સાહિત્યિક સંરસન — ૪/જમડાદેવનો ટેંબો

From Ekatra Foundation
Jump to navigation Jump to search
14. જમડાદેવનો ટેંબો

હસમુખ કે. રાવલ

Hasmukh K Raval.jpg

"અરે પંડ્યાજી, મને ક્યાં ઘસડી લાવ્યા છો? આ તો ભરોસાના પંડ્યાએ પોદળો બતાવ્યો. છિ છિ છિ વિષ્ટા." "ક્યાં છે વિષ્ટા?" "પેલા ત્રણ જણા પાણી ભરેલાં ડબલાં લઈ બાવળ પાછળ કેમ સંતાય છે? અને આ..." "શું?" "સાપની કાંચળી. જાળામાં કેવી ફગફગે છે? બાપ રે!" "કાંચળીથી ડરવાનું?" "કાંચળી હશે તો સાપ પણ હશે ને!" "શર્માજી, વગડાના જીવ વગડામાં જ હોય ને! અહીં ટપકતા મધપૂડાય હોય ને ભટકતા ભોરિંગ પણ હોય." "પંડ્યાજી, સવાર-સાંજ સેંકડો ગાયો આવનજાવન કરતી હતી એ તમારો ગેટ, નચ્યા ગેટ ક્યાં?" "નચ્યા ગેટ તો સાધારણ લોકો બોલે છે. બાકી શિષ્ટ લોકો ‘નચિકેતા ગેટ’ કહેતા. પ્રકરણ નંબર સાત, "ગોધૂલિ"માં તેનું વિગતે વર્ણન છે. "તમે તો સગી આંખે દેખ્યું હોય એમ વાત કરતા હતા." "મેં પાંચ વખત નોવેલ વાંચી છે, કહો કે ગોખી છે. દસમા પ્રકરણમાં સાવિત્રી સરોવરની વાત આવે છે. લોકો એને સતિયું સરોવર કહે છે. વિવેચકોને તેના વર્ણનમાં કાદમ્બરીના અચ્છોદ સરોવરનો પ્રભાવ વર્તાય છે." "અને હું તમારા વાણીપ્રભાવમાં ઘસડાતો છેક અહીં આવી ગયો. પંડ્યાજી, આ તો વાર્તા કહેવાય. ફિક્શન, બધું કાલ્પનિક." "પણ પ્રસ્તાવના તો કાલ્પનિક ના હોય ને! લેખકે ચોખ્ખું લખ્યું છે. પુસ્તકમાં મારા ગામ અને આસપાસના પ્રદેશનાં ઇતિહાસ અને ભૂગોળનો મેં ભરપૂર ઉપયોગ કર્યો છે. વળી મધ્યકાલીન કવિ નરભેરામ પણ તેના “યમાખ્યાન"માં ગાય છે : ટીંબે બેઠા જમડાજી રાજી, યમનગરીમાં નિત્યે દિવાળી નીચે નચિકેતાનો વાસ, સૂતું સાવિત્રી-સ્રોવર પાસ જળમાં કમળ ક્રીડા કરે, ગોચરે ગાયો ઘણી ચરે."

"ઓ કાકકંઠી પંડ્યાજી, ક્યાં છે જળ? ક્યાં છે કમળ? ક્યાં છે ગાયો? ગાયો નહીં, એક ગાય તો બતાવો. અરે, ગાય નહીં તો ઘેટું બતાવો... ડચકારતો રબારી બતાવો. રૂપાળી રબારણ બતાવો. એમના ફોટા લેવા તો લગ્નનો ઑર્ડર જતો કરી વગડો વહાલો કર્યો છે." "શર્માજી, જરા સમજો. સ્થળ તો જાણે એ જ છે. કાળ જુદો છે. મને તો એમ કે તમનેય મારી જેમ ખંડેરો ખોતરવામાં રસ હશે. તમારી તસવીરોથી મારા આર્ટિકલને ચાર ચાંદ લાગી જશે." "ઠીક છે. તમારી યમનગરી ક્યાં છે?" "ટીંબે બેઠા જમડાજી રાજી, યમનગરીમાં નિત્યે દિવાળી. આપણે બેઠા છીએ એ જમડાદેવનો ટીંબો ને ચોમેર વેરવિખેર પડયું છે એ યમનગરી." "બસમાંથી ઊતર્યા એ ગામનું નામ તો સૌરભનગર છે." "લેખકે પ્રસ્તાવનામાં સ્પષ્ટ લખ્યું છે કે સૌરભનગરનું જૂનું નામ સંયમનગર હોવું જોઈએ. હવે મારો તર્ક એમ છે કે યમનગર નામ લોકોને પસંદ ન પડયું હોય તેથી કાળક્રમે એનું નામ સંયમનગર થયું હોય. અને આ પ્રદેશમાં ફૂલો વધારે થતાં હોવાથી કાલાન્તરે સંયમનગર જ સૌરભનગર તરીકે ઓળખાતું હોય." "અહીં તો આપણે ઠૂંઠા પીપળા નીચે બેઠા છીએ. ફૂલોને નામે ધંતૂરા ને બાવળ સિવાય કંઈ નથી." "તોય લોકોને તો સૌરભનગર નામ જ ગમે ને!" "હા ભૈ, મેરા ભારત મહાન." એટલામાં પેલા ત્રણે ડબલાંધારી ડોલતી ચાલે નજીક આવ્યા. ચાનું થર્મોસ બંધ કરતાં ચોટીધારી પંડ્યાજી ને રૂમાલથી મોં લૂછતા હેટધારી શર્માજીને જોઈ રહ્યા. શર્માજીએ શરૂઆત કરી. "મિત્રો, તમે લોકલ કે?" "એટલે?" છોકરા ગૂંચવાયા. પંડ્યાજી વા’રે ધાયા, "દીકરાઓ, તમે અહીંના કે?" પણ દીકરાઓ ખાતાપીતા ઘરના ને થોડા વંઠેલા. પહેલાએ જવાબ વાળ્યો. "ના, અહીંના નહીં, બહારગામના. એસ.ટી.માં આવ્યા. આ ડબલાં લઈને.” પંડ્યાજી નારાજ થયા, “ભે, વાંકું કેમ બોલે છે? બીજો છોકરો વચ્ચે પડ્યો, “એ વાંકા મોંઢાળાનો સભાવ જ એવો છે". "ભણો છો?" ત્રીજાએ જવાબ વાળ્યો, “હંઅં. કોલેજમાં ભણીએ છીએ, અમદાવાદ.” પંડ્યાજીની જિજ્ઞાસા વધી. "કઈ કોલેજમાં?" માથું ખંજવાળતાં ત્રીજો બોલ્યો, “કોલેજનું નામ તો તલાટીકાકા જાંણ. બધાંનાં સર્ટિ અને ફી એ ઉઘરાવી ગયેલા.” બીજો બોલ્યો. "શાયેબ, પરીક્ષા આપવા જવાનું. બાકી રે’વાનું ગામમાં ન ભણવાનું અંદાવાદમાં, એ વાત પાકી". પંડ્યાજી અને શર્માજી પોતાની પાકટ નજરથી છોકરાઓને માપતા રહ્યા. પંડ્યાજીએ આગળ ધપાવ્યું, “મિત્રો, અહીં નચિકેતા ગેટ ખરો?’ છોકરા વળી ગૂંચવાયા. શર્માજીએ વાત સરળ કરી: "નચિકા, નચિકો, નચિકું, નચ, નચ્યા કે એવા નામનો કોઈ ગેટ કે દરવાજો કે એવું કંઈ અહીં ખરું?" બીજા છોકરાને લાઈટ થઈ. "હંઅં. નચ્યાદાદાનો પાળિયો સ. આ ટેંબા (ટેકરા) પર ચડતાં શેંદૂરી થાપાવાળી મોટી શલ્યા સ એ નચ્યાદાદાનો પાળિયો. ચાંમાહામાં મેળો ભરાય સ ન ગામ આખું નાચ સ." "ઊભો રે, ઊભો રે". કરંટ લાગ્યો હોય એમ પંડ્યાજી ઊછળ્યા ને ખિસ્સાનો મોબાઇલ કાઢી કટ કટ કરી છોકરાના મોં આગળ ધર્યો: "હવે બોલ બેટા, ફરી બોલ." "આ નેંચ પેલી મોટી શલ્યા દેખાય એ નચ્યાદાદાનો પાળિયો ત્યાં વરહાદમાં મેળા ભરાય, ઉજાંણી થાય. લોક નાચઅ." પહેલો છોકરો સિગરેટ પીવામાં રત હતો એણે બીજાને ચેતવ્યો, "અલ્યા, ધ્યાન રાખ. તન મોબાઈલમાં પૂર સ પસ પોલીસમાં પુરાઈ દેહે." બીજો તાનમાં હતો. "જમડાદેવના ખોળામાં રમવું અન બીવું એ કુણે કીધું? નચ્યાવીરની વાત કરતાં ડરે એ બીજા. આ, મંગો ભાથી નૈ." પંડ્યાજીને છીંડું મળ્યું. “શર્માજી, શિલાના ફોટા લઈએ." ત્રીજાને નવાઈ લાગી. "પથરાના ફોટા? ફોટા પાડવા વોય તો અમારા પાડા ક. બીજો બોલ્યો, "આપડ ચ્યાં રણબીર કપૂર કે સલમાનખાન છિયે." પણ પંડ્યાજી ઉત્સાહમાં હતા. "ના ના, દોસ્તો, તમારા ફોટા પાડવાનાય ખરા ને છાપવાનાય ખરા." પહેલાવાળો ધુમાડો છોડતાં બોલ્યો, “એ ભાથીવાળા, કઉ સુ, ચેતી જા. છાપે છપાવશે." પંડયાજીએ ખુલાસો કર્યો: “એવું નથી. અમે તો તમારા ગામની જૂની વાતો, ઈતિહાસ જાણવા માગીએ છીએ". ત્રીજો બોલ્યો, “અમન તો આજની જ ખબર. જે સ એ તમારી નજર આગળ સ. કાંય ઢાંક્યું-ઢૂબ્યું નથી. ત્યાં નેંચ તરેટીમાં ઢોરાંના પોદળા-પેશાબમાં આળોટતું ધૂળિયું ગામ સ. ન આંયથી જુઆં તો ડાબી બાજુ કબરો ન જમણી બાજુ સમશાંન સ. વળી પેલી પાથી ઘરર ઘરર અવાજ હંભળાય સ ઈ લાકડાની લાટી સ. ઈમાં લીલું-હૂકું, જંગલી-ઈમારતી લાકડું રાતદાડો વ્હેરાતું રે સ ન ઈથી જરા નેંચા ઊતરાં તો મહાદેવની નાંનકી અપૂજ દેરી આવ. ન હા, બાજુમાં સતિયું તળાવ સ, માંદલું." બીજો બોલ્યો, "જૂની વાતો ધૈડિયાં જાંણ.’ ત્રીજો બોલ્યો. ‘ધૈડિયાં તો કીસઅ પાધરમાં સાક્ષાત્ જમડાદેવ રે સ. આપડ ઈનાં સોરું, ન એ આપડો બાપ. ઈના ચારે હાથ ગામ પર સ. ગામમાં ભયનું પગલુંય જોવા નોં મળ. ગોરભા ઈમના નામનો દોરો બાંધ તો તાવતરિયો તો ઠીક સ કેન્સર જેવું કેન્સર પણ કેન્સલ થઈ જાય. મારાં પશીફઈનો એક થાંન દાક્તરોએ ચૂંટી લીધેલો. પણ દોરો બાંધ્યો તે હજુય જીવ સ." બીજો બોલ્યો, "મારા ભા વરહદાડાથી કોમામાં પડ્યા સ, પણ સ. હાજરા હજૂર. જમડાદેવની કરપા. બીજું હું". પંડ્યાજી અકળાયા, "ભૈલાઓ, દોરાધાગા નહીં, અમારે તો જૂનું મંદિર, તેની મૂર્તિઓ, શિલાલેખ, સ્થાપત્ય, સંસ્કૃતિ વિશે...." બીજો બોલ્યો, "સંસ્કૃત ન ગુજરાતી એ બધું તો મોહન માસ્તર જાંણ... લ્યો, નસીબદાર સો. ગાડાની રાહ જોતા’તા ને મોટર મળી. આ બારોટજી આવ્યા. હો દરદોની એક દવા એટલ બારોટજી. એ રાંમરાંમ, બારોટ બાપા. આવાં, આવાં. પાય લાગીએ બાપા." "એ રાંમરાંમ, રાંમરાંમ. જમડો બાપો હૌની રખા કરે. ચમ હવાર હવારમાં રસ્તા વચી રાવઠી જમાઈન બેઠા સો?" છોકરાઓએ મહેમાનોનો પરિચય કરાવ્યો. બારોટને પોરો ચડયો. મૂછે તાલ દીધો, મોટો ખોંખારો ખાધો ને વાણી વહેતી કરી: "અને ધન પડી ધન ભાગ. અમારા ગામમાં તમારા જેવા વિદવાંન મેમાન ચ્યાંથી? ભલ્લા આયા, ભા. જમડોદેવ હૌનું કહોળ કર. તો વાત કેતાં વાત ઈમ સ ક આ ગાંમ વેદવારીનું સ ઈ વાતમાં જરાય મીનમેખ નથ. ભંમા-વિશ્નુની જેમ અમારા જમડાજીનેય ચાર હાથ. તેણ હાથ તાર ન ચોથો હાથ માર. માભારતમાં વિયાસજી એક પરસંગ લખવો ભૂલી જવા સ. તે એ કે યુદ્ધ પહેલાં કૃષ્ણ કુંતાજી ન યુધિષ્ઠિર આ ટેંબા પર આવેલાં. ન જમડાજીન નમેલાં. જમડાજીએ તૈણાંના માથે તૈણ હાથ મૂકી આશરવાદ દીધા. પછ આયો દુર્યોધન. અભિમાનથી ભરેલો. એણે જીદ કરી ક દેવ નેંચ તળેટીમાં આઈ આશરવાદ આપ.. હવ તમે જ કાં, આસરવાદ બેટા થઈન લેવાય ક, બાપ થઈન? તે દેવે ચોથો હાથ ઈના માથે મૂક્યો. બોલાં મેમાંનો, મારી વાત ખોટી હોય તો પાશી આલજો. મન જરાય ખોટું નૈ લાગ. બોલાં, બીજું હું કઉ? "અહીં યમ ટેમ્પલ હતું?" "હતું જ ન, બાપા. જમડા બાપાના ટેમ્પલના જશ ચારેકોર ગવાતા. ઈના શિખરના પડછાયા શિધપુરના રુદરમાળ પર પડતા. ન ઝાલરુંનો રણકાર પાટણની પનિહારીઓ હાંભળતી. ઈમ અંગરેજો કે’તા. અર, માભારતવાળી વાત હાંભળી દલ્લીના શેનશાઅકબર નીચી મૂંડીએ આવી દેવને કરગરેલા, દેવન તો બધાંય સોરાં હરખાં. એ તો હરખથી ભેટ્યા ન આશરવાદ દીધા. એનોય એક સમો હતો. તો આજનોય એક સમો છે. બાપ, કાલ કાલ હતી તો આજ આજ સ. એકબીજાના વાદ નોં લેવાય. બેનીય પૂજા કરાય. બારોટની સરસ્વતીના પૂરમાં પંડયા-શર્માનો ઘસડાયા સિવાય છૂટકો ન હતો. તણાતાં તણાતાંય અધ્ધર શ્વાસે પંડ્યાએ પ્રશ્ન કર્યો : "ટેમ્પલ હોવાના પુરાવા એટલે કે સ્થાપત્ય, મૂર્તિઓ, શિલાલેખ, પોથી-પાંદડાં કંઈક તો?" "ફૂટેલાં કોડિયાંનાં ઠીકરાંના પુરાવા તો મું અભણ માંણહ હું આપું? મું તો કોડિયું નહીં, કોડિયાનું અજવાળું જોનારો માંણહ. અજવાળું ભાળું. મારો બાપ આજ શરીરથી નથ. પણ મારા હિવડામાં એવોન એવો જ સ. મિલિટેય વિહરાતો નથ. એવું જ તમારા ટેમ્પલનું સ. તમે બહાર, વસ્તુઓમાં ગોતો સો. અમે હિવડામાં તીરથ માણીએ સીએ. મારા શાયેબો, ઈંટ-મટોડાંમાં હું ભર્યું સ? ગાંમના એકેએક માંણહમાં જમડોદેવ ધબક સ ક નૈ. એ જુઓ ન. અમારા જ ગામમાં પેએલ્લી માધેવની દેરી અપૂજ પડી સ. કોઈ ઈના હાંમે તાકતુંય નથ. એ હાચી ન હાજરાહજૂર જમડા દેવના પુરાવા હોગવા પડ? નચ્યાગેટ ચાં સ? એક પથરો સ. પણ ગામન આસ્થા સ. ઈની કરપાથી ગાંમમાં કહોળ કહોળ સ. સાવિત્રી સરોવર કોઈ રાજાએ બંધાવેલી રાંણકીવાવ નથ. ઈમાં નથ નકશી ક નથ ઘાટ. બાપડું નાંનું કુદરતી તળાવડું સ. પણ ઈના સતની વાત કાંય ઓર જ સ હાં, મારા વાલિડા, મંદિર તુટ્યું, દરવાજા ભાંજ્યા, પણ સરોવર તો જળનો અખૂટ ભંડાર. આકરામાં આકરા દુકાળમાંય એનાં પાંણી હુકાયાં હોય એવું હોંભળ્યામાં નથ આયુ. આયા સાં તો બાપલા, ઈમાં ના’તા જજો. ખોળિયું પવિતર થૈ જહેં. મૌન છવાયું. શર્માજીની આંગળીઓ કેમેરા પર સળવળ્યા કરી. એમને થાય બારોટની છટાઓ તો કેમેરામાં કંડારી પણ એની વાણીના ફોટા કેમના પડાય? પંડ્યાજીનો મોબાઈલ ચૂપચાપ બધું સાંભળતો હતો. તક મળતાં પંડ્યાજીની જીભ સળવળી. "વાત એમ છે કે..." "જુઆં બાપ, ગઈ કાલનો કકળાટ છોડી દ્યો. કાલના અંધારિયા પેટમાં બધું હમાય. એક અજવાળું નોં હમાય. લાખો વરસનાં અજવાળાં લઈ આજનો સૂરજ ઊગ સ. મું કઉં સુ એ ધ્યાન દઈન હાંભળાં. આ જમડાદેવના આંગણેથી હવારે નેંકળ્યા છિયે. તો આજની તડકીછાંયડીને વ્હા’લ કરાં. ઈની હારે રમાં, ઈન રમાડાં ને ઈમાં રમમાણ રહાં હાંજે પાસું આંય જ આવવાનું સ. પસ વાજાં વગાડતાં આવાં ક થાકીહારીન આવાં. અમાર તો ગામમાં કુણું મૈણું વોય ક પાકું. વાજતાં-ગાજતાં જમડાદેવના ખોળામાં પધરાવાનો રિવાજ સ. એટલામાં બધું આઈ જ્યું. જમડોદેવ તમારી રખા કર ન એયન આખી દનિયામાં કહોળ કહોળ કર. મેમાંનો, ગળું હુકાય સ. પાંણી હોય તો..." બારોટે પાણી પીધું. એટલામાં એક ટ્રેક્ટર આવ્યું ને બાજુમાં કચરો ઉલાળી ચાલતું થયું. ધૂળ ધૂળ. બારોટથી ન રહેવાયું. "નખોદિયા, તારું બેટ જાય. જીવતાં માંણહ નથ દેખાતાં? જરા આઘો મૂઓ હોત તો? ધૂળ ઓછી થઈ. પંડ્યાજી કચરામાં પડેલા મૅટરનિટી હોમના ગાભા ને મરેલા કૂતરાનાં આંતરડાં જોઈ રહ્યા. શર્માજી તૂટેલાં રમકડાં જોઈ રહ્યા. સુપરમૅન, સ્પાઈડરમૅન, આયર્નમૅન, બાર્બી ડૉલ, કાર, વિમાન, બંદૂક ને ઘણુંબધું. શર્માજીના કેમેરાએ તેમના ફોટા લીધા. બારોટ બોલ્યા, "હમણાં રોલર આવશે. ધકધકધક થતું બધે ફરી વળશે ને થઈ જશે બધું સપાટ. પછ વરહાદના ચાર છાંટા પડવાની વાર. આ રૂખડો ટેંબો લીલોછમ થઈ જશે. ન ગોચરમાં ધોડ્યા આવશે પેલા હિજરાત કરી ગયેલા હિજરાતા માલધારીઓ ન ઈમનો માલ: ગાયો, ભેંહો, બકરાં, ઘેટાં. બેહાં બાપ, માર તો હાંમા ગામ જવું સ ન તડકો છ. લ્યાં તમારા પગલે આભલામાં પેલ્લી વાદળી ડોકાંણી. અલ્યા ઓ છોકરાંઓ, મેમાંનન ભૂશ્યા જવા દેવાના નઈ. અન્નક્ષેત્રમાં લઈ જજો. ભૂલતા નહીં લ્યાં રામરામ. ગઈ કાલને ગોતવા આવેલા પંડ્યાજી ને શર્માજી આજમાં રમતા રહ્યા.

= = =

સમ્પાદકીય સમીક્ષાત્મક નોંધ

આમ તો જીવન અને મૃત્યુ, ભૂતકાળ અને વર્તમાન, જૂનવટ જોડે જોડાયેલી અસલિયત અને આજની પ્રગતિદોડ, પ્રકૃતિ અને સંસ્કૃતિ, કે પર્યાવરણ વગેરે વિશેની કૉમેન્ટ કે હળવાશભરી પણ તત્ત્વાર્થમાં કડક ટીકા - એ સઘળાં વાનાંની જમડાદેવ સાથે ગૂંથણી કરીને હસમુખભાઈએ એની વાર્તા બનાવી એ સર્જક કલ્પનાની નૉંધ લેવી જોઈએ.

છોકરાઓની અને બારોટની સરસ્વતીમાં રચના અન્તર્ગત આશય કે સંદેશ આટલો જ છે: બહાર જિવાય એ કરતાં અંતરમાં જિવાય એ જ સાચું છે; ગઈ કાલનો નહીં પણ આજનો મહિમા છે; પ્રગતિ માટે લ્હાય નહીં પણ વાસ્તવિકતામાં સંતોષ, અને જીવન ખરું પણ મૃત્યુનો એટલે કે ટેંબે બેઠા જમડાદેવનો સહજ સ્વીકાર સર્વોપરી છે - "જમડાદેવ રે સ. આપડ ઈનાં સોરું, ન એ આપડો બાપ." રચનામાં એ વિચારોને વાચા આપતા છોકરા અને બારોટ વક્તા લાગશે અને એમની તુલનામાં પંડ્યાજી અને શર્માજી માત્ર શ્રોતા લાગશે. અને મહત્તાપૂર્ણ વાત એમની વાણી છે, સરસ્વતી છે. જો એ ન હોત તો રચના કશા વિચારપક્ષનો દસ્તાવેજ બની જાત. એ વાણીના દાખલા - (નિરૂપણમાં વધારે ઉપકારક શબ્દો કે શબ્દગુચ્છોને મેં અવતરણચિહ્નમાં મૂકીને હાઇલાઇટ કર્યા છે). ત્રીજો છોકરો બોલે છે - “અમન તો આજની જ ખબર. ‘જે સ એ તમારી નજર આગળ સ’. કાંય ઢાંક્યું-ઢૂબ્યું નથી. ત્યાં નેંચ તરેટીમાં ઢોરાંના પોદળા-પેશાબમાં ‘આળોટતું ધૂળિયું ગામ’ સ. ન આંયથી જુઆં તો ડાબી બાજુ ‘કબરો’ ન જમણી બાજુ ‘સમશાંન’ સ. વળી પેલી પાથી ઘરર ઘરર અવાજ હંભળાય સ ઈ લાકડાની લાટી સ. ઈમાં લીલું-હૂકું, જંગલી-ઈમારતી લાકડું રાતદાડો ‘વ્હેરાતું રે સ’ ન ઈથી જરા નેંચા ઊતરાં તો મહાદેવની ‘નાંનકી અપૂજ દેરી’ આવ. ન હા, બાજુમાં સતિયું તળાવ સ, ‘માંદલું’. બારોટ કહે છે - "ફૂટેલાં કોડિયાંનાં ‘ઠીકરાંના પુરાવા’ તો મું અભણ માંણહ હું આપું? મું તો કોડિયું નહીં, કોડિયાનું અજવાળું જોનારો માંણહ. અજવાળું ભાળું... ... તમે બહાર, ‘વસ્તુઓમાં’ ગોતો સો. અમે ‘હિવડામાં’ તીરથ માણીએ સીએ. મારા શાયેબો, ઈંટ-મટોડાંમાં હું ભર્યું સ? ગાંમના એકેએક માંણહમાં જમડોદેવ ‘ધબક સ ક નૈ’, એ જુઓ ન. અમારા જ ગામમાં પેએલ્લી માધેવની દેરી અપૂજ પડી સ. કોઈ ઈના હાંમે તાકતુંય નથ. એ હાચી ન હાજરાહજૂર જમડા દેવના ‘પુરાવા હોગવા પડ’? નચ્યાગેટ ચાં સ? એક પથરો સ. પણ ગામન આસ્થા સ. ઈની કરપાથી ગાંમમાં ‘કહોળ કહોળ’ સ." કથકે રચનાની માંડણી માટે, પંડ્યાજી ઇતિહાસના અધ્યાપક અને શર્માજી ફોટોગ્રાફર એમ બે પાત્રો કલ્પી લીધાં એ બરોબર થયું લાગશે, પણ એ માંડણીને "ગોધૂલિ" "કાદમ્બરી" અને "યમાખ્યાન"ના પૂર્વાપર સંદર્ભોથી જડબેસલાક કરી નાખી, એ જરૂરી ન્હૉતું એમ લાગશે. માંડણીને સર્વથા ફિક્શનલ રાખી હોત તો રચના વધારે વાર્તારૂપ લાગી હોત. તેમછતાં, કથકનાં કેટલાંક કથનોની નૉંધ લેવી જોઈએ: -- ‘ગઈ કાલ’ને ગોતવા આવેલા પંડ્યાજી ને શર્માજી આજમાં ‘રમતા રહ્યા’. -- બારોટને ‘પોરો’ ચડયો. મૂછે ‘તાલ’ દીધો, મોટો ‘ખોંખારો’ ખાધો ને ‘વાણી વહેતી કરી’ -- બારોટની સરસ્વતીના ‘પૂરમાં’ પંડયા-શર્માનો ‘ઘસડાયા’ સિવાય છૂટકો ન હતો. ‘તણાતાં તણાતાંય’ અધ્ધર શ્વાસે પંડયાએ પ્રશ્ન કર્યો -- પંડ્યાજી કચરામાં પડેલા મૅટરનિટી હોમના ગાભા ને મરેલા કૂતરાનાં ‘આંતરડાં’ જોઈ રહ્યા. -- લ્યાં તમારા પગલે આભલામાં ‘પેલ્લી વાદળી’ ડોકાંણી.

= = =