સ્વાધ્યાયલોક—૬/પાઠકસાહેબની કવિતામાં વૈશ્વિકતા
૧૯૩૮થી ૧૯૪૪ લગી ૬ વર્ષ નવચેતન હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો ત્યારે મારા ગુજરાતીના શિક્ષક હતા અમૃતલાલ પંડ્યા. એમનું હુલામણું નામ હતું અમુભાઈ. અમુભાઈએ ગૂજરાત વિદ્યાપીઠમાં અભ્યાસ કર્યો હતો અને ગુજરાતીના વિષય સાથે સ્નાતક થયા હતા. ત્યારે એમના સહાધ્યાયી હતા સુન્દરમ્ અને એમના ગુજરાતીના અધ્યાપક હતા પાઠકસાહેબ. સુન્દરમે ૧૯૨૪થી ૧૯૨૯ લગી ૫ વર્ષ ગૂજરાત વિદ્યાપીઠમાં અભ્યાસ કર્યો હતો અને સંસ્કૃત તથા અંગ્રેજી સાથે સ્નાતક થયા હતા. પાઠકસાહેબ ૧૯૨૧થી ૧૯૨૮ લગી ૭ વર્ષ ગુજરાત વિદ્યાપીઠમાં ગુજરાતીના અધ્યાપક હતા. કાન્તનો કાવ્યસંગ્રહ ‘પૂર્વાલાપ’ જે દિવસે રાવળપિંડીથી લાહોરની ટ્રેનમાં કાન્તનું અવસાન થયું તે જ દિવસે ૧૯૨૩ના જૂનની ૧૬મીએ અમદાવાદમાં પ્રગટ થયો હતો. ૧૯૨૬માં પાઠકસાહેબની પ્રસ્તાવના સાથે એની બીજી આવૃત્તિનું પ્રકાશન થયું હતું. તે પૂર્વે ગૂજરાત વિદ્યાપીઠમાં ભાષામંદિરના અભ્યાસક્રમમાં ‘પૂર્વાલાપ’ પાઠ્યપુસ્તક તરીકે નિયુક્ત થયો હતો. આમ, ‘પૂર્વાલાપ’નું અધ્યાપન શાળા-મહાશાળાના વર્ગમાં જો કોઈએ પ્રથમ વાર કર્યું હોય તો તે પાઠકસાહેબે અને એના પરિણામરૂપ પ્રસ્તાવના નિમિત્તે ‘પૂર્વાલાપ’નું વિવેચન પણ ગુજરાતમાં જો કોઈએ પ્રથમ વાર કર્યું હોય તો તે પણ પાઠકસાહેબે. એને આજે લગભગ સાત દાયકા થયા પણ ત્યાર પછી આજ લગીમાં ‘પૂર્વાલાપ’નું આવું તલસ્પર્શી અને સર્વગ્રાહી તથા સર્વગ્રાહ્ય વિવેચન ગુજરાતમાં અન્ય કોઈ વિવેચકે કર્યું નથી. વર્ગમાં પાઠકસાહેબે અન્ય અનેક કાવ્યોની સાથે ‘પૂર્વાલાપ’ના અધ્યાપન નિમિત્તે ‘પૂર્વાલાપ’નાં કાવ્યોનું પઠન પણ કર્યું જ હશે અને એ પઠન સુન્દરમ્ અને અમુભાઈએ કર્ણગત પણ કર્યું હશે. પછીથી ૧૯૨૯થી ૧૯૫૫ લગી પા સદી ઉપરાંતની પાઠકસાહેબની અવિરત પિંગળસાધના એ ગીતાના અનાસક્ત ભક્તની ભક્તિ જ હતી. ભક્તિ જો પિંગળસાધના રૂપે પ્રગટ થતી હોય તો પાઠકસાહેબમાં તે ભક્તિ હતી. પાઠકસાહેબ પિંગળભક્ત હતા. સમકાલીન ભારતમાં જ નહિ પણ ભારતમાં પિંગળસાધનાના સમગ્ર ઇતિહાસમાં પાઠકસાહેબ જેવા પિંગળસાધક અતિવિરલ છે. પાઠકસાહેબને પિંગળમાં લઘુગુરુ અક્ષરો અને માત્રાઓના સ્થૂલ ગણિતની જ નહિ પણ છંદ અને લયની દ્રુતવિલંબિત ગતિ અને સ્વરવ્યંજનસંકલના તથા એના આરોહઅવરોહ, વિરામ અને કાકુ આદિ સમગ્ર નાદસંકુલની સૂક્ષ્મ અને માર્મિક સૂઝસમજ હતી. મનુષ્યે એની વાણીમાં, એની કવિતાના અવાજમાં, છંદમાં જે લયનું સર્જન કર્યું છે તે લય સમગ્ર વિશ્વમાં, સમુદ્રનાં ભરતીઓટમાં, પૃથ્વીના ઋતુચક્રમાં, આકાશના સૂર્યચંદ્રગ્રહતારામાં શાશ્વત એવો જે વિરાટ લય છે અને જે લય વિશ્વની સ્થિતિ-ગતિનું રહસ્ય છે, જે લય વિશ્વનું આધારકેન્દ્ર છે તે લયનો દ્યોતક છે. મનુષ્યની કવિતાનું લયવિશ્વ એ વિશ્વલયનું લઘુ રૂપ(microcosm) છે. એક અને બે માત્રાના અક્ષરો, લઘુ અને ગુરુ અક્ષરો, સમ અને વિષમ અક્ષરો, બે વિરોધી-વિસંવાદી અક્ષરોનાં વિવિધ મિશ્રણોથી જ સંવાદ સર્જાય છે, છંદ અને લય રચાય છે. આ છે છંદ અને લયનું રહસ્ય અને એ જ વિશ્વનું અને જીવનનું રહસ્ય છે. વિસંવાદ છે છતાં, અથવા તેથી જ, તે દ્વારા જ, તેની વચમાં જ સંવાદ-સંવાદિતા છે. વિશ્વમાં અને જીવનમાં સત્ય-અસત્ય, નીતિ-અનીતિ, ઇષ્ટ-અનિષ્ટ, પાપ-પુણ્ય, સુખ-દુઃખ, શોક-આનંદ, જીવન-મૃત્યુ આદિ વિસંવાદ, વિરોધ, દ્વૈત, અનૈક્ય, અનેકતા છે. લયના વિશ્વની સૂઝસમજને કારણે પાઠકસાહેબમાં વિશ્વના લયની સૂઝસમજ છે. અથવા એમ પણ કહી શકાય કે વિશ્વના લયની સૂઝસમજને કારણે પાઠકસાહેબમાં લયના વિશ્વની સૂઝસમજ છે. એથી પાઠકસાહેબની કવિતામાં લયનું વિશ્વ અને વિશ્વનો લય એકરસ-એકરૂપ છે. પાઠકસાહેબની કવિતામાં સહજ-સ્વાભાવિક લય છે, એમનું લયવિશ્વ, વિશ્વલયની જેમ, સહજ સ્ફુરિત છે. પાઠકસાહેબની લયસૂઝમાં એમની વિશ્વસૂઝ, વૈશ્વિકતાની પ્રતીતિ થાય છે. હવે પછી જોઈશું તેમ, એમની કવિતામાં જે વૈશ્વિકતા છે, એમના જીવન અને કવનમાં જે એકવાક્યતા છે, જે સુમેળ છે, સંવાદિતા છે એમાં એમની આ લયસૂઝનું પણ અર્પણ છે. એથી જ પાઠકસાહેબની પઠનકલા આદર્શ અને ઉત્તમ હતી. ૧૯૪૧-૪૨ છઠ્ઠા ધોરણમાં હતો ત્યારે અમુભાઈએ વર્ગમાં ‘પૂર્વાલાપ’નાં સૌ મહત્ત્વનાં કાવ્યોનું પઠન કર્યું હતું. અલબત્ત, પાઠકસાહેબની પઠનપરંપરામાં. કવિતા તથા છંદ અને લયના શિક્ષણ માટે ગુજરાતી ભાષામાં ‘પૂર્વાલાપ’ જેવો ભાગ્યે જ કોઈ અન્ય કાવ્યસંગ્રહ હશે. અમુભાઈએ, સુન્દરમ્ની જેમ, વિદ્યાપીઠના સમયથી કાવ્યલેખન કર્યું હતું પણ એમણે વર્ગમાં કદી પોતાનાં કાવ્યોનું પઠન કર્યું ન હતું. એ પાઠકસાહેબના વિનમ્ર અને વિવેકી વિદ્યાર્થી હતા. એમણે મારા જેવા વિદ્યાર્થીઓનાં કાવ્યોનું પઠન કર્યું-કરાવ્યું હતું. એ પાઠકસાહેબની પરંપરાના પ્રેરક અને પ્રોત્સાહક શિક્ષક હતા. એમણે છંદ અને લયનું સ્થૂલ ગણિત તો ગણાવ્યું-ભણાવ્યું જ હતું. પણ આ પઠન એ છંદ અને લય સાથેનો, કવિતા સાથેનો મારો પ્રથમ પ્રત્યાઘાત હતો. એનો મારા કિશોરચિત્ત પર પ્રબળ પ્રભાવ હતો. આજે કવિતા તથા કવિતાના છંદ અને લય વિશે મારી જે કંઈ અભિજ્ઞતા છે એમાં આ પઠનનું મોટું-મહામૂલું અર્પણ છે. આમ, મને પાઠકસાહેબના વિદ્યાર્થીના વિદ્યાર્થી થવાનું સદ્ભાગ્ય સાંપડ્યું હતું એ અર્થમાં ત્યારે પાઠકસાહેબ મારા ગુરુના ગુરુ હતા. આમ, મને આ પઠન દ્વારા પાઠકસાહેબનો પરોક્ષ પરિચય થયો હતો. આ સમયમાં ક્યાંક, ક્યારેક એમનું દૂરથી દર્શન કરવાનું થયું હતું પણ એમનો પ્રત્યક્ષ પરિચય, અંગત વાર્તાલાપનો પરિચય થયો ન હતો. ૧૯૪૪થી ૧૯૪૬ બે વર્ષ લાલભાઈ દલપતભાઈ આર્ટ્સ કૉલેજમાં અભ્યાસ કર્યો ત્યારે પાઠકસાહેબ મારા ગુજરાતીના અધ્યાપક હતા. પાઠકસાહેબ ૧૯૩૭થી ૧૯૪૬ લગી — નવ વર્ષ લગી — આ કૉલેજના ગુજરાતીના અધ્યાપક હતા અને ૧૯૪૫-૪૬માં આ કૉલેજના આચાર્ય પણ હતા. હવે આ સમયમાં પાઠકસાહેબ મારા ગુરુ હતા અને હું એમનો વિદ્યાર્થી હતો. એમણે પ્રથમ વર્ષમાં ‘લોકમાતા’ અને દ્વિતીય વર્ષમાં ‘આપણી કવિતા સમૃદ્ધિ’નું અધ્યાપન કર્યું હતું. ત્યારે વર્ગમાં એમણે આપણા એ સુવર્ણસંચયમાંથી કેટલાંક કાવ્યોનું પઠન કર્યું હતું ત્યારે કવિતા તથા છંદ અને લય વિશેની અભિજ્ઞતાનો પૂર્વોક્ત સંસ્કાર અને પ્રભાવ વધુ સધ્ધર અને સબળ થયો હતો. આ સમયમાં પ્રેમાભાઈ હોલમાં કે ‘રેખા’ માસિકના કાર્યાલયમાં કે ‘લેખકમિલન’ની સભાઓમાં પાઠકસાહેબનું દૂરથી દર્શન કરવાનું થયું હતું. પણ કૉલેજમાં કે અન્યત્ર એમનો પ્રત્યક્ષ પરિચય, અંગત વાર્તાલાપનો પરિચય થયો ન હતો, એમની સાથે કવિતા વિશે કે મારી કવિતા વિશે વાત કરવાનું થયું ન હતું. ૧૯૪૬માં લાલભાઈ દલપતભાઈ આર્ટ્સ કૉલેજમાંથી એ નિવૃત્ત થયા અને મુંબઈ ગયા. હું પણ ૧૯૪૬માં એ જ વરસમાં કૉલેજમાંથી ઇન્ટરની પરીક્ષા પાસ કરીને એલ્ફિન્સ્ટન કૉલેજમાં અંગ્રેજી સાથે બી.એ.નો અભ્યાસ કરવા મુંબઈ ગયો. પાઠકસાહેબે ૧૯૪૬થી ૧૯૫૫ લગી મુંબઈમાં ભારતીય વિદ્યાભવનમાં અને અમદાવાદમાં ગુજરાત વિદ્યાસભામાં અધ્યાપન કર્યું હતું. એથી એમને આ બાર વરસોમાં મુંબઈ અને અમદાવાદ આવજા કરવાનું થયું હતું. મારે પણ ૧૯૪૬-૪૮નાં વર્ષોમાં રજાઓમાં મુંબઈથી અમદાવાદ આવવાનું થયું હતું. ૧૯૪૮માં મુંબઈથી બી.એ.ની પરીક્ષા પાસ કરીને અમદાવાદ પાછો આવ્યો હતો. ૧૯૪૮-૫૦ બે વર્ષ લાલભાઈ દલપતભાઈ આર્ટ્સ કૉલેજમાં એમ.એ.નો અભ્યાસ કર્યો હતો. આ વર્ષોમાં પણ રજાઓમાં અમદાવાદથી મુંબઈ જવાનું થયું હતું. ૧૯૫૦થી અમદાવાદમાં આર્ટ્સ કૉલેજોમાં અંગ્રેજીના અધ્યાપક તરીકે નિયુક્ત થયો હતો. ત્યારે પણ ૧૯૫૦થી ૧૯૬૦ લગી એક દાયકા માટે ઉનાળા અને શિયાળાની લાંબીટૂંકી રજાઓમાં નિયમિત મુંબઈ જવાનું થયું હતું. આમ, ૧૯૫૫માં પાઠકસાહેબનું અવસાન થયું ત્યાં લગી મારે પણ અમદાવાદ અને મુંબઈ આવજા કરવાનું થયું હતું. આ દસેક વર્ષોમાં ક્યારેક પાઠકસાહેબને અમદાવાદમાં એમના ભારતી નિવાસના ઘરમાં ઉમાશંકરની સાથે મળવાનું થયું હતું, તો ક્યારેક મુંબઈમાં એમના ગ્રાંટ રોડ પરના અને ચોપાટી પરના ઘરમાં મડિયા કે ઉમાશંકરની સાથે મળવાનું થયું હતું. મુંબઈમાં લેખકમિલનની સભાઓમાં કે વડોદરામાં લેખકમિલનના અધિવેશનમાં એમણે વક્તવ્ય રજૂ કર્યું હતું તે પ્રસંગે શ્રોતા તરીકે તથા ૧૯૫૦માં અમદાવાદ રેડિયો પરથી બે કવિસંમેલનોમાં ‘હોળી-દિવાળીવાદ’ તથા ‘આજ ત્રણ વર્ષ પર’ કાવ્યોનું અને ૧૯૫૩માં મુંબઈ રેડિયો પરથી કવિસંમેલનમાં એમણે ‘તુકારામનું સ્વર્ગારોહણ’ કાવ્યનું પઠન કર્યું હતું તે પ્રસંગે એ કવિસંમેલનોમાં સહભાગી તરીકે અને ૧૯૫૪માં મુંબઈમાં એક સાંસ્કૃતિક સંસ્થાના ઉપક્રમે કવિસંમેલનમાં એમણે ‘ના ગમે’ કાવ્યનું પઠન કર્યું હતું તે પ્રસંગે શ્રોતા તરીકે ઉપસ્થિત રહેવાનું થયું હતું. ૧૯૪૯થી ૧૯૫૫ લગીમાં મારા ત્રણ કાવ્યસંગ્રહો તથા સામયિકોમાં કેટલાંક અન્ય કાવ્યો પ્રગટ થયાં હતાં પણ એમની સમક્ષ અંગત મુલાકાતમાં એમાંથી એક પણ કાવ્ય વાંચવાનું કે એમને વંચાવવાનું થયું ન હતું. ‘પાઠકસાહેબની કવિતામાં વૈશ્વિકતા’ વિશેના આ લેખમાં અહીં આટલું કંઈક વિગત અને વિસ્તારથી અંગત એવું કથન એટલા માટે કર્યું છે કે જેની કવિતામાં વૈશ્વિકતા છે, જે એક સમગ્ર યુગના કાવ્યગુરુ હતા, અને જે મારા તો વાચ્યાર્થમાં ગુરુ હતા એમની સમક્ષ મારાં કાવ્યો વાંચવાનો કે એમને વંચાવવાનો કે એમની સાથે કવિતા વિશે અંગત વાર્તા-વિનોદ કરવાનો એક પણ પ્રસંગ ૧૯૪૪થી ૧૯૫૫ લગી ખાસ્સાં બારેક વરસ જેટલા દીર્ઘ સમયમાં મુંબઈમાં કે અમદાવાદમાં ક્યાંય મને પ્રાપ્ત ન થયો અને મને બલવન્તરાય સાથે થયો હતો તેવો સંબંધ અથવા સુન્દરમ્ અને ઉમાશંકરને પાઠકસાહેબ સાથે થયો હતો તેવો સંબંધ સ્વલ્પાંશે પણ મને પાઠકસાહેબ સાથે ન થયો એ મારા જીવનનાં અનેક નાનાંમોટાં દુર્ભાગ્યોમાંનું એક મોટું દુર્ભાગ્ય છે એમ આ ક્ષણે અનુભવી રહ્યો છું. ‘પાઠકસાહેબની કવિતામાં વૈશ્વિકતા’ એ વિષય પરના આ લેખમાં આરંભમાં મુખ્ય તો એમની લયસૂઝના સંદર્ભમાં કંઈક વિસ્તારથી અંગત ઉલ્લેખ કર્યો છે. કારણ કે આ વૈશ્વિકતામાં એમની આ લયસૂઝનું અધ-ઝાઝેરું અર્પણ છે. કવિતામાં કવિની લયસૂઝ એ તર્ક, બુદ્ધિ કે ગણિતની ઉપલબ્ધિ નથી, પણ હૃદયની ઉપલબ્ધિ છે. એ કુદરતની બક્ષિસ છે, વિધાતાનું વરદાન છે. એ પ્રયત્નથી પ્રાપ્ત ન થાય, સંકલ્પથી સિદ્ધ ન થાય. કવિતા હૃદયના ગહનમાં, અંતરતમ એવા ગૂઢ અંત:સ્તલમાં એનો ઉગમ છે, એના રુધિરના અણુએ અણુમાં એનો ઉદ્ભવ છે. એ કવિના સૂક્ષ્મ આંતરજીવનનો એક રહસ્યમય આવિષ્કાર છે, એના સમગ્ર ચૈતન્યનો એક વિસ્મયકારક વિશેષ છે. એક જ શબ્દમાં કહેવું હોય તો એ એક ચમત્કાર છે. એથી એનો માત્ર આમ ઉલ્લેખ થાય. એનો અનુભવ થાય, એનું વિશ્લેષણ કે વિવેચન ન થાય. એથી જ આરંભમાં આ ઉલ્લેખ આવશ્યક — બલકે અનિવાર્ય હતો. પણ પાઠકસાહેબના બાહ્યજીવનના કેટલાક પ્રસંગો અને આંતરજીવનનાં, બૌદ્ધિકજીવનનાં કેટલાંક પરિબળોમાં એમની કવિતામાં જે વૈશ્વિકતા છે એની પૂર્વભૂમિકા છે. આ પ્રસંગો પરિબળો અંગે હવે કંઈક વિગતે અવલોકન કરવાનો અહીં ઉપક્રમ છે. પાઠકસાહેબના પિતા વિશ્વનાથ આજીવન શિક્ષક અને તત્ત્વચિન્તનના કેટલાક મહાન સંસ્કૃત ગ્રંથોના અનુવાદક હતા. ઉત્તરજીવનમાં એ સંન્યાસી હતા. પાઠકસાહેબ નાના હતા ત્યારે પિતાના વાચન-મનન-ચિન્તન-લેખનના સાક્ષી હતી. સર્જન-લેખનની ઇચ્છા, કવિતા અને છંદની સમજ તથા તત્ત્વચિન્તનની રુચિ એ પિતા પાસેથી પામ્યા હતા. એમનાં માતા આદિતબાઈ સાક્ષર ન હતાં. પણ મૌખિક પરંપરાથી દેશીઓ અને લોકગીતો એમને કઠસ્થ હતાં. સાચા તાલ સાથે દેશીઓ અને લોકગીતોનું રહસ્ય એ માતા પાસેથી પામ્યા હતા. આટલો સમૃદ્ધ વારસો એમને નાનપણમાં જ એમનાં માતા-પિતા પાસેથી પ્રાપ્ત થયો હતો. ૧૯૦૮-૧૯૧૦માં પાઠકસાહેબે બી.એ.માં લૉજિક અને મૉરલ ફિલોસૉફી તથા ૧૯૧૧માં એલએલ.બી.માં કાયદાનો અભ્યાસ કર્યો હતો અને ૧૯૧૨થી ૧૯૧૮ લગી સાદરામાં વકીલાતનો વ્યવસાય કર્યો હતો આમ, આ અભ્યાસ અને વ્યવસાયને કારણે એમનો તત્ત્વચિન્તનનો પૈતૃક વારસો વધુ પુષ્ટ થયો હતો. ૧૯૧૮માં પાઠકસાહેબને એમના જીવનનો કરુણમાં કરુણ અનુભવ થયો હતો, પત્ની મણિગૌરીનું અવસાન થયું હતું. મૃત્યુનો આ આઘાત એવો તો અસહ્ય હતો કે એમનું ત્યાર પછીનું સમગ્ર જીવન જાણે કે એના પ્રત્યાઘાતરૂપ હતું. એમણે પત્નીની સ્મૃતિથી સભર એવા સાદરાનો જ નહિ પણ વકીલાતના વ્યવસાયનો પણ ત્યાગ કર્યો હતો. અને સમગ્ર જીવન ઇષ્ટમાંથી ઇષ્ટતર અને ઇષ્ટતરમાંથી ઇષ્ટતમ પ્રયોજનમાં આરંભથી જ એમને પ્રિય એવી શિક્ષણ અને સાહિત્યની પ્રવૃત્તિને અર્પણ કર્યું હતું. અને આમ, શોકમાંથી શાંતિ માટેનો પરમ પુરુષાર્થ કર્યો હતો. પ્રેમ અને મૃત્યુના એમના આ દારુણ, કરુણ અનુભવમાં એમની કવિતામાં જે વૈશ્વિકતા છે એનું આદિમ છે. એમની કવિતામાં તથા ચિન્તન અને વિવેચનમાં વ્યક્તિગત વેદના-સંવેદનામાંથી ક્રમે ક્રમે વૈશ્વિકતા અને શોકમાંથી ઉત્તરોત્તર શાંતિના સમગ્ર ઇતિહાસનો આલેખ છે. ૧૯૨૧માં પાઠકસાહેબે ૩૪ વર્ષની વયે, જીવનની મધ્યમવયે એમના લેખનનો આરંભ કર્યો હતો, ‘કવિ બાલાશંકરનાં કાવ્યો’ના વિવેચનલેખથી. ૧૯૨૨માં એમણે એમનું પ્રથમ કાવ્ય ‘રાણકદેવી’ રચ્યું હતું. ૧૯૫૫માં ૬૮ વર્ષની વયે, આયુષ્યના અંતિમ વર્ષમાં એમણે એમનું અંતિમ કાવ્ય ‘સાલ મુબારક’ રચ્યું હતું અને ત્યાર પછી એમણે એમનો અંતિમ વિવેચનલેખ ‘કાવ્યમાં પ્રાસ’ સંવાદરૂપે રજૂ કર્યો હતો. આમ, પાઠકસાહેબે જીવનભર, આયુષ્યના અંત લગી સતત કાવ્યસર્જન અને વિવેચન કર્યું હતું. પાઠકસાહેબ સવ્યસાચી સર્જક હતા. અર્વાચીન કવિતાના ઇતિહાસમાં એમના પુરોગામીઓમાં બલવન્તરાય અને અનુગામીઓમાં ઉમાશંકર જ આવા સવ્યસાચી સર્જકો હતા. એક જ સર્જકમાં કાવ્યસર્જન અને વિવેચનનો આવો સુયોગ વિરલ છે. બૉદલેરની પ્રતીતિ હતી કે કવિમાં સર્જકકલ્પના અને વિવેચકબુદ્ધિનો સુયોગ અનિવાર્ય છે અને જે કવિમાં આ સુયોગ હોય તે જ મોટા ગજાનો કવિ. પાઠકસાહેબ મોટા ગજાના કવિ હતા. જેવું ઉચ્ચ કોટિનું એમનું કાવ્યસર્જન છે એવું જ ઉત્કૃષ્ટ કોટિનું એમનું વિવેચન છે. એમનું કાવ્યસર્જન અને વિવેચન સમાન્તર રહ્યું છે અને પ્રત્યેકનો અન્ય પર પ્રભાવ રહ્યો છે. પાઠકસાહેબે એમના સાહિત્યજીવનના આરંભે જ ૧૯મી સદીના ઉત્તરાર્ધના બે મોટા ગજાના કવિઓ — જેમની કવિતામાં વૈશ્વિકતા છે એવા કવિઓની કવિતા વિશે વિવેચન કર્યું હતું. હમણાં જ નોંધ્યું તેમ ૧૯૨૧માં બાલાશંકરની કવિતા વિશે સ્વતંત્ર લેખ રૂપે અને પછી, આરંભે નોંધ્યું તેમ, ૧૯૨૬માં કાન્તની કવિતા વિશે ‘પૂર્વાલાપ’ની બીજી આવૃત્તિના ઉપોદ્ઘાત રૂપે. આ વિવેચન નિમિત્તે એમણે આ બન્ને કવિઓના જીવનદર્શન વિશે મનન-ચિન્તન કર્યું હતું. પાઠકસાહેબે સૂચવ્યું છે, ‘અલબત્ત પ્રિય સાહિત્યકૃતિઓ અને સાહિત્યલેખકો પણ મન ઉપર અસર કરે છે, પણ તે ગૂઢ.’ પાઠકસાહેબના જીવનદર્શન પર આ બન્ને કવિઓના જીવનદર્શનનો પ્રભાવ છે, ગૂઢ પ્રભાવ છે. કાન્ત અને બાલાશંકરની કવિતા વિશેના આ વિવેચનનો સાર કંઈક આ પ્રમાણે આપી શકાય : કાન્તનાં પાત્રો — સહદેવ, પાંડુ અને ચક્રવાકયુગલ – માં પ્રેમની પરિતૃપ્તિ, પરિપૂર્ણતા અશક્ય છે. કારણ કે આ વિશ્વની યોજનામાં અપૂર્ણતા, વિષમતા અને અન્યાય છે. ઈશ્વર-વિધાતા-નિયતિ ક્રૂર-નિષ્ઠુર છે. એથી આ પાત્રોમાં સંઘર્ષ છે અને આ સંઘર્ષનું સમાધાન નથી. એથી અંતે ક્ષણિક મૃત્યુ – વિસ્મૃતિ અને મૃત્યુ છે. એથી કરુણતા છે. કાન્તના જીવનમાં ધર્માન્તર પછી આ સંઘર્ષનું સમાધાન છે. મૃત્યુ પછી પરલોકમાં સ્વીડનબોર્ગીય સ્વર્ગમાં પ્રેમની પરિતૃપ્તિ, પરિપૂર્ણતા છે જ એવી શ્રદ્ધા છે. એથી શાંતિ છે. કાન્ત સત્યશોધક, સત્યસાધક હતા. આરંભમાં એમનામાં અજ્ઞેયવાદની નાસ્તિકતા હતી, અંતમાં ધર્માન્તર પછી આસ્તિકતા હતી. બાલાશંકરની કવિતામાં કાવ્યનાયકને કોઈ અદ્ભુત, અલૌકિક, લોકોત્તર, નિત્યનૂતન સૌંદર્યમૂર્તિ પ્રત્યે પ્રેમ છે. પણ કાવ્યનાયકમાં વચનભંગને કારણે વિરહ છે. વળી આ સૌંદર્યમૂર્તિનો સ્વભાવ એવો છે કે કોઈ વિરલ ક્ષણે જ, ક્ષણેક માટે જ એનું દર્શન શક્ય છે, એનું સંપૂર્ણ દર્શન શક્ય નથી અને મિલન તો અશક્ય જ છે. એથી એનામાં શોક છે. પણ આ શોકમાં પણ પ્રેમને કારણે આનંદ છે. વળી ક્યારેક એનું પૂર્ણદર્શન થશે એવી આશા છે. નહિ તો મૃત્યુ પછી તો પૂર્ણદર્શન જ નહિ, એનું પૂર્ણમિલન પણ થશે જ એવી શ્રદ્ધા છે. એથી પણ એનામાં આનંદ છે. બાલાશંકર સૌંદર્યપ્રેમી હતા, એમનામાં સાદ્યંત આસ્તિકતા હતી. પાઠકસાહેબના વિવેચનના આ સારમાત્રથી પણ સ્પષ્ટ થાય છે કે આ બન્ને કવિઓની કવિતાનાં વસ્તુવિષય સ્થલકાલની સીમાઓને અતિક્રમી જાય છે. એમાં મનુષ્યમાત્રનો, સમગ્ર મનુષ્યજાતિનો સર્વકાલીન અને સર્વસ્થલીય એવો પ્રેમ, મૃત્યુ, શોક અને શાંતિનો અનુભવ છે. એથી એમની કવિતામાં વૈશ્વિકતા છે. એથી જ, હમણાં કહ્યું તેમ, પાઠકસાહેબના જીવનદર્શન પર આ બન્ને કવિઓના જીવનદર્શનનો પ્રભાવ છે. પાઠકસાહેબે જ સૂચવ્યું છે તેમ ‘ગૂઢ’ પ્રભાવ છે. પાઠકસાહેબને બાલાશંકરના બાહ્યજીવન સાથે સામ્ય નથી. એમણે સૂચવ્યું છે, ‘મસ્ત… અત્યારે હવે માત્ર મારા સ્વભાવના એકાંશને જ રુચે છે.’ ‘એમના સ્વભાવનો આ એકાંશ તે એમનો સૌંદર્યપ્રેમ. એમને બાલાશંકરના આંતરજીવન સાથે સામ્ય છે. બન્ને સૌંદર્યપ્રેમી છે. બન્નેમાં સાદ્યંત આસ્તિકતા છે. પાઠકસાહેબને કાન્તના બાહ્યજીવન સાથે સામ્ય છે. બન્નેનો જન્મ વિદ્યાવ્યાસંગી પ્રશ્નોરા જ્ઞાતિમાં. બન્નેના કુટુંબમાં ધર્મ અને સાહિત્યની પરંપરા. બન્નેનો બી.એ.માં લૉજિક અને મૉરલ ફિલોસૉફીનો અભ્યાસ. બન્ને આજીવન શિક્ષક. બન્નેની સ્વમાન અને વ્યક્તિસ્વાતંત્ર્યની પ્રતિષ્ઠા અર્થે તથા સંસ્થાકીય સંકુચિત આચાર-વિચારના પ્રતિકાર અર્થે ગૌરવપૂર્ણ મૌન સાથે સ્વેચ્છાએ નિવૃત્તિ. બન્નેનું ૧૬ વર્ષની નાની વયે પ્રથમ લગ્ન. પ્રથમ પત્નીના અવસાન પછી બન્નેનું દ્વિતીય લગ્ન. બન્નેમાં પ્રથમ પત્નીના અવસાનથી ‘અંતર્ગૂઢ ઘનવ્યથા’. બન્નેનાં બન્ને પત્નીઓ વિશે કેટલાંક ઉત્તમ દાંપત્યપ્રેમનાં કાવ્યો. પણ પાઠકસાહેબને કાન્તના આંતરજીવન સાથે એટલું સામ્ય નથી. કાન્તમાં ધર્મ દ્વારા અંતે શાંતિ છે. પાઠકસાહેબમાં કવિતા અને જીવન વિશેના તત્ત્વચિન્તન દ્વારા અંતે શાંતિ છે. એટલું અસામ્ય પણ બન્નેમાં અંતે શોકમાંથી શાંતિ છે એટલું સામ્ય. એથી જ કાન્ત જીવનભર પાઠકસાહેબના પ્રિય કવિ રહ્યા હતા. એમણે ૧૯૩૯માં કહ્યું હતું, ‘અત્યારે ગુજરાતી કવિઓમાં મારા પ્રિય કવિઓ નાનાલાલ, કાન્ત, અને પ્રો. ઠાકોર, એ ત્રણને જ હું ગણાવી શકું.’ એમણે ન્હાનાલાલ અને બલવન્તરાયનાં કાવ્યોનું વાચન ૧૯૦૭-૮માં એ બી.એ.માં હતા ત્યારે કર્યું હતું, જ્યારે કાન્તનાં કાવ્યોનું વાચન તો ૧૯૦૫માં એ મેટ્રિકમાં હતા ત્યારે કર્યું હતું. ૧૯૦૩માં મણિગૌરી સાથે પાઠકસાહેબનું લગ્ન થયું હતું. ૧૫ વરસના લગ્નજીવન પછી ૧૯૧૮માં મણિગૌરીનું અવસાન થયું હતું. પછી ૭ વર્ષ પછી ૧૯૨૫માં પાઠકસાહેબે એમનું પ્રથમ મહત્ત્વનું કાવ્ય, એમનું પ્રથમ પ્રેમકાવ્ય, પત્નીના મૃત્યુના શોકનું કાવ્ય, એમની વ્યાકુલ વિરહવ્યથાનું કાવ્ય ‘નર્મદાને આરે’ પ્રગટ કર્યું ત્યારે ‘શેષ’ ઉપનામથી પ્રગટ કર્યું હતું. ત્યારે પત્નીની ચિરવિદાય પછી પોતે આ જગતમાં, આ જીવનમાં હવે અવશિષ્ટ છે, શેષ છે એથી ‘શેષ’ એવો એમનો આ ઉપનામનો અર્થ હોય. પણ પછી ૧૯૩૮માં ૧૩ વર્ષ પછી, એમણે એમનો પ્રથમ કાવ્યસંગ્રહ પણ ‘શેષનાં કાવ્યો’ શીર્ષકથી પ્રગટ કર્યો હતો. ત્યારે વચમાં એમણે અન્ય સાહિત્યસ્વરૂપમાં ‘દ્વિરેફ’, ‘સ્વૈરવિહારી’ આદિ ઉપનામથી નાટક, વારતા, નિબંધ આદિ – માં સર્જન કર્યું એમાં અધિકતર સર્જનશક્તિનો વ્યય થયો પછી જે સર્જનશક્તિ અવશિષ્ટ હતી, શેષ હતી એમાંથી કવિતાનું સર્જન કર્યું, એથી ‘શેષનાં કાવ્યો’ એવો એમનો આ ઉપનામનો અર્થ હોય. આત્મીય એવા પાઠકપ્રેમીઓએ ‘શેષ’ ઉપનામનો આવો આવો અનુચિત અર્થ કર્યો છે. ૧૯૨૫માં પાઠકસાહેબે જ્યારે પ્રથમ વાર આ ‘શેષ’ ઉપનામનો ઉલ્લેખ કર્યો ત્યારે એમને ભવિષ્યમાં કેવાં કાવ્યો રચાશે એની અભિજ્ઞતા ન હોય એથી પત્નીના સંદર્ભમાં પોતે અવશિષ્ટ, શેષ એવો એમનો આ ઉપનામનો અર્થ હોય તે ભલે પણ ‘શેષનાં કાવ્યો’માં જે કાવ્યો છે અને એ કાવ્યોમાં જે સ્થિર, સ્વસ્થ અને સમતોલ દૃષ્ટિ છે અને જે વૈશ્વિકતા છે એના સંદર્ભમાં તો જે પૃથ્વી અને વિષ્ણુને, વિશ્વ અને વૈશ્વિકતાને પોતાના શિર પર ધારણ કરે છે અને એમ કરવામાં જે સ્થિરતા, સ્વસ્થતા, સમતુલા અનિવાર્ય એ જેનામાં છે તે શેષ એવો અર્થ પણ થાય. આમ પશ્ચાત્દર્શનથી જે સ્થિર, સ્વસ્થ, સમતોલ દૃષ્ટિથી વૈશ્વિકતાને ધારણ કરે છે તે શેષ એવો અર્થ જ સૂક્ષ્મ અને માર્મિક છે અને પાઠકસાહેબની કવિતામાં જે વૈશ્વિકતા છે એના સંદર્ભમાં આ અર્થ વધુ સુસંગત અને સુયોગ્ય છે. ૧૯૩૮માં ‘શેષનાં કાવ્યો’ શીર્ષકથી પ્રથમ કાવ્યસંગ્રહ પ્રગટ કર્યો ત્યારે અને ત્યાર પછી ૧૯૫૯માં એના પ્રતિધ્વનિરૂપ કે અનુસંધાનરૂપ ‘વિશેષ કાવ્યો’ શીર્ષકથી જે મરણોત્તર પ્રગટ થયો અને જેમાં વિશેષ શેષત્વ છે તે કાવ્યસંગ્રહમાંનાં કાવ્યો રચ્યાં ત્યારે પાઠકસાહેબનો પણ આ ઉપનામનો આવો અર્થ હોય તો આશ્ચર્ય નહિ. ‘વિશેષ કાવ્યો’માં એક નર્મમર્મયુક્ત પ્રેમકાવ્ય ‘દુહા’માં ‘તેં ડોલાવ્યો શેષને’ ચરણમાં એમણે પણ એનું સૂચન કર્યું છે એથી તો આવો અર્થ ન હોય તો જ આશ્ચર્ય! ૧૯૨૬થી ૧૯૩૭ લગી ૧૧ વર્ષ પાઠકસાહેબે ‘પ્રસ્થાન’ માસિકનું સંપાદન કર્યું ત્યારે ‘પ્રસ્થાન’નો ધ્યાનમંત્ર હતો ‘દૃષ્ટિપૂતમ્ ન્યસેત્ પાદમ્’. એમણે દૃષ્ટિપૂતનો અર્થ કર્યો છે ‘દૃષ્ટિથી પવિત્ર થયેલું પગલું. દૃષ્ટિ એટલે સ્પષ્ટ જ્ઞાન.’ સર્જક, ભાવક, ભાવકશ્રેષ્ઠ વિવેચકમાં અને મનુષ્યમાત્રમાં આ અનિવાર્ય એવી દૃષ્ટિ છે. આ દૃષ્ટિ એટલે વિવેકદૃષ્ટિ, ઔચિત્યદૃષ્ટિ, તારતમ્યદૃષ્ટિ, તોલનદૃષ્ટિ, સામંજસ્યદૃષ્ટિ, સમન્વયદૃષ્ટિ, સ્થિરદૃષ્ટિ, સ્વસ્થ દૃષ્ટિ, તટસ્થદૃષ્ટિ, સ્થિતપ્રજ્ઞદૃષ્ટિ — એનાં અનેક નામરૂપ છે. પાઠકસાહેબના જીવનનું એકેએક પાદ – પગલું દૃષ્ટિપૂત છે. એમનું એકેએક પદ – કાવ્ય દૃષ્ટિપૂત છે. પછી ભલેને એ પદ – કાવ્ય એક જ પંક્તિનું પદ – કાવ્ય હોય પણ એનો સંબંધ સમગ્ર વિશ્વ સાથે છે. કાવ્ય અને વાસ્તવિક જગતના સંબંધના સંદર્ભમાં પાઠકસાહેબે વૃક્ષ પરના ફૂલનું અને ભૂમિ પરના મકાનનું રૂપક યોજ્યું છે. ફૂલનો સંબંધ વૃક્ષ સાથે છે પણ વૃક્ષ દ્વારા પૃથ્વી સાથે અને પૃથ્વી દ્વારા સમગ્ર વિશ્વ સાથે છે. મકાનનો સંબંધ એ જે ભૂમિ પર રચાયું છે એ ભૂમિ સાથે અને એ ભૂમિ દ્વારા સમગ્ર વિશ્વ સાથે છે. પાઠકસાહેબની કવિતામાં જે વૈશ્વિકતા છે એનું રહસ્ય આ દૃષ્ટિમાં છે. આપણા રાષ્ટ્રનો ધ્યાનમંત્ર છે ‘સત્યમેવ જયતે’. પાઠકસાહેબે એ જ શીર્ષકથી એક લેખમાં એનું સૂક્ષ્મ અને માર્મિક અર્થઘટન કર્યું છે. મુંડક ઉપનિષદમાં ‘જયતે’ શબ્દપ્રયોગ છે. ક્રિયાપદનું આ ‘જયતે’ રૂપ અકર્મક અથવા આત્મનેપદી છે. પ્રશિષ્ટ સંસ્કૃતમાં અને સંસ્કૃત વ્યાકરણમાં આ ક્રિયાપદનું ‘જયતિ’ રૂપ જ થાય. આ ‘જયતિ’ રૂપ સકર્મક અને અકર્મક અથવા પરસ્મૈપદી અને આત્મનેપદી બન્ને છે. પરસ્મૈનો અર્થ અન્યને અર્થે એવો થાય છે. એટલે ‘જયતિ’માં અન્યના પરાજય દ્વારા સત્યનો વિજય થાય છે એવો અર્થ પણ છે. આત્મનેનો અર્થ પોતાને અર્થે એવો થાય છે. એટલે ‘જયતે’માં પોતાને અર્થે સત્યનો વિજય થાય છે એવો અર્થ જ છે. એમાં અન્યના પરાજયની અપેક્ષા કે અનિવાર્યતા નથી, એમાં અન્યનું અસ્તિત્વ જ નથી. એમાં સત્યનો અન્યનિરપેક્ષ વિજય, સ્વત:, સ્વભાવત: વિજય થાય છે. એથી જયતે રૂપ દ્વારા સત્ય=અહિંસા એવો અર્થ થાય છે. વળી સત્યનો વિજય થાય છે. થાય જ છે એનો અર્થ એ કે કર્મનું બીજ સત્યમાં રોપ્યું હોય તો તેનો વિજય થાય છે, એ ઊગે છે અને ફાલે-ફૂલે-ફળે છે. વળી સત્યનો જ વિજય થાય છે; અનૃતનો, અસત્યનો વિજય થતો નથી એનો અર્થ એ કે કર્મનું બીજ અનૃતમાં, અસત્યમાં રોપ્યું હોય તો તેનો વિજય થતો નથી, એ ઊગતું જ નથી. એથી જયતે રૂપ દ્વારા સત્ય=સત્તા=ઈશ=ઈશ્વર એવો અર્થ થાય છે. ગાંધીવિચાર-વાણી-વર્તનના સંદર્ભમાં સત્ય એ જ અહિંસા અને સત્ય એ જ ઈશ્વર; પણ કાવ્યના સંદર્ભમાં પણ કવિના કર્મ – કાવ્યનું બીજ સત્યમાં રોપ્યું હોય તો તેનો વિજય થાય છે, એ ઊગે છે અને અંતે એ વૈશ્વિકતામાં ફાલે-ફૂલે-ફળે છે. પાઠકસાહેબની કવિતામાં જે વૈશ્વિકતા છે એનું રહસ્ય આ સત્યમાં છે. આમ, પાઠકસાહેબની ‘દૃષ્ટિપૂતમ્ ન્યસેત્ પાદમ્’ ધ્યાનમંત્રની પસંદગી અને પાઠકસાહેબનું ‘સત્યમેવ જયતે’ ધ્યાનમંત્રનું અર્થઘટન આ લેખના વિષયના સંદર્ભમાં અત્યંત સૂચક છે. પાઠકસાહેબે જીવનભર કવિતા વિશે વિવેચન અને જીવન વિશે તત્ત્વચિન્તન કર્યું છે. એમનું કવિતા વિશેનું સૈદ્ધાંતિક વિવેચન મુખ્યત્વે ‘કાવ્યની શક્તિ’ (૧૯૨૮), ‘સાહિત્ય અને જીવન’ (૧૯૩૯), ‘કાવ્ય અને સત્ય’ (૧૯૪૬) અને ‘મમ્મટની રસમીમાંસા’ (૧૯૫૫) લેખોમાં છે. આ ઉપરાંત એમણે અનેક લેખો, અવલોકનો, વ્યાખ્યાનો, વાર્તાલાપો આદિમાં સંસ્કૃત અને પ્રાચીન-અર્વાચીન ગુજરાતી કવિઓ અને કાવ્યસંગ્રહો વિશે પ્રાયોગિક વિવેચન પણ કર્યું છે. એમનું જીવન વિશેનું તત્ત્વચિન્તન મુખ્યત્વે ‘પ્રેમ’ (૧૯૨૬), ‘માનવીની વિશેષતા’ (૧૯૪૭), ‘મૃત્યુ વિશે કંઈક’ (૧૯૪૭) અને ‘સત્યં શિવં સુન્દરમ્’ (૧૯૪૮) — લેખોમાં છે. પાઠકસાહેબે ૧૯૨૧-૧૯૨૪માં મમ્મટના ‘કાવ્યપ્રકાશ’નું અધ્યયન-અધ્યાપન કર્યું હતું અને એનો અનુવાદ પણ કર્યો હતો. એ નિમિત્તે એમને આરંભમાં રસ અને આનંદ વિશે મનન કરવાનો, વિચાર કરવાનો પ્રસંગ આવ્યો હતો, અને એના પ્રકાશમાં પ્રેમ વિશે તત્ત્વચિન્તન કરવાનું પ્રાપ્ત થયું હતું. પછી પૂર્વોક્ત લેખોમાં ઉત્તરોત્તર વિવેચન અને તત્ત્વચિન્તનનો વિકાસ અને વિસ્તાર થયો હતો તથા પરસ્પર પ્રભાવ રહ્યો હતો અને અંતે બન્નેનો એકાકાર એવો સંવાદી સંબંધ હતો. એમણે એ વિશે અવારનવાર ઉલ્લેખ કર્યો છે. પાઠકસાહેબના આ વિવેચન અને તત્ત્વચિન્તનનું અને એ બન્નેના પરસ્પર પ્રભાવ અને સંવાદી સંબંધનું રહસ્ય એમની એક પાયાની પ્રતીતિમાં છે, કે કાવ્યને જીવન સાથે, સત્ય અને નીતિ સાથે, બાહ્ય જગત સાથે, વ્યવહાર જગત સાથે જીવંત, માર્મિક અને આંતરબાહ્ય સર્વતોભદ્ર સંબંધ છે. એમની આ પ્રતીતિ એમના વિવેચનમાં ભિન્ન ભિન્ન સંદર્ભોમાં વારંવાર પ્રગટ થાય છે. કાવ્યનું સર્જન અને ભાવન થાય તે પૂર્વે કવિ અને ભાવકનું, ભાષા અને ભાવનું બાહ્ય જગતમાં, બાહ્ય જીવનમાં અસ્તિત્વ હોય છે એ કારણે આ સંબંધ છે. પણ પછી જ્યારે કાવ્યનું સર્જન અને ભાવન થાય છે ત્યારે કવિ અને ભાવકનું, ભાષા અને ભાવનું રૂપાંતર થાય છે. એથી ત્યારે એમનું બાહ્ય જગતમાં, બાહ્ય જીવનમાં હોય છે એથી ભિન્ન એવું સ્વરૂપ હોય છે. ત્યારે લોકોત્તર, અલૌકિક એવી કવિની કારયિત્રી પ્રતિભા અને ભાવકની ભાવયિત્રી પ્રતિભા પ્રવૃત્ત હોય છે અને એથી કવિ અને ભાવક ત્યારે સામાજિક રહેતો નથી અને ત્યારે ભાષા લયાન્વિત અલંકારયુક્ત કાવ્યભાષા રૂપે અને ભાવ રસ રૂપે પ્રગટ થાય છે એથી કાવ્યને જીવન સાથે સંબંધ છે છતાં કાવ્યનો અનુભવ અને જીવનનો અનુભવ, બાહ્ય જગતનો અનુભવ ભિન્ન હોય છે, બન્નેમાં ભેદ હોય છે. પાઠકસાહેબે કવિની કારયિત્રી પ્રતિભા અને સર્જનપ્રક્રિયા તથા ભાવકની ભાવયિત્રી પ્રતિભા અને ભાવનપ્રક્રિયા વિશે અનેક દાખલા-દલીલો સાથે વિશદ અને વિસ્તૃત વિવેચન કર્યું છે. પાઠકસાહેબે આ વિવેચન ભારતીય અને યુરોપીય વિવેચનની પરંપરા અને પરિભાષાના સંદર્ભમાં કર્યું છે. એમાં એમને ભારતના ભરત, ભટ્ટ લોલ્લટ, શંકુક, ભટ્ટ નાયક, અભિનવગુપ્તપાદ, મમ્મટ, ક્ષેમેન્દ્ર, પ્રદીપકાર ગોવિન્દ, આનંદવર્ધન, દશરૂપકકાર, ભટ્ટ તોત અને રવીન્દ્રનાથ તથા યુરોપના બોસાંકે, બ્રેડલી અને આર્નલ્ડ આદિ અનેક વિવેચકોનાં અવતરણોનો આધાર અને એમના કાવ્યતત્ત્વવિચાર-રસવિચારનું અનુમોદન છે. એમણે કાવ્ય એ નિયતિકૃતનિયમરહિતા અને અનન્યપરતંત્રા એવી એક સ્વતંત્ર, સંપૂર્ણ, સ્વાયત્ત સૃષ્ટિ છે તથા અવિઘ્ના સંવિત્, ભગ્નાવરણ ચિત્, વિગલિત વેદ્યાન્તર, સાધારણીકરણ, ઔચિત્ય આદિ દ્વારા કાવ્યનું સર્જન અને ભાવન થાય છે એ વિશે તાર્કિક અને બૌદ્ધિક વિવેચન કર્યું છે. પાઠકસાહેબે ભાવ અને રસ વિશે જે વિવેચન કર્યું છે એ એમનું સૌથી માર્મિક અને મૌલિક વિવેચન છે. ભાવ એ ચિત્ત-ચેતન-ચૈતન્યનું, આત્માનું સહજ સ્ફુરણ છે. એ ચૈતન્યનો સ્વભાવ છે, ધર્મ છે; એ ચૈતન્યનું લક્ષણ છે, જીવન છે. બાહ્ય જગતમાં, વ્યવહાર જગતમાં કોઈ પદાર્થ, પાત્ર, પ્રસંગ કે પરિસ્થિતિનું નિમિત્ત પ્રાપ્ત થાય એટલે એ નિમિત્તના પક્ષમાં કે પ્રતિકારમાં ચિત્ત એની આંતરશક્તિથી એના કોઈ આંતરતત્ત્વને આવશ્યક, એના કોઈ આંતરપ્રયોજનને અનુકૂળ એવા ભાવનું અવશપણે અવશ્યમેવ સ્ફુરણ કરે છે. હમણાં જ કહ્યું તેમ, કાવ્યમાં આ ભાવ કવિ અને ભાવકની લોકોત્તર, અલૌકિક એવી કારયિત્રી અને ભાવયિત્રી પ્રતિભા દ્વારા રસરૂપે પ્રગટ થાય છે. રસ વિશેનું પાઠકસાહેબનું દર્શન – દર્શન? હા, દર્શન સ્તો! અહીં હવે પછીનું જે અવતરણ છે એમાં પાઠકસાહેબની માર્મિક અને મૌલિક દૃષ્ટિ છે એથી દર્શન — આ પ્રમાણે છે : ‘કાવ્યમાં રસનિષ્પત્તિ થાય છે એટલું કહીને આપણા શાસ્ત્રકારો રહી ગયા નથી. એમણે આઠ કે નવ રસો પણ ગણાવ્યા છે… આ બધા રસોને માનવચિત્તમાં રહેલા સ્થાયી ભાવો… સાથે સંબંધ છે. કાવ્યમાં આ સ્થાયી ભાવો રતિ એટલે પ્રીતિ, હાસ, શોક, ક્રોધ, ઉત્સાહ, ભય, જુગુપ્સા, વિસ્મય અને નવ ગણીએ તો નવમો નિર્વેદ છે. અને તેને મળતાં કાવ્યોમાં અનુભવાતા રસો શૃંગાર, હાસ્ય, કરુણ, રૌદ્ર, વીર, ભયાનક, બીભત્સ, અદ્ભુત અને નવમો શાંત રસ છે… સ્થાયી ભાવોની આ ગણતરી સાચી છે… કાવ્યાનુભવમાં ભાવક પોતાનો જ સ્થાયી આસ્વાદતો હોય છે. તેમ છતાં એ આસ્વાદ માટે સ્થાયીનું નામ ન રાખતાં રસનું જુદું નામ રાખ્યું એ પણ શાસ્ત્રની દીર્ઘ અને ગહન દૃષ્ટિ બતાવે છે… કાવ્યભાવનવ્યાપારને લીધે સ્થાયીનો જ આસ્વાદ થતો હોવા છતાં એ અનુભવ એટલો બધો લોકોત્તર છે કે એને એક નામ ન જ આપી શકાય. વાસ્તવિક જીવનની સર્વ સ્થૂળતા આ વ્યાપારમાં ગળાઈ જાય છે અને તેના અનુભવમાં સમગ્ર જીવનનું કોઈ રહસ્ય પ્રતીત થાય છે તેથી એ અનુભવ વાસ્તવિક જગતના અનુભવથી અત્યંત સૂક્ષ્મ, વિશાલ અને ઉદાત્ત છે… મહાન કૃતિઓ આખા જીવનને સ્પર્શે છે. ખરેખર સ્પર્શતી ન હોય ત્યાં પણ કાવ્યની ભૂમિકા નીચે આખા જીવન તરફની દૃષ્ટિ હોય છે અને એમ હોય છે ત્યાં કાવ્યનું અંતિમ રહસ્ય શાંત રસનું જ હોય છે. શૃંગારાદિ રસો પણ સ્થાયી નથી, ખરો સ્થાયી તે આત્મા છે. આત્મૈવ સ્થાયી. અને એમ હોય તો ખરો રસ તો શાંત રસ જ છે… આત્મા સ્થાયી છે… આમાં સચરાચર બધું વિશ્વ, અનંત દિક્કાલમાં વહેતું આખું વિશ્વ અને તેથી જીવનની વિકાસદિશા પણ આવી જાય છે. કોઈ કહે આ તો તત્ત્વજ્ઞાન થયું તો કહેવાનું કે કાવ્ય પણ તત્ત્વજ્ઞાનની પેઠે જ આખા વિશ્વને પોતાના આકલનમાં લે છે.’ આ છે પાઠકસાહેબનું કવિતા વિશેનું વિવેચન, કવિતામાં વૈશ્વિકતાનું દર્શન. આગળ કહ્યું તેમ, પાઠકસાહેબે કવિતા વિશે વિવેચન કર્યું એના અનુસંધાન અને અનુલક્ષ્યમાં એમને જીવન વિશે, પ્રેમ અને મૃત્યુ વિશે તત્ત્વચિન્તન કરવાનું પ્રાપ્ત થયું હતું. ‘પ્રેમ’માં આરંભમાં રસશાસ્ત્ર અને આનંદમીમાંસા, વચમાં કવિની કવિતાનું હાર્દ અને અંતમાં કાવ્યશાસ્ત્ર, રસ, વિભાવ આદિનો ઉલ્લેખ છે. એમાં તત્ત્વદૃષ્ટિએ પ્રેમ વિશે વિચાર કરવાનો ઉપક્રમ છે. પ્રેમ એક વૃત્તિ છે. વૃત્તિ ચેતનને જ હોય, જડને હોય જ નહિ. જડસૃષ્ટિમાં પદાર્થોના બાહ્ય જગત સાથેના સંબંધમાં કાર્યકારણનો નિયમ છે. ચેતનસૃષ્ટિમાં ચેતનના બાહ્ય જગત સાથેના સંબંધમાં નિમિત્તકારણનો નિયમ છે. આ ચેતનની વિશેષતા છે. વળી પ્રેમની વૃત્તિ અન્ય મનુષ્ય અને તે પણ અનુકૂળ મનુષ્યના નિમિત્તકારણથી થાય એ પ્રેમની વૃત્તિની વિશેષતા છે. ચેતન બાહ્ય જગતમાં અન્ય અનુકૂળ મનુષ્યનું નિમિત્ત પ્રાપ્ત થાય ત્યારે એની આંતરશક્તિથી પ્રેમની વૃત્તિનું સ્ફુરણ કરે છે. એ વૃત્તિ એની આંતર આવશ્યકતાની, એના આંતરપ્રયોજનની સિદ્ધિ અર્થે, એ આવશ્યકતાને, પ્રયોજનને અનુકૂળ એવી સાધના, પ્રવૃત્તિ — ગતિ — પ્રગતિ કરે છે. આ આવશ્યકતાનું, પ્રયોજનનું સ્વરૂપ શું છે? આરંભમાં એ સ્પષ્ટ હોતું નથી, અસ્પષ્ટ અથવા અર્ધસ્પષ્ટ હોય છે. પણ એની સાધનામાં, સિદ્ધિમાં એ સ્પષ્ટ થાય છે. વળી એમાં ઉચ્ચાવચતા ક્રમ, ગૌણપ્રધાનભેદ હોય છે. છતાં પાઠકસાહેબનાં કેટલાંક વિધાનો છે : ‘તત્ત્વદૃષ્ટિએ હું એમ માનું છું કે દરેક વ્યક્તિમાં ઉત્તમમાં ઉત્તમ પ્રયોજન રહેલું છે… ઠેઠ લગી ઊગ્યા કરવું એ ચેતનનો સ્વભાવ છે, એમાં ચેતનનો ઉલ્લાસ છે. ચેતનનો એક ધર્મ જેમ મેં કહ્યું કે સતત — અનંત — પ્રગતિનો છે… પ્રેમમાંથી મળતો આનંદ એ ચેતનના વિજયનો આનંદ છે, વિશાળ પ્રયોજનની સાધનાનો કે સિદ્ધિનો આનંદ છે.’ એમાં સ્પષ્ટ કથન તો નથી, પણ એક માર્મિક સૂચન અવશ્ય છે. જેમ કેળના વૃક્ષમાં એક પાંદડું ખીલે છે અને ખરે છે તે પૂર્વે જ એમાંથી જ અન્ય પાંદડું ખીલે છે અને એમ એક પછી એક અનેક પાંદડાં ખીલે છે અને ખરે છે, અંતે પરિપૂર્ણ કેળ પ્રગટ થાય છે તેમ પ્રેમ એક પ્રયોજનથી અન્ય પ્રયોજનમાં અને અન્યમાંથી અનેક પ્રયોજનમાં ગતિ-પ્રગતિ કરે છે. ઇષ્ટમાંથી ઇષ્ટતર અને ઇષ્ટતરમાંથી ઇષ્ટતમ પ્રયોજનમાં ગતિ-પ્રગતિ કરે છે. અર્થાત્ પ્રેમ સ્વમાંથી સર્વમાં, વ્યક્તિમાંથી સમષ્ટિમાં, વ્યક્તિતામાંથી વૈશ્વિકતામાં પર્યવસાન પામે છે. અન્ય શબ્દોમાં પ્રેમ પરમેશ્વરમાં પર્યવસાન પામે છે. જીવસૃષ્ટિમાં પણ પશુપંખી આદિ અન્ય જીવોની અપેક્ષાએ મનુષ્યમાં અનેક વિશેષતાઓ છે. એમાં સૌથી મૂલભૂત મહાન વિશેષતા છે મનુષ્યની કાલબુદ્ધિ. મનુષ્યમાં ભૂત અને વર્તમાનને એક પછી એક કાલાનુક્રમે નહિ પણ એકસાથે સ્મરવાની અને પ્રત્યક્ષ કરવાની જે બુદ્ધિ છે તે કાલબુદ્ધિ. આ કાલબુદ્ધિને કારણે જ મનુષ્યમાં સ્મરણ, કલ્પના, તારતમ્યબુદ્ધિ, તોલનબુદ્ધિ, વિવેકબુદ્ધિ — એટલે કે અમૂર્ત વિચારો, તત્ત્વગ્રહણ, જાતિગ્રહણ, ભાષા અંગેની શક્તિઓ અને મૂલ્યો, ધર્મ, સાચું-ખોટું, સારું-નરસું, સુન્દર-અસુન્દર વિશે સૂઝસમજ આદિ અન્ય સૌ વિશેષતાઓ છે. મનુષ્ય જ કાલમાં વિચાર કરે છે. એથી એનામાં મૃત્યુ વિશેની અભિજ્ઞતા છે. પોતે મર્ત્ય છે એવું મૃત્યુ વિશેનું જ્ઞાન-ભાન છે. એક બાજુ એનામાં પ્રબલ જિજીવિષા છે અને એ એષણા જ ઇષ્ટ છે એવી સમજ છે તો બીજી બાજુ એનામાં જીવન પરિમિત છે, આયુષ્યને અવધિ છે એવી સમજ છે. એક બાજુ જિજીવિષાને કારણે એને પ્રશ્ન થાય છે મૃત્યુ પછી શું? અને એ પ્રશ્ન સદાયનો અનુત્તર રહ્યો છે અને રહેવાનો છે. તો બીજી બાજુ મૃત્યુને કારણે એના જીવનમાં અપાર વૈવિધ્ય છે, તારતમ્યબુદ્ધિ, વિવેકબુદ્ધિ છે. પોતે મર્ત્ય છે, જીવન પરિમિત છે, આયુષ્યને અવધિ છે એથી ઇષ્ટતમ, ઉચ્ચતમ જીવન, જેમાં સૌથી વિશેષ જીવનરહસ્ય હોય એવું જીવન જીવવા માટે મનુષ્યમાં અધૈર્ય છે, વિહ્વલતા છે. વળી પશુપંખી આદિ અન્ય જીવોની અપેક્ષાએ મનુષ્ય જ વિચાર કરી શકે છે એ મનુષ્યની વિશેષતા છે. મનુષ્ય જ સત્ય-અસત્ય, વ્યક્તિ અને સમષ્ટિ માટે ઇષ્ટ-અનિષ્ટ, સુન્દર-અસુન્દરનો વિચાર કરી શકે છે, વિવેક કરી શકે છે. પરિણામે જે અસત્ય છે તે અનિષ્ટ જ હોય અને જે અસત્ય અને અનિષ્ટ હોય તે અસુન્દર જ હોય માટે જે સત્ય છે તે જ શિવ છે અને જે સત્ય અને શિવ છે તે જ સુન્દર છે એમ એ જુવે છે અને એમ જે જુએ છે તે જ સાચું જુવે છે. ય: પશ્યતિ સ: પશ્યતિ. અને એમ જે સાચું જુવે છે તે જ સાચું જીવે છે. આમ, જિજીવિષા અને મૃત્યુને કારણે એક બાજુ મનુષ્ય ઇષ્ટતમ, ઉચ્ચતમ જીવન; સત્યં, શિવં, સુન્દરમ્નું જીવન જીવવાનો અધૈર્યપૂર્વક, વિહ્વલતાપૂર્વક પ્રયત્ન અને પુરુષાર્થ કરે છે. આ મનુષ્યની પૂર્ણતા છે. તો બીજી બાજુ ધર્મ એ જ મનુષ્યની વિશેષતા છે છતાં પશુમાં અને મનુષ્યમાં આહારનિદ્રાભયમૈથુન સમાન છે. એથી એ ધર્મહીન હોય તો પશુની સમાન છે. આમ, મનુષ્ય અપૂર્ણ પણ છે, પતનશીલ, સ્ખલનશીલ છે એથી એ જ્યારે વિચારહીન, વિવેકહીન, ધર્મહીન થાય છે ત્યારે, પશુથી પણ પશુતર થાય છે ત્યારે જિજીવિષા અને મૃત્યુને કારણે જ, પોતે મર્ત્ય છે, જીવન પરિમિત છે, આયુષ્યને અવધિ છે એ કારણે જ એ પશુનું જીવન, અનિષ્ટતમ, અધમતમ જીવન; અસત્ય, અશિવ અને અસુન્દરનું જીવન જીવવાનો અધૈર્યપૂર્વક, વિહ્વલતાપૂર્વક પ્રયત્ન અને પુરુષાર્થ કરે છે. જીવનનું આ વૈવિધ્ય છે, જીવનનો આ વિરોધાભાસ છે. પણ જીવનનો એથી યે વિશેષ વિસ્મયકારક અને અદ્ભુત આશ્ચર્યજનક એવો એક વિરોધાભાસ છે. અંગ્રેજીમાં પણ એને વિશે એક ઉક્તિ છે : It takes life to create life. જીવનનું વિસર્જન થાય છે ત્યારે જીવનનું સર્જન થાય છે. બાઇબલમાં પણ એને વિશે એક શ્રદ્ધાવચન છે : He who loses his life shall save it. જે જીવન વામે છે તે જીવન પામે છે. પાઠકસાહેબે એને વિશે વિધાન કર્યું છે, ‘મનુષ્ય પાસે સહુથી મૂલ્યવાન વસ્તુ તેનું જીવન છે. પણ એ જીવનમાં જ એવું કંઈક છે — જેને ખાતર મહાનુભાવી પુરુષો એ સમગ્ર જીવનનું બલિદાન આપે છે… અને મને જીવનની સૌથી મોટી ખૂબી એ લાગે છે કે જીવન ઇષ્ટતમ હોવા છતાં, તેની અંદર જ કોઈ એવો અંશ છે, જેને સિદ્ધ કરવા માણસ આ આખા જીવનનો ત્યાગ કરે છે. મારે મન ચૈતન્યનો આ અદ્ભુત કોયડો છે… જીવનસૃષ્ટિના આદિથી જે અંધ જિજીવિષા બળ અનિરુદ્ધ ઊતરતું આવ્યું છે તેનું આ જ રહસ્ય છે, આ જ ઇષ્ટાનામ્ ઇષ્ટમ્-ઇષ્ટોનું ઇષ્ટ, પરમ ઇષ્ટ છે. જિજીવિષા આખી અહીં સાર્થ, ચરિતાર્થ થાય છે. અને આપણે એક અદ્ભુત વિરોધાભાસમાં ઊતરી પડીએ છીએ કે જીવનનું સાર્થક્ય જીવનના ત્યાગમાં રહેલું છે. તેન ત્યકતેન ભુંજીથા : ‘તેનો ત્યાગ કરીને ભોગવ’ અથવા કહો કે તેનો ત્યાગ એ જ ભોગ છે! ત્યાગ અને ભોગ એ એક બની રહે એ ઇષ્ટતમ-ઉચ્ચતમ જીવન!’ આ છે પાઠકસાહેબનું જીવન વિશેનું તત્ત્વચિન્તન, જીવનમાં વૈશ્વિકતાનું દર્શન. આમ, પાઠકસાહેબનું કવિતા વિશેનું વિવેચન અને જીવન વિશેનું તત્ત્વચિન્તન અંતે એકસમાન નિષ્કર્ષ પર વિરમે છે અને તે છે વૈશ્વિકતા – સમગ્રતા, અખંડતા, એકતા, સંપૂર્ણતા, સંવાદિતા, વિશાલતા, ભવ્યતા, શ્રીમદૂર્જિતતાના પર્યાયરૂપ વૈશ્વિકતા. પાઠકસાહેબે એમનું કવિતા વિશેનું જે વિવેચન છે અને જીવન વિશેનું જે તત્ત્વચિન્તન છે તથા એ બન્નેમાં જે વૈશ્વિકતાનું દર્શન છે એના સંદર્ભમાં કવિતા લખવાનો અને જીવન જીવવાનો સાત્ત્વિક અને સન્નિષ્ઠ પ્રયત્ન અને પુરુષાર્થ કર્યો છે. એ તો ભાગ્યે જ કહેવાનું હોય કે એમાં એમના સમયના અને સ્થળના વાતાવરણનું અને એમના સ્વકીય એવા સર્જક વ્યક્તિત્વનું પણ અર્પણ છે. પાઠકસાહેબના સમયમાં ગુજરાતમાં અને ભારતભરમાં ગાંધીજીની સત્ય-અહિંસાની વ્યાપક ધર્મભાવનાનું, ગાંધી-વિચાર-વાણી-વર્તનનું વાતાવરણ હતું. વળી પાઠકસાહેબે ૧૯૨૧થી ૧૯૨૮ લગી ગૂજરાત વિદ્યાપીઠમાં ગાંધીજીની દિનપ્રતિદિનની ઉપસ્થિતિમાં જ અધ્યાપન કર્યું હતું. એમાં એમના જીવનમાં જે સાત્ત્વિકતા છે અને એમની કવિતામાં જે વૈશ્વિકતા છે એનો પ્રાણવાયુ હતો. એથી એમની કવિતામાં સુન્દરમ્-ઉમાશંકર આદિની કવિતામાં છે એથી યે વિશેષ ગહન અને ગભીર એવો ગાંધીજીવનદર્શનનો અકળ અને અદૃશ્ય પ્રભાવ છે. એના સંદર્ભમાં એમનું વિધાન છે, ‘જીવન ઉપર અસર કરનારામાં હું ગાંધીજીને પહેલા અથવા બીજા મૂકું.’ (પાઠકસાહેબ ગાંધીજીને બીજા મૂકે તો પહેલા કોને મૂકે? પિતા વિશ્વનાથને?). ‘અત્યારની દુનિયામાં દેશદેશ વચ્ચે, વાદવાદ વચ્ચે, સ્વાર્થસ્વાર્થ વચ્ચે જે મડાગાંઠ પડી છે… તેમાંથી છૂટવા માટે આ (એટલે ગાંધીજીનો) એક જ ધર્મ છે. પશ્ચિમની દુનિયાના મહાન ચિંતકો, બર્નાર્ડ શો, બર્ટ્રાન્ડ રસેલ, લાસ્કી, એમાંના ઘણાઓના વિચારોનો આની સાથે સમન્વય થાય છે એટલું જ નહિ, એમને ઇષ્ટ પ્રગતિ માટે આ જીવનદૃષ્ટિ ઉપકારક થાય એવી બીજી એક્કેય ન થાય એમ હું માનું છું.’ પાઠકસાહેબનું સ્વકીય એવું સર્જક વ્યક્તિત્વ એ દ્વિદલ વ્યક્તિત્વ હતું. એમના સર્જક માનસમાં ‘હું’ અને ‘એ’નું સહઅસ્તિત્વ હતું. એ નાના હતા ત્યારથી તે જીવનભર એમના નિરાંતના એકાન્તમાં આ ‘હું’નો ‘એ’ની સાથે અથવા કથાઓનાં અને કાવ્યોનાં પાત્રો સાથે સતત વાદ-વિવાદ અને સંવાદ-વાર્તાલાપ થતો રહ્યો હતો. વળી આ સર્જક માનસની લગોલગ એક અન્ય માનસનું, વિદૂષક માનસ (વિવેચક માનસ જ ને?)નું પણ અસ્તિત્વ હતું. આ વિદૂષક માનસ સતત સર્જક માનસનો ક્રૂર ઉપહાસ કરતું અને એનાં દોષ-દૂષણનું દર્શન કરાવતું રહ્યું હતું. આ બન્ને માનસ ક્યારેક એક-સાથે તો ક્યારેક એક પછી એક પ્રવૃત્ત રહ્યાં હતાં. એથી જ એમની કવિતામાં ઔચિત્ય છે, અને શાશ્વત કાળમાં જેમનું અસ્તિત્વ છે એવાં સત્ય-અસત્ય, શિવ-અશિવ, સુન્દર-અસુન્દર આદિ ભિન્નભિન્ન અથવા પરસ્પર વિરોધી અર્થો, વિચારો, ભાવોને સ્થાન છે. એમણે એમની કલ્પનાથી એ સૌને દશે દિશાથી ‘તે-જે-છે-તે રૂપે, સ્વરૂપે, યથા-તથ્યથી જોઈ-જાણીને, એમની સર્જકતાથી એ સૌને યોગ્ય સ્થાને, યોગ્ય પરસ્પર સંબંધમાં સંવાદિતાથી યોજીને કવિતાનું સર્જન કર્યું છે. આ કવિતા સાચે જ એક ચિન્તક-કવિની, કવિ-મનીષીની કવિતા છે. આર્નલ્ડે સોફોકલીસને વિશે જે વિધાન કર્યું છે, ‘He saw life steadily and saw it whole’ તેની સહાયથી કહેવું હોય તો એમણે કવિતામાં જીવનનું અને જગતનું સ્થિરતાથી એની સમગ્રતામાં દર્શન કર્યું છે. પાઠકસાહેબની કવિતામાં જે વૈશ્વિકતા છે એનું આ અંતિમ રહસ્ય છે. પાઠકસાહેબે ૬૮ વર્ષના જીવનના ઉત્તરાર્ધમાં ૩૪ વર્ષ લગી કવિતા, વારતા, નાટક, નિબંધ, વિવેચન આદિ અનેક સાહિત્યસ્વરૂપોમાં સર્જન કર્યું હતું. પણ જેમાં એમનું હૃદયસર્વસ્વ પ્રગટ થયું હોય તે તો છે કવિતા. ૧૯૩૭માં એમની ૫૦ વર્ષની વયે એમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘શેષનાં કાવ્યો’ પ્રગટ થયો હતો. એમાં ૪ અનુવાદકાવ્યો, અર્પણપંક્તિ અને અર્પણકાવ્ય સમેત કુલ ૬૯ કાવ્યો છે. ૧૯૫૯માં એમનો દ્વિતીય કાવ્યસંગ્રહ ‘વિશેષ કાવ્યો’ મરણોત્તર પ્રગટ થયો હતો. એમાં ૬ અનુવાદકાવ્યો અને અર્પણપંક્તિ સમેત કુલ ૫૯ કાવ્યો છે. આમ, એમણે ૩૪ વર્ષના કવિજીવનમાં ૧૦ અનુવાદકાવ્યોની બાદબાકી પછી કુલ ૧૧૮ કાવ્યો રચ્યાં હતાં. પાઠકસાહેબની કવિતાનો પનો ટૂંકો છે પણ એનું પોત ઘટ્ટ છે, વળી એમાં ભાત પણ વિવિધરંગી છે. એમાં દોહરો, સોરઠો, પદ, ભજન, ગરબો, ગરબી, રાસ, ગઝલ, મુક્તક, સૉનેટ, ગદ્યકાવ્ય આદિ કાવ્યસ્વરૂપો છે; ઊર્મિકાવ્યો, કથનોર્મિકાવ્યો, નાટ્યોર્મિકાવ્યો તથા ચિન્તનોર્મિકાવ્યો છે; ૫ અપૂર્ણ કાવ્યો ઉપરાંત પ્રાસંગિક કાવ્યો, પ્રસંગકાવ્યો, અર્પણકાવ્યો તથા નર્મમર્મહાસ્ય-કાવ્યો છે; પરમેશ્વર, પ્રકૃતિ, પ્રણય, ચિન્તન આદિ વસ્તુવિષય છે. પાઠકસાહેબની કવિતામાં વૈશ્વિકતાને કારણે વસ્તુવિષયમાં શાંત રસ અને શૈલીસ્વરૂપમાં ઔચિત્ય છે. એમનાં ૧૧૮ કાવ્યો એ જાણે કે એક સળંગ કાવ્ય છે, જાણે કે ૧૧૮ મણકાની શાંત રસના સૂત્રથી સુગ્રથિત, સુશ્લિષ્ટ, સંપૂર્ણ એવી એક માળા છે અને ઔચિત્ય એ માળામાં મેરનો મણકો છે. એમની કવિતાનો જાણે કે વૈશ્વિકતાના સા પરથી આરંભ થાય છે અને વૈશ્વિકતાના સમ પર અંત આવે છે. એમના કોઈ પણ કાવ્યમાં કોઈ પણ ભાવ કે રસ અંતે નિર્વેદના સ્થાયી ભાવમાં અને શાંત રસમાં પર્યવસાન પામે છે. પાઠકસાહેબે નિર્વેદના સ્થાયી ભાવને અને શાંત રસને માર્મિક અને મૌલિક અર્થ અર્પણ કર્યો છે. આ એમનું કવિ તરીકે અને વિવેચક તરીકે ભારતીય રસશાસ્ત્રમાં મૂલ્યવાન પ્રદાન છે. નિર્વેદ એટલે નિવૃત્તિ, નિષ્ક્રિયતા, નિશ્ચેષ્ટતા નહિ, પણ નિર્વેદ એટલે અનાસક્ત, નિષ્કામ પ્રવૃત્તિ; સ્થિતપ્રજ્ઞની પ્રવૃત્તિ. પાઠકસાહેબ માત્ર કવિતામાં જ નહિ, વ્યવહાર જગતમાં પણ જીવનના ઉત્તમ સાક્ષી અને ભોક્તા હતા. શાંત રસ એટલે આત્મા, કારણ કે આત્મૈવ સ્થાયી — આત્મા જ સ્થાયી છે. શાંત રસ એટલે સ:, તદ્, તદ્-ત્વ, તત્ત્વ, કારણ કે રસોવૈ સ: — રસ જ તે છે. શાંત રસ એટલે સત્ય, કારણ કે આત્મા, સ:, તદ્ જ સત્ય છે. એથી પાઠકસાહેબની કવિતામાં સમગ્ર વિશ્વક્રમનું, વિશ્વની યોજનાનું, વિશ્વની એકતંત્ર વ્યવસ્થાનું દર્શન છે. સમગ્રતાનું, સંપૂર્ણતાનું, વિશાલતાનું, એકતા, અખંડતાનું દર્શન છે. ભૂમા ઇવ સુખમ્નું દર્શન છે. આ વિશ્વમાં જે છે તે છે, જે જેવું છે તે તેવું છે, જે જેમ છે તે તેમ છે; વિશ્વમાં પ્રત્યેક વસ્તુ એના યોગ્ય પ્રમાણમાં એના યોગ્ય સ્થાને છે એવું યથાતથ્યનું દર્શન છે. આ વિશ્વમાં કશું આઘુંપાછું, આડુંઅવળું, ઊંધુંચત્તું, વત્તુઓછું નથી એનો સ્વીકાર-પુરસ્કાર છે. એનો કોઈ વિવાદ-વિરોધ, અસ્વીકાર-તિરસ્કાર નથી. એમનું અસ્તિવાચક દર્શન છે. એથી એમનાં ભિન્ન ભિન્ન કાવ્યોમાં ભિન્ન ભિન્ન ભાવ અને રસ છે છતાં અંતે એ એક જ સ્થાયી ભાવનો, નિર્વેદનો અને એક જ રસનો, શાંત રસનો આક્ષેપ કરે છે. પ્રત્યેક કાવ્યમાં ખંડ અથવા અપૂર્ણતા છે છતાં જેમ પરિઘનો ખંડ વર્તુલના મધ્યબિંદુનો, સંપૂર્ણ વર્તુલનો આક્ષેપ કરે છે તેમ, એ ખંડ અથવા અપૂર્ણતા અખંડતાનો, સંપૂર્ણતાનો આક્ષેપ કરે છે. પાઠકસાહેબની કવિતામાં વસ્તુવિષયમાં નિર્વેદ અને શાંત રસ છે એથી એમની કવિતામાં શૈલીસ્વરૂપમાં ઔચિત્ય છે. એમાં દર્શનને અનુરૂપ વર્ણન છે, દૃષ્ટિને અનુકૂળ સૃષ્ટિ છે. જીવનની કોઈ ધન્ય ક્ષણે બાહ્યજગતમાં કોઈ પાત્ર, કોઈ પ્રસંગ કે કોઈ પરિસ્થિતિનું નિમિત્ત પ્રાપ્ત થાય અથવા આંતરજીવનમાં કોઈ સ્વયંભૂ અનુભૂતિનું નિમિત્ત પ્રાપ્ત થાય અથવા વિશ્વના કોઈ રહસ્યનું નિમિત્ત પ્રાપ્ત થાય અને પરિણામે વૈશ્વિકતાનો આક્ષેપ કરે એવો ચૈતન્યના સ્ફુરણરૂપ ભાવ થાય ત્યારે જ પાઠકસાહેબે કાવ્ય રચ્યું છે, અન્યથા કદી રચ્યું નથી. રહસ્યને પણ એમણે માર્મિક અને મૌલિક અર્થ અર્પણ કર્યો છે. એ પણ એમનું કવિ તરીકે અને વિવેચક તરીકે ભારતીય રસશાસ્ત્રમાં મૂલ્યવાન પ્રદાન છે. એથી એમણે અલ્પસંખ્ય કાવ્યોનું સર્જન કર્યું છે. એમણે એકના એક કાવ્યનું પછીથી અનેક કાવ્યોમાં પુનરાવર્તન કે પુનર્સર્જન કર્યું નથી. જે કવિઓ બહુસંખ્ય કાવ્યો રચે છે એમાંથી મોટા ભાગના કવિઓ એક ઉત્કૃષ્ટ, ઉત્તમ કાવ્ય રચે પછી એ કાવ્યના પ્રતિધ્વનિ જેવાં, પ્રતિકાવ્ય જેવાં અનેક કાવ્યો રચે છે, ક્રમે ક્રમે ઉત્તરોત્તર નિષ્કૃષ્ટ, અધમ કાવ્યો રચે છે. તળપદી ભાષામાં રૂપકથી કહેવું હોય તો છાશમાં પાણી નાંખી નાંખીને વધુ ને વધુ પાતળી છાશ વલોવ્યા કરે છે. આવા કવિઓની કવિતાનો ૫નો લાંબો હોય છે પણ એનું પોત ફિસ્સું હોય છે. પાઠકસાહેબની કવિતાનો ૫નો ટૂંકો છે પણ પોત ઘટ્ટ છે. રસની વસ્તુ, ચીજ તો વિરલ જ હોય. ‘નેવનાં પાણી નીતરાં નહિ ને નીતરાં પાણી ઝાઝાં નહિ.’ એથી પાઠકસાહેબનાં અલ્પસંખ્ય કાવ્યો ન હોય તો જ આશ્ચર્ય! પાઠકસાહેબની કવિતામાં શૈલીસ્વરૂમાં ઔચિત્ય છે એને કારણે એમાં સરલ વસ્તુ અને સંકુલ વાણી નથી, પણ સંકુલ વસ્તુ અને સરલ વાણી છે. સંકુલ વસ્તુ માટે સરલ વાણી એ જાણે કે એમનું કાવ્યસૂત્ર છે. જગતની સૌ કવિતામાં ભવ્યતા સરલ વાણીમાં પ્રગટ થાય છે. એમની કવિતામાં વસ્તુવિષયમાં શાંત રસને કારણે સીધી, સાદી, સરલ, સહજ, સ્વચ્છ, સ્વસ્થ, શાંત ભાષા છે. પાઠકસાહેબ અચ્છા વાર્તાલાપકાર હતા, હસતા ફિલસૂફ હતા. એથી એમની કવિતામાં બોલચાલની ભાષાનાં લય, લહેકા અને કાકુ છે. અને એથી કાવ્યને અંતે જાણે વાતવાતમાં, રમતવાતમાં, હસતાંરમતાં, સહસા ક્ષણાર્ધમાં જ ત્વરિત વિદ્યુતવેગે એક ઝબકારમાં વૈશ્વિકતા પ્રગટ થાય છે. એમનાં કાવ્યોમાં તત્સમ અને તદ્ભવ શબ્દો તથા એમનાં સુભગ, મધુર મિશ્રણો-સમાસો છે. એમાં લાઘવ છે, ત્રેવડ અને કરકસર છે. ઓછામાં ઓછા શબ્દો, ઓછામાં ઓછી પંક્તિઓ, ઓછામાં ઓછાં કાવ્યો. આ છે ‘શેષ’નો વિશેષ. સત્ય સ્વયં સુન્દર છે, એને અલંકારોની આવશ્યકતા નથી. એથી એમનાં કાવ્યોમાં ઉપમા, રૂપક, ઉત્પ્રેક્ષા આદિ અલ્પસંખ્ય અલંકારો છે અને જે કંઈ અલંકારો છે તે સચોટ, વેધક, અર્થપ્રતિપાદક, ભાવવ્યંજક અલંકારો છે. એમાં રસાક્ષિપ્તતા અને અપૃથકતા છે. એમનાં કાવ્યોમાં વૈશ્વિકતાને અનુરૂપ અને ઔચિત્યને અનુકૂળ એવાં કલ્પનો અને પ્રતીકો છે. અહીં જ નોંધવું જોઈએ કે એમનાં કાવ્યોમાં ચન્દ્ર, પર્વત અને સમુદ્ર — એમ ત્રિલોકવ્યાપી કલ્પનો અને પ્રતીકો વારંવાર યોજાય છે. ચન્દ્ર શાંત અને શીતલ છે, પર્વત ભવ્ય અને અચલ છે. સમુદ્ર વિશાલ અને સતત ક્ષણેક્ષણ ગતિશીલ છે. એમાંયે સમુદ્ર — જલતત્ત્વ — તો ચૈતન્યની ઉત્પત્તિનું, જીવનનું આદિમ છે. એમનાં કાવ્યોમાં શબ્દો, અલંકારો, કલ્પનો, પ્રતીકોમાં તાજગી અને નવતા છે. જાણે ટંકશાળમાંથી હમણાં જ બહાર પડ્યા હોય એવા ચકચકતા સિક્કા ન હોય! ક્યાંય પ્રયોગદાસ્ય નથી, સર્વત્ર પ્રયોગમુક્તિ છે. એમની કવિતામાં નિર્વેદ, નિષ્કામ, અનાસક્ત પ્રવૃત્તિ અને શાંત રસને કારણે ઉગ્રતા કે ઉન્માદ નથી, સંયમ છે, આવેશ કે આક્રોશ નથી, સ્વસ્થતા છે, આગ્રહ કે આક્રમકતા નથી, સ્થિરતા છે, અતિરેક કે અતિચાર નથી, સમતા છે; ચાતુર્ય કે ચાપલ્ય નથી, ગંભીરતા છે; વ્યાકુલતા કે વિહ્વલતા નથી, વિશ્રાંતિ છે; ટૂંકમાં સ્થિતપ્રજ્ઞની પ્રસન્નતા છે. એમની કવિતામાં નિર્વેદને અનુરૂપ અને શાંત રસને અનુકૂળ એવું, વસ્તુવિષયને અનુરૂપ અને ભાવ-અર્થ અને ઊર્મિ-વિચારને અનુરૂપ એવું અક્ષરમેળ અને માત્રામેળ છંદો, લોકગીતો અને ભજનના ઢાળો, શુદ્ધ શાસ્ત્રીય રાગોનું વૈવિધ્યપૂર્ણ પદ્ય છે તથા, આરંભમાં કહ્યું તેમ, દેશી, ભજન, પદ, ગીત, ગઝલ, મુક્તક, સૉનેટ, સ્તોત્ર, કથન-નાટ્ય-ચિન્તનોર્મિકાવ્ય આદિ વૈવિધ્યપૂર્ણ કાવ્યસ્વરૂપ છે. એમનું પદ્ય એમની પિંગળપ્રતિભાનું અને એમનું કાવ્યસ્વરૂપ એમની વિવેચક પ્રતિભાનું સર્જન છે.
ફેબ્રુઆરી ૧૯૯૫