૮૬મે/મિલન, વિરહ

મિલન, વિરહ

મિલનને માણવાનું હોય,
એમાં સ્પર્શસુખથી પરસ્પરના પૂર્ણત્વને જાણવાનું હોય.

સંસારની વચમાં વસીને,
કૈં કૈં અનુભવોથી કસીને
પરસ્પરના સુવર્ણ સમા પ્રેમના મૂલ્યને નાણવાનું હોય.

ને વિરહને ગાવાનો હોય,
એમાં જે સન્મુખ નથી એવા પ્રિયજનના પ્રાણને ચ્હાવાનો હોય.

એકાંતમાં એકાકી વસીને
સુખનાં સ્મરણોથી રસીને
પ્રેમનાં ગાન ગાઈ એનો અમૃતરસ પોતાને પાવાનો હોય.
સેઈન્ટ પીટર્સબર્ગમાં જન્મદિન
ગઈ કાલે મારી આ નજરમાં તો નીવા હતી,
આજે આ ક્ષણે હવે સાબરમતી;
અચાનક જ મારી આ આંખોમાંથી સેઈન્ટ પીટર્સબર્ગ ખસી ગયું,
ત્યાં થોડીક વાર તો અમદાવાદ વસી ગયું.

મારી આસપાસ કેટકેટલાં છે દોસ્ત,
એ સૌની વચમાં આજે અહીં ફરી રહ્યો;
એમનો આ વૉડકાનો ટોસ્ટ
મારાં બ્યાસીયે વર્ષોને ધન્યધન્ય કરી રહ્યો.

હવે પછી મારી આ નજરમાં જે નીવા હશે
એ શું હતી એવી હશે?
ને હવે પછી મારી આ આંખોમાં જે સેઈન્ટ પીટર્સબર્ગ હશે
એ શું હતું એવું થશે?
સેઈન્ટ પીટર્સબર્ગ

૧૮ મે, ૨૦૦૮