સૌરાષ્ટ્રની રસધાર ભાગ-1/વલીમામદ આરબ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
વલીમામદ આરબ


“જમાદાર સા’બ, ચલો રોટી ખાવા.”
“નહિ, હમ ખાયા.”
“ચલો ચલો, જે બટકું ભાવે તે, મેરા ગળાથ [સોગંદ].”
“નહિ નહિ, હમ અબી ખાયા.”

ત્રણ ગામના ત્રિભેટે, આછે પાણીએ ઝૂલતી એક નાની વાવ હતી. એ વાવને માથે માના ખોળા જેવી ઘટા પાથરીને એક જૂનો વડલો ઊભો હતો. એક દિવસ ઉનાળાને બપોરે એ હરિયાળા દેવઝાડની છાંયડીમાં, વાવને ઓટે બે જણા બેઠા હતા : એક આરબ ને બીજો વાણિયો. ભાથાનો ડબરો ઉઘાડી ટીમણ કરવા બેઠેલો ડાહ્યો વાણિયો એ આરબને ઢેબરાં ખાવા સોગંદ દઈ-દઈને બોલાવે છે. તેનું એક કારણ છે. એક તો કાંટિયા વર્ણથી સદાય ડરીને ચાલનાર ગામડિયો વેપારી એને ખવરાવી-પિવરાવી કે સોપારીનો ઝીણો ભૂકો આપી દોસ્તી બાંધી લ્યે; અને બીજું, આજે આ શેઠ લાઠી ગામે પોતાના દીકરાની વહુને દાગીના ચડાવવા ગયેલા, ત્યાંથી વેવાઈની સાથે કાંઈક તકરાર થવાથી ઘરેણાંનો ડબો ભેળો લઈને પાછા વળેલા છે. તેથી માર્ગે આવા હથિયારબંધ સંગાથીનો ઓથ જરૂરનો હતો. એટલે જ વાણિયે સોગંદ આપી આપીને આખરે ચાઊસને બે ઢેબરાં ખવરાવ્યે જ છૂટકો કર્યો. રોંઢો ઢળવા લાગ્યો એટલે આરબે એક ખંભે હમાચો નાખીને બીજે ખંભે લાંબી નાળવાળી બંદૂક લટકાવી. કમ્મરના જમૈયા સરખા કરીને કસીકસીને ભેટ બાંધી. દંતિયે દાઢી ઓળીને આરબ નીચે ઊતર્યો. વાણિયાએ પણ ઘોડી ઉપર ખલતો નાખીને તંગ તાણ્યો. આરબે સવાલ કર્યો : “કાં સેઠ, ક્યાં જાવું છે?” “ખોપાળા સુધી.” “મારો પણ એ જ મારગ છે. ચાલો.” ચાઊસ અમરેલીની નોકરીમાંથી કમી થઈને વડોદરે રોટીની ગોતણ કરવા જાતો હતો. બેય જણા ચાલતા થયા. તે વખતે આરબને ઓસાણ આવવાથી એણે પૂછ્યું : “સેઠ, કાંઈ જોખમ તો પાસે નથી ને?” “ના રે બાપુ! અમે તે જોખમ રાખીએ! પંડેપડ જ છું.” આરબે ફરી કહ્યું : “સેઠ, છુપાવશો નહિ. હોય તો મારા હાથમાં સોંપી દેજો, નીકર જાન ગુમાવશો.” “તમારે ગળે હાથ, જમાદાર, કાંઈ નથી.” શેઠના ખડિયામાં ડાબલો હતો. ને ડાબલામાં બે-ત્રણ હજાર રૂપિયાનું ઘરેણું હતું. બન્ને આગળ ચાલ્યા. આંકડિયા અને દેરડી વચ્ચેના લાંબા ગાળામાં આવે ત્યાં તો ગીગો શિયાળ નામનો એક નામીચો કોળી પોતાના બાર જુવાનોને લઈને ઓડા બાંધી ઊભેલો છે. આ જમદૂતોને દૂરથી આવતા જોતાં જ શેઠના રામ રમી ગયા; એનો સાદ ફાટી ગયો. એનાથી બોલી જવાયું : “મારી નાખ્યા, ચાઊસ! હવે શું કરશું?” “કેમ? આપણી પાસે સું છે, તે લૂંટસે?” “ચાઊસ, મારી પાસે પાંચ હજારના દાગીના છે.” “હ — ઠ્ઠ બનિયા! ખોટું બોલ્યો હતો કે! લાવ હવે. ડબો કાઢીને જલદી મને આપી દે, નહિ તો આ કોળીઓ તારો જાન લેશે.” વાણિયાએ ડબરો કાઢીને આરબના હાથમાં દીધો. આ બન્યું તે સામે આવનાર કોળીઓએ નજરોનજર જોયું. અને છેટેથી બૂમ પાડી : “ઓ ચાઊસ, રહેવા દે રહેવા, નહિ તો તું નવાણિયો કુટાઈ ગયો જાણજે.” “સેઠ!” ચાઊસે વાણિયાને કહ્યું : “હવે તું તારે ઘોડી હાંકી મૂક. જા, તારી જિંદગી બચાવ; મને એકને મરવા દે.” વાણિયે ઘોડી હાંકી મૂકી. એને કોળીઓએ ન રોક્યો. એ તો આરબને જ ઘેરી વળ્યા અને હાકલ કરી: “એલા ચાઊસ, હાથે કરીને મરવા માટે ડબરો લીધો કે?” ચાઊસ કહે : “હમ ઉસકા અનાજ ખાયા.” “અરે, અનાજ હમણાં નીકળી જશે. ઝટ ડબરો છોડ!” “નહિ, ઉસકા અનાજ ખાયા.” “અરે ચાઊસ, ઘેર છોકરાં વાટ્ય જોઈ રે’શે.” “નહિ, ઉસકા અનાજ ખાયા.” ચાઊસે બીજું એક વેણ પણ ન કહ્યું. એને તો બસ એક જ ધૂન હતી કે ‘ઉસકા અનાજ ખાયા.’ કોળીઓએ ચાઊસનો પીછો લીધો, પણ ચાઊસની નજીક જવાની કોઈની હિંમત ન ચાલી, કારણ કે ચાઊસના હાથમાં દારૂગોળો ભરેલી બંદૂક હતી. કોળીઓને ખબર હતી કે આરબની બંદૂક જો છૂટે, તો કદી ખાલી ન જાય. હમાચામાં દાગીનાનો ડબરો છે, હાથમાં બંદૂક છે, અને આરબ ઝપાટાભેર રસ્તો કાપતો જાય છે. આઘે આઘે કોળીઓ ચાલ્યા આવે છે; જરા નજીક આવીને કામઠાં ખેંચીને તીરનો વરસાદ વરસાવે છે; આરબ એ ખૂંતેલા તીરને પોતાના શરીરમાંથી ખેંચી, ભાંગી, ફેંકી દેતો જાય છે, કોળીઓને બંદૂકની કાળી નાળ બતાવી ડરાવતો જાય છે. એટલે ડરીને કોળીઓ દૂર રહી જાય છે. અને આરબ રસ્તો કાપતો જાય છે. પણ આરબ શા માટે બંદૂકનો બાર કરતો નથી? કારણ કે એ ભરેલી દારૂગોળી સિવાય, બીજી વખત ભડાકો કરવાનું એની પાસે કાંઈ સાધન નથી. માટે જ ફક્ત ડરાવીને એ પોતાનો બચાવ કરી રહ્યો છે. ત્યાં તો આંકડિયા ગામની લગોલગ આવી પહોંચ્યા. કોળીઓએ જાણ્યું કે આરબ જોતજોતામાં ગામની અંદર પેસી જશે. ગીગા શિયાળનો જુવાન ભાણેજ બોલી ઊઠ્યો : “અરે શરમ છે! બાર-બાર જણાની વચ્ચેથી આરબ ડબરો લઈને જાશે? ભૂંડા લાગશો! બાયડિયુંને મોઢાં શું બતાવશો?” આ વેણ સાંભળતાં તો કોળીઓ આરબ પર ધસ્યા. આરબે ગોળી છોડી. ગીગાના ભાણેજની ખોપરી વીંધી, લોહીમાં નાહી-ધોઈને સનસનાટ કરતી ગોળી ચાલી ગઈ. એ તો આરબની ગોળી હતી! પણ આરબ પરવારી બેઠો, અને કોળીઓ એના પર તૂટી પડ્યા. આરબના હાથમાં રહ્યો કેવળ એક જમૈયો. સાત કોળીઓને એણે એકલાએ જમૈયાથી સુવાડ્યા, ત્યાં તો ગામ નજીક આવી ગયું. ગીગો અને તેના જીવતા સાથીઓ પાછા ચાલ્યા ગયા. લોહીમાં તરબોળ આરબ ધીરે ધીરે ડગલાં માંડે છે. એની આંખો પર લોહીના થર બાઝી ગયા છે. શરીરમાંથી લોહી ટપકી રહ્યું છે. એને રસ્તો દેખાતો નથી. ચાલતો ચાલતો એ સીતાપુરી નદીને કાંઠે ઊતર્યો અને એક વીરડા ઉપર લોહિયાળું મોઢું ધોવા બેઠો. નદીને સામે કાંઠે આંકડિયા નામનું ગામ હતું. આઈ જાનબાઈની જગ્યાના ઓટા ઉપર ગામના ગરાસદાર ચારણ વીકોભાઈ બેઠેલા. એની નજર પડી કે કોઈ લોહીલુહાણ, જખ્મી આદમી પાણી પીવા બેઠો છે. વીકોભાઈ એની પાસે આવ્યો. ત્યાં તો એ અજાણ્યા માણસનો પગરવ સાંભળીને અંધ બની ગયેલો આરબ બે હાથે પોતાનો હમાચો દબાવી બૂમ પાડી ઊઠ્યો કે “ચોર! ચોર!” વીકાભાઈએ આરબને ટાઢો પાડ્યો, એનું શરીર સાફ કર્યું. ઘેર લઈ ગયા. પડદે રાખ્યો. હોશિયાર વાળંદને બોલાવી જખ્મો પર ટેભા લેવરાવ્યા અને પોતે બરદાસ કરવા લાગ્યા. વળતે જ દિવસે ગીગો શિયાળ પોતાના ત્રીસ માણસોને લઈ આવી પહોંચ્યો. વીકાભાઈને કહેવરાવ્યું કે “મારો ચોર સોંપી દિયો; નહિ તો ગામની ચારેય પાસ કાંટાના ગળિયા મૂકી હું ગામ સળગાવી દઈશ.” વીકાભાઈ કહે : “ગીગા, શરણે આવેલાને ન સોંપાય. હું ચારણ છું.” ગીગો કહે : “મારા ગામને પાદરે મારા ભાણેજની ચેહ બળે છે. એ જુવાન ભાણેજના મારનારને હું એ જ ચિતામાં બાળું ત્યારે જ મને ઠારક થાય તેમ છે. માટે સોંપી દ્યો, નીકર તમારી આબરૂ નહિ રહે.” વીકાભાઈના સાઠ રબારી હાથમાં લાકડી લઈને ઊભા થઈ ગયા અને ગીગાને હાકલ કરી કે “તો ગીગલા, થઈ જા માટી! અમે જીવતા છીએ ત્યાં સુધી આશરે આવેલાને તું એમ લઈ જઈશ?” ગામ આખું ગરજી ઊઠ્યું. ગીગો લજવાઈને પાછો ચાલ્યો ગયો.

દિવસ ગયા. આરબને આરામ થયો. પણ સૂતાં કે બેસતાં આરબ પોતાનો હમાચો છોડતો નથી. આરામ થયે એણે વીકાભાઈની રજા માગી. વીકાભાઈએ પૂછ્યું : “ચાઊસ! રસ્તામાં વાપરવાની કાંઈ ખરચી છે કે?” ઓછાબોલો ચાઊસ ફક્ત એટલું જ બોલ્યો કે “નહિ.” વીકાભાઈએ ખરચી બંધાવી. આરબે આજીજી કરી કે “વીકાભાઈ, ખોપાળા સુધી મને મૂકવા આવો.” વીકાભાઈ સમજ્યા કે આરબ ગીગા શિયાળથી ડરી જઈને આવી માગણી કરે છે. બન્ને જણા ખોપાળે પહોંચ્યા. આરબના મનમાં તો મૂંઝવણ ઊપડી હતી. દાગીનાવાળા વાણિયાનું નામ એને યાદ નહોતું આવતું, અને પારકી થાપણ હવે એને સાપના ભારા સમાન થઈ પડી હતી. ધણીને ઘરાણું પહોંચાડ્યા પહેલાં એને નીંદર આવે તેમ નહોતું. ત્યાં તો ખોપાળાની બજારમાં એણે એ દાગીનાના માલિક વાણિયાને દીઠો. દોડીને એણે દાગીનાનો ડબરો વાણિયાના હાથમાં મૂકી કહ્યું : “સેઠ, આ તમારા દાગીના જલદી ગણી લ્યો.” વીકાભાઈની તાજુબીનો પાર ન રહ્યો. એ પૂછે છે કે “અરે ચાઊસ! આટલી બધી મૂડી બગલમાં હતી તોયે કેમ કહેતા હતા કે પાસે કાંઈ નથી?” આરબે ઉત્તર દીધો કે “એ તો પારકી થાપણ.” વીકાભાઈ બોલ્યા : “રંગ છે તારી જનેતાને, ચાઊસ!” એને સમજાયું કે આરબે પોતાની ખાતર નહિ, પણ આ પારકા માલને ખાતર ધીંગાણું ખેડ્યું હતું. એણે શેઠને બધી વાત કહી સંભળાવી. જેની સ્વપ્ને પણ આશા નહોતી એ દાગીના મળવાથી શેઠને અંતરે આનંદ માતો નહોતો. એણે આરબને બક્ષિસ આપવા માંડી — રૂપિયા પાંચ! આરબે માથે ચડાવીને પાછા વાણિયાના હાથમાં ધરી દીધા. શેઠની પીઠ પર એક ખાસડાનો ઘા કરીને વીકોભાઈ બોલ્યા : “કમજાત! વ્યાજના ખાનારા! તારા પાંચ હજારના દાગીના ખાતર મરવા જનારને પાંચ રૂપરડી આપતાં તું શરમાતો નથી?” આરબ વડોદરે પહોંચી ગયો. એના અંતરમાં વીકાભાઈનું નામ રમતું રહ્યું. આરબનો બચ્ચો ઉપકાર ન ભૂલે.

વડોદરાના મહારાજા ફતેસિંહરાવના દરબારમાં આરબ નોકરી કરે છે. એમ થતાં એક વખત મહારાજાના એક વણિક મિત્ર પોતાની સ્ત્રીને પરગામ તેડવા ગયા, તેની સાથે એ જ આરબને મોકલવામાં આવ્યો. શેઠ-શેઠાણી રથ જોડીને વડોદરા તરફ ચાલ્યાં આવે છે. બપોરને વખતે એક વાવ આવી ત્યાં શેઠાણીનો રથ છૂટ્યો છે. શેઠ વહેલા વડોદરે પહોંચવા માટે આગળ ચડી ગયા છે. શેઠાણીએ આરબને કહ્યું : “ભાઈ, વાવમાં જઈને પાણી લઈ આવો ને!” ચોપાસ સૂનકારભરી સીમ જોઈને ચાઊસે જવાબ દીધો : “અમ્મા, રથ છોડીને તો હું નહિ જાઉં!” “અરે, ચાઊસ, ગાંડા છો? એટલી વારમાં આંહીં કોણ આવી ચડે છે?” અચકાતે હૈયે, ઝાડને થડે બંદૂક ટેકવી આરબ પાણી ભરવા વાવમાં ઊતર્યો. બહાર આવીને જ્યાં જુએ ત્યાં ન મળે બંદૂક કે ન મળે શેઠાણી. હેબતાઈ ગયેલ ગાડાખેડુએ આંગળી બતાવીને કહ્યું : “ઓ જાય ઊંટ ઉપર ચડેલા બે સંધીઓ — બંદૂક અને શેઠાણીને બેયને લઈને.” વાવના પથ્થર પર આરબ માથું પટકવા ને ચીસો પાડવા લાગ્યો. પણ બંદૂક વિના એનો ઇલાજ નથી રહ્યો. એવામાં ઓચિંતો ઘોડી ઉપર ચડીને એક રજપૂત નીકળ્યો. રજપૂતે આરબને આક્રંદ કરતો જોઈ, વાત સાંભળી, ઘોડી ઉપરથી ઊતરીને રજપૂતે કહ્યું : “આ લે, ચાઊસ, તાકાત હોય તો ઉપાડ આ બંદૂક, ચડી જા મારી ઘોડી માથે; પછી વિધાતા જે કરે તે ખરું.” વીજળીના ઝબકારાને વેગે આરબે ઘોડી પર છલંગ મારી, હાથમાં બંદૂક લીધી અને ઘોડી મારી મૂકી. જોતજોતામાં સંધીના ઊંટની પાછળ આરબની ઘોડીના ડાબલા ગાજ્યા. ઊંટ પર એક સંધી મોખરે બેઠો છે; બીજો એક પછવાડેના કાઠામાં બેઠો છે; અને વચ્ચે બેસાડેલાં છે શેઠાણીને. આરબ મૂંઝાણો. એ શી રીતે ગોળી છોડે! પાછલાને ગોળી મારતાં શેઠાણી પણ વીંધાઈ જાય તેવું હતું. આરબ મૂંઝાય છે. પાછલા દુશ્મનના હાથમાં પણ આરબવાળી ભરેલી બંદૂક તૈયાર છે. એણે મોખરેના સવારને કહ્યું : “ઊંટને જરાક આડો કર એટલે આ વાંસે વયા આવનાર ઘોડેસવારને હું પૂરો કરું.” જેમ ઊંટ આડો ફર્યો તેમ તો સનનન કરતી આરબની અણચૂક ગોળી છૂટી; છૂટ્યા ભેળો તો મોખરેનો હાંકનાર પડ્યો. બીજી ગોળી ઊંટ ઉપર — અને ઊંટ બેસી ગયો. ત્રીજી ગોળીએ પછવાડેનો સંધી ઠાર થયો. શેઠાણીને અને શેઠાણીના પચાસ હજારના દાગીનાને બચાવીને આરબ પાછો વળ્યો. બહાદુર આરબ હવે તો મહારાજનો અંગરક્ષક બન્યો છે. બહુ બોલવાની એને આદત નથી. નીચું જોઈને જ એ હાલેચાલે છે. ફરી એક વાર એના શૌર્યનું પારખું થયું. એણે એક દિવસ મહારાજાને શિકાર ખેલતાં સિંહના પંજામાંથી ઉગારી લીધા. ત્યારથી એ મહારાજાના સૈન્યમાં મોટો હોદ્દેદાર બન્યો છે. પેશકશી ઉઘરાવવા માટે મહારાજ પોતે સોરઠમાં વરસોવરસ મોટી ફોજ લઈને આવે છે. આ વખતે ફોજનો સેનાપતિ એ બુઢ્ઢો આરબ હતો. દરેકેદરેક રાજમાં જો મહારાજ સરકાર જાય તો વસ્તીને તેમ જ તે રાજને હાડમારીની હદ ન રહે; એટલે રાજાઓ પોતે જ સીધાદોર થઈને સામે પગલે ચાલી ખંડણી ભરી આવતા. આ વખતે ગાયકવાડના ડેરાતંબુ લીંબડી મુકામે તણાયા છે. બુઢ્ઢા આરબના મગજમાં હરદમ એક માનવી તરવરી રહ્યો છે : એનો જીવનદાતા વીકોભાઈ. પણ એ નામ આરબ ભૂલી ગયો છે; ગામનું નામ પણ યાદ નથી : ‘ઈકડી,’ ‘ઈકડી’ કરે છે. એના મનમાં હતું કે જો ભેટો થાય તો એ જીવનદાતાનું થોડુંક કરજ ચુકાવું. એક દિવસ રાજાઓની કચેરી ગાયકવાડના તંબૂમાં ભરાયેલી છે, જરિયાની ચાકળા પર આરબનું આસન છે; પણ આરબ ઊઠીને બહાર ગયેલ. તેવામાં વીકાભાઈ તંબૂમાં આવી પહોંચ્યા. અને વીકાભાઈએ તો પેલા આરબની ખાલી પડેલી ગાદી ઉપર ઝૂકાવ્યું. જોતાં જ મહારાજા ફતેસિંહરાવની આંખ ફાટી રહી. ત્યાં તો આરબ અંદર આવ્યો. આઘેથી જોતાં જ વીકાભાઈને ઓળખ્યા. “ઓ મારા જીવનદાતા! મારા બાપ!” કરતો દોડીને આરબ વીકાભાઈના ચરણોમાં ઢળી પડ્યો. મહારાજાને તમામ વૃત્તાંતથી વાકેફ કર્યા. મહારાજાએ જાહેર કર્યું : “આ વીકાભાઈ જે રાજાના હામી (જામીન) થાય તેની પેશકશી અમે ખમશું.” ત્યારથી પ્રત્યેક રાજમાં વીકાભાઈને મોટાં આદરમાન મળવા લાગ્યાં. નાણાંનો પણ તોટો ન રહ્યો. આજ એની ત્રીજી પેઢી આંકડિયાના અરધા ભાગનો ભોગવટો કરે છે. આ લગભગ સંવત 1915ની વાત છે.