સાહિત્યિક સંરસન — ૪/હૂંફ
કુમાર જૈમિનિ શાસ્ત્રી
ફેસબુક પર સ્ક્રોલ કરતાં-કરતાં અચાનક એક નારીની પોસ્ટ ધ્યાનમાં આવી હતી. જેમાં એણે તેના પતિના મૃત્યુના છેલ્લા કલાકોની ઘટનાઓ અને ઝીણીઝીણી વિગતોનું સિલસિલાવાર, કસાયેલા કથાલેખકની અદાથી, વર્ણન કર્યું હતું. એ વર્ણનની સાથે તેણે પોતાની એક તસ્વીર મૂકી હતી.. સ્લીવલેસ ટોપ— એ પણ લો-કટ ગળાનું, જેમાંથી તેની ક્લીવેજ સ્પષ્ટ દેખાતી હતી. વર્ણ ગોરો, ભરાવદાર મુખડું અને અન્ય બધું... થોડું સ્થૂળ ફિગર હશે. જાડા હોઠ, ચણોઠી જેવા ઘેરા લાલ રંગની લિપસ્ટિક પણ. ત્યાર પછી પણ એની વોલ પર પોસ્ટ મુકાતી રહી હશે. મારાથી એ બધી પોસ્ટ જોઈ શકાતી નહીં. થોડી ઘણી હું જોઈ શકતો, પણ એના પેજ પર ફૉલો અને મેસેજ એવા બે જ વિકલ્પ હતા. જેમાંથી એકમાંય આપણને તો રસ ન હોય ને! એટલે ઘણી વાર એની પોસ્ટ નજર આગળથી પસાર થાય. પણ બસ પસાર જ થાય. બે-પાંચ વખત એની પોસ્ટ નજર આગળથી પસાર થઈ હશે. પછી મને એવું લાગ્યું કે આ સ્ત્રીની કોઈ પણ પોસ્ટ સહજ, સામાન્ય કે નિર્હેતુક નથી હોતી. એમાં કોઈ નિશ્ચિત પેટર્ન છે અને મોટિફ પણ. એક પોસ્ટમાં એ લખે છે: "જે માણસ તમને એમ કહેતું હોય કે.... મને તારા માટે પહેલાં લાગણી હતી, પણ હવે એ લાગણી રહી નથી એવા માણસને એક પળ પણ ગુમાવ્યા વિના રૂખસદ કરી દો. કારણ કે તમારી સાથેના સંબંધમાં એ છેક આજે સાચું બોલ્યો છે. લાગણી કોઈ ભૂખ થોડી છે કે પહેલાં લાગી હતી અને હવે રહી નથી. કાલે ફરીથી એ ભૂખ લાગશે કે પછી ફરી ક્યારેક લાગશે? કોને ખબર? શક્ય છે કે કાલે ફરીથી એ પાછો આવે અને તમને જણાવે કે હું તને ચાહું છું. હું તારી સાથે ફરીથી જોડાવા ઈચ્છું છું. તો તમારે સમજી લેવું જોઈએ કે તમે એના માટે એક વિકલ્પ છો, પ્રાથમિકતા નથી. એણે તમારા જેવી અન્ય કોઈ વ્યક્તિ સાથે અજમાયશ કરી જોઈ છે. પણ તેની પાસેથી એને તમારા જેવી લાગણી મળી નથી. તેથી એ પાછો આવ્યો છે. તમે એવી વ્યક્તિથી ચેતી જજો, નહીં તો તમે લાગણીના પ્રવાહમાં સતત તણાતા રહીને તમારું શોષણ કરાવતા રહેશો અને છેવટે અકાળે ખતમ થઈ જશો." હું એ પોસ્ટ વાંચીને અવાક થઈ ગયેલો! આ સ્ત્રી કોને ઉદ્દેશીને આ વાત કરી રહી હશે? તેણે કોની સાથેના સંબંધનું વિશ્લેષણ કર્યું હશે? કે આ કથન કાલ્પનિક સંબંધ/સંબંધોના સંદર્ભમાં કર્યું હશે? આ પોસ્ટ પછી એક સાવ ટૂંકીટચ પોસ્ટ પણ મારા જોવામાં આવી. એણે લખ્યું છે: “અમુક લોકો એવા પણ હોય છે જિંદગીમાં કે જે પ્રોમિસ કંઈ નથી કરતા પણ નિભાવી બધું જાય.” રોજની એકના હિસાબે આવી તો અસંખ્ય પોસ્ટ નજરે ચડે છે. કોની કોની નોંધ લઉં? પણ એમાંની એકાદી પણ દેખાઈ જાય તો એની ઉપેક્ષા નથી થઈ શકતી. એક પોસ્ટમાં એણે પોતાના એક ફોટાની AI ઇમેજ મૂકીને તેની ઉપર લખ્યું હતું: Almost 41 lacs views. એ પોસ્ટની નીચે અંદાજે નવ કોમેન્ટ્સ અને 45 likes હતી. મારા માટે એ ખરેખર આશ્ચર્યની બાબત હતી. કારણ કે એની સામાન્યમાં સામાન્ય લાગતી પોસ્ટ પર સહેજે 500ની આસપાસ likes અને ત્રણસોની આસપાસ કોમેન્ટ્સ આવતી. આઠદસ મિત્રો કે સંબંધીઓ શેર કરનારાય નીકળી આવતા. જોકે એની દરેક પોસ્ટમાં ખાસ અંદાજમાં ચીવટપૂર્વક પડાવેલો ફોટો પણ મૂકવામાં આવે છે. પોતાના અંગત કિસ્સા-કહાણીઓ, વ્યથાકથાઓ અને પતિના અસાધ્ય રોગની વાતો, એ રોગ સંબંધી આમતેમથી એકઠી કરેલી જાણકારી, સગાંસંબંધીઓ તરફથી થયેલો રૂક્ષ વ્યવહાર, સિંગલ મધર તરીકે તેની જવાબદારીઓની યાદી, એઝ યૂઝુઅલ આર્થિક તંગીનાં રોદણાં, મિત્રોના સહકાર-અસહકાર, પ્રેમ, દગો, વગેરે વગેરેનું બહેલાવી-બહેલાવીને વર્ણન કરવામાં આવ્યું હોય. કહેવાતી નવરી બજારોને બે ઘડી રસ પડે અને ટાઈમપાસ થઈ શકે એવી, પાણીપુરી જેવી ચટાકેદાર પોસ્ટ લાગે. એ મહિલાએ કોઈ મૂઢમતિ વ્યૂઅર સાથે તેના પેજ પર થયેલા સંવાદનો સ્ક્રીનશોટ શેર કર્યો, જેમાં વ્યૂઅરે તેની કોઈક પોસ્ટ પર કોમેન્ટ કરી હતી કે, ‘તને હૂંફની જરૂર છે. હું આપીશ તને એવી હૂંફ, તારા મનની શાંતિ માટે!’ આ પ્રસ્તાવ વાંચીને એ મહિલાની કમાન એવી છટકી કે તેણે પોતાના પેજ પર પેલા લંપટની ઠીકઠીક ઝાટકણી કાઢી અને એક સ્ક્રીનશોટ જાહેર જનતાના લાભાર્થે મૂકીને એને ટેગ કર્યો. નીચે નોંધ પણ મૂકી કે, ‘તારી હૂંફ તારી બાયડીને જ આપ. મને એવી કોઈ જરૂર નથી પણ તને ટેગ કરું છું, જેથી તારું ખાનદાન જુએ કે તું ક્યાં ક્યાં હૂંફ આપતો ફરે છે!’ આ પોસ્ટ વાંચ્યા પછી મને તેની પોસ્ટમાં જરા વધુ રસ પડ્યો અને પોસ્ટ પરથી પસાર થઈ જવાને બદલે મેં તેની પોસ્ટનું વિહંગાવલોકન શરૂ કર્યું. બસ એમ જ, ખાસ કોઈ પ્રયોજન વિના. રોજ એક નવો વિષય અને એક નવો વિષાદ. ક્યારેક ક્યારેક પોતાના અનુભવોને આધારે લખેલાં ડહાપણસૂત્રો. એક દિવસ તો તેણે પંદરવીસ જાણીતી-અજાણી બ્રાન્ડના સ્પ્રેની કલાત્મક બોટલ્સની સાથે એના સસ્મિત ચહેરાનો ફોટો મૂક્યો હતો. સાથેના લેખમાં એના સ્પ્રે-અત્તરના શોખની વાતો, એના શોપિંગની અને એના કલેક્શનની વાતો...ચણાચોરગરમ જેવી ચટાકેદાર અને રસીલી શૈલીમાં. એ પોસ્ટ જોઈને મને મિર્ઝા ગાલિબનો શેર યાદ આવી ગયો:
इस सादगी पे कौन न मर जाए ऐ खुदा!
लड़ते हैं और हाथ में तलवार भी नहीं।
એક પોસ્ટમાં એણે એવું જણાવેલું કે તે ડાયાબિટીક પેશન્ટ છે. તેના પતિને ICU -માં દાખલ કરવામાં આવ્યા હતા. સ્થિતિ બહુ કટોકટીભરી હતી. ત્યારે ત્યાં હાજર તેના એક સગાએ તેને હોસ્પિટલની કેન્ટીનમાં જઈને કંઈક ખાઈ આવવા સૂચવ્યું હતું. તેણે જણાવ્યા મુજબ કેન્ટીનમાં જઈ એણે કોફી-બિસ્કિટ લીધાં હતાં! એ પોસ્ટ વાંચીને સૌથી પહેલો વિચાર મને ‘ધી આઉટસાઈડર’ (આલ્બેર કામૂ) નવલકથાના કથાનાયક મ્યૂરસોનો આવેલો. એ વૃદ્ધાશ્રમમાં રહેતી (કે રાખવામાં આવેલી) માતાના અવસાનના સમાચાર મળ્યા પછી ત્યાં પહોંચ્યો ત્યારે સાંજ પડી ગયેલી. દફનવિધિ બીજા દિવસની સવારે થવાની હતી. આખી રાત આશ્રમના વૃદ્ધોની સાથે માતાના શબ આગળ બેસી તેણે જાગરણ કરવાનું હતું. આશ્રમના વ્યવસ્થાપક તરફથી એને કોફી આપવામાં આવી હતી. માતાના શબ આગળ બેઠેલા મ્યૂરસોએ એ કોફી એમ જ પીધી હશે, સહજતાથી, સરળ ભાવે. રાતભર જાગરણ કરવા માટે કદાચ એ જરૂરી પણ હતી. વર્ષો બાદ તેના હાથે અજાણતાં જ થઈ ગયેલા એક આરબના ખૂન બદલ તેની ઉપર જ્યારે ખટલો ચલાવવામાં આવ્યો ત્યારે એમાં મ્યૂરસોને અપરાધી પુરવાર કરવા માટે માતાના શબ આગળ બેસી ‘તેણે પીધેલી કોફી’નો સ્પષ્ટ સંદર્ભ આપવામાં આવ્યો હતો. રોજિંદા જીવનમાં સાવ સહજ લાગતી ઘટના ક્યારે અને કેવી રીતે underline થઈ જશે, એ કોણ કહી શકે! પણ.... એ નારીરત્ન લગાતાર રોજ એક પોસ્ટ મૂકે છે. મારે મન એ સહજ બાબત છે. એય સહજ છે કે તે તેની દરેક પોસ્ટની સાથે પોતાની તસ્વીર પણ મૂકે છે. વળી એ પણ સામાન્ય જ ગણાય કે દરેક વખતે બની ઠનીને, મેકઅપ કરીને ફોટોજેનિક લાગે એવી રીતે પ્રોફેશનલ તસ્વીર પડાવીને મૂકે છે. બેશક તેણે એવી રીતે જ મૂકવી જોઈએ ને! કોઈ પણ વ્યક્તિએ જાહેરમાં પ્રસ્તુત થતી વખતે પ્રેઝન્ટેબલ તો લાગવું જ જોઈએ ને! જિંદગીમાં ગમે તેટલી મોટી હોનારત થઈ હોય, શો મસ્ટ ગો ઓન! મને માત્ર એક જ બાબત અસહજ લાગી. તેની પેલી પોસ્ટ, જેમાં તેણે લખ્યું હતું, 41 લાખ વ્યૂઝ. એક મિત્રને એ વિશે પૂછતાં તેણે જણાવ્યું હતું કે જેમ જેમ વ્યૂઅર વધતા જાય તેમ તેમ પેજઓનરને વધુને વધુ પૈસા મળતા જાય. સોશિયલ મીડિયામાં અમુક ચોક્કસ રીતે પેજ બનાવી તેની ઉપર લોકોનું ધ્યાન ખેંચાય એવી પોસ્ટ યા રીલ મૂકીને લોકો માતબર પૈસા કમાઈ લઈ શકે છે. સોશિયલ મીડિયા માત્ર મનોરંજન કે ટાઈમ પાસ કરવા માટે જ નથી હોતું. એ રૂપિયા કમાવાનું સાધન પણ છે. એય કોઈ પણ પ્રકારના ઇન્વેસ્ટમેન્ટ કે ખર્ચ વગર. જ્યારે મને સમજ પડી કે મરણાસન્ન સ્વજનના રિબામણની કથા હોય કે કોઈ જડભરતની ‘હૂંફ’ સંદર્ભની વાત હોય, verything is sold in social media. તેથી જ એ નારી પોતાના જીવનની દરેક શુભ-અશુભ, સુખ-દુ:ખની ઘટનાઓને રીયલ લાઈફ તરીકે નહીં રીલ-મટીરીયલ તરીકે જ નિહાળતી, બહેલાવતી અને એને રસિક શૈલીમાં વર્ણવતી. ‘પુષ્પા આઈ હેટ ટીયર્સ’ એ ડાયલોગ તો હવે ઘણો જૂનો - out of date થઈ ગયો ગણાય. આજે તો એ પ્રાગૈતિહાસિક યુગ જેટલો જૂનો લાગે. વિધવા, ત્યકતા, વિધુર કે ઘરભંગ વ્યક્તિ પણ ટીયર્સનું સેલ માંડીને બેઠો છે. કન્ટેન્ટ ક્રીએટર્સને માટે સોશિયલ મીડિયાએ કેટલી મોટી સગવડ કરી આપી છે! મારા મનમાં એક કલ્પનાચિત્ર આવે છે: સોશિયલ મીડિયામાં એક મહિલા એનાં આંસુઓનો દરબાર ભરીને બેઠી છે. દરબારીઓ એક પછી એક આવીને કુરનિશ બજાવી રહ્યા છે. તેના રૂપ-રંગની પ્રશંસાસૂક્તિઓ ગવાઈ રહી છે. સોનાચાંદીનાં નજરાણાં લઈ લઈને દૂરદેશાવરથી એના રૂપના દીવાનાઓ આવી રહ્યા છે. કંઈક છડીદારો વારેવારે છડી પોકારી રહ્યા છે. દીવાનાઓની આંખોમાં તીવ્ર લોલુપતા લબકારા મારી રહી છે. લલનાના દાસદાસીઓ સોનાચાંદીનાં નજરાણાં ભેગા કરી રહ્યાં છે. કોઈ દીવાના જરા જેટલા પણ આ મહિલાની નિકટ આવવા લલચાય, ત્યારે તેને રોકી લેવા માટે એના સુભટ્ટો, દાસ-દાસીઓ, બાઉન્સરો ટાંપીને બેઠેલા છે. મીડિયાદેશની સરેરાશ રૂપાળી નારીનો મૂડ ગમે ત્યારે સ્વિંગ થઈ શકે. કોઈ પણ ફેન કે દરબારીની કોઈ પણ ચેષ્ટા પ્રત્યે આ નારીનો પ્રકોપ વ્યક્ત થઈ શકે. અગર એવું કંઈક પણ થાય, કે એના અનુચરો ગુસ્તાખી કરનાર ગુનેગારની ઉપર એકસામટા તૂટી પડે. એકલતાની વેદના વેઠી રહેલી નારીની આત્મરતિ અને પરપીડન - બંને વૃત્તિઓ સંતોષાતી રહે. બીજી જ ક્ષણે જાણે કશું બન્યું જ ન હોય એમ તેના પેજ પર સ્લીવલેસ બ્લાઉઝ અને શોર્ટ સ્કર્ટમાં એના માંસલ, ગોરા અવયવો પ્રદર્શિત કરતી તસ્વીર આવી જાય છે. સાથે એની લાચારી અને અભાવગ્રસ્ત હાલત વિશે એની કસાયેલી કલમે લખાયેલા લેખ સાથે! બનાવટી હમદર્દી દાખવનારા સેંકડો વ્યૂઅર્સનાં ટોળેટોળાં ઉમટી પડે છે. એમાં આબાલવૃદ્ધ સૌ હોંશે-હોંશે જોડાય છે. ગ્રામીણથી માંડીને શહેરી અને અભણથી માંડીને સાક્ષરવર્ગ સુધીના વાસનાલોલુપ જીવાત્માઓની વણઝાર ચાલ્યા કરે છે.
मैं अकेला ही चला था जानिब-ए-मंजिल मगर,
लोग साथ आते गए और कारवाँ बनता गया।
— मजरूह सुल्तानपुरी
ત્રણેક મહિના પહેલાં મારી વોલ પર મેં રોબર્ટ ફ્રોસ્ટના કાવ્ય ‘Stopping by Woods on a Snowy Evening’ ની પંક્તિઓ મૂકી હતી:
The woods are lovely dark and deep
But I have promises to keep
And miles to go before I sleep
And miles to go before I sleep...
મારી એ પોસ્ટ પર ત્રણ મહિનામાં ત્રણ Likes આવેલી હતી. કોમેન્ટ તો ક્યાંથી હોય? ક્યાંક મેં વાંચેલું વિધાન અચાનક જ મને યાદ આવી ગયું: "જે લખે છે એ વાંચતા નથી. જે વાંચે છે, તે સમજતા નથી અને જે સમજે છે એ લખતા નથી..." એટલામાં એક હળવા અવાજ સાથે મારી વોલ પર એક મેસેજ ઝબકી ગયો: Top Fan badge...Congratulations, you have won the top fan badge from... આ સંદેશો પેલી મેલોડ્રામા ક્વીનની વોલ તરફથી આવ્યો હતો. મને આશ્ચર્ય થયું! મેં તો એ નારીના પેજને ફોલો કર્યું જ નહોતું, તો મને તેનો ટોપ ફેન બેજ કેમ મોકલ્યો હશે? ખૂબ વિચાર કર્યા પછી હું એવા નિષ્કર્ષ પર આવ્યો કે તેની અમુક પોસ્ટ મેં યંત્રવતપણે લાઈક કરી લીધી હશે, તેને અનુલક્ષીને જ મને ટોપ ફેન્સ બેજ પધરાવવામાં આવી રહ્યો હશે! જે હોય તે, આવી તેવી કોઈ પણ સરેરાશ નારીના ફેનની ઓળખ અપનાવતાં પહેલાં હું તો આત્મહત્યા કરવાનું જ ઉચિત માનું. મારા હાથમાં હતું એટલું જોર મેં મારા કી-પેડ પરના delete બટન પર ઠાલવી દીધું. કી-પેડની કી તૂટવા સાથે જ ટોપ ફેનવાળો બેજ અદૃશ્ય થઈ ગયો. મોનિટર પર અંધારપટ છવાઈ ગયો. સ્ક્રીન કાળીધબ્બ થઈ ગઈ. મોનિટરની ડિસ્પ્લે કદાચ ઉડી ગઈ હતી.
= = =
સમ્પાદકીય સમીક્ષાત્મક નોંધ
જાણીતું છે કે સોશ્યલ મીડિયામાં અનેક વ્યક્તિઓ રોજ પોસ્ટ મૂકે છે. એમાં મુખ્યત્વે એમણે પોતાના ફોટોગ્રાફ્સ અને અંગત બનાવો કશા સંકોચ વિના મૂક્યા હોય છે. કુમાર જૈમિનિની આ વાર્તામાં એક એવી જ સ્ત્રીની કહાણી છે. કથક જણાવે છે એમ એ સ્ત્રી સુખ-દુ:ખની ઘટનાઓને ‘રીયલ લાઈફ તરીકે નહીં રીલ-મટીરીયલ તરીકે જ’ નિહાળતી, બહેલાવતી અને એને રસિક શૈલીમાં વર્ણવતી હતી. કથક એમ પણ જણાવે છે કે ‘રોજની એકના હિસાબે આવી તો અસંખ્ય પોસ્ટ’ નજરે ચડે છે. કહે છે, ‘કોની કોની નોંધ લઉં?’ વળી, એમ પણ કહે છે કે ‘એમાંની એકાદી પણ દેખાઈ જાય તો એની ઉપેક્ષા નથી થઈ શકતી’. એને ધીમે ધીમે સમજાયું છે કે એની ‘કોઈપણ પોસ્ટ સહજ, સામાન્ય કે નિર્હેતુક નથી હોતી’ બલકે ‘એમાં કોઈ નિશ્ચિત પેટર્ન છે અને મોટિફ પણ’. કથકે એ પણ જાણી લીધું કે એની પોસ્ટ્સ ‘રૂપિયા કમાવાનું સાધન’ પણ છે. એને કેટલાક પ્રશ્નો પણ થયા છે: ‘આ સ્ત્રી કોને ઉદ્દેશીને આ વાત કરી રહી હશે? તેણે કોની સાથેના સંબંધનું વિશ્લેષણ કર્યું હશે? કે આ કથન કાલ્પનિક સંબંધ/સંબંધોના સંદર્ભમાં કર્યું હશે?’ ટૂંકમાં, પોસ્ટ્સ નિમિત્તે અને પરિણામે, કથક સ્ત્રીની વાતમાં ખાસ્સો ઊંડે ઊતર્યો છે, એમ પણ કહી શકાય કે તટસ્થ રહેવા જતાં ભેરવાયો છે. એટલે, જોઈ શકાશે કે આ રચનામાં એવી પોસ્ટ્સ મૂકનારી એવી સ્ત્રી તો છે જ પણ એને આમ અભ્યાસપૂર્વક જોનારો, વિશ્લેષણ કરનારો પણ છે. એ કારણે, વાર્તા મુખ્યત્વે એ સ્ત્રીની રહી છે પણ ક્રમે ક્રમે કથકની પણ બની ગઈ છે. વાર્તા સોશ્યલ મીડિયા પર દર્શન પ્રદર્શન વડે મજા વ્યથા લાઇક્સ અને પૈસા મેળવવા જેવાં લક્ષણો ધરાવતી સમસામયિક જીવનશૈલીને ઊંડણમાં લે છે એ નવતાની નૉંધ લેવી જોઈએ. એમાં "આઉટસાઈડર"ના નાયકનો ઉલ્લેખ, મજરૂહ સુલતાનપરી, પુષ્પા આઇ હેટ ટીયર્સ, રૉબર્ટ ફ્રોસ્ટનું કાવ્ય અને કથકે પોતાના મનમાં કલ્પેલું મહિલાનું કલ્પનાચિત્ર, વગેરેના ઉમેરણથી રચનામાં સાહિત્યિકતાનો એક રંગ ઉમેરાયો છે. વાચકને એ રંગ ઉચિત ન લાગે પણ કથકને એણે એવો સાહિત્યજ્ઞાની ગણવો રહેશે. સોશ્યલ મીડિયામાં આટલી રસિકતા દાખવ્યા પછી કથકને ‘ટૉપ ફૅન બેજ’ મળ્યો એ સંદર્ભમાં એ કહે છે, ‘જે હોય તે, આવી તેવી કોઈ પણ સરેરાશ નારીના ફેનની ઓળખ અપનાવતાં પહેલાં હું તો આત્મહત્યા કરવાનું જ ઉચિત માનું’, એ કદાચ બરાબર, પણ બેજને સોશ્યલ મીડિયાની સ્વાભાવિકતા ગણીને અપનાવી લીધો હોત તો શું ખોટું થઈ જાત? એટલું તો રમૂજ ખાતર, બાકી રચનાનો અન્ત તો સ્વાભાવિક જ હતો! કથકની ઉક્તિઓનાં કેટલાંક દૃષ્ટાન્તો -- (નિરૂપણમાં વધારે ઉપકારક શબ્દો કે શબ્દગુચ્છોને મેં અવતરણચિહ્નમાં મૂકીને હાઇલાઇટ કર્યા છે). -- લાગણી કોઈ ‘ભૂખ’ થોડી છે કે પહેલાં લાગી હતી અને હવે રહી નથી. -- એ મહિલાએ કોઈ ‘મૂઢમતિ વ્યૂઅર’ સાથે તેના પેજ પર થયેલા સંવાદનો સ્ક્રીનશોટ શેર કર્યો... -- રોજિંદા જીવનમાં સાવ ‘સહજ’ લાગતી ઘટના ક્યારે અને કેવી રીતે ‘underline’ થઈ જશે, એ કોણ કહી શકે! પણ.... -- સોશિયલ મીડિયામાં એક મહિલા એનાં ‘આંસુઓનો દરબાર’ ભરીને બેઠી છે. -- દીવાનાઓની ‘આંખોમાં’ તીવ્ર લોલુપતા ‘લબકારા’ મારી રહી છે. -- એટલામાં એક હળવા અવાજ સાથે મારી વોલ પર એક મેસેજ ઝબકી ગયો
= = =