સોરઠ, તારાં વહેતાં પાણી/૪૬. એ બહાદુરો ક્યાં છે?

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૪૬. એ બહાદુરો ક્યાં છે?

૧૯૧૮મું વર્ષ: અગિયારમો મહિનો: અગિયારમી તારીખ: અગિયારના આંકડા પર ઘડિયાળના કાંટા ચડ્યા: અને તારનાં દોરડાં ગુંજી ઊઠ્યાં. તોપોના અગિયાર-અગિયાર ધુબાકાએ હવાને ધુણાવી મૂકી. જગતનાં હથિયાર હેઠાં મુકાયાં. તલવારો મ્યાન બની, જીવતા હતા તે જુવાનો પડઘમોના પ્રેમ-સ્વરો જોડે તાલ પાડતાં, પગલાં દેતાં ઘેર ચાલ્યા. મૂઆ હતા તેમનાં માતપિતાઓને ખોળે લશ્કરી ચાંદ અને ચગદાં રમ્યાં. લાખો અનામી લડવૈયાઓનાં નામ પર એક એક ખાંભો ખડો થયો હતો. એવા ખાંભા તે દિવસે ફૂલોના હારો તળે ઢંકાયા. યુદ્ધવિરામનો દિવસ હતો. ગામડે રમાતી નવકૂકરીઓની રમતો તે દિવસે ઊઠી ગઈ. જર્મનીનો પક્ષ તાણનારા અને કૈસરની મૂછો ઉપર મુગ્ધ બનેલા ગામડિયા ડોસાઓ તે દિવસે જાણે કશું જાણતા પણ નથી એવા ગંભીર મોઢે કામગીરીમાં ચડી ગયા; અને નાના ગામડાની નિશાળોના માસ્તરોને આવા આવા જર્મનપક્ષી નવકૂકરી રમનારાઓ વિરુદ્ધ સરકાર પર નનામા કાગળો લખવાનું કામ જડી ગયું. સભાઓ ભરાઈ. સરકારી ઓફિસરો પ્રમુખો બન્યા. વકીલોએ વફાદારીનાં વ્યાખ્યાનો કર્યાં. ગોરા પ્રમુખોએ યુદ્ધમાં જનાર બહાદુર હિંદી જુવાનોની તારીફના હોજ પછી હોજ છૂટા મૂકી દીધા. એવી એક દબદબાદાર સભામાં એજન્ટ સાહેબ પોતે પ્રમુખ હતા. રાજા-મહારાજાઓ પૈકી પણ કેટલાકોની હાજરી હતી, અને હાઈસ્કૂલના હેડ માસ્તરે ગજગજ છાતી ફુલાવી ઉછાળા મારતે મારતે ઘોષણા કરી કે — “આપણા બંકા બહાદુરો, જે પોતાના પ્રાણ આપવા ગયા હતા તેને...” “તેને કોઈને આંહીં હાજર તો કરો; અમારે તેમને જોવા છે.” આવો એક અવાજ સભામાંથી ઊઠ્યો. જે બાજુ દરબાર સાહેબો બેઠા હતા તે બાજુથી ઊઠેલો આ અરધો રમૂજી ને અરધો ગંભીર ઘોષ હતો. બધા ચકળવકળ જોઈ રહ્યા. એજન્ટ સાહેબે થોડો ગભરાટ અનુભવ્યો. હેડ માસ્તરની વાણી-ધારાને જાણે કોઈક ભાડિયો ખાડો ગળી ગયો. કોણે આ પ્રશ્ન પૂછ્યો? પાણીમાં નાનો પથ્થર પડે ને લાખલાખ કૂંડાળાં દોરાય, એમ ‘ક્યાં છે એ બહાદુરો?’નો ધીરો બોલ પડ્યો, ને સભાજનોનાં હૈયાંમાં ચક્રો છવાયાં — ચિંતાનાં, ધાકનાં, દિગ્મૂઢતાનાં. હેડ માસ્તર હાંફળાં-હાંફળા થઈ ઊભા. એજન્ટ સાહેબે દરબારોના વૃંદ તરફ ત્રાંસી આંખ નાખી. દરબારો એ ગોરાની દૃષ્ટિનાં ભાલાં ચુકાવવા પછવાડે જોઈ ગયા. કોઈ છછુંદર ત્યાં જાણે ફરતી હોય તેવો ગુસપુસ અવાજ એક મોંએથી બીજે મોંએ પેઠો: ‘કોણે પૂછ્યું?’ “એ તો હું પૂછું છું.” કહેતા એક દરબાર પછવાડેની ખુરસી પરથી ઊઠ્યા. એ સુરેન્દ્રદેવજી હતા. એમનો વેશ આગળ હતો તે કરતાં વધુ વિચિત્ર બન્યો હતો. એ વેશના ઘાટઘૂટ કાઠિયાવાડી ખેડૂતને મળતા આવતા હતા. કપડાંનું કાપડ પાણકોરું હતું — જાડું પણ ધોઈને ફૂલ જેવું કરેલું પાણકોરું હતું. વહાણને જેમ શઢ ચગાવે છે તેમ ખેડુના દેહને ચગાવનાર પવન-ફૂલતા ઘેરદાર કેડિયાને બદલે સુરેન્દ્રદેવજીએ લાંબો ડગલો પહેર્યો હતો. “હું સાહેબ બહાદુરને વિનંતી કરું છું—” એમણે એજન્ટ સાહેબ તરફ મલકાતે મોંએ જોતાંજોતાં ચલાવ્યું: “કે—કે—કે—” આંહીં સુરેન્દ્રદેવજીનો અવાજ, બેશક, જરા થોથરાયો. એક પલ એના હાથપગ પાણીપાણી થયા. એજન્ટ સાહેબની આંખો કરતાં પણ બીજી બે આંખો એની છાતીને જાણે કે પરોવી લેવા ધસતી હતી. એ આંખોને એણે ઓળખી લીધી. ને સુરેન્દ્રદેવજીએ એ આંખોની જ તલવાર-ધારનો ટેકો લીધો. એણે વાક્ય પૂરું કર્યું: “—કે સરકાર બહાદુર પ્રત્યેની ભક્તિ કરનાર એ સોરઠિયા દેશવીરોનાં અમને સહુને દર્શન કરાવો, જેથી અમો આંહીં બેઠેલા સહુ પાવન થઈએ.” ‘થઈએ’ શબ્દનો એ ઉચ્ચાર વીંછીને પૂંછડે વળેલા કાંટા જેવો કારમો હતો. સોરઠનાં રજવાડાંને જે વખતે મૂછના આંકડા સિવાય બીજો કોઈ મરોડ રહ્યો નહોતો, ત્યારે સોરઠનાં આઠ-દસ ગામડાં ખાતો આ ગામધણી અવળવાણીનો એક્કો લાગ્યો સર્વને. તમામ દરબારોનાં મોં પર માંખો બેસી ગઈ, કેમકે એજન્ટ સાહેબ પોતે જ પ્રમુખની ખુરસી પરથી ખડા થયા, પણ જાણે કશો જ ઉત્પાત ત્યાં બન્યો નથી, સુરેન્દ્રદેવજીનો પ્રલાપ કેમ જાણે કોઈ પાગલના મોંમાંથી નીકળ્યો હોય, એવી શાંત લાપરવાઈ ધારણ કરીને એજન્ટે સભાને સમેટવાના બોલ ઉચ્ચાર્યા. એ બોલવા દરમિયાન એણે એક પણ વાર સુરેન્દ્રદેવજી બેઠા હતા તે બાજુએ નજર સરખીય ન નાખી. એણે વારંવાર પોતાની તારીફની ફૂલઝડીઓ પોતાની ડાબી બાજુએ બેઠેલા એક ગોરા પર વરસાવી. એણે કહ્યું કે ‘સામ્રાજ્યની સેવા કરનારા બહાદુર રાજભક્તોનો મોટામાં મોટો ફાળો તો વિક્રમપુર રાજને નામે ચડે છે, કે જે રાજ્યનું ભાગ્યવિધાન મારા આ બાહોશ સાથીના સલામત હાથોમાં સુપરત થયું છે’ વગેરે વગેરે. એ ઉચ્ચારો નીકળતા હતા તે જ વખતે વિક્રમપુરના એ ગોરા ભાગ્યવિધાતાની આંખોનાં અગ્નિચક્ર સુરેન્દ્રદેવની આંખો જોડે અફળાતાં હતાં. એજન્ટ સાહેબની તારીફમાં વિક્રમપુરના હાકેમને રસ નહોતો રહ્યો. એ રસમાં માખી પડી હતી — સુરેન્દ્રદેવજીના પેલા પ્રશ્નની: ક્યાં છે એ બહાદુરો? પ્રમુખના મોંમાં હજુ તો ‘સામ્રાજ્યનાં સર્વ એકસરખાં બાળકો’ એવો સખુન રમતો હતો, એ શબ્દો પર વકીલોના ‘હીઅર હીઅર’ ઘોષ ગાજતા હતા, તાળીઓના તો હવે આંતરા જ નહોતા રહ્યા તે વખતે સભાજનોને લાગ્યું કે બહાર ચોગાનમાં કશીક ધડાપીટનો મામલો મચ્યો છે. રીડિયા અસ્પષ્ટ હતા, તે ઘડી પછી સ્પષ્ટ બન્યા. ચાબુકોના ફડાકા સંભળાયા, ને વિચાર કરવાનોય સમય રહે તે પહેલાં તો ચોગાનમાં પગથિયાં પરથી ચસકા પડ્યા કે “ગરીબ પરવર, અમારે માથે ચાબુકો પડે! અમારું સાંભળનાર કોઈ છે કે નહિ? સરકાર જીવતી છે કે મરી ગઈ છે?”