બાબુ સુથારની કવિતા/મધરાતનો સમય છે

૨૭. મધરાતનો સમય છે

મધરાતનો સમય છે
બરફ વરસી રહ્યો છે
હું કોઈક અજાણ્યા શહેરના રાજમાર્ગ પર જઈ રહ્યો છું
મેં સ્વેટર કે ટોપી કશું પહેર્યું નથી
મને ટાઢ પણ વાતી નથી
મારા પર પડતો બરફ
મારી કાયાની આરપાર નીકળી ને
ધરતી પર પડી રહ્યો છે
હું એ બરફની પતરીઓ પર
વીતેલાં વરસોના હસ્તાક્ષર
ઓગળતા જોઉં છું,
પણ હવે મને
મારા હાથે ઊભાં કરેલાં એ સંગ્રહાલયોમાં
કોઈ રસ રહ્યો નથી.
ક્યાંક દૂરદૂર એક નગરીમાં
એક નારી હજી મને ઝંખી રહી છે
હું જોઉં છું: એ સૂતી છે
પડખું પણ ફરતી નથી
એ હજી એવું માને છે કે હું એની પડખે જ છું
મને લાગે છે કે એ નારી મને ફરી એક વાર
માણસ તરીકે જનમવા મજબૂર કરશે.
(‘ડોશી, બાપા અને બીજાં કાવ્યો’ માંથી)