સિગ્નેચર પોયમ્સ/અલ્લાબેલી – સુન્દરજી બેટાઈ

અલ્લા બેલી!

સુંદરજી બેટાઈ


અલ્લા બેલી, અલ્લા બેલી,
જાવું જરૂર છે,
બંદર છો દૂર છે!
બેલી તારો બેલી તારો,

બેલી તારો તું જ છે,
બંદર છો દૂર છે!
ફંગોળે તોફાની તીખાતા વાયરા,
મૂંઝાયે અંતરના હોયે જે કાયરા;
તારા હૈયામાં જો સાચી સબૂર છે,

છોને એ દૂર છે!



આકાશી નૌકાને વીજ દેતી કાટકા,
તારી નૌકાનેયે દૈતી એ ઝાટકા;
મધદરિયો મસ્તીમાં છોને ચકચૂર છે;

બંદર છો દૂર છે!



આંખોના દીવા બુઝાવે આ રાતડી,
ધડકે ને ધડકે જે છોટેરી છાતડી;
તારી છાતીમાં જુદેરું કો શૂર છે

છોને એ દૂર છે!



અલ્લા બેલી, અલ્લા બેલી,
જાવું જરૂર છે,
બંદર છો દૂર છે!
બેલી તારો બેલી તારો,
બેલી તારો તું જ છે,
બંદર છો દૂર છે!