સાહિત્ય પલ્લવ – ભાગ ૨/સ્વામી દયાનંદ સરસ્વતી

From Ekatra Foundation
Jump to navigation Jump to search
સ્વામી દયાનંદ સરસ્વતી

[આ ટૂંકો લેખ ‘બુદ્ધિપ્રકાશ’ના એક જૂના અંકમાંથી ઉતાર્યો છે. ગુજરાતે હિન્દને આપેલા અનેક સુપૂતોમાં સ્વામી દયાનન્દ સરસ્વતીનું સ્થાન ઘણું માનભર્યું છે. એમના વિચારો સાથે બધા જ સહમત ન થાય એ સંભવે, પણ એમણે હિન્દુસ્તાનની કરેલી સેવા સંબંધી મતભેદને સ્થાન નથી. આજથી પોણા સૈકા ઉપરનો આપણો સમાજ કલ્પો, અને તેમાં અસ્પૃશ્યતાની વિરુદ્ધ બોલતા કોઈ તેજસ્વી સંન્યાસીને કલ્પો. શી દશા થાય તેની? એક મોટા શહેરમાં તો દયાનન્દ ઉપર તેના એ અપરાધ (!) માટે લોકોએ પથ્થર ફેંક્યા. સ્વ. રાનડે જેવા આપણા એક મોટા પુરુષે એ જોયું, અને સ્વામીને એ લોકો ઉપર કામ ચલાવવા કહ્યું, પણ સ્વામીએ પોતાના જ લોકો સામે કંઈ પણ પગલાં ભરવાની ના પાડી. લોકો અજ્ઞાનને લઈને એવું કરતા હતા એ માટે તેમને દયા આવતી — રોષ ન હતો. આવા પુરુષના જીવનચરિત્રમાં તો કેટલું બધું જાણવાનું હોય! અસ્પૃશ્યતા-નિવારણ, રાષ્ટ્રીય શિક્ષણ, રાષ્ટ્રભાષા હિન્દી, વિધવા-પુનર્વિવાહ, વગેરે આજના આપણા પ્રજાજીવનનાં મોટાં બળોનો આદ્યદૃષ્ટા એ મહાપુરુષ હતો. અહીં એણે પોતાના બાલ્યની એક જ મહત્ત્વની ઘટના આપી છે — અને તેથી એ માત્ર જન્મચરિત્ર છે, જીવનચરિત્ર નથી. સ્વામી દયાનન્દ જન્મે ગુજરાતી હતા, પણ સમગ્ર હિન્દને પોતાનો સંદેશ એમને સંભળાવવો હતો એટલે પોતાનાં બધાં લખાણ એમણે હિન્દીમાં કર્યાં છે. ગુજરાતીમાં એમનાં કોઈ લખાણો જાણમાં નથી. અહીં ઉતાયું છે એ પણ બહુ ઓછું જાણીતું છે. જે ઘટનાએ મૂળશંકરને દયાનંદ બનાવ્યા તે ઘટનાની પ્રસ્તાવના આ લેખમાં છે. આખી ઘટના એમાં નથી. તે એમના કોઈ જીવનચરિતમાંથી જાણી લેવી.]