હેમંત ધોરડાનાં ચૂંટેલાં કાવ્યો/નોટમાં વાળે છે સિક્કામાં ચલાવે છે મને

From Ekatra Foundation
Jump to navigation Jump to search



નોટમાં વાળે છે સિક્કામાં ચલાવે છે મને
યાદ આવું છું તો સસ્તામાં વટાવે છે મને.

લાલ બત્તીમાં મને ઓન કરે સાંજ ઢળે
મોડી રાતે એ વળી પાનમાં ચાવે છે મને.

મારા અવશેષ ફરી કચરામાં વાળે દિવસે
રાતે બારીમાં નવેસરથી સજાવે છે મને.

મારો ઉલ્લેખ થતા એનું હસીને થુંકવું
નામથી ગાળ સુધી ગળફામાં લાવે છે મને.

કાળા લોહીનું ફરી ઘૂમરાવું પરસેવામાં
એના પાતાળકૂવામાં એ તરાવે છે મને.

છંદવિધાન
ગાલગાગા/લલગાગા લલગાગા લલગાગા ગાગા/લલગા