સ્વાધ્યાયલોક—૨/ટૉયન્બી — પ્રશિષ્ટ માનવતાવાદી

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ટૉયન્બી — પ્રશિષ્ટ માનવતાવાદી

ટૉયન્બી ઉત્તમ અધ્યાપક હતા, ઉત્તમ પત્રકાર હતા, ઉત્તમ ઇતિહાસકાર હતા. પણ એમને માટે અધ્યાપક, પત્રકાર, ઇતિહાસકાર શબ્દો અપૂરતા છે. એમાં એમનું વ્યક્તિત્વ સમાતું નથી. એ શબ્દો દ્વારા એમનું જીવન અને કાર્ય પૂરેપૂરું પમાતું નથી. એ શબ્દો દ્વારા જાણે કે વિશિષ્ટ ક્ષેત્રોમાં એકાંગી નિપુણતા પ્રાપ્ત કરનાર એક વિશેષ પ્રકારના એ નિષ્ણાત — સ્પેશિયાલિસ્ટ હતા એવી એમની એક મર્યાદિત મૂર્તિ પ્રગટ થાય છે. એમનું જીવન, કાર્ય અને વ્યક્તિત્વ એવું તો સભર અને સમૃદ્ધ હતું, એવું તો બૃહદ અને મહ્દ હતું કે કોઈ પણ ભાષાના કોઈ પણ એક શબ્દ દ્વારા એ પ્રગટ કરવું અશક્ય નહિ તો અઘરું તો છે જ. અને છતાં એક જ શબ્દ દ્વારા ટૉયન્બીની સર્વતોમુખી પ્રતિભાનાં અનેક અંશો અને અંગોને એકસાથે પ્રગટ કરવા માટે મને જે શબ્દ સૂઝે છે એ શબ્દ યોજું તો ટૉયન્બી ક્લાસિસિસ્ટ — પ્રશિષ્ટતાવાદી, પ્રાચીન ગ્રીક પરંપરાના પ્રશિષ્ટતાવાદી હતા. ઑક્સફર્ડની બેલિયલ કૉલેજના વિદ્યાર્થી અને ઇતિહાસકાર તરીકે એમનો આદર્શ થ્યુસિડિડીઝ. અહીં એ પણ નોંધવું જોઈએ કે ગિલ્બર્ટ મરે એમના શ્વશુર. એમની આત્મકથામાં એમના ‘ત્રિવિધ ગ્રીક શિક્ષણ’ વિશે એક પ્રકરણ છે. પ્રાચીન ગ્રીક પરંપરાનો પ્રશિષ્ટતાવાદ એટલે એક જ શબ્દમાં કહેવું હોય તો એકતા અથવા સંવાદ — Unity અથવા Harmony. જ્ઞાન એક છે. All knowledge is one. પ્રાચીન ગ્રીક સંસ્કૃતિના યુગમાં જ્ઞાન અનેક શાખા-પ્રશાખાઓમાં શતખંડ ન હતું, અખંડ હતું. જ્ઞાનનું વિભાગીકરણ એ પુનરુત્થાન યુગ પછીની આપણી અર્વાચીન સંસ્કૃતિની ‘સિદ્ધિ’ છે. ટૉયન્બીમાં વૈશ્વિક જ્ઞાન હતું. વૈશ્વિક માનસ — Universal Mind હતું અને એથી જ એ વિશ્વમાનવી હતા, એમની વેદના અને સંવેદનામાં વૈશ્વિકતા હતી. આ અર્થમાં એ પ્રશિષ્ટતાવાદી છે. ટૉયન્બીએ ચાર દાયકામાં બાર ભાગમાં એકવીસ સંસ્કૃતિઓનો, એમના ઉદય અને અસ્તનો ઇતિહાસ આલેખ્યો છે. ઇતિહાસને એમણે ‘પરમેશ્વરના સર્જન વિશેનું દર્શન’ — Vision of God’s Creation — તરીકે વર્ણવ્યો છે. એમણે એમનું આ ઇતિહાસદર્શન બે શબ્દોમાં પ્રત્યક્ષ કર્યું છે. Challenge and Response — આહ્વાન અને પ્રત્યુત્તર. ઇતિહાસ એટલે તવારીખ નહિ, નામાવલિ અને વંશાવલિ નહિ, વ્યક્તિઓ અને રાષ્ટ્રોની કથાઓ નહિ પણ ઇતિહાસ એટલે સમગ્ર મનુષ્યજાતિની સર્વ સ્થળ અને સર્વ કાળમાં અસીમ અને અનંત યાત્રા. ઇતિહાસ એટલે મનુષ્યજાતિનું જીવનચરિત્ર. ‘A Study of History’માં ટૉયન્બીનો સ્થળ અને કાળની સંકુચિત અને મર્યાદિત સીમાઓથી પર થવાનો, પાર જવાનો પરમ પુરુષાર્થ છે. ટૉયન્બીના ઇતિહાસદર્શનમાં વિશ્વજનીનતા — Universality છે. આ અર્થમાં પણ એ પ્રશિષ્ટતાવાદી છે. ટૉયન્બીના આ ઇતિહાસદર્શનનું રહસ્ય શું છે? ‘A Study of History’માં ભૂતકાળનો અભ્યાસ કર્યો એ ચાર દાયકાના સમયમાં જ ચેધામ હાઉસમાંથી એમણે ‘Survey of International Affairs’માં ત્રણ દાયકા સતત વરસોવરસ વર્તમાનનું અવલોકન કર્યું હતું. આ ‘અભ્યાસ’ અને ‘અવલોકન’ વિશે એમણે એમની આત્મકથામાં નોંધ્યું છે કે એકના વિના અન્યનું અસ્તિત્વ અશક્ય હતું. આમ વર્તમાનના અવલોકન દ્વારા એમણે ભૂતકાળનો અભ્યાસ કર્યો અને એ બન્ને દ્વારા, હમણાં જ જોઈશું તેમ, ભવિષ્યનું દર્શન કરવાનો શક્ય એવો અને એટલો યત્કિંચિત્ પ્રયત્ન કર્યો હતો. આમ ટૉયન્બીએ સર્વ સ્થળ અને સર્વ કાળનું દર્શન કર્યું છે, ત્રિલોક અને ત્રિકાલનું દર્શન કર્યું છે. વેદના ઋષિની જેમ ક્રાન્તદર્શન કર્યું છે. એમણે મનુષ્યજાતિના ભાગ્યવિધાતા — destiny — નું દર્શન કર્યું છે. આ અર્થમાં પણ એ પ્રશિષ્ટતાવાદી છે. ચાર દાયકા લગી ભૂતકાળનો અભ્યાસ અને વર્તમાનનું અવલોકન કર્યા પછી આયુષ્યના અંતિમ દાયકામાં ટૉયન્બીએ ભવિષ્યનું દર્શન કરવાનો પ્રયત્ન કર્યો છે. એનું બીજ ‘Comparing Notes: Dialogue across Generations’માં પુત્ર ફિલિપ સાથેના વાર્તાલાપના અંગત અનુભવમાં છે. પણ પછી એ બીજમાંથી એમણે આયુષ્યના અંતિમ દાયકામાં એક ગ્રંથત્રયી રચી છે. ‘Experiences’, ‘Surviving the Future’ અને ‘Toynbee on Toynbee.’ એમાં એમનું આ ભવિષ્યનું દર્શન પ્રગટ થાય છે. આરંભના ચાર દાયકામાં ધર્મ, ફિલસૂફી, સાહિત્ય, શિક્ષણ, યંત્રવિજ્ઞાન વગેરે એમના ચિંતનના વિષયો રહ્યા છે અને અંતિમ દાયકામાં મનુષ્યજાતિનું ભવિષ્ય એમની ચિંતાનો વિષય રહ્યો છે. એમણે માત્ર ચિંતન નથી કર્યું. એમણે ચિંતા પણ કરી છે. એમાં એમનો માનવતાવાદ પ્રગટ થાય છે. અને આ અર્થમાં પણ એ પ્રશિષ્ટતાવાદી છે. ૧૯૬૪ના એપ્રિલની ૧૪મીએ એમણે એમની આત્મકથા ‘Experiences’નો આરંભ ‘Janus at Seventy-Five’નામના પ્રકરણથી કર્યો છે. એમાં એમણે બર્ટ્રાન્ડ રસેલના અનુમોદનમાં કહ્યું છે કે પોતાના મૃત્યુ પછી જે થવાનું હોય એને વિશે ગહનગંભીર ચિંતા કરવી એ મનુષ્ય માટે અતિ મહત્ત્વનું છે. અને પ્રકરણના શીર્ષકમાં પ્રાચીન ગ્રીક પૌરાણિક પાત્ર જેનસ દ્વારા સૂચન કર્યું છે તેમ આયુષ્યના અવશેષે, પંચોતેરમે, આ દ્વિમુખનું એક મુખ ભૂતકાળ પ્રતિ છે અને એક મુખ ભવિષ્ય પ્રતિ છે. પૂર્વાર્ધમાં અંગત જીવનની કથા છે. ઉત્તરાર્ધમાં પોતાના જીવનકાળમાં મનુષ્યજાતિના જીવનની કથા છે. એમાં એમણે મનુષ્યજાતિના યુગોના, વીસેક લાખ વરસના જીવનવ્યાપારમાં જમા-ઉધાર બન્ને પાસાંનું સરવૈયું પોતાની દૃષ્ટિએ વાંચ્યું છે અને અંતે ‘મરણોત્તર કાર્યવાહી’ — Posthumous Agenda — પણ નોંધી છે. જાણે કે એ ટૉયન્બીનો મનુષ્યજાતિને મહામૂલો વારસો ન હોય! પોતાના મૃત્યુ પછી મનુષ્યજાતિને કયા મહાન પ્રશ્નો મૂંઝવશે એ કલ્પીને એમના પોતાની સૂઝસમજ પ્રમાણે ઉત્તરો આપવાનો એમાં એમણે પ્રયત્ન કર્યો છે, કદાચ ક્યારેક ખપના નીવડશે એ આશાએ. જવાહરલાલની આત્મકથા જેમ જવાહરલાલની જ કથા નથી પણ ૨૦મી સદીના ભારતની કથા છે, તેમ ટૉયન્બીની આત્મકથા એ માત્ર ટૉયન્બીની જ કથા નથી પણ ૨૦મી સદીની મનુષ્યજાતિની કથા છે. આત્મકથાને અંતે પરિશિષ્ટ જેવા ત્રીજા વિભાગમાં ‘Reflections’ — ચિંતનો — શીર્ષકથી દસ ખંડોમાં ગ્રીક, લૅટિન અને અંગ્રેજી એમ ત્રણ ભાષાઓમાં લઘુચિંતનકાવ્યો પ્રગટ કર્યાં છે. આ એક રસપ્રદ ઘટના છે. ૧૯૦૭થી ૧૯૬૬ની વચ્ચે છ દાયકાના સમયમાં એમણે આ કાવ્યો — ક્યારેક કોઈ વ્યક્તિ કે કોઈ પ્રસંગને નિમિત્તે — રચ્યાં હતાં. એમાં એમના અંતરંગનું દર્શન થાય છે. એમના ચિત્તની રંગભૂમિ પર પડદા પાછળ જે જે ચાલતું હતું એમાં ડોકિયું કરવાની આ કાવ્યો દ્વારા તક પ્રાપ્ત થાય છે. ‘Surviving the Future’નું શીર્ષક સૂચક છે. ભવિષ્યમાં ટકવાનું એટલું જ નહિ પણ ભવિષ્ય પછી ટકવાનું. ભવિષ્ય તો આ રહ્યું, પ્રત્યક્ષ, સાક્ષાત્, આપણી આંખ સામે આવીને ઊભું છે. ટૉયન્બી અને એમના જપાની અધ્યાપકમિત્ર વચ્ચેનો સંવાદ સડસઠ પ્રશ્નોત્તર રૂપે જપાની દૈનિકમાં ક્રમશ: પ્રગટ થયો હતો. ૧૯૭૧માં ગ્રંથોચિત નવા સંસ્કાર અને સંસ્કરણ સાથે એ ગ્રંથ રૂપે પ્રગટ થયો હતો. મનુષ્યજાતિના ઇતિહાસની આ ક્ષણે મનુષ્યમાત્ર અને સવિશેષ જગતભરના યુવાનો માનવવ્યવહારોમાં જે સંઘર્ષ અનુભવે છે તે સંઘર્ષ આ ગ્રંથનો વિષય છે. એથી આ ગ્રંથ સૌ મનુષ્યોને, સવિશેષ યુવાનોને સંબોધનરૂપ છે. જગતભરના યુવાનોએ, વિદ્યાર્થીઓએ એમનું વિશ્વનાગરિકત્વ, એમનું એકત્વ સિદ્ધ કર્યું છે. હવે એ દ્વારા એમણે વિશ્વરાજ્ય, વિશ્વઐક્ય સિદ્ધ કરવું જોઈએ. એમાં યુવાનોએ એમનાં ખુલ્લા દિલ અને દિમાગથી એમનું વિશિષ્ટ અર્પણ કરવાનું છે. મનુષ્યજાતિ સમક્ષ બે વિકલ્પો છે. વિશ્વરાજ્ય અને વિશ્વઐક્ય અથવા અણુયુદ્ધ અને સર્વનાશ. યુવાનો આ એમનું વિશિષ્ટ અર્પણ કરી શકે એ માટે એમને સહાયરૂપ થવા યંત્રવૈજ્ઞાનિક યુગ અને એના પ્રશ્નો — યુદ્ધો, સરમુખત્યારશાહીઓ, વર્ગભેદો, વંશવૃદ્ધિ, દરિદ્રતા, મલિનીકરણ આદિ મહાપ્રશ્નો તથા એને કારણે ભય અને શંકા તથા સાહસ અને શ્રદ્ધા, આશા અને નિરાશા તથા જય અને પરાજય આદિ અંગે તેઓ સૂઝ-સમજ મેળવી-કેળવી શકે એ માટે જપાની અધ્યાપકમિત્ર દ્વારા એમણે આ ગ્રંથમાં જગતભરના યુવાનો સાથે સંવાદ કર્યો છે. એમાં એમની યુવાનોમાં શ્રદ્ધા અને મનુષ્યજાતિના ભવિષ્યમાં આશા પ્રગટ થાય છે. આ અર્થમાં એ આસ્તિક અને આશાવાદી છે. ‘Toynbee on Toynbee’માં એમના ૧૯૭૨–૭૩ના સમયના બાર વાયુવાર્તાલાપો છે. ૧૯૭૪માં બે વિભાગમાં એ આ ગ્રંથ રૂપે પ્રગટ થયા છે. પ્રથમ વિભાગ ‘Approaches’માં ઇતિહાસના વિવિધ અને વિભિન્ન અભિગમો વિશેના સંવાદો છે. એમાં ઇતિહાસશાસ્ત્ર — Historiography — એ વિષય છે. એમાં અન્ય ઇતિહાસકારોની ઇતિહાસની વિવિધ અને વિભિન્ન દૃષ્ટિઓ અને પદ્ધતિઓનું તથા પોતાની ઇતિહાસની અંગત અને અનોખી દૃષ્ટિ અને પદ્ધતિનું વિશ્લેષણ અને વિવરણ છે. બીજા વિભાગ — ‘Patterns’માં અર્વાચીન સંસ્કૃતિઓનાં વિવિધ અને વિભિન્ન સ્વરૂપો વિશેના સંવાદો છે. એમાં ધર્મ, રાજકારણ, વિજ્ઞાન, યંત્રવિજ્ઞાન આદિનું વિશ્લેષણ અને વિવરણ છે. નિકટના ભવિષ્યમાં રશિયાની શૈલીના રાજકારણનું અને ચીનની શૈલીના અર્થકારણનું જગતભરમાં વર્ચસ્ થાય એવી ટૉયન્બીને શંકા છે. પણ અંતે વિશ્વઐક્ય અને એ દ્વારા વિશ્વરાજ્ય સિદ્ધ થશે એવી એમને શ્રદ્ધા છે. આ અર્થમાં પણ એ આસ્તિક અને આશાવાદી છે. આ ગ્રંથત્રયીમાં ટૉયન્બીએ એક મોટી અને ઝીણી વાત કહી છે. અને તે ‘morality gap’ — નૈતિકતાની ખાઈ–ની વાત. મનુષ્યમાં અનિવાર્યપણે સર્વ-અર્થ અને સ્વ-અર્થ છે, નૈતિકતા અને ભૌતિકતા છે, હિંસા અને પ્રેમ છે, વૈર અને ત્યાગ છે. પણ વીસેક લાખ વરસમાં મનુષ્યમાં જેટલો સ્વ-અર્થ, ભૌતિકતા, હિંસા અને વૈરનો વિકાસ થયો છે એટલો સર્વ-અર્થ, નૈતિકતા, પ્રેમ અને ત્યાગનો વિકાસ થયો નથી. આ ટૉયન્બીનું અંતિમ દર્શન છે. આ દર્શનને કારણે ટૉયન્બી નાસ્તિક અને નિરાશાવાદી છે એમ કહેવું જ હોય તો કહી શકાય. એમની નાસ્તિકતા અને નિરાશામાં પણ એમાંની કરુણતા અને એના પ્રત્યેની એમની કરુણાને કારણે ભવ્યતા છે. ઇતિહાસના ચાર મુખ્ય સ્તબકોમાં ઉત્તરોત્તર મનુષ્યની આ બે વૃત્તિઓ અને પ્રવૃત્તિઓ વચ્ચેનું અંતર વધતું ગયું છે. હજુ ગઈ કાલ લગી આ અંતર ઉલ્લંઘનીય હતું, એથી આ અંતર સહ્ય હતું. હવે અણુશસ્ત્રની શોધ પછી આ અંતર, આ નૈતિકતાની ખાઈ દુસ્તર છે, એથી આ અંતર ભીષણ છે. ભૌતિકતા એટલે કે યંત્રવિજ્ઞાન એ મનુષ્યજાતિ સમક્ષ આહ્વાન છે. મનુષ્યજાતિ નૈતિકતા એટલે કે ધર્મનો પ્રત્યુત્તર આપશે તો મનુષ્યજાતિનું, સંસ્કૃતિનું ભવિષ્ય ઉજ્જ્વળ છે. મનુષ્યજાતિ આ પ્રત્યુત્તર આપશે એવી ટૉયન્બીને આશા અને શ્રદ્ધા છે. એમના જીવન અને કાર્યમાં વસુધૈવ કુટુંબકમ્ અને એકનીડમ્ નું ભવ્યમધુર સ્વપ્ન છે. આત્મકથાને અંતે વૈર, દ્વેષ અને હિંસાની વચ્ચોવચ મનુષ્યોએ તપ, ત્યાગ અને પ્રેમ દ્વારા પ્રસન્નતા પ્રગટાવવી જોઈએ એ વિશેની ટૉયન્બીની ગીતા-ઉપનિષદનું જેમાં સ્મરણ થાય એવી ઋજુસુંદર કવિતા છે. ટૉયન્બીએ એમના વિચાર અને વર્તનમાં — અને એમના ગદ્યમાં પણ — આ પ્રસન્નતા પ્રગટાવી છે. પ્રસન્નતા એ ટૉયન્બીનું મનુષ્યજાતિને વરદાન છે. મનુષ્યજાતિના ભવિષ્યમાં, સંસ્કૃતિના ભવિષ્યમાં ટૉયન્બીની આ પ્રસન્નતાનું મહામૂલું અર્પણ છે. વિશ્વમાં પ્રેમ અને પ્રસન્નતા પ્રગટ થાય એવી આપણી અભીપ્સામાં જ ટૉયન્બી જેવા મહા-આત્માની શાંતિ માટેની પ્રાર્થના છે.


૧૯૭૫

*