સિગ્નેચર પોયમ્સ/—તો આવ્યાં કને – ચન્દ્રકાન્ત શેઠ
Jump to navigation
Jump to search
ચન્દ્રકાન્ત શેઠ
શોધતો હતો ફૂલ ને ફોરમ શોધતી હતી મને,
એકબીજાને શોધતાં ગયાં દૂર, તો આવ્યા કને.
ક્યાંક રે આંબો ટહુક્યો
એની વનમાં મ્હેકી વાત,
કમળ જેવો ખીલતો દિવસ,
પોયણા જેવી રાત.
શોધતો રહ્યો ચાંદ ને રહી ચાંદની શોધી મને,
એકબીજાને શોધતાં ગયાં દૂર, તો આવ્યાં કને.
આંખ મીંચું ત્યાં
જૂઈનું ગાલે અડતું ઝાકળફૂલ,
મનમાં હળુક લ્હેરવા લાગે
વ્યોમથી કિરણ-ઝૂલ.
શોધતો જેની પગલી એનો મારગ શોધે મને,
એકબીજાને શોધતાં ગયાં દૂર, તો આવ્યાં કને.