સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં/‘થર-બાબીડી થઈ ફરાં!’

From Ekatra Wiki
Jump to navigation Jump to search


‘થર-બાબીડી થઈ ફરાં!’

એ તો શબની દશા : પણ પ્રેમને વીસરનારના આત્માની કેવી વલે કલ્પાઈ!

જો વિસારું વલહા!
રુદિયામાંથી રૂપ.
(તો) લગે ઓતરજી લૂક,
થર-બાબીડી થઈ ફરાં.

ઓ મારા વહાલા દોસ્ત! મારા હૃદયમાંથી એ હું તારું રૂપ ભૂલું, તો તો મૃત્યુ પછી મારો આત્મા બાબીડા પક્ષીની માદા બાબીડીનો અવતાર પામીને ઝૂર્યા કરજો. ક્યાં? કોઈ કુંજઘટામાં? આંબાવાડિયામાં? નહીં, નહીં, થરપારકરના રણની અંદર ઝૂરતી બાબીડી. એ સળગતી મરુભોમમાં હું બાબીડી પંખણી સરજાઉં, ને ઉત્તર દિશાની આગઝરતી લૂ વચ્ચે હું વલવલ્યા કરું — એવી મારી દુર્ગતિ થજો!