હેમંત ધોરડાનાં ચૂંટેલાં કાવ્યો/મૃગજળ કે ઝાંઝવાં કે હરણિયું બની જઈશ

From Ekatra Wiki
Jump to navigation Jump to search



હું ઝાંઝવાં થઈશ કે મૃગજળ બની જઈશ
હમણાં વહી રહ્યો છું હું હમણાં વહી જઈશ.

પડઘામાં કોતરી લે પછી ક્યાંય નહીં મળું
હું તો અવાજ છું કે પલકમાં શમી જઈશ.

છું સ્થિર અંધકાર પ્રતિબિમ્બ જોઈ લે
કિરણો સૂરજનાં પડશે ને હું ખળભળી જઈશ.

આકાશ, ફૂલ, મેઘધનુ કે પતંગિયું
હું તારા રંગ લઈને તો કંઈ પણ બની જઈશ.

ટપકું કે રેખા કે કોઈ અક્ષર બનીને આવ
કાગળનો કોરો ટુકડો છું હમણાં ઊડી જઈશ.

છંદવિધાન
ગાગાલ ગાલગાલ લગાગાલ ગાલગા