હેમંત ધોરડાનાં ચૂંટેલાં કાવ્યો/ન હવા જરા જુદી હો ન જુદેરા શ્વાસ ભરીએ

From Ekatra Wiki
Jump to navigation Jump to search



ન હવા જરી જુદી હો ન જુદેરા શ્વાસ ભરીએ
ફરી ખીલીએ લગોલગ ફરી લાગલું પમરીએ

ફરી પાડીએ મળીને કોઈ નામ ચાંદનીનું
તમે જાત પોયણીની અમે શ્વેત થઈ પ્રસરીએ

ફરી તરવરો ઝબકઝબ તમે ઓસમાં અમારા
જે તમારા ઢાળે અટકે અમે એ ટીપામાં તરીએ

લસે સાત રંગ નભમાં અહીં આપણે અડોઅડ
ફરી બુંદ બુંદ ઝરીએ ફરી સેર સેર સરીએ

ફરી આપણા વહનને મૂકી દઈએ વહેતું વળતું
દિવસો છબક છબાવી ફરી ખોબે ખોબે ભરીએ

(છંદવિધાન : લલગાલગા લગાગા લલગાલગા લગાગા)