સોરઠી બહારવટીયા - 2/૨૦

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૨૦

ઇતિહાસમાં સ્થાન [સૌરાષ્ટ્ર વિષેનાં ઐતિહાસિક પુસ્તકો પૈકી ફક્ત આ બેમાં આટલો જ ઉલ્લેખ છે. અને તેટલાની પણ પ્રામાણિકતા અચોક્કસ છે. કેમકે એણે ભાવનગર રાજ્યના જ એક અહેવાલનો આધાર લીધો છે.] કેપ્ટન બેલનું કથન ['History of kathiawar' નામના પૂસ્તકમાંથી] પાનું ૧૬૮: “હવે વખતસિંહજીનું ધ્યાન કુંડલાના મામલા તરફ ખેંચાયુ. એ મહાલ આલા ખુમાણ નામના કાઠીના હાથમાં હતો. આલાને છ દીકરા હતા: ભોજ, મુળુ, હાદો, લૂણો, સૂરો, ને વીરો: ઈ. સ. ૧૭૮૪માં આલો ખુમાણ મરી ગયો ત્યારે ગરાસની વહેંચણીમાં છ યે ભાઈઓને ટંટો થયો. એમાંના ભેાજ ખુમાણને એમ લાગ્યું કે ખાસ કરીને વહેંચણીમાં એને જ નુકશાની ગઈ, તેથી તેણે વખતસંગજીની પાસે જઈને અમૂક હક્કો રાખીને પોતાના ભાગનો બધો ગરાસ સોંપી દીધો. સોંપીને એ કુંડલે પાછા આવ્યા ત્યારે આવું આચરણ કર્યાને કારણે પોતાના બધા ભાઈઓ પોતાને મારી નાખવા તૈયાર દીઠા. ભોજ ખુમાણે મદદ માટે ભાવનગરની પાસે માગણી કરી. અને વખતસિંહજીએ કુંડલા શહેરનો કબજો લેવા અને ભોજ ખુમાણના હિતને રક્ષવા સારૂ ફોજ મેાકલી. પણ બાકીના પાંચ ભાઈઓ સામા થયા, ને ફોજને પાછી હાંકી મૂકી. આ સ્થિતિમાં બે ભાઈઓ જુનાગઢ ગયા, અને ભોજ ખુમાણે જે લાલચ વખતસિંહજી ગોહિલને આપેલી તેજ લાલચો નવાબ હામદખાનને આપી, પોતાના ભાઇ મૂળુ ખુમાણ સામે સહાય માગી. નવાબે પણ કુંડલા ફોજ મેાકલી, અને એને પણ મૂળુ ખુમાણે હાંકી મૂકી. હવે જુનાગઢ તો અમરજીના મૃત્યુ પછી અંધાધુંધીમાં પડ્યું હતું. તેથી નવાબને ફરી વાર હલ્લો કરવાના સંજોગો નહોતા, તેથી ઈ. સ. ૧૭૯૦માં વખતસિંહજીને લાગ્યું કે કુંડલા માથે મોટી ફોજ લઈ જઈ, ત્યાં પેાતાની આણ સ્થાપવાની તક છે. ભોજ સિવાયના બીજા તમામ ભાઈઓએ એનો સામનો કરવાનું નક્કી કર્યું અને બે દિવસની ઉગ્ર લડાઈ પછી કાઠીઓએ રાતને વખતે સામો હલ્લો કર્યો. પરંતુ વખતસિંહજીને આ વાતની જાણ થઈ ગઈ હતી, તેથી તેણે કાઠીઓને પાછા હાંક્યા, ને બીજી બાજુ તેઓને પાછા કુંડલે પહોંચતા અટકાવવા માટે એક સૈન્ય મોકલ્યું. આ યુદ્ધકૌશલના પરિણામે કાઠીઓ નોખનોખી દિશામાં નાસી છૂટ્યા. અને વખતસિંહજી કુંડલામાં દાખલ થયા. થોડા દિવસમાં જ કાઠીઓ મીતીઆળે ભેળા થયા. ત્યાં જુનાગઢની નાની ફોજ પણ તેઓની મદદે પહોંચી, પરંતુ કુંડલા હાથ કરવા માટે આ એકત્રિત સેના પણ પૂરતી નહોતી. અને બીજી બાજુ વખતસિંહજીએ કાઠીઓની આનાકાની પારખીને પોતે જ સામાં પગલાં ભર્યાં. મીતીઆળા પર કૂચ કરી, અને ત્યાં પણ કુંડલાની માફક જ ફતેહ મેળવી. કુંડલા અને લીલીઆ આ બન્ને કબ્જે કર્યાં.

  • * *

પાનું ૧૯૯ : ઈ. સ. ૧૮૧૬માં વખતસિંહજીનું મૃત્યુ થતાં કાઠીઓએ પોતાને માટે કાળ ગયો માન્યો. અને ૧૮૨૦માં કુંડલાના ખુમાણ કાઠીઓએ હાદા ખુમાણની સરદારી નીચે બાબરીઆધાર અને બારબટાણા ગામ બાળ્યાં, અને મીતીઆળા તથા નેસડી લુટાયાં. આ સાંભળીને કુંડલા મુકામના ભાવનગરી ફોજના સરદારે અમરેલી તથા લાઠીની ફોજની મદદથી કાઠી પર ચડાઈ કરી. પરંતુ કાઠીઓ છટકીને ગીરનાં આશ્રયસ્થાનોમાં ચાલ્યા ગયા. એમાંથી હાદા ખુમાણનો દીકરો ગેલો ખુમાણ પાછળ રહી ગયો, એણે આંબા ગામમાં આશ્રય લીધો, અને ત્યાં લાઠીની ફોજ સાથે યુદ્ધ થતાં એ ગોળીથી ઠાર થયો. પાનું ૧૯૯ : દીકરા ગેલાના મોતની વાત સાંભળી હાદા ખુમાણે કુંડલા તાબાના વંડા ગામ પર હુમલાની ગોઠવણ કરી. ૧૮૨૧માં વંડા ભાંગ્યું, પણ લુંટનો માલ લઈને ગીર તરફ નાસતાં ડેડાણ પાસે તેઓને કુંડલાવાળી કાળા ભાટીની ફોજ આંબી ગઈ. કાઠીઓ હાર્યા, લુંટનો માલ મૂકીને નાસ્યા. નાસતાં નાસતાં જોગીદાસ ખુમાણનો દીકરો માણસૂર ખુમાણ ગોળી ખાઈને પડ્યો, અને એનો ભાઈ લાખો ઘવાયો. આવી જાતના પરાજય અને નુકશાનોથી રોષે ભરાયેલા બહારવટીયા ફરી પાછા વધુને વધુ હઠીલાઈથી તેમજ ઝનૂનથી આવીને કુંડલા પ્રદેશમાં લુંટફાટ કરવા લાગ્યા. એથી દેશમાં એટલી બધી તો મુસીબત વધી કે ઈ. સ. ૧૮૨૨માં કેપ્ટન બાર્નવેલ નામનો પોલીટીકલ એજન્ટ એક સૈન્ય લઈને અમરેલી ગયો, અને વજેસંગજી ગોહિલને તથા બીજા તમામ પાડોસી રાજાઓને મળવા તેડાવ્યા. બહારવટીઆનો નાશ કરવા માટે તેઓનો સહકાર માગ્યો, અને સુલેહ જાળવવામાં તથા ગુન્હેગારોને સજા કરવામાં તેઓને પોતે બનતી સહાય આપવા વચન દીધું. આ પરથી વજેસંગજી ઠાકોર આ આક્રમણકારીઓને ઘેરી લેવાની પેરવી કરવા માટે કુંડલા ગયા, ત્યાં એને માલુમ પડ્યું કે ખુમાણોને તો જેતપુર ચીતળના વાળા કાઠીઓ ચડાવે છે અને મદદ કરે છે. એણે આ વાત કૅ. બાર્નવેલને લખી. એણે વાળા સરદારોને બોલાવ્યા તેઓએ આ વાતનો ઇન્કાર કર્યો. છતાં તેઓના જામીન લેવાયા. આટલું થયું ત્યાં તો ખુમાણોએ ભાવનગરનું જૂનવદર ગામ ભાંગ્યું, અને ઘણાં ઢોર ઉપાડી ગયા. તેઓનો પીછો લેવાયો. જેતપુર કાઠીનાં ઘૂઘરાળા અને વાલરડી ગામોમાં તેઓ સંતાયા હોવાનું માલુમ પડ્યું. વજેસંગજીને ખબર પહોંચ્યા, અને એણે કુંડલાથી મોટી ફોજ મોકલી. રાતોરાત ૩૬ માઈલ ચાલીને ફોજ પ્રભાતે ઓચીંતી વાલરડી આવી, અને જોગીદાસના બે દીકરા હરસુર તથા ગોલણને તેમ જ દીકરી કમરી બાઈને કબ્જે કર્યા. પછી તુરત ફોજ ઘૂઘરાળે ગઈ પણ મોડું થઈ ગયું હતું. હાદા ખુમાણ સિવાયના બીજા તમામ ભાગી ગયા. હાદા ખુમાણે તાબે થવા ના પાડી. એથી એને મારી નાખી એનું માથુ વજેસંગજીને મોકલી દેવામાં આવ્યું. એણે કૅ. બાર્નવેલને ખબર આપ્યા. જેતપુર કાઠીઓની આ બહારવટાંમાં સામેલગીરી હોવાની સાબીતીઓનો હવે કાંઈ અભાવ નહોતો. તેઓને તેડાવીને કૅ. બાર્નવેલે કેદમાં નાખ્યા. પછી એવી શરતે છોડ્યા કે તેઓએ બાકી રહેલા ખુમાણ બહારવટીયાઓને પકડીને વજેસંગજીને સોંપવા.

  • * *

તેઓએ બહારવટીયાનો પીછો લઈ જોગીદાસ તથા તેના છ સગાએ કે જેo એ બહારવટામાં સરદારો (ring leaders) હતા તેઓને પકડ્યા. કૅ. બાર્નવેલે એ બધાને કેદમાં નાખ્યા. એમાંથી બે જણા કેદમાંજ મરી ગયા. બાકીના બધાને, જસદણના ચેલો ખાચર, ભડલી ભાણ ખાચર, બગસરા હરસુરવાળા, ડેડાણનો દંતો કોટિલો વગેરે કાઠી રાજાઓ કે જેને બાર્નવેલે જેતપુરના હામી તરીકે અટકાવેલા તે સહુના હાથમાં સોંપવામાં આવ્યા. તેઓ આ બહારવટીયાઓને ૧૮૨૪માં ભાવનગર લઈ ગયા. વજેસંગજી સાથે વિષ્ટિ ચાલી. પણ કાંઈ સમાધાની ન થવાથી આ હામીઓ ખુમાણોને લઈ પાછા પોતપોતાને ગામ ચાલ્યા ગયા. ૨૦૧ : વજેસંગજીના મનની આવી ડામાડોળને પરિણામે ફરીવાર વર્ષને અંતે ખુમાણો બહારવટે નીકળ્યા, અને ભાવનગરનું ગામ જેસર ભાંગ્યું. મહુવા ને કુંડલાની સરબંધી આ ખુનીઓની પાછળ છેક મીતીઆળા સુધી પહોંચી, ને ત્યાં ચાંપો ખુમાણ કામ આવ્યો. બાકીના બધા ગિરમાં નાસી ગયા અને ભાવગરની ફોજને પાછા વળવું પડ્યું. ૨૦૫ : જોગીદાસ ખુમાણે હવે ભાવનગર શહેરનેજ લુંટવાનો નિરધાર કર્યો. પાલીતાણા જઈને એણે જુનાગઢ તથા ભાવનગર રાજના બહારવટીયાઓની ફોજ તૈયાર કરી. તેમાં હાલરીયાના ઓઘડ માત્રો પણ હતા. પાલીતાણા દરબાર કાંધાજીએ પણ માણસો તેમજ સાધનોની મોટી મદદ કરી. પૂરતી ફોજ લઈને જોગીદાસે નાગધણીબા ગામ પર પડી ગામ બાળ્યું. પણ પછી ભાવનગર લુંટવાનો ઈરાદો છોડી દઈને પાછા વળ્યા ને માર્ગે આવ્યાં તે બધાં ગામને લુંટતો તથા મોલાતનો નાશ કરતો ગયો. વજેસંગજીએ કાઠીઓનો રસ્તો રૂંધવા એક ફોજ પાલીતાણે મેાકલી, પેાતે ચારસો માણસોની ફોજ લઇ લુંટારાઓની પાછળ ચડ્યા, અને શેત્રુંજી કાંઠે ટીમાણીઆ ગામ પાસે આંબ્યા. આંહી એક સામસામુ યુદ્ધ મંડાયું જેમાં કાઠીઓ હાર્યા, પણ પેાતાની નિત્યની યુક્તિ મુજબ તેઓ વિખરાઈને ગીરમાં, બીજી લુંટની તૈયારી કરવા ચાલ્યા ગયા. ગીરમાં જોગીદાસ આળસુ બનીને ન પડ્યો રહ્યો. થોડા જ મહિના પછી એ ફોજ લઈને નીકળ્યો અને હળીઆદ ઉપર ચડ્યો. ફરી પાછી શિહોરથી ફોજ મેાકલવામાં આવી પણ એ જોગીદાસને ન પકડી શકી. સમઢીયાળા પાસે તો ભાવનગરની ફોજ આંબી ગઈ, છતાં લુંટનો માલ રોકવા જેટલી પણ એ ફોજ ફાવી નહિ. ૧૮૨૭ : ખુમાણોએ ફરીવાર ભાવનગરના પ્રદેશ પર હુમલા કર્યા. દિહોર લૂંટ્યું. ત્યાં રહેતા થાણાને હરાવ્યું. પણ તે પછી ટાણાથી મોકલાએલી ફોજને હાથે તેઓએ હાર ખાધી. ટાણાની ફોજે તેઓને પાલીતાણા સુધી તગડ્યા. ઉપરાઉપરી થતા આવા હુમલાઓએ વજેસંગજીને બહુ થકવી દીધા. સાચા જીગરથી એને સુલેહ કરવાની ઈચ્છા થઈ. એટલે એણે કાઠીઓ પાસે કહેણ મોકલાવ્યું કે “જો તમે ભાવનગર આવો તો ફરીવાર સુલેહની વાટાઘાટ કરવા હું તૈયાર છું.” કાઠીઓ કબૂલ થયા. એક વરસ સુધી વાટાઘાટ ચાલ્યા પછી ૧૮૨૯માં કરારો નક્કી થયા. તેમાં કાઠીઓએ નેસડી, છરા, વીજપડી, ભીમોદરા, મીતીઆળાનો અમૂક હિસ્સો, પોતે રાજ્યને નુકશાન કરેલું તેમાં બદલા તરીકે રાજ્યને આપવાનું કબૂલ કર્યું. આ કરારો મુંબાઈ સરકારને પેાલી. એજન્ટ મી. બ્લેર્ને મોકલ્યા. અને તે મંજૂર થયા. કીનકેઇડનું કથન “Outlaws of Kathiawar” પ્રકરણ ૨ : પાનું ૧૫ “કાઠીઆવાડના બહારવટીયાના મેં ત્રણ વિભાગ પાડ્યા છે : એક ગીરાસીઆ બહારવટીયા, બીજા વાઘેરો, ને ત્રીજા મીયાણા : પહેલાં વિભાગમાં ઘણાં જાણીતાં નામો ગણાય છે, કે જેમાં એક નાજાવાળો (એ નાજાવાળાને એક દુહામાં, વરસાદની ગર્જના સાંભળી પેાતાનો કોઈ હરીફ ગર્જતો માની માથાં પછાડી મરનાર સાદુળા સિંહની સાથે સરખાવવામાં આવ્યો છે અને બીજો આંબરડીનો જોગો ખુમાણ પણ બોલાય છે. આ જોગો ખુમાણ, ખરી રીતે તો બહારવટીયો નહિ પણ બળવાખોર કાઠીઓની ટોળીનો સરદાર હતો. પરંતુ જોગો ખુમાણ તો મને મારા સંશોધનની અંદર મળેલા એક ઉત્કૃષ્ટ દુહા માયલો વીર હતો: ધ્રુવ ચળે મેરૂ ડગે, *[૧]મહીપત મલે માન જોગો કીં જાતી કરે, ક્ષત્રીવટ ખુમાણુ The Stars may fall from heaven's dome,

  • The pride of thrones depart :

Yet valour still will make her home In Joga Khuman's heart.

  • 'મહદધ મેલે માન જોઈએ' મહદધ : સમુદ્ર