સાહિત્ય પલ્લવ – ભાગ ૩/સરિતાનું ગાન

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૧. સરિતાનું ગાન

ઝીણાભાઈ દેસાઈ - ‘સ્નેહરશ્મિ’

[મંદાક્રાન્તા]

આવ્યો આવ્યો શત શત શિલા પર્વતો તોડી આવ્યો,
ઘૂધ્ધૂ ઘૂધ્ધૂ કરી ઘૂધવતો ભવ્ય એ સાદ આવ્યો!
તૂટે દુર્ગો તિમિર ઘનના તેજઝોલે ઝૂલન્તા,
આઘાતે રે! જુગજુગજૂના બન્ધ મારા તૂટન્તા!
સુણું છું ઓ જલધિ! તવ એ સાદ ગંભીર આજે,
હૈયું મારું તવ મિલનના સ્વપ્નમાં મત્ત નાચે!
આજે મારી ચિરપરિચિતા શાન્તિનું મૂક ગાન
ગાજી ઊઠે કલકલ રવે, જાગતા સુપ્ત પ્રાણ!
આવું આવું ત્વરિત ગતિથી, ભવ્ય નિ:સીમ, આવું,
હૈયે મારે જુગજુગઝૂલ્યાં સ્વપ્ન સૌ સાથ લાવું?
આવું છું હું - પણ ઘડીક તું થોભને, ઓ કૃપાલ!
મારે કૈં કૈં સ્વજન તણી રે! આજ લેવી વિદાય!
તીરે મારે અનિમિષ દૃગે રાહ મારી નિહાળી
ઊભાં ગ્રામો, નગર વળી કૈં, તે બધાંને ઝુલાવી
લેવા દેને ક્ષણભર ઉરે, ને વળી અદ્રિ પેલા
તેનીયે હું લઈ લઉં રજા આજ રે! છેલ્લી વેળા!
ઘેરે મારે તિમિરશયને અદ્રિ કેરી ગુહામાં
સ્વપ્નો જેવી ચહુ દિશ પડી શ્યામળી એ શિલામાં
નાચી લૌં હું રૂમઝૂમ કરી; ને વળી પુષ્પપુંજ
ખોબે ખોબે મલકી મલકી ઢાળતી કુંજ કુંજ
માર્ગે મારે, ઉરસપન શાં શીકરે સીંચી તેને,
વ્હાલાં મારાં વન તણી રજા યાચીને આર્દ્ર નેણે,
પંખી, પુષ્પો, ગિરિ, તરુ, લતા સર્વને એકતારે
ગૂંથી હૈયે નચવી લઉં રે! આજ હું મુક્તધારે!
ને પેલી ત્યાં પુર-યુવતીઓ કોમલાંગી રૂપાળી,
તેની ક્યારે ઝીલીશ ફરી તે ઓષ્ઠની સ્નિગ્ધ લાલી!
તેનાં કૈં કૈં લલિત મધુરાં સ્વપ્ન શી દીપમાલા,
હૈયે મારે ઝૂલવી જગવું બેઉ મારા કિનારા!
કોને કોને સ્મરું? ઉર તણો ભાર રે! ક્યાં ઉતારું?
આજે મારી લહર લહરે ગાન શાં શાં જગાડું?
જ્યોત્ના-ભીની રજની સ્મરું કે તેજ-પુષ્પે ગૂંથેલી
વેણી તેની અધ-ઊઘડી વા મંજરી સ્વપ્ન-ઘેલી?
ને પેલી તે થનગન થતી ઘેનુની ઘંટડીનો
ભુલાયે શે મધુર રણકો સ્નેહ-સત્કાર-ભીનો!
ને બંસી તે તટ ગજવતી ગોપબાલો તણી વા
મુગ્ધા મીઠી સ્મિતવતી સ્મરું ગોપિકા મંજુકેશા?
જાણું ના રે! મુજ ઉર તણી ઊર્મિઓ ક્યાં સમાવું?
વ્હાલાં મારાં સ્વજન સ્મરું કે ગાન તારાં ગજાવું?
જાગી ઊઠે ઉર ઉર મીઠી વેદના ઓ અતીત!
આજે મારે હૃદય રણકે તારું ઉન્મત્ત ગીત!
‘અર્ધ્ય’માંથી