સાહિત્ય પલ્લવ – ભાગ ૧/પૂજાલાલ

પૂજાલાલ

[આ પહેલાં વસંતનાં અનેક કાવ્યો તમે વાંચ્યાં હશે. અનેક વસંતો પણ તમે માણી હશે. એ બધા મીઠા અનુભવોનો એવા જ મીઠા શબ્દોમાં જાણે પડઘા પાડતું ન હોય એવું આ કાવ્ય છે. વસંત પહેલાં શિશિર હોય છે. કવિને પ્રથમ તો તે યાદ આવે છે. શિશિરમાં ઝાડ પાન અને આખી ધરતીની કેવી દશા હોય છે? ઝાડ ઉપરથી પાંદડાં ખરી પડ્યાં હોય, વેલીઓ ઉપરથી ફૂલ ખર્યાં હોય — કુદરત જાણે બધી હાડપિંજર જેવી બની ગઈ હોય! એવી શિશિરને યાદ કરી કવિ કહે છે: ‘હાશ! શિર કેશ વિનાની જર્જરકાય (ખખડી ગયેલાં અંગવાળી ડોશી જેવી) શિશિર ગઈ! ‘અને એ તો ગઈ, પણ આવે છે કોણ? જુઓ પેલી મંગળ મુખડે મધુર મલપતી અને રંગરંગનાં ફૂલે ભરચક લીલી સાડીવાળી, મલયાનિલના શ્વાસોચ્છ્વાસે સુગંધ-સેરો વહતી કોણ આવી રહી છે? અને સોનામોરે આંબાઓ તેમ જ કેસૂડાંની લાલ ધજાએ ખાખર કોનો સત્કાર કરી જયજયકાર વર્તાવી રહ્યા છે? આ બધા પ્રશ્નો આ કાવ્યમાંથી ઊઠે છે, અને એના ઉત્તરો પણ એમાંથી જ મળી રહે છે. કાવ્યોમાં શબ્દોની સુરાવટ સારા પ્રમાણમાં છે. એની પંક્તિઓનું વારંવાર ગુંજન થતાં શબ્દરચનાની ખૂબીઓ સ્પષ્ટ થશે.

૧૭-૧૮. આ પંક્તિઓ, વસંત ઋતુને મનુષ્યો કેવી રીતે વધાવે છે, તે દર્શાવવા કવિએ લખી છે. હોળીનો ઉલ્લેખ કરી, જે અબિલ ગુલાલ અને રંગની છોળ વસન્તમાં લોકો આનંદથી ઉડાડે છે, તેનું કવિએ સૂચન કર્યું છે, પણ એથી પણ વધુ સૂચન કવિએ ‘યજ્ઞવેદી’ શબ્દ વાપરીને કર્યું છે. માણસમાં આનંદ પ્રગટે છે તે સાથે બીજાને એ આનંદના સહભાગી કરવા માટે ત્યાગની ભાવના પણ જાગે છે. અને એ ભાવના સાહસ, ઉત્સવ, સેવા, મૈત્રી વગેરે પ્રવૃત્તિ દ્વારા વ્યક્ત થાય છે. એ પ્રવૃત્તિઓ માટે કવિએ ‘દિવ્ય કુસુમલક્ષ્મી’ એવા શબ્દો વાપર્યા છે. એ કુસુમલક્ષ્મી આત્માની વસંતે જાગે છે. આ બંન્ને પંક્તિઓ સારી રીતે સમજી લેજો.]