય ખરા! પણ કવિના સ્વમાનને ઠેશ ન વાગે એનું ખાસ ધ્યાન રાખે. મોરારિબાપુ પ્રેરિત ‘અસ્મિતાપર્વ'ના 'વાગ્ધારા સંપુટ ૧ થી ૧૦'નું છાપકામ શારદા મુદ્રણાલયમાં એમની આંખ નીચે થયેલું. એ કાર્યને ઉત્તમ કરવામાં રોહિતભાઈએ કોઈ કસર છોડી નહોતી. બાપુનું આમંત્રણ છતાં, તેઓ વિમોચન વખતે હાજર રહી શક્યા નહોતા. એમને નવા નવા લેઆઉટ કરવા ગમે. કમ્પ્યૂટર તો એ પ્રયત્નપૂર્વક શીખ્યા. એમને મન કશુંક શીખવું એટલે, જે તે વિષયનું મૂળ લઈ નાંખવું! પોતાને ખબર ન પડે ત્યાં અપૂર્વ આશર પાસે દોડી જાય. અપૂર્વ પણ વોરા એન્ડ કંપનીવાળા શિવજીભાઈનો દીકરો, એટલે આ કાલ સવારે મારો હરીફ થઈને સામે આવશે તો? એવું તો વિચારી પણ ન શકે. પોતાની પાસે જેટલું હોય એટલું બધું ય જ્ઞાન ઠાલવી દે! ગુજરાત સાહિત્ય અકાદમીમાંથી ઝવેરચંદ મેઘાણી ગ્રંથાવલિ પ્રગટ કરતી વખતે બધાનાં મનમાં એક ઉચાટ હતો કે આ કામ ક્યારે પૂરું થશે? કેમકે આ બાજુ રોહિતભાઈ અને પેલી બાજુ જયંતભાઈ મેઘાણી. બંને એકબીજાની ચોકસાઈને વિનમ્રતાના જોરે ચકાસે—પડકારે એવા! રોહિતભાઈના હાથે ‘જૈનગૂર્જર કવિઓ'થી લઈને ‘દલપતરામ ગ્રંથાવલિ' જેવી અનેક શ્રેણીઓ નિર્માણ પામી. આપણા આ સમયના બે સજ્જ વિવેચકો શિરીષ પંચાલ અને રમણ સોની પોતાનાં પ્રકાશનો અનુક્રમે ચંદ્રિકા પ્રિન્ટરી અને શારદા મુદ્રણાલયમાં જ છપાવાનો આગ્રહ રાખે છે. બાય ધ વે, શિરીષભાઈનાં પત્નીનું નામ ચંદ્રિકા અને રમણભાઈનાં પત્નીનું નામ શારદા છે એને માત્ર સુખદ અકસ્માત જ ગણવો! પોતાની જાણકારી અને હૈયા ઉકલતને કારણે રોહિતભાઈને પિતા જયંત કોઠારી ઉપરાંત નગીનદાસ પારેખ, યશવંત શુક્લ, પ્રમોદકુમાર પટેલ, હીરાબહેન પાઠક, રમણલાલ ચી. શાહ, જયંત ગાડીત, ચી.ના. પટેલ, ચિમનલાલ ત્રિવેદી, દિલાવરસિંહ જાડેજા, ભોળાભાઈ પટેલ, કુમારપાળ દેસાઈ, જયંતીલાલ દવે અને ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયના મનુભાઈ શાહ જેવા વડીલોનો ભરપૂર પ્રેમ પ્રાપ્ત થયો હતો. કેમકે આ બધાંના પુસ્તકોનાં પ્રકાશનોમાં ક્યાંક ને ક્યાંક રોહિતભાઈ નિમિત્ત બન્યા હોય જ. એક જ નજરમાં એ માણસને પારખી લેતા અને કોની સાથે કેમ કામ પાર પાડવું એ એમને આવડતું હતું. ખોટી હોશિયારી કરનારાને રોકડું પરખાવી દેતાં અચકાય તે રોહિતભાઈ નહીં! કેટલાયે લેખકો કાગડાના માળા જેવી હસ્તપ્રતો લઈને આવે! પેજ નંબરનાં ય ઠેકાણાં ન હોય! પાછું એમનું નામેય ઘણું મોટું હોય ત્યારે શું કરવું? પોતાનું પુસ્તક થઈ રહ્યું હોય એવી આત્મીયતાથી રોહિતભાઈને બધું સમું કરતાં જોયા છે. અમુક કિસ્સામાં તો લેખકની ઉંમર અને શારીરિક અશક્તિ જોઈને તેઓ પોતાના હાથે જ સારી રીતે મેટરની નકલ કરી લે અને પછી જ કમ્પોઝમાં આપે! પેલા મહાનુભાવને આ વાતની જાણ પણ ન કરે. બધું પૂરું થાય ત્યારે મૂળ લખાણ, પોતે તૈયાર કરેલી પ્રેસ નકલ અને છપાયેલું પુસ્તક બધું એક સાથે આપે ને માથેથી ચા પીવડાવે! આપણે ત્યાં કેવું છે કે લોકોને તો લેખકોના જ ચહેરા દેખાતા હોય છે. પણ, મોટે ભાગે લેખકને ઊજળા કરવામાં મુદ્રક અને પ્રકાશકની ન દેખાય એવી મહત્ત્વની ભૂમિકા હોય છે. કહો કે લેખક સોનાનું જે ગચિયું લઈને આવે છે એને કળાત્મક ઘાટ આવા મુદ્રકો આપતા હોય છે. એ જુદી વાત છે કે, આપણા લેખકોની સ્મૃતિશક્તિ બહુ ઓછી અને ટૂંકા ગાળાની હોય છે! અમારી નોકરીની શરૂઆતનો એ સમય હતો. વેજલપુરમાં એક સોસાયટી બનતી હતી. મારા એક ઓળખીતાએ મને વિગત આપી. મારી ત્રેવડ નહોતી કે હું મકાન લઉં. પણ રોહિતભાઈને એ યોજનામાં રસ પડ્યો. અમે બંને જોવા ગયા. રોહિતભાઈને જગ્યા વગેરે ગમ્યું. મેં કહ્યું કે તો કરાવી દો ‘બુક’! મને કહે કે હું એકલો નહીં લઉં. લઈએ તો બંને, નહીંતર ઘોડાને ગ્યું!’ મેં કહ્યું કે, ‘પણ પૈસા?’ ‘થઈ પડશે બધું! તમે તો બે કમાવ છો!’ અને અમે બંનેએ મકાન લીધાં. એ સમય જ એવો હતો કે લોન મેળવવા માટે ૧૮ થી ૨૦ ટકા વ્યાજ આપવાનું ને માથેથી ભૈશાબ બાપા કરવાનાં. એચ.ડી.એફ.સી.માં લોન અરજીના દસ બાર ફોર્મ હાથેથી જ ભરવાનાં. ઝેરોક્સ ન ચાલે. મને એ આવડે નહીં, એવું તો નહીં પણ આવાં કામનો ભારે કંટાળો. આ સમજીને મારાં ને એમનાં બધાં ફોર્મ ઘેર લઈ ગયા, પોતે આખી રાત બેસીને ફોર્મ ભર્યા. પછી બીજે દિવસે મને કહે કે - ‘સહી તો કરશો ને?’ જો કે એ મકાનોમાં હું કે રોહિતભાઈ એકેય રહેવા ન પામ્યા એ જુદી વાત છે. પણ એમની દુરંદેશી અને હિંમત આજે ય યાદ આવે છે. અમે સાથે નોકરી કરીએ. મારે મોટેભાગે શનિ-રવિમાં સુરેન્દ્રનગર જવાનું હોય. ક્યારેક તો ભાડાનાં ય ઠેકાણાં ન હોય! રોહિતભાઈનો વિશેષ એ કે એ તમારી ઠેશ કાઢી આપે, પણ પોતાની જાતને ય જણાવા ન દે! સંબંધો વિશે એકદમ સ્પષ્ટ, છતાં એક ભાણામાં હાથ! અમારી આત્મીયતા જરાય ઓછી નહીં. કોઠારીસાહેબ અને મંગળાભાભી વિશે, આમ તો આખા પરિવાર વિશે મારે અલગ રીતે લખવું જોઈએ, એટલે અત્યારે મારી જાતને રોકું છું. કોઠારીસાહેબના ઘર ઉપર આપત્તિનું એક ઘેરું વાદળું આવ્યું હતું. મોટા ભાઈ પીયૂષભાઈ ટકી રહ્યા એ જ મોટી વાત! પણ, એ વખતે રોહિતભાઈએ કુટુંબના મોભી બનીને પરિસ્થિતિનો સામનો કરેલો. એ આખી વાત એટલી પીડાદાયક છે કે હું અહીં નહીં લખી શકું. નથી લખવી. અમે કોઈ કાર્યક્રમમાં બહારગામ હતાં ને અચાનક સમાચાર આવ્યા કે હવે રોહિતભાઈ આ દુનિયામાં નથી રહ્યા! ઉત્તર ભારતમાં ફરવા ગયા હતા ત્યાં ક્ષણાર્ધમાં જ આ ગોઝારી ઘટના બની ગઈ હતી. એકદમ અણધાર્યું હતું એમનું મૃત્યુ. અમૃતસરે એમનું જીવનામૃત હણી લીધું હતું. હવે અમદાવાદ જે આવવાનો હતો તે તો કોફિનમાં પુરાયેલો એમનો માત્ર સ્થૂળદેહ! મેં ભીની આંખે ને ભીના હૈયે વિચાર્યું કે હવે નહીં હોય એ મધુરું હાસ્ય. હવે નહીં હોય ‘આવો કાકા!'નો મીઠો આવકારો. હવે નહીં હોય આપણામાં નીતાબહેનના ઉદાસ ચહેરાને જોવાની તાકાત. હવે નહીં હોય..…. હવે નહીં હોય.... અમુક આઘાતો શ્રદ્ધાંજલિ અર્પવાથી ઓછા નથી થતા, બેવડાતા હોય છે!