સાહિત્ય પલ્લવ – ભાગ ૩/દામોદર ખુશાલદાસ બોટાદકર

From Ekatra Foundation
Jump to navigation Jump to search
દામોદર ખુશાલદાસ બોટાદકર

[સામાન્ય લોકો પણ સમજી ઝીલી શકે એવી વાણી અને એવા ભાવ કવિએ આ કાવ્યમાં ગૂંથ્યા છે. ભાઈબીજનું મંગળ વહાણું વાયું છે, બહેન તેના વીરાની રાહ જુએ છે. પણ તે એટલી તો અધીરી છે કે જરી જરીમાં એને ચિંતા થયા કરે છે. ‘કેમ વીરો ન આવ્યો હજુ? શું થયું હશે?’ આવી આવી, જે સાચાં સ્નેહીઓને થાય તેવી ચિન્તાઓ તેના ઉરમાં સતાવી રહે છે. એ સર્વ સામાન્ય અનુભવ કવિએ કેવી સરસ રીતે આ કાવ્યમાં ઉપાડી લીધો છે! અને પછી ભાઈ આવે છે, ભાઈબહેન મળે છે, પિયર આખું જાણે તેની આસપાસ આવી રહ્યું હોય એવું જે વાતાવરણ ઊભું થાય છે તે કવિની ઊંડી સહાનુભૂતિ અને આપણા કૌટુંબિક જીવનની વિગતોને અવલોકવાની કુશળતા બતાવે છે. વળી એકલી બહેની જ ચિન્તા નથી કરતી! એના સાસરાંનાં બધાં જ ચિન્તા કરે છે! સુખી કુટુંબજીવનનું કેવું સુન્દર ચિત્ર! આ કવિએ આવાં બીજાં ઘણાં કાવ્યો તેમની રાસતરંગિણીમાં આપ્યાં છે. આ કાવ્ય રાસની ઢબનું છે. રાસ જેવાં ગેય કાવ્યોમાં પ્રાસનું સ્થાન બહુ મહત્ત્વનું છે. કેટલીક વખત કેટલાક કવિઓ માત્ર સ્વરપ્રાસથી ચલાવી લે છે. જેમકે આભ-પાટ. પણ ગેય કાવ્યોમાં આથી ઘણી મોટી ક્ષતિ આવે છે. શિખરિણી, મન્દાક્રાન્તા આદિ અક્ષરમેળ છંદોમાં ગેયતત્ત્વ ગૌણ હોઈ પ્રાસની જરૂર નથી રહેતી, પણ ગીતોમાં તો તે અનિવાર્ય બને છે. ‘ભાઈબીજ’માંના પ્રાસો શિથિલ છે, અને એટલે અંશે એમાં રસક્ષતિ આવવા પામે છે.]