ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧લું/અંબાલાલ બુલાખીરામ જાની

From Ekatra Wiki
Jump to navigation Jump to search


અંબાલાલ બુલાખીરામ જાની (બી. એ.,)

એઓ જ્ઞાતિએ વડનગરા નાગર બ્રાહ્મણ છે. એમનો જન્મ નડિયાદમાં આસો સુદ ૧૫ ને સોમવારના રોજ સં. ૧૯૩૬માં તા. ૧૮મી ઓકટોબર ૧૮૮૦ના રોજ થયો હતો. એમના પિતાનું પૂરું નામ બુલાખીરામ મનસુખરામ જાની અને માતાનું નામ ધનલક્ષ્મી (પિતા) મણિરામ પંડ્યા હતું. એમનું વતનસ્થાન નડિયાદ છે. ગુજરાતી સાત ધોરણોનો અભ્યાસ નડિયાદમાં કરેલો. હાઇસ્કુલનું શિક્ષણ નડિયાદ અને અમદાવાદમાં અને કૉલેજ કેળવણી મુંબાઇ અને જુનાગઢમાં લઈ, બી. એ., ની પરીક્ષા સન ૧૯૦૭માં ફીઝીકસ અને કેમીસ્ટ્રીના ઐચ્છિક વિષય સાથે પસાર કરી હતી. સા. શ્રી. ગોવર્ધનરામ ત્રિપાઠી મરણ પામતાં વિજ્ઞાનનું ક્ષેત્ર છોડી તેમને માસ્તરની લાઈનમાં પડવું પડ્યું. શરૂઆતમાં (૧૯૦૭) તેઓ પન્નાલાલ હાઇસ્કુલમાં સાયન્સ અને ગુજરાતીના શિક્ષક તરીકે જોડાયેલા; પણ ૧૯૦૯ના એપ્રિલથી જાણીતા “ગુજરાતી” પત્રના સહતંત્રી તરીકે એમની નિમણુક થતાં, તે જગાપર અદ્યાપિ કામ કરે છે. ત્રિમાસિક “સમાલોચક”ના તંત્રી ખાતામાં કામ કર્યું અને ૧૯૧૪માં તેમના સહ તંત્રીત્વ હેઠળ “સમાલોચક” માસિક થયું હતું. ૧૯૧૪–૨૧ સુધી તેના સહતંત્રી હતા. એટલે કે એમનું આખુંય જીવન પત્રકારિત્વમાં ગયું છે. પત્રકારિત્વનું જીવન સખ્ત, શ્રમવાળું અને વ્યવસાયી હોવા છતાં, અવકાશનો સમય એમણે સાહિત્યના અભ્યાસ અને લેખન વાચનમાં ગાળેલો છે. એમના પ્રિય વિષયો પ્રાચીન ગુજરાતી સાહિત્ય, ગુજરાતનો પ્રાચીન ઇતિહાસ અને વેદાંત ગ્રંથો છે. સન ૧૯૦૭માં તેમણે અખોભક્ત અને તેની કવિતા એ શિર્ષકવાળો એક લેખ લખ્યો હતો. એમનાં લેખો અને ગ્રંથોની યાદી નીચે નોંધી છે તે પરથી જોઈ શકાશે કે એમની પ્રવૃત્તિ કેટલી વિધવિધ છે. વળી તેઓ શ્રી॰ ફૉર્બસ સભાના આસિ. સેક્રેટરી તરીકે પણ કેટલુંક ઉપયોગી કાર્ય કરી રહ્યા છે. ફૉર્બસ હસ્તલિખિત પુસ્તક સંગ્રહની સૂચિના બે ભાગ એમણે જ તૈયાર કર્યા છે, જે પ્રાચીન સાહિત્ય અને ઇતિહાસનો અભ્યાસ કરનાર માટે ખરેજ બહુ કિંમતી છે. પરિષદ ભંડોળકમિટી માટે એમણે કવિ સામળકૃત સિંહાસન બત્રીસી તેમજ ગુ. વ. સોસાઇટી માટે સુભદ્રાહરણ અને હરિલીલા ષોડશકલાના કાવ્યગ્રંથો એડિટ કરી આપેલા છે, તે એમના પ્રાચીન કાવ્ય સાહિત્ય પ્રતિના અનુરાગની પ્રતીતિ કરાવે છે. તેઓ શ્રીમન્નૃસિંહાચાર્યએ સ્થાપેલા શ્રી શ્રેયસ સાધક અધિકારી વર્ગના અધિકારી ૧૯૦૭થી છે; અને શુદ્ધ તેમજ ચુસ્ત સનાતની છે.

એમના ગ્રંથોની યાદી:

૧ અખોભક્ત અને તેની કવિતા (નિબંધ) સન ૧૯૦૭
૨ ધાર્મિક આખ્યાનોની ઉત્પત્તિનો નિબંધ સન ૧૯૦૮
તથા નાકરચરિત સન ૧૯૧૩
૩ સુદામાચરિત (વિવેચન) સન ૧૯૦૯-૧૦
[નરસિંહ, ભાલણ અને પ્રેમાનંદ-તુલનાત્મક નિબંધ]
૪ પ્રેમાનંદના નાટકો (સંભવાસંભવનો
વિચાર એક વિવેચન) સન ૧૯૧૪
૫ મહાકવિ પ્રેમાનંદના સન ૧૯૧૯ (પ્રથમાવૃત્તિ)
‘સુભદ્રાહરણ’નું સંશોધન તથા
ઊપોદ્ઘાત–ટીકા સાથે–
૬ હરિવંશનું ગુજરાતી ભાષાંતર ભાગ ૧ લો સન ૧૯૨૦-૧૯૨૫
ભાગ ૨ જો સન ૧૯૨૪, ૧૯૨૫
૭ સિંહાસન બત્રિશી (શામળકૃત) ભાગ ૧ લો સન ૧૯૨૪ ભાગ ૨ જો
૮ ભોજ અને કાલિદાસ સન ૧૯૧૮
૯ હિતોપદેશ (મૂળ અને ટીપ્પણ સહિત
                                  ભાષાંતર) સન ૧૯૨૬
૧૦ હરિલીલા ષોડશકલા (ભીમ કવિકૃત) ભા.૧ સન ૧૯૨૮
[ટીકા] ભા. ૨ જો સન ૧૯૨૯
નો ઊપઘાત ૧૯૩૦
૧૧ હસ્તલિખિત પુસ્તક સવિસ્તર નામાવલિ ભા. ૧ લો સન ૧૯૨૩
ભા. ૨ જો સન ૧૯૨૯
સંક્ષિપ્ત નામાવલિ કેટલૉગ સન ૧૯૨૯