– અને ભૌમિતિકા/મ્યુઝિયમમાં


મ્યુઝિયમમાં


કાચની કૅબિનમાં વનની વળાંકો લેતી
રમતિયાળ કેડીઓ થંભી ગઈ છે
આ ઔષધિ ભરેલ મૃગશાવકનાં ચરણોમાં.
ગતિમાન તો ય સ્થિર
અચાનક એનાં ચરણોમાં થીજી ગયેલ ગતિ
મારી આંખોમાં જન્માવે છે... રણોમાં દોડ્યે જતાં મૃગજળ
ને મૃગજળથી ભીંજાઉં છું હું.
શકુંતલાની આંખોને વાંચવા મથું એની આંખોમાં
ને વલખું સુંવાળપભરી સોનેરી કેડને ઘડીક પંપાળવા...
પરંતુ કાચનું આ પડ...
થંભાવી દે છે મારા ફેલાયેલા હાથને
—હોય તો નીરી શકું
પરંતુ ક્યાં છે મારી પાસે લીલું લીલું ઘાસ
મારા શ્વાસોચ્છ્વાસમાં ક્યારેક ફરફી જતું ઘાસ
લીલું રહ્યું નથી હવે મારી પાસે.



હું સૂકા ઘાસની ગંજી જેવો
સળવળી ઊઠું છું પછી અન્ય કાચે ઊભેલ
અશ્વનો હણહણાટ સાંભળીને એકાએક...
અરે પણ ક્યાં છે એ હણહણાટ...?
ક્ષીણ સૂર્યને એની પાંસળીઓના પોલાણમાં પૂરી
જિવાડી રાખવામાં આવ્યું છે એનું અંગ.
છલાંગ ભરી નાસી છૂટેલા અસંખ્ય અશ્વોના
દાબલાંનો અવાજ
વિગલિત થઈ ગયો છે હવે મારી નસેનસમાં
પરંતુ એકવાર
વૃત્તિઓની લગામમાં બંધાયેલા
એ અશ્વોમાંનો આ એક
ફરી છલાંગ મારી
મારી નસોના વ્હેણમાં
કૂદી પડશે તો?

૨૮-૩-૧૯૬૯