૮૬મે/વિસ્મય
Jump to navigation
Jump to search
વિસ્મય
‘તમે મને ચાહો છો, ભલેને હું તમને ન ચાહું, હું ધન્ય!
અહો, આ કેવું મળ્યું ચિરકાલનું સૌભાગ્ય, કેવું અનન્ય!
‘તમને હું ચાહું છું, ભલેને તમે મને ન ચાહો, હું ધન્ય!
અહો, આ કેવું ચિરકાલનું સાર્થક્ય, એવું ન અન્ય!’
જે આદિમ ક્ષણે વિધાતાએ વિશ્વનું સર્જન કર્યુ હશે
એ ક્ષણે ‘વિશ્વથી માત્ર ચહવાવું? વિશ્વને માત્ર ચાહવું?’
એવું કોઈ વિસ્મય એમના મનમાં ક્યાંક ઠર્યુ હશે,
એ ક્ષણથી મનુષ્યને માટે પણ એ જ વિસ્મય રહ્યું છે;
‘મારે શું અન્યથી માત્ર ચહવાવું, અન્યને માત્ર ચાહવું?’
અહીં બે પ્રેમીજનોએ મુગ્ધભાવે એ જ વિસ્મય લહ્યું છે.
૨૦૦૮