૮૬મે/સમય છે અને સમય નથી

સમય છે અને સમય નથી

ક્લબમાં કલાકો રમી રમવાનો,
કારમાં જ્યાં ને ત્યાં અકારણે ભમવાનો સમય છે;
ટોળાંટોળીમાં ટીંખળ કરવાનો,
ટુકડે ટુકડે ધીમું ધીમું મરવાનો સમય છે.

કોઈને કદી ‘કેમ છો?’ પૂછવાનો,
કોઈનું એકાદ આંસુ યે લૂછવાનો સમય નથી;
પરસ્પર ગૂજગોષ્ઠિ માણવાનો,
શાન્ત એકાન્તમાં જાતને જાણવાનો સમય નથી.

જો સમય છે અને સમય નથી
તો સમય શું છે એ સમજાવવું રહ્યું કથી કથી;
જો સમય છે અને સમય નથી
તો સમય શું છે એ સમજવું યે રહ્યું મથી મથી.

૨૦૦૫