– અને ભૌમિતિકા/રીંછ


રીંછ

દીપ હોલવું ને અચિંતું
કૂદી પડે એક રીંછ મારા ઓરડામાં,
ને આ દીવાલો...?
આગંતુકથી તત્કાળ પલાયન થઈ જતા
એકાંત જેમ અચાનક ખસી જાય ક્યાંંય.
ઘડિયાળની ટક ટક સાથે
તાલ મેળવે એનો શ્વાસ
ને લાંબા લાંબા વાળ પાથરી
અશબ્દ પડી રહે એનાં અંગ ફંગોળીને મારા ઉપર.
વાળમાંથી આવતી તીવ્ર, માંસલ વાસ ફેલાય બધે :
શંકર-ભીલડીના ફોટા પાછળ
લપાઈ ગયેલી ચાર પાંખોના ધીમા ફફડાટ જેવો
સાંભળું એનાં ટેરવાંનો સળવળાટ
તે સળવળી ઊઠે મારી આંગળીઓ પરના કૂણા ન્હોર.
ઘડિયાળના બે કાંટા જેવા અદૃશ્ય
હળવે રહીને ફેલાવે હાથ
ધીમે ધીમે ચાટવા માંડે મારાં અંગ.
વગડે પીધા મધ સાથે
એની જીભમાંથી ટપકાવે ભીની લાળ તે મારા હોઠ ઉપર
થોડીક મીઠાશ અર્પીને અંતે સાથળ પરથી
સરી જાય ખારું ટીપું થઈને.
ઘેનમાં પાસાં ઘસતું રીંછ મારા પલંગ ઉપર
મોડે સુધી રોજ ઘોરતું પડી રહે.
ને દીવાસળી સળગાવું કે
બારી વાટે કૂદી પડે બહાર...
બહાર પાંડુર ચંદ્ર
રાતરાણીના સુગંધ-શરથી રોજ વીંધાઈને ઢળી પડે
ને ફરી પાછો સળવળે,
ઢળે
ને પાછો સળવળે.