સ્વાધ્યાયલોક—૧/નિવેદન

From Ekatra Wiki
Jump to navigation Jump to search


નિવેદન

‘સ્વાધ્યાયલોક’માં ૧૯૫૧થી આજ લગીના સાડા ચાર દાયકાના સમયનાં સાહિત્ય વિશેનાં લખાણો ગ્રંથસ્થ થયાં છે. આ લખાણો મુખ્યત્વે સાહિત્યસર્જકો, સાહિત્યકૃતિઓ, સાહિત્યિક મૂલ્યો-પ્રશ્નો આદિ વિવિધ વિષય પર લેખો, વ્યાખ્યાનો, વાર્તાલાપો, પ્રશ્નોત્તરીઓ, પત્રો, અંજલિઓ, અભિનંદનો, પ્રસ્તાવનાઓ, ઉપરણાં, અવલોકનો આદિ વિવિધ સ્વરૂપમાં લખાયાં હતાં. એમાંનાં જૂજ લખાણો અંગ્રેજીમાં લખાયાં હતાં, એના અહીં અનુવાદ આપ્યા છે. એમાંથી મોટા ભાગનાં લખાણો વિવિધ સામયિકો — મુખ્યત્વે ‘સંસ્કૃતિ’ — માં પ્રસિદ્ધ થયાં હતાં. એમાંનાં થોડાંક લખાણો ગ્રંથસ્થ થયાં હતાં. અહીં એ સૌ સામયિકોના તંત્રીઓ અને પ્રકાશકોનો એકસાથે આભાર માનું છું. જીવનભર કવિતાનું લેખન-વાચન અને સાહિત્યનું અધ્યયન-અધ્યાપન કરવાનું થયું છે. એની એક ઉપલબ્ધિ આ ‘સ્વાધ્યાયલોક’ છે. એથી આ લખાણો ગ્રંથસ્થ કરવાનો નિર્ણય કર્યો ત્યારે ગ્રંથોનું ‘વિવેચનલોક’ નહિ, પણ ‘સ્વાધ્યાયલોક’ એવું નામકરણ કરવાનો નિર્ણય કર્યો. આજ લગીમાં ગુજરાતના ત્રણ વિવેચકો — બલવન્તરાય, રામનારાયણ અને ઉમાશંકર –નું વિવેચન મારે માટે આદર્શ વિવેચન રહ્યું છે. આ લખાણોમાં આદર્શ વિવેચન છે એવો વિશ્વાસ ન હોય તો આ ગ્રંથોનું ‘વિવેચનલોક’ એવું નામકરણ કરવાનું સાહસ ન કરું. તો કોઈને આ લખાણોમાં આદર્શ વિવેચન નહિ, પણ વિવેચન જેવું કંઈક છે એવો વહેમ હોય તો એનો વિવાદ કરવાનું સાહસ પણ ન કરું. ‘સ્વાધ્યાયલોક’ના આઠ ગ્રંથો છે. કારણ કે આ લખાણોની વિષયના સંદર્ભમાં વ્યવસ્થા કરવાનો નિર્ણય કર્યો ત્યારે આ પ્રમાણેના આઠ ગ્રંથો કરવાનો નિર્ણય કર્યો: ૧. કવિ અને કવિતા. ૨. અંગ્રેજી સાહિત્ય ૩. યુરોપીય સાહિત્ય. ૪. અમેરિકન અને અન્ય સાહિત્ય. ૫. ગુજરાતી સાહિત્ય: પૂર્વાર્ધ. ૬. ગુજરાતી સાહિત્ય: ઉત્તરાર્ધ. ૭. બલવન્તરાય, ન્હાનાલાલ, સુન્દરમ્, ઉમાશંકર. ૮. અંગત. અંગ્રેજી, અમેરિકન અને યુરોપીય સાહિત્યના સ્વાધ્યાયમાં અનુક્રમે સન્તપ્રસાદ ભટ્ટ, ચુનીલાલ મડિયા અને હરિશ્ચન્દ્ર ભટ્ટ પ્રેરણા અને પ્રોત્સાહનરૂપ હતા. બંગાળી, સંસ્કૃત, ફ્રેન્ચ અને અન્ય સાહિત્યનો સ્વાધ્યાય સ્વપ્રયત્નથી કર્યો છે. ગુજરાતી સાહિત્યનો સ્વાધ્યાય તો વિના પ્રયત્ને થયો છે. સામયિકોમાંથી કેટલાંક લખાણો સુલભ થયાં નથી, તો કેટલાંક લખાણો અપૂર્ણ રહ્યાં છે. આ લખાણો સુલભ થશે અને પૂર્ણ થશે ત્યારે એ વિવિધ વિષયનાં પ્રકીર્ણ લખાણો ‘સ્વાધ્યાયલોક-૯’માં પ્રગટ થશે. આ લખાણો આજે લખાયાં હોત તો કોઈ અન્ય રીતે લખાયાં હોત! આ લખાણોની લખાવટમાં જે દોષો-દૂષણો છે એથી કંઈક ક્ષોભનો અનુભવ થાય છે. પણ આ લખાણો જો આજે લખાયાં હોત તો એમાં વળી અન્ય દોષો-દૂષણોનો પ્રવેશ થયો હોત! એથી આ લખાણો જેવાં લખાયાં હતાં તેવાં જ અહીં પ્રગટ કર્યાં છે. એમાં છેક-ભૂંસ, કાપ-કૂપ, સુધારા-વધારા કર્યાં નથી. કેટલાંક લખાણોમાં ક્યારેક એકના એક વિષય પર એકથી વધુ વાર બોલવાનું કે લખવાનું થયું હતું એથી એમાં ક્યાંક ક્યાંક પુનરાવર્તન થયું છે પણ એમાં ભિન્ન પ્રસંગ કે સંદર્ભ હતો એથી એ પુનરાવર્તન સહ્ય અને ક્ષમ્ય ગણાશે એવી આશા છે. તો ક્યાંક ક્યાંક કોઈ કોઈ વિચાર એના એ જ શબ્દઝૂમખાં, વાક્યો કે પેરેગ્રાફમાં એકથી વધુ વાર વ્યક્ત થયો છે. પણ કોઈ પણ વિચાર એક વાર સ્પષ્ટ અને સરલ શબ્દોમાં અંતિમતાપૂર્વક વ્યક્ત થયો હોય પછી એને એથી ઓછા સ્પષ્ટ અને સરલ શબ્દોમાં અંતિમતાપૂર્વક વ્યક્ત કરવો અશક્ય છે, એટલું જ નહિ પણ અનિચ્છનીય પણ છે. એથી એ પુનરાવર્તન પણ અનિવાર્ય અને સ્વીકાર્ય ગણાશે એવી આશા છે. કવિતાનું લેખન-વાચન-અધ્યાપન કરવાનું થયું એથી જીવનભર સતત લગભગ સાડા ચાર દાયકા લગી વિવેચનનું લેખન-વાચન-અધ્યાપન કરવાનું થયું છે. ‘સ્વાધ્યાયલોક’નાં લખાણોમાં પૂર્વ અને પશ્ચિમના પ્રાચીન અને અર્વાચીન અનેક વિવેચકોનાં વિવેચનો અને વિચારોનો પ્રભાવ છે. આ લખાણોમાં એમનાં નામનો ઉલ્લેખ થયો છે અને એમનાં વિચારો-વિધાનો અવતરણચિહ્નોમાં રજૂ થયાં છે. કોઈ વિવેચકોનું વિવેચન અને એમના વિચારો દીર્ઘ સમય લગી અતિપ્રિય અને અતિપરિચિત હોય તો અંતે એ પરકીય અને ઉપાર્જિત છે એનું વિસ્મરણ થાય અથવા એ સ્વકીય અને ઉત્પાદિત છે એવો વિભ્રમ થાય, એથી શક્ય છે કે આ લખાણોમાં ક્યાંક ક્યારેક કોઈ વિવેચકોનાં નામનો ઉલ્લેખ ન થયો હોય અને એમનાં વિચારો-વિધાનો અવતરણચિહ્નોમાં રજૂ ન થયાં હોય. એથી એ અનભિજ્ઞ અને અનીપ્સિત ગણાશે એવી આશા છે. આ સૌ નામી-અનામી વિવેચકોનો અહીં એકસાથે કૃતજ્ઞતાપૂર્વક ઋણસ્વીકાર કરું છું. મારા મિત્ર અને મારાં લખાણોના માર્ગદર્શક ભાઈશ્રી ચિમનલાલ ત્રિવેદીએ આ લખાણો આટલા લાંબા સમય લગી અગ્રંથસ્થ રહ્યાં એમાં મારી ઉપેક્ષા અને ઉદાસીનતા વિશે મને સભાન કરવાનું નૈતિક સાહસ ન કર્યું હોત અને આપણા એક અગ્રણી અને અનુભવી પ્રકાશક ભાઈશ્રી મનુભાઈ શાહે આટઆટલાં લખાણોનું એક સાથે પ્રકાશન કરવાનું આર્થિક સાહસ ન કર્યું હોત તો કોણ જાણે હજુ કેટલાય સમય લગી આ લખાણો અગ્રંથસ્થ રહ્યાં હોત! એમનો હૃદયથી આભાર માનું છું. ‘સ્વાધ્યાયલોક’ એ વિવેકશૂન્ય દુ:સાહસ નથી એવું જો વાચકો માનશે તો હું એને મારું સદ્ભાગ્ય માનીશ. ૧૦ ડિસેમ્બર ૧૯૯૫

નિરંજન ભગત