સિગ્નેચર પોયમ્સ/પાન લીલું જોયું ને – હરીન્દ્ર દવે
Jump to navigation
Jump to search
હરીન્દ્ર દવે
પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં
જાણે મોસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ
એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યાં
ક્યાંક પંખી ટહુક્યું ને તમે યાદ આવ્યાં
જાણે શ્રાવણના આભમાં ઉઘાડ થયો રામ
એક તારો ટમક્યો ને તમે યાદ આવ્યાં
જરા ગાગર છલકી ને તમે યાદ આવ્યાં
જાણે કાંઠા તોડે છે કોઈ મહેરામણ રામ
સહેજ ચાંદની ઝલકી ને તમે યાદ આવ્યાં
કોઈ ઠાલું મલક્યું ને તમે યાદ આવ્યાં
જાણે કાનુડાના મુખમાં બ્રહ્માંડ દીઠું રામ
કોઈ આંખે વળગ્યું ને તમે યાદ આવ્યાં
કોઈ આંગણ અટક્યું ને તમે યાદ આવ્યાં
જાણે પગરવની દુનિયામાં શોર થયો રામ
એક પગલું ઊપડ્યું ને તમે યાદ આવ્યાં