‘પ્રત્યક્ષ’ પત્રસેતુ/ચિનુ મોદીની પત્રચર્ચા વિશે થોડીક વાત : હેમંત ધોરડા
હેમન્ત ધોરડા
[સંદર્ભ : એપ્રિલ-જૂન, ૨૦૦૭, ચિનુ મોદીની પત્રચર્ચા]
પ્રિય રમણભાઈ, ‘પ્રત્યક્ષ’ના સળંગ અંક ૬૨માં છપાયેલું ચિનુ મોદીનું ચર્ચાપત્ર વાંચ્યું. મુદ્દા સંબંધે થોડીક વાત. ૧. અરૂઝના રૂકન ફાઈલુનના આવર્તનવાળા છંદમાં કહેવાયેલી ગઝલ આપોઆપ પિંગળના ગણ ગાલગાના આવર્તનવાળા છંદમાં હોવાની. લગાગા છંદમાં કહેવાયેલી ગઝલ આપોઆપ ફઊલુન છંદમાં હોવાની. રૂકન અક્ષરશ ગણ મુજબ ઢળી શકે છે. ઢળ્યા છે. રૂકન અને ગણ પર્યાયવાચી છે, તેથી ગઝલ રૂકન મુજબ કહેવાય કે ગણ મુજબ તે વિવાદ નિરર્થક છે. ૨. સૉનેટના ઈટાલિયન છંદ આપણે જાણતા નથી અથવા આપણી ભાષા માટે ઉપયુક્ત નથી. તેથી તેમાં ગુજરાતી સૉનેટ રચાયાં નથી. ગઝલના ફારસી છંદ આપણે જાણીએ છીએ અને આપણી ભાષા માટે ઉપયુક્ત છે. તેથી તેમાં ગુજરાતી ગઝલ રચાય છે. સૉનેટના છંદની આયાત અને ગઝલના છંદની આયાત વચ્ચે સમાન ભૂમિકા નથી. તેથી ઉભય આયાતની સરખામણી ન થઈ શકે. આ કારણસર ગઝલના ફારસી છંદની આયાત સંદર્ભે સૉનેટના ઇટાલિયન છંદની આયાતનો ઉલ્લેખ અપ્રસ્તુત છે. ૩. ચિનુભાઈ લખે છે ‘કોઈ પણ સ્વરૂપ તેના છંદવિધાન સાથે ક્યારેય આયાત ન કરી શકાય.’ ગઝલ તેના છંદવિધાન સાથે આપણી ભાષામાં સદી પૂર્વે આયાત થઈ. ૪. દાયકાઓ પૂર્વે આઈ. એન. ટી. એ યોજેલા પરિસંવાદમાં ચિનુભાઈએ જે દર્શાવ્યું હતું તે વિશે કોઈ ટૂંકનોંધ, વિગત, કારણ એમના ચર્ચાપત્રમાં નથી. તેથી જે દર્શાવ્યું હતું તે બાબતનો ઉલ્લેખ એમના ચર્ચાપત્રમાં અત્યારે અસ્થાને છે. ૫. ‘મારી તમામ ગઝલોને દલપતપિંગળ મુજબ તપાસવી’ એવું ફરમાન ચિનુભાઈએ બહાર પાડ્યું છે. અક્ષરમેળ માત્રામેળ છંદોમાં લખાયેલાં કાવ્ય તે છંદોના નિયમ મુજબ તપાસાય. ગઝલ, ગઝલના છંદના નિયમ મુજબ તપાસાય, ગઝલના છંદ ઉપરોક્ત છંદોથી ભિન્ન છંદપ્રકાર છે. ગઝલના છંદોમાં શબ્દ પઠાય તેમ પ્રયોજાય. દલપતપિંગળના છંદોમાં શબ્દ પઠાય તેમ પ્રયોજવો અનિવાર્ય નથી. વળી દલપતપિંગળમાં મધ્યયતિના નિયમ છે તે ગઝલના છંદને લાગુ પડતા નથી કેમકે, ગઝલના છંદમાં મધ્યયતિ હોતી નથી. આવા અન્ય ભેદ પણ છે દલપતપિંગળમાં ગઝલના છંદ ચર્ચાયા નથી. તેથી ગઝલના છંદની તપાસ માટે દલપતપિંગળ અપર્યાપ્ત છે. ૬. સાહિત્યક્ષેત્રે ફરમાન? ૭. રૂકન અને ગણ પર્યાયવાચી છે અને ગુજરાતી ગઝલમાં શબ્દપ્રયોજન ગુજરાતી બોલતો, સાંભળતો શખ્સ જ નક્કી કરે છે. આ કારણોસર ગુજરાતી ગઝલમાં ઉછીની બોલાશ કે ઉછીના કાનનો કોઈ પ્રશ્ન જ નથી. ૮. ગુજરાતી ગઝલ કહે તે ગુજરાતી ગઝલકાર. મુંબઈ, સુરત, અમદાવાદ કે અન્ય કોઈ સ્થળમાં, વાડામાં તે પેદા થતો નથી. ગુજરાતી ગઝલકાર ગુજરાતી ભાષામાં પેદા થાય છે. હવે રહી આદિલને મૂલવવાની વાત. પૂર્વકાલીન આદિલના પેંગડામાં ઉત્તરકાલીન આદિલ પગ ન નાખી શકે. ‘તાણાવાણા’માં આદિલના ગઝલસંગ્રહની સમીક્ષામાં મુદ્દો આ છે. ૯. અંતે ચિનુભાઈ લખે છે ‘એ જ લિ. ચિનુ મોદીના જય ગઝલ’ ‘જય ગઝલ?’ વળી એક મુગ્ધ? અરેરે. કુશળ હશો
મુંબઈ, ૧૪-૮-૦૭ હેમંત ધોરડા
[જુલાઈ-સપ્ટેમ્બર, ૨૦૦૭, પૃ. ૪૭)