સિગ્નેચર પોયમ્સ/રાધાનું નામ તમે – સુરેશ દલાલ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
રાધાનું નામ તમે...

સુરેશ દલાલ


રાધાનું નામ તમે વાંસળીના સૂર મહીં
વ્હેતું ના મેલો ઘનશ્યામ!
સાંજ ને સવાર નિત નિંદા કરે છે
ઘેલું ઘેલું રે ગોકુળિયું ગામ!

વણ ગૂંથ્યા કેશ અને અણઆંજી આંખડી
કે ખાલી બેડાની કરે વાત;
લોકો કરે છે શાને દિવસ ને રાત
એક મારા મોહનની પંચાત?
વળી વળી નીરખે છે કુંજગલી : પૂછે છે,
કેમ અલી! ક્યાં ગઈ’તી આમ?
રાધાનું નામ તમે વાંસળીના સૂર મહીં
વ્હેતું ના મેલો ઘનશ્યામ!

કોણે મૂક્યું ’લિ તારે અંબોડે ફૂલ?
એની પૂછી પૂછીને લીયે ગંધ;
વહે અંતરની વાત એ તો આખ્યુંની ભૂલ,
જો કે હોઠોની પાંખડીનો બંધ.
મારા મોઢેથી ચહે સાંભળવા સાહેલી,
માધવનું મધમીઠું નામ;
રાધાનું નામ તમે વાંસળીના સૂર મહીં
વ્હેતું ના મેલો ઘનશ્યામ!