સુમન શાહની વાર્તાસૃષ્ટિ/ટોમેન (Ptomaine)
ગોલાન હાઇટ્સ પરથી છવ્વીસ ખિસકોલીઓ દડનાં ઢેફાંમાં ઓળઘોળ થઇ એક્કી સાથે ગબડી પડી, જ્વાળામુખ, પછી શાહી જેવા ભૂરા ધુમાડાનો પહાડ બની ગયું, લાલ ઇંટોનું ટાવર છેવટ સુધી ચણાઇ ગયું. એની ટોચના ઘુમ્મટને કડિયા પ્લાસ્ટર કરે છે, એની ટોચની અણી ભૂરા આકાશને કોચી શકતી નથી, પાયો પુરાતો હતો ત્યારે મરી ગયેલા સાપની જીભ ધરાતલમાં પાણીથી ખવાવા લાગી, પાલક પરથી ચઢતા–ઊતરતા મજૂરો દીવાલ પરની કીડીઓની જેમ હરેફરે છે, ટાવરના ઘડિયાળના ચંદાની જગ્યાનો ગોળાકાર હજી ખાલી છે અને એ ગોળમાં પુરાયેલો સમય બિહામણો લાગે છે, બાકી આવી અંધારી બોડમાંથી ગઈકાલે રાતે સિંહ–સિંહણ નીકળ્યાં અને નદી કાંઠે પાણી પીવા ઊતરેલાં, નદીના પુલની નીચે બેઠેલા બળવાખોર સૈનિકોની ગનમાંથી ધડધડ ધડધડ તીખો લાલ પ્રકાશ વછૂટ્યો, પછી ગનની નળીઓના છેડાના ચમકતા વર્તુળમાંનો અન્ધકાર ધૂંધવાઇને વળી પાછો ગોળ ચમકતી રિન્ગ બની ગયો, બળવાખોરોના હોઠ નદીની ઠંડી રાતમાં ક્યારના બીડાઈ ગયા હતા, એમાંની મૅક્સીવાળી છોકરીએ ગન નીચે મૂકી સિગારેટ સળગાવી; એના હોઠના ગોળ અન્ધકારમાં રોપાયેલી સિગારેટ અન્ધકારમાં સફેદ જુદી પડતી, એની સિગારેટની ટોચ લાલ સળગતી, ને એની સુગન્ધથી બળવાખોરો રાતની ઠંડીમાં જરી જરી ઉત્તેજિત થયા, સામે કિનારે સૂતેલા ગામની કિનારો પર લોર્કાનાં કૂતરાં ભસ્યાં, દૂર રણમાં અદશ્ય થઈ ગયેલા લીલા યુનિફૉર્મવાળા દુશ્મનો રેતીની બદામી ભૂમિની પડછે ગઈ સાંજે વધુ લીલા લાગ્યા હતા, ચણિયાનો કાછડો વાળીને એક પ્રૌઢા એની પરસાળ પર લીંપણની ઓકળીઓ ઉપસાવવામાં ગરકાવ હતી, એક ઓકળીમાં છત પરથી તમ્મર ખાઈ ગબડેલી એક કીડી લેપાઈ, બાઈના બારણે આવેલો ભભૂતી બાવો શાપ આપ્યા વિના જ ચાલ્યો ગયો, એની મેડી પર કોડિયું હજી હમણાં જ સળગાવાયું, એના પ્રતિબિમ્બનું માટીની દીવાલના ચાટલામાં બીજું કોડિયું બન્યું, કોડિયાના દીવેલમાં બાઈને પોતાનો નહિ પણ રણે ગયેલા પ્રીતમનો ચ્હૅરો દેખાયો, દૂર લાલ નાગો ઘોડો હણહણતો, વારેવારે એનો પાછલો પગ ઊંચકી પોતાની જ લાદને ગૂંદતો, લાદની વાસ કૉન્સર્ટ – હૉલની બાલ્કની લગી દોડી ગઈ, સિમ્ફનીમાં ખોવાયેલાં તમામ પૂતળાંને ગાંધીજીનું એક જ સફેદ પૂતળું બેવડ વળી વળીને હસે છે, સ્ત્રીના પીળા દાતમાં ભરાયેલું ફૉતરું નીકળતું જ નથી, તે પોતાના નવા audemars piguet કાંડા–ઘડિયાળના ભૂરા ચંદામાં નજર નાંખી ‘ઑહ્!’ બોલી પડે, પછી ક્લબ બ્હાર ધસી જાય, ને તુર્ત જ ટૅક્સી મળી જતાં હવે તો દૂર લાલ ટપકું બની રસ્તો બની ગઈ, પુરુષે કહેલું કે એનું કાંડા-ઘડિયાળ created for individuals ખરું પણ ચંદા ઉપર આંકડા નથી માટે પુરુષો માટેનું છે, ગ્રેટા ગાર્બોના ચ્હૅરામાં પૌરુષની છાયા મિશ્રિત છે તેથી તો તે વધુ સુન્દર લાગે છે ક્હૅનારી એ, હાલ, એના ચોથા પતિ સાથે સનબાથ લઈ રહી છે, રાત્રે નાઇટલૅમ્પના આછા બ્લૂ પ્રકાશમાં એના હોઠ ખુલ્લા છે, ત્યાં અન્ધકારની એક નાની બોડ રચાઈ, ડોક મઝદૂરને એક નાઝી સિપાઇ નળો ઉગામીને મારી નાખવાની અણી પર હતો ત્યાં જ પેલાએ હાથ જોડી કહ્યું, ‘મૈં ઇન્કિલાબી નહીં હું’, ‘સાલ્લા’–નળાના, ખૂણામાં ઊઠેલા રણકારમાં ગૂંચવાઈ ગયું, નાઝી થૂંકીને ચાલ્યો, રાજધાનીમાં સ્વાતંત્ર્ય-સૈનિકોએ શાન્તિકૂચ કાઢી ત્યારે આગળ કોઈની અરથી વ્હૅતી હોય એવો અહસાસ થતો હતો, બાંય વિનાનું બનિયન પ્હૅરેલા જુવાને બારીમાં ઊભાં ઊભાં કૂચને પસાર થતી સાંભળી, એની એકધારી નજર, પછી, એક જોરદાર છીંકમાં વેરાઈ ગઈ છે, અહિંસાના અનુયાયીઓની ધજાઓમાં શરદીનાં જન્તુઓ જગ્યા માટે ઝઘડે છે, અહીં કળીની ટોચ પર પણ અન્ધકારનું એક કેન્દ્ર બન્યું, તેમાં કિરણ પ્રવેશવા મથે છે, ફૂલ ફાટ્યું ત્યારે નદીમાં લાલ લીસોટો પણ વ્હૅતો હતો, ગાડાવાળા ડચકારા બોલાવીને નદીનાં છીછરાં જળમાંથી ગાડાં પાર કરતા, તે એક ગામડિયો નામે ચકલો હીહી કરી હસ્યો, એણે સિંહ-સિંહણની લાશ પહેલીવાર આટલી નજીકથી જોઈ હતી, કૅમ્પમાં બળવાખોરો ‘ધ બોસ્ટન ટી-પાર્ટી’ વિશે ચર્ચા ચલાવતા હતા, એમના મગમાંની કૉફી ફ્રૅન્ચ હતી, ઇન્સ્ટન્ટ ન્હૉતી, રાનીમાના કૉલરની અને બૂટની રુંવાં માટે વપરાયેલું ચામડું શાનું હતું તે કળી શકાયેલું નહિ, લોકો રાજાની ઍફિજી બાળી ચૂક્યા, તેની દુર્ગન્ધથી શ્હૅરની ઇન્ટિમેટ પરફ્યુમમાં કાનસ પર હોય છે તેવા ઝીણા ઝીણા ખાંચા પડ્યા, સામયિકનો તન્ત્રી સાતમા માળે કૅબિનમાં પુરાઈને આગમી અંક માટે ડિક્ષનરીમાં જોઈ જોઈને કશુંક લખતો હતો, એ ડેન્માર્કની સાગાનો અનુવાદ કરતો હતો, લિફ્ટમાંથી તે દિવસે છ ઘેટાં ઊતર્યાં, ને ત્યારે ડિમ્પલ કાપડિયા જેવી છોકરી ચીડાઈ ચીડાઈને ખીજવાઇ, એના ફ્રૉકનો રંગ આછો વાયોલેટ છે, બાકી સન્તનો છાપેલો ચ્હૅરો એના સાચ્ચા ચ્હૅરા જેટલો જ શાન્ત લાગતો હોય છે, ટાંકીમાં ભરાતા પાણીનો ખળકલ ખળકલ અવાજ કવિની કલમમાંની શાહીને કાળીને બદલે ભૂરી અને પછી સફેદ બનાવતો, સફેદ કાગળમાં દોડતા સફેદ અક્ષરોની વણજારને તે ગામમાં જવા દેતા નથી, દરેક પાસે જકાત લેવાય છે, પાસપોર્ટ ને તેમના વિઝા ચૅક કરાય છે, ધર્મશાળાઓમાં, હોટેલોમાં, વેશ્યાઘરોમાં, બજારોના ખાલી ચૉકમાં, સ્કાયસ્ક્રૅપર્સની પડછેના સ્લમ્સની પટ્ટીઓમાં, છઠ્ઠા માળની લીલી લૉનમાં, સફેદ ચાદરમાં, મન્દિરના ઠંડા આરસમાં બધેબધે નિર્વાસિતો છવાઈ ગયા છે, કેટલાક, થીયેટરોમાં સ્ટુડિયોમાં મૂવીમાં મેકઅપ કરવા લાગી ગયા, કેટલાક તો જાણે વરસોથી પરદા ખૅંચનારા હોય તેમ એ દેશના જ લાગે તેવા લાગવા લાગ્યા, બાકી મૅનહટ્ટનમાં વેચાતો કૅમ્બેલ સૂપ કે પ્લેમેટ માલ્ટ લિકર જ્યુબિલી બાગ પાછળની એક સિંધણ પણ વેચે છે, આતંકવાદીઓએ તે રવિવારે દુશ્મનોનાં સાત ફાઇટરો ક્રશ કર્યા, ને યુદ્ધ-વિરામરેખાની અંદર છ માઇલ ઘૂસી ગયા, રાનીમાએ રાષ્ટ્રજોગા વાયુપ્રવચનમાં ગદગદ સ્વરે પ્રજાને હિમ્મત ધારવા કહ્યું, રેડિયોમાં ખૂબ જ ડિસ્ટર્બન્સ ઘૂઘવતું હતું, પાનવાળાની દુકાને જમા થયેલા લોકોએ મૉડી રાતે પાન ખાવા આવતા કપલને જગા કરી આપી, ત્યાં જ સાયરન વાગી, અને બ્લૅક-આઉટની સૂચના પૂરી થતામાં ટપોટપ બધા દીવા બંધ થયા, હજી સવાર નથી પડ્યું, ને લોકો ઘરોમાં સગડી પાસે બેસી યુદ્ધ- તહકૂબીની વાતો કરતા હતા, નેતાની ષષ્ઠીપૂર્તિના અભિનન્દનગ્રન્થનું પાનું કમ્પોઝ કરતી ચણિયાચોળીવાળી છોકરીને જોડાક્ષરનો ટાઇપ ન જડ્યો, એના હાથમાંનો ચીપિયો અદ્ધર છે, ને એના હોઠ પ્હૉળા અર્ધગોળ ખુલ્લા હતા, સોસાયટીના ‘એ’ ટાઇપ ટેનામૅન્ટના દીવાનખાનાનો પરદો વારંવાર નીચેથી ઊંચકાય છે, ને સોફામાં બેઠેલા માણસના ક્રૉસલેગ્ડ્નું સ્ટીલ લાઇફ વારંવાર આંખને ત્રાસ આપે છે, યાસર અરાફતનું નામ સાંભળ્યા પછી એ દેશના અભિનેતાઓએ અને કૉલેજિયનોએ ગોગલ્સ પ્હૅરવાનું છોડી દીધું, ફોન પર લખેલો નમ્બર બારીમાંથી કૂદીને દોડી ગયો, વાવાઝોડામાં ઝૂંપડું પતંગ બનીને ઊડી ગયું, બદલામાં એક સફેદ પતંગિયું ફોન પર બેઠું, ખીણમાં ઊતરેલા બળવાખોરોને કડુચું વાસી પાણી પીવા મળ્યું, ગેરીલાઓને તો ઘોડાનું કાચું માંસ ને પોતાનો જ પેશાબ પીવો પડે —બોલેલી છોકરીએ તે દિવસે મૅક્સી ન્હૉતી પ્હૅરી, એનો અવાજ ધૂજતો હતો, તે પછી વાતાવરણમાં શાન્તિ હતી, પૉન્ગા પણ્ડિતે આયુષ્ય જેટલી જૂની ટાઇની કરચલીઓ હથેળી ઘસીઘસીને સાફ કરી, પ્રિન્સેસ ઑવ પટિયાલાને ‘પૌગંડાવસ્થા’નું વર્ણન સમજાવી રહ્યા બાદ એણે નિરાંતનો દમ લીધો, પણ પ્રિન્સેસનો પ્રતિપ્રશ્નમાં ગૂંચવે તેવો સવાલ ‘વ્હૉટિઝ ‘બિબ્બોક સર’ ઊભો જ હતો, પછી પ્રજાએ અગાશીમાં સૂવાનું પણ છોડી દીધું, પ્રિન્ટિન્ગ પેપરની શૉર્ટેજને પ્હૉંચી વળવા પ્રેમના કે ખબરઅંતરના ફાલતુ પત્રો લખવાનું બંધ કર્યું, ગોકળગાયે બદામી રેતીમાં ઘર કર્યું, યુનિવર્સિટીના જિઓલૉજી ડિપાર્ટમૅન્ટમાંનાં પોસ્ટ ગ્રેજ્યુએટ છોકરા–છોકરી શોધવા લાગ્યાં કે રેતી નદીની હતી કે રણની, રેતીનો એક કણ પૂરો થાય અને બીજો શરૂ થાય તેની વચ્ચે અન્ધકારનો અવકાશ હતો, એમ સમગ્રની ચોપાસ અન્ધકારની ભીંસ હતી, ઘુવડને બગાસું આવે છે, બકરીને તરસ લાગે છે, કેન્દ્રના coalition માટે ગિન્નાઈ જતા જવાહરલાલ લિયાકતઅલીની હાજરીમાં વેવેલના હાથમાં પાંચ મિનિટમાં ત્રણ વાર રાજીનામું પછાડે છે, ગૉડ્સેને આગલી રાતે ભયાનક સ્વપ્ન આવ્યું હતું, એની છાતી પરથી સફેદ હાથીની ગાંડીતૂર વણઝાર ધડબડધડબડ દોડી જઈ ખૂટી જ નહિ, બાકી હાઇસ્કૂલના મેદાનમાં શ્રી દ્વારકાધીશ મંદિરના લાભાર્થે રખાયેલા ‘મેરા ગાંવ મેરા દેશ’ના ફિલ્મ–શોની ચૅરિટીમાં કૉલેજના પ્રિન્સિપાલે રૂપિયા પાંચ આપ્યા, નગરશેઠે એકાવન આપ્યા અને ધારાસભ્યે પાંચસો-એક આપ્યા, ગરીબી હટાવોની ઍસીતૅસી ઍસીતૅસી બોલ્યા કરતો શ્હૅરનો નામીચો ગાંડિયો રાજુ, લૅંઘાભેર, ઉકરડાના ખચ્ચર પર ચડી ગાંધીમાર્ગ પર સરેઆમ ટ્રાફિક જામ કરતો રહ્યો, પોલિસ દંડો હલાવતી હીહી હીહી હસી, રાનીમાએ રાજાની સમાધિ પર તાજાં ગુલાબ ચડાવ્યાં, એક ગુલાબમાં કીડી–કીડો સૂંઢ લડાવી લડાવીને પરસ્પરને ચૂમતાં હતાં, આકાશમાં શુક્ર હજી આથમ્યો ન્હૉતો, રાનીમાની શોલની કિનાર પર કાશ્મીરી ભરત હતું, શેક્સપીઅરના હૅમ્લેટ જેવો એક વિદેશી રાજધાનીના ફૂટપાથ પર મકાઇ ખાતો ફરતો હતો, પણ વાતાવરણની શાન્તિ ઝાઝી ટકી નહિ, પ્રત્યેક મકાનને તાળું વાસી શ્હૅરના લોકો સીમોમાં વગડાઓમાં ડુંગરોમાં વનોમાં ચાલ્યા ગયા છે, ટાવરનાં પગથિયાં પર સૌની ચાવીઓના ઝૂમખાનો ઢગલો થયો, છાપાંવાળો છોકરો ઘડીમાં છાપાં તો ઘડીમાં ઢગલો જુએ છે, પછી ચીસ પાડીને પાદરની દિશામાં દોડ્યો, દુશ્મનોની બટાલિયનો નગરોમાં ઘૂસી ગઈ હતી, લોકો સ્પેનના સિવિલ વૉરની વાતો કરતા હતા, રાજમાર્ગ પર પૅટન ટૅન્કોની હાર ધીમું ધીમું સરે છે, બારીઓનાં બારણાં બંધ છે પણ તિરાડો ખુલ્લી છે, કોઈ ઘરમાં રજનીશજીની ટૅપ વાગે છે, કોઈ ઊંડા ફળિયાની ખડકીમાં ગરુડપુરાણ વંચાયું, મુખિયાજી, પછી, પેશાબ કરી રહ્યા, અને પછેડીનું પોટલું બાંધી ડુંગરાળ કાળા પથ્થરોના પ્રદેશમાંની દેરીમાં કાથીના ખાટલે સૂતા, ભગવાનનાં મુગુટ અને માળા, કર્ણફૂલ બાજુબંધ ને વીંટીઓનાં હીરામોતી છૂટાં પાડ્યાં, તેનાં સોનાચાંદીનાં કાઠાં ડુંગરની કૂઇમાં સંતાડી ચલમનો છેલ્લો દમ ભરતી રબારણ મુખિયાજીના પગ દાબતી હતી, રોજ સવારે રાજહંસ મોતી ચરવા આવતાં ને જાર ચરી ઊડી જતાં, નિક્સનની સેવા કરતી અમેરિકન નર્સે પત્રકારને સમાચાર આપ્યા કે એમણે ત્રણ પિન્ટ લોહી ગુમાવ્યું હતું, પણ અબુધ હતી તે ઉતાવળનું બ્હાનું કાઢી સરકી ગઈ, Peritoneal Space-નું એને ફ્રૅન્ચ આવડતું ન્હૉતું, ને તેથી ફ્રૅન્ચ પત્રકારની ચીડની તેને બીક હતી, એની બીક જેવી સવાર પડી ત્યારે કડિયા ટાવરને સફેદ રંગી ચૂક્યા હતા, ને ટોચે ધ્વજ ફરકાવીને ગવર્નરે ઉદ્ઘાટન કર્યું ત્યારે જ મિનિટ-કાંટાને ખસવા દેવાયેલો, સભાજનોએ અને ખુદ ગવર્નરે પણ પોતાનાં કાંડા–ઘડિયાળ ટાવર સાથે મેળવ્યાં હતાં, મૅટ્રોમાં ઍમજીઍમનું નવું થ્રીલર ચાલે છે, તેમાં વાઇકિન્ગને શમ્મીકપૂર જેવા ચ્હૅરાવાળો માણસ ગ્રીનરૂમમાં શેવ કરે છે, ચે ગુએવારા આઇકમાનની બોચી પર ચિમ્પાન્જીની જઅમ કૂદે છે, એક બુલેટ સન્ન કરતી એના ડાબા બાહુમાં ઊતરી ગઈ, માણસનું લોહી બળવાની વાસથી અકળાયેલી મધમાખ નાક દબાવી ઊડી છે, હીરોઇન સોફામાં સૂતેલા અલસેશિયનની હાંફ પંપાળી પંપાળીને ઓછી કરે છે, પણ કૂતરો એની આંખોમાં આંખો પરોવી લબડતી જીભે હાંફતો રહ્યો, આખું ગામ ચૂંટણી ચૂંટણી કરે છે, લોકશાહી લોકશાહી એમ કરોડો જીભોમાં, એક, ચુસાતા રહૅતા લૉલીપૉપ જેવો શબ્દ હજી નથી ખૂટ્યો, તે દિવસોમાં કિન્ડરગાર્ટનમાં ટીચરે રોજની જેમ અગરબત્તીનો ધૂપ કર્યો, દીવાસળીને એડી નીચે હોલવી, ને તેથી પહેલી બૅન્ચ પરના સ્કૂલીની આંખમાં ચચર્યું, ‘રાજા ઘણું જીવો’-વાળી પ્રેઅર તેણે ચચળતા અવાજે ગાઈ, મોટી ઉમ્મરે તે ચિત્રકાર થયો છે, એના એક ઍબ્સ્ટ્રેક્ટ પેઇન્ટિન્ગની સામે એની રશિયન ગર્લફ્રૅન્ડ ‘ઓવ્હુલ્લતિપૂલ્લઅ’ બોલી પડી, એના ખૂલેલા હોઠનો ગોળ અન્ધકાર ચિત્રકારની કીકીઓમાં પ્રતિબિમ્બિત થયો, કાગડા બોલ્યા, પ્રેસમાં છાપું છપાય છે, લાશોનો આંકડો રોજ મોટા ટાઇપમાં લેવાય એમ જ બનતું રહ્યું, તે દેશમાં જાદુગરો પણ રાષ્ટ્રસેવા કરે છે, સિનેમાના કવિઓ મૉંઘવારીનાં ગીતો રચી રહ્યા છતાં દીવાલ પરની કીડીઓ ન જ ખૂટી, નાકા પરથી પ્રત્યેક પીડબલ્યુને નમ્બર આપવામાં આવ્યા, વાદળી રજીસ્ટરમાં સહી થઈ છે, કેસની ખાતરી કરતા આરબ સન્ત્રીની લીલી દાઢી એના ગુલાબી ગાલ અને ચમકતા કપાળમાં જુદી પડતી હતી, સહી મળ્યા પછી જ ગામમાં પ્રવેશવા દેતો આરબ કૅમ્પમાં જતો રહ્યો છે, ગઈ રાતના પીળા બિછાનામાં પડ્યો છે, જમણા પગ પર ડાબો ચડાવી ડાબે હાથે લમણાં પકડી થાક ઑગાળવા લાગ્યો, એ પડખું ફરી રહ્યો ત્યારે કૅન્ટોન્મૅન્ટ વિસ્તારમાં સ્ટ્રીટલાઇટો જલી ચૂકી’તી, કૅમ્પમાં તે સાંજે બનેલા પુડિન્ગની અને રંધાયેલી ગજનની મિશ્ર વાસ વાતાવરણને હજી ખુશનુમા બનાવે છે, સ્વપ્નનો વિસ્તાર હોય તેવું વિમાનનું એક પૂંછડું સામેના નીચા આકાશમાંથી આરબની આંખમાં વાગે ન વાગે ત્યાં તો, દે દેંગે જાન પ્યારે વતન કી ખાતિર, સરફરોશી કી તમન્ના હૈ —જેવા અવાજોના પડઘા એની હથેળીમાં વ્હૅતા લોહીમાં ધમધમ્યા, પણ પછી બધું ધડૂમપૂસભણ્મ્ ને ભડભડ ભડભડ ભડભડ બળતી લાલ લાલ આગોની ઊંચી ઊંચી હોળીઓ ક્ષિતિજના અન્ધકારને બાળી રહી, બીજા અનેક ધડાકા થયા, ને વિમાન સૂઇઇઇ કરતું ઝૂમ થઈ ગયું છે, તારાઓમાં એનો લીલો દીવો પણ ખોવાઈ ગયો, સવારે કૅન્ટોન્મૅન્ટ અને ગામ આખું એક ધખતો ઉકરડો, ભંગાર, ને રાખવાસની ચિતા જેવું એ કાળું છે, ભાણિયાની વહુને છ દિવસ પછી એની એકેય આંગળી પર ન આવે તેવી, જરા વધારે મોટી, તાંબાની વેઢ મળી, તે પર કિરમજી રંગનું ચમક વિનાનું નંગ હતું, સ્ત્રીની લાશમાંથી ડૉક્ટરે જીવતું બાળક કાઢી લીધું છે, ને આંબાવાડિયાની એક ઊંચી કૅરીમાં ખટાશનું મીઠાશમાં પરિવર્તન ચાલ્યું હતું, લીલી ઇયળ પીળું પાન કોરી રહી ને પાછળ સરકી ગઈ, ત્યાં અન્ધકારનું એક નાનું ગોળ ફૂટ્યું, આખું ચોમાસું વરસાદ વરસ્યો, ને ધૂળધોયાઓની સીઝન મારી ગઈ છે, ગેટવે ઑવ ઇન્ડીઆ પાસે લાલ ખમીસવાળો ચાઇનિઝ છોકરો દહેલિયા અને ગૅલ્ડર રોઝના ગુચ્છા વેચતો રહ્યો, પસાર થનારને સુવાસ આવે છે, પાસે જઈ ખરીદનારને ખબર પડે છે કે છોકરો મૂંગો અને બ્હૅરો બેય છે, ઓબેરૉય શેરેટોનના પ્યાલામાંની ચાનું લિકર પૂરું ભરાયા પછી સામેના દરિયા જેવું આછું ડોલતું રહ્યું, એમાં છેલ્લો સુગર–ક્યૂબ ન ડૂબ્યો, લાલ નાગા ઘોડાને શણગારી પ્રીતમ રણેથી પાછો આવે છે, પુલ તૂટી ગયા પછી નદી આગલા દાંત પડી ગયેલી વૃદ્ધા જેવી લાગે છે, મકાનો ને લોકો વિનાનું ટાવર નિયમિત ટકોરા આપતું હતું, એની ટોચે પ્હૉંચી ગયેલો એક સાપ નીચે ઊતરી શકતો નથી, સાહિત્યશાસ્ત્ર પરથી પ્રિન્સેસ ડાયેટેટિક્સમાં ચણિયો ઊંચો લઈ ઊતરી છે, પોન્ગા પણ્ડિતે ચશ્મો દાંડીથી પકડી પૂછ્યું વિલ્યૂ પ્લીઝ રીફર ધ મિનિન્ગ ઓવ્ ટોમેન, ઇટ સ્ટાર્ટ્સ વીથ પી —પી ટી ઓ ઍમ એ આઇ એન ઇ…? પ્રિન્સેસ વેબસ્ટરની વર્લ્ડ ડિક્ષનરીનાં પાનાં ચપટા ભરી ભરીને ઉથલાવવા માંડી, પણ્ડિતે ચશ્મો નાકે ચડાવ્યો, આંખો ગોળ ખૅંચીને પ્રિન્સેસના શૅમ્પૂ કરેલા ખુલ્લા વાળની પાંથી જોઈ રહ્યો, એના હોઠનો ગોળ અન્ધકાર ખુલ્લો છે, અને તે જ વખતે પ્રિન્સેસ વાંચતી તે અર્થને અને ટાવરના ટકોરાને ગૂંચવી નાખતા જેટફાઇટરની ધડબડતી ઘુરઘુરાટીથી આખો મહેલ ધ્રૂજવા લાગ્યો, પ્રિન્સેસ અને પણ્ડિત બંનેથી ઊંચે જોવાયું છે, બંનેનાં ખુલ્લાં મ્હૉંના બૅ ગોળ અન્ધકાર, ઉપરની વિશાળ છતથી ઘણા નાના હતા, ને પછી ન હતા….
(૧૯૭૫: ‘સમર્પણ’-માં)